સ્કૂલ-ફીમાં થતો ૧૦થી ૩૦ ટકાનો વધારો માતા-પિતા સહન કરી રહ્યાં છે. સ્કૂલોને કમાઈ લેવું છે, એજ્યુકેશનને બિઝનેસ બનાવી દીધો છે, સરકારે કંઈ કરવું જોઈએ એ બધી વાતો સાચી; પણ થોડા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આપણી કયા પ્રકારની માનસિકતા પણ આ ફીવધારા પાછળ જવાબદાર?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એપ્રિલ મહિનામાં ગરમી મે મહિના કરતાં ઓછી હોવા છતાં માતા-પિતાને વધુ એટલે લાગે છે કારણ કે આ સમય છે સ્કૂલ-ફી ભરવાનો. ૨૦૨૬-’૨૭નું ઍકૅડેમિક વર્ષ શરૂ થઈ ગયું છે. ગયા વર્ષે પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોની ફીનો વધારો ૧૦થી ૩૦ ટકા જેટલો નોંધાયો હતો. આ વર્ષે પણ મોટા ભાગની સ્કૂલોએ પોતાનાં કહેવાતાં કારણો આપીને સ્કૂલ-ફીમાં (એમની) અનુકૂળતા મુજબ વધારો કર્યો છે. આજની તારીખે એક ઍવરેજ સમજીએ તો ઇન્ટરનૅશનલ સ્કૂલોની એક વર્ષની ફી ૮થી ૧૮ લાખ રૂપિયા, પ્રાઇવેટ સ્કૂલોની ફી અઢીથી પાંચ લાખ રૂપિયા તથા ટ્રસ્ટ-સંચાલિત સ્કૂલોની ફી એક લાખથી પોણાબે લાખ રૂપિયા સુધીની હોય છે. એનાથી ઓછી ફી લેતી સ્કૂલો પણ છે, પરંતુ તકલીફ એ છે કે એ સ્કૂલોમાં ભણતર પણ ઓછું છે. સરકારી કે મ્યુનિસિપલ સ્કૂલોમાં તો સમજો કે ફી જ નથી, પરંતુ એ સ્કૂલોમાં ભણાવવા માટે એ માતા-પિતા પણ તૈયાર નથી જેમની મહિનાની આવક ૩૦,૦૦૦ રૂપિયા છે. તેમને પણ એમ છે કે પેટે પાટા બાંધીને પણ આપણે બાળકને ભણાવીશું.
એક સમય હતો જ્યારે હમ દો હમારે દો કહેવાતું. એ પછીનો દસકો એવો નીકળ્યો જેમાં હમ દો હમારે એક પર લોકો કાયમ રહ્યા. આજે હવે હમ દો હમારે ‘નો’ પર આવી ગયા છે. એનાં ઘણાં કારણોમાંનું એક એ છે કે ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર’ શીખવવાના વ્યક્તિએ અઢી લાખ રૂપિયા ભરવા પડે છે. એક સમય હતો કે લોકોને સમજાવવું પડતું હતું કે એજ્યુકેશન ખૂબ જરૂરી છે. જ્યારે લોકો સમજી ગયા કે ભણતર વગર આગળ નહીં વધી શકાય ત્યારે ભણતરની કિંમત એટલી વધારી દીધી કે કપલ્સે વિચાર્યું કે આપણું ગણતર કામે લગાડીને બાળક વગર જ આગળ વધી જઈએ. જે લોકો બિચારા આ ગણતર સમજી ન શક્યા અને એક કે બે બાળકોને ખુશી-ખુશી જન્મ આપી દીધો તેઓ આજે લોન લઈને, એક્સ્ટ્રા ઇન્કમના જુદા-જુદા સોર્સ શોધીને, પોતે મહેનતથી કમાયેલો પૈસો લૂંટાવીને પણ બાળકોને મોંઘીદાટ સ્કૂલોમાં ભણાવી રહ્યા છે.
