Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચોમાસામાં ઘરને જ બનાવો લર્નિંગ ઝોન

ચોમાસામાં ઘરને જ બનાવો લર્નિંગ ઝોન

Published : 02 July, 2026 02:25 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

છથી આઠ પ્લાસ્ટિકની નાની ડબ્બીઓ લો. એ પછી બે ડબ્બીમાં સિક્કા, બે ડબ્બીમાં મગ, બે ડબ્બીમાં રૂનાં પૂમડાં, બે ડબ્બીમાં બટન ભરી ડબ્બીઓ બંધ કરીને બાળકને એક પછી એક હલાવવા દો. જે ડબ્બીમાંથી સેમ અવાજ આવતો હોય એને મૅચ કરવા માટે કહો.

ચોમાસામાં ઘરને જ બનાવો લર્નિંગ ઝોન

ચોમાસામાં ઘરને જ બનાવો લર્નિંગ ઝોન


ઘણી વાર આપણે શીખવાને અને રમવાને બે અલગ બાબતો માનીએ છીએ, જ્યારે બાળકો માટે બંને એકબીજાનાં પૂરક છે. વરસાદના દિવસોમાં જ્યારે આઉટડોર ઍક્ટિવિટીઝ મર્યાદિત થઈ જાય છે, ત્યારે બાળકોને ઘરમાં જ એવી પ્રવૃત્તિઓ કરાવી શકાય છે જે તેમને મજા પણ કરાવે અને સાથે કંઈક નવું પણ શીખવે

ચોમાસામાં સતત વરસતા વરસાદને કારણે બાળકોને બહાર રમવા જવાની તક ઓછી મળે છે. આવી સ્થિતિમાં ઘણાં માતા-પિતા એ વિચારે છે કે બાળકોને આખો દિવસ મોબાઇલ કે ટીવીથી દૂર રાખીને તેમની ઊર્જા અને જિજ્ઞાસાને કેવી રીતે યોગ્ય દિશા આપી શકાય. એવામાં વરસાદી દિવસો બાળકો માટે ઘરમાં જ નવી વસ્તુઓ શીખવાની અને મજા કરવાની ઉત્તમ તક બની શકે છે. સેન્સરી પ્લે, નાના વિજ્ઞાનના પ્રયોગો અને ક્રીએટિવ લર્નિંગ જેવી સરળ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માત્ર વ્યસ્ત જ નથી રહેતાં, પરંતુ તેમની સર્જનાત્મકતા, અવલોકન શક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને શીખવાની ઉત્સુકતા પણ વિકસે છે.



સેન્સરી પ્લે


સૌથી પહેલાં તો સેન્સરી પ્લે શું છે એ સમજી લઈએ. સેન્સરી પ્લે એટલે એવી રમતો અને પ્રવૃત્તિઓ જેમાં બાળકો પોતાની પાંચ ઇન્દ્રિયો (સ્પર્શ કરવું, જોવું, સાંભળવું, સૂંઘવું અને સ્વાદ લેવો) દ્વારા આસપાસની વસ્તુઓને અનુભવે અને શોધે. સરળ શબ્દોમાં કહીએ તો બાળક જ્યારે વિવિધ ટેક્સચર, રંગ, અવાજ, સુગંધ, અથવા સામગ્રી સાથે રમે છે અને તેમાંથી કંઈક નવું શીખે છે તેને સેન્સરી પ્લે કહેવાય.

સેન્સરી પ્લે આઇડિયાઝ


એક તપેલીમાં પાણી ભરીને તેમાં બાળકના નાનાં નાનાં રમકડાં નાખીને તેને ફ્રિજમાં જમાવવા માટે મૂકી દો. હવે બાળકને એ બરફના ટુકડામાં ફસાયેલાં રમકડાં બહાર કાઢવાની ચૅલેન્જ આપો. તેને ચમચી આપો અને બરફ તોડીને રમકડાં બહાર કાઢવા પ્રોત્સાહિત કરો.