ADVERTISEMENT
બધાને લાગે છે કે સ્કૂલોએ બિઝનેસ શરૂ કરી દીધો છે, એ તો લૂંટવા બેઠી છે; પણ જે લોકો લૂંટાઈ રહ્યા છે તેમને એ નથી સમજાતું કે આમાં વાંક સ્કૂલનો જ નથી, તેમની ખુદની માનસિકતાનો પણ છે જેને સમજવાની કોશિશ કરીએ. ગરીબ માતા-પિતા તેમની ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો સહારો પોતાના બાળકને સમજે છે એટલે તેમને લાગે છે કે જો તેમનું બાળક ભણી-ગણી લેશે તો આખા ઘરને તારી દેશે. આ આશય એકદમ સાચો છે, પણ રિઝલ્ટ એવું મળતું નથી. તમારે ત્યાં કામ કરતા લોકોનાં બાળકોનું જીવન જોશો તો સમજાશે કે મોંઘી સ્કૂલમાં ભણતાં મોટા ભાગનાં ગરીબ બાળકો મોટાં થઈને ગ્રૅજ્યુએશન સુધી માંડ પહોંચી શકે છે. તેમનાં માતા-પિતા વગર ભણ્યે મહિને ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા કમાતાં હતાં, જ્યારે આ બાળક ગ્રૅજ્યુએશન પૂરું કરીને મિનિમમ ૪૦૦૦થી ૬૦૦૦ રૂપિયાનું કામ કરી રહ્યું હોય છે કારણ કે તે ભણેલું છે એટલે તેને મહેનત-મજૂરીનું કામ કરવું નથી અને નથી તે ભણીને પણ કમાઈ શકે એમ. એટલે તેના ભણતર પાછળ ખર્ચેલા રૂપિયાનું જે વળતર મળવું જોઈતું હતું એ નથી મળી રહ્યું. એનો અર્થ એ નથી કે ગરીબ બાળકોને ભણાવવાનાં નથી, પરંતુ એનો અર્થ એ છે કે તેમના ભણતર પાછળ ગજા બહારના પૈસા ખર્ચવા પણ જરૂરી નથી, કારણ કે પ્રૅક્ટિકલ જીવનમાં ભણતર અને કમાણી બન્ને વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થયો નથી.
મિડલ ક્લાસ પેરન્ટ્સને એમ હોય છે કે તેઓ તેમના બાળકને કંઈ આપી શકે કે ન આપી શકે, સારામાં સારું એજ્યુકેશન ચોક્કસ આપશે. એટલે તે પોતાની લાઇફસ્ટાઇલ અને ભવિષ્ય માટે જરૂરી બચતને કૉમ્પ્રોમાઇઝ કરીને પણ બાળકને મોંઘી સ્કૂલમાં ભણાવે છે. આનાથી ઘણા પ્રૉબ્લેમ નડે છે. સમાજમાં દરેક પાસે સરખું ધન હોવું શક્ય જ નથી, પરંતુ સરખું એજ્યુકેશન આપી શકાય. જોકે આ આદર્શવાદ મહાભારતના સમયમાં પણ ચાલ્યો નહીં, કારણ કે ગુરુ દ્રોણે તો એકલવ્યને સીધી ના પાડી દીધેલી કે તને હું નહીં ભણાવું કારણ કે તું રાજકુમાર નથી. જોકે રાઇટ ટુ એજ્યુકેશનને કારણે આજે કોઈ સ્કૂલમાં કોઈ એકલવ્યને ભણવા માટે ના નહીં પાડી શકાય એ નિયમ લાગુ પડ્યો છે, પરંતુ આજે એકલવ્ય જ્યારે કૌરવો અને પાંડવો સાથે ભણવા લાગે ત્યારે શું તકલીફો ઊભી થાય છે એ પણ સમજવું જરૂરી છે.
જો તમારું મિડલ ક્લાસ બાળક કોઈ હાઇ-ફાઇ સ્કૂલમાં ભણે છે તો પૈસાનું મહત્ત્વ નાની ઉંમરથી બાળકના મનમાં ઘુસાડવાની જરૂર ન હોવા છતાં એ ઘૂસી જાય છે. બાળક દરેક વસ્તુમાં સરખામણી કરતું, દરેક દુન્યવી બાબતોને મહત્ત્વ આપતું થઈ જાય છે. ક્લાસનાં ૪૦માંથી ૩૦ બાળકો પાસે બ્રૅન્ડેડ વૉટર-બૉટલ હોય ત્યારે તેને પોતાની લોકલ શૉપમાંથી ખરીદેલી બૉટલથી પ્રૉબ્લેમ થવા લાગે છે. આ રીતે તેની અંદર હીન ભાવના જન્મે છે, તેનો આત્મવિશ્વાસ તૂટે છે. આ સિવાય તેને લાગે છે કે મારાં માતા-પિતા એટલું નથી કમાઈ રહ્યાં એટલે પોતાનાં માતા-પિતા માટે ફરિયાદ જન્મે છે. કોઈ બીજાનાં માતા-પિતા તેને વધુ સારાં લાગવા લાગે છે. પોતાના જીવનમાં બધું જ હોવા છતાં અભાવ સતત મહેસૂસ થાય છે અને એનું કારણ તેને તેનાં માતા-પિતા લાગે છે. પેઢીનું જે અંતર છે એ વધુ ઊંડું બને છે. બાળકને શ્રેષ્ઠ ભણતર આપવાની લાયમાં તેને ખુદથી દૂર કરવાની આ ડીલ વર્તમાન અને ભવિષ્ય બન્ને માટે નુકસાનકારક છે.
એક અમીર માણસની માનસિકતા એ હોય છે કે બાળકને ભણાવવા માટે સારામાં સારા શિક્ષક ઘરે આવી શકે છે; પણ સ્કૂલમાં તે એટલે જાય છે કે તેને પોતાના જેવું સર્કલ મળે, કારણ કે બાળક શું ભણે છે એના કરતાં કઈ સ્કૂલમાં કોની સાથે ભણે છે એ તેમના માટે વધુ મહત્ત્વનું બની જતું હોય છે. હકીકતમાં એક અમીર વ્યક્તિએ બાળકનું લાલન-પાલન એવી રીતે કરવાનું છે કે તેને પૈસાનું મૂલ્ય સમજાય. રૂપિયાની કદર ગરીબ બાળકને શીખવવી પડતી નથી, અમીર બાળકને શીખવવી ખૂબ જ જરૂરી છે. નહીંતર બાપદાદાનો પૈસો આ બાળક વેડફી નાખશે. તેને ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ફ્રેન્ચ નહીં શીખવો તો ચાલશે, પણ ૧૦ રૂપિયાની નોટ જો ગજવામાંથી પડી જાય તો દુખ થવું જોઈએ કેમ કે એની શું કિંમત છે એ સમજ તેને હાઇ-ફાઇ સ્કૂલમાં નહીં મળી શકે, કારણ કે આ સ્કૂલોમાં રહીને તમારું બાળક એક ક્રાફ્ટ-પ્રોજેક્ટ પર પણ હજારો રૂપિયા આમ જ વેડફી રહ્યું છે.
અહીં સમજવાનું એ છે કે એજ્યુકેશન અને પૈસાને સીધો સંબંધ છે જ નહીં. એજ્યુકેશન વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી બાબત છે, ભવિષ્યમાં સારી નોકરી મેળવવાનું કે વધુ પૈસા કમાવાનું સાધન નથી. એટલે મોંઘી સ્કૂલ એટલે સારી સ્કૂલ એ ભ્રમ પણ તોડવાની જરૂર છે. પેટે પાટા બાંધીને, લોન લઈને, જીવનને કૉમ્પ્રોમાઇઝ કરીને બાળકને ભણાવવાની જરૂર નથી. આપણે બધા જ એ જાણીએ અને માનીએ છીએ કે બાળક જો હોશિયાર હશે તો સરકારી સ્કૂલમાં ભણીને પણ આગળ વધી જશે, પણ ઍડ્મિશન કરાવતી વખતે ખબર નહીં આપણને શું થઈ જાય છે? બાળકની સ્કૂલને-સ્ટેટસ સિમ્બૉલ તરીકે કે મા-બાપ તરીકેની સર્વોચ્ચ ફરજ તરીકે જોવાનું બંધ કરીએ. એને બદલે તમારા ઘરના વાતાવરણની બહાર સ્કૂલમાં પણ તેને સ્નેહથી ભરેલું અને મોકળાશયુક્ત વાતાવરણ મળે, તેને જીવનના સાચા પાઠ શીખવા મળે એ જોવું જરૂરી છે. જો આટલું સમજી જઈશું તો પ્લે-સ્કૂલમાં રમવા માટે બાળક પાછળ બે લાખ રૂપિયા ખર્ચવાનું ગાંડપણ બંધ થઈ જશે. સ્કૂલોની વધતી ફી એ બદી છે, પણ એ બદીને દૂર કરવા માટે પહેલાં આપણે આપણી માનસિકતા બદલીએ એ જરૂરી છે.