તમે બાળકને ઘઉંનો બાંધેલો લોટ કે ક્લે આપી શકો અને તેને કહી શકો કે આમાંથી અલગ અલગ શેપ બનાવ કે પછી લોટ કે ક્લેમાં તમે ચણા કે રાજમાના દાણા કે મણકા છુપાવી દો અને બાળકને કહો કે તે છૂટા પાડે.

બાળકને તમે ફૂડ કલરથી રંગેલા રેઇનબો કલરના ચોખા વાટકામાં ભરીને આપી દો. બાળકને ચમચીની મદદથી ચોખા એક વાટકામાંથી બીજા વાટકામાં ટ્રાન્સફર કરવા દો. તમે એને
અલગ-અલગ રંગના ચોખા જુદા પાડવાની રમત પણ આપી શકો.

એક કાગળ પર પેન્સિલની મદદથી મોટા કદના ગોળ, ચોરસ, ​ત્રિકોણ વગેરે જેવા આકારો બનાવો. દોરાલા આકારની બોર્ડર પર ગુંદર ચોટાડી દો. બાળકોને વાટકીમાં દાળ આપો. હવે બાળકને ગુંદર લગાવેલી લાઇન પર એક-એક દાળનો દાણો ચોંટાડવા કહો.

રસોડાની સુગંધિત વસ્તુઓ, જેમ કે એલચી, કૉફી પાઉડર, લીંબુ, ફુદીનાનાં પાન વગેરે જેવી વસ્તુને એક નાની વાટકીમાં ભરો. બાળકની આંખો પર રૂમાલ બાંધો અથવા તેને આંખો બંધ કરવા માટે કહો. હવે તેને માત્ર સુગંધ પરથી વસ્તુ ઓળખવા માટે પ્રોત્સાહિત કરો.

છથી આઠ પ્લાસ્ટિકની નાની ડબ્બીઓ લો. એ પછી બે ડબ્બીમાં સિક્કા, બે ડબ્બીમાં મગ, બે ડબ્બીમાં રૂનાં પૂમડાં, બે ડબ્બીમાં બટન ભરી ડબ્બીઓ બંધ કરીને બાળકને એક પછી એક હલાવવા દો. જે ડબ્બીમાંથી સેમ અવાજ આવતો હોય એને મૅચ કરવા માટે કહો.

આ તો અમુક ઉદાહરણો છે. તમારા બાળકની ઉંમર અને ઇન્ટરેસ્ટના હિસાબે તમે તમારી ક્રીએટિવિટી વાપરીને ઍક્ટિવિટીઝમાં નવીનતા ઉમેરી શકો. બાળક માટે ઘરમાં પડેલી દરેક વસ્તુ સેન્સરી ટૂલ બની શકે છે. રમત-રમતમાં તમારે બાળકોને પૂછતાં રહેવાનું કે આનો અવાજ કેવો છે? સ્પર્શ કરવાથી કેવું લાગે છે ઠંડું, ગરમ, લીસું, ખરબચડું, ચીકણું? આનો રંગ કેવો છે? આમાંથી કેવી સુગંધ આવે છે? આનો સ્વાદ કેવો છે?

ફાયદો શું?

બાળકો પાસેથી આ બધી ઍક્ટિવિટી કરાવવામાં આવે તેનો ફાયદો શું થાય? એ વિશે વાત કરતાં અર્લી ચાઇલ્ડહૂડ અસોસિએશનનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘જ્યારે બાળક અલગ-અલગ ટેક્સચરને અડે છે, ત્યારે તેના મગજમાં નવા ન્યુરોન કનેક્શન્સ બને છે. આનાથી બાળકની શીખવાની, સમજવાની અને જટિલ કાર્યો કરવાની ક્ષમતા વધે છે. સેન્સરી પ્લેમાં બાળક ઘણી વાર ઝીણી વસ્તુઓ પકડે છે, દબાવે છે કે આંગળીઓથી અલગ પાડે છે. આનાથી હાથની આંગળીઓ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થાય છે, જે ભવિષ્યમાં બાળકને પેન્સિલ પકડવામાં, લખવામાં, કાતર ચલાવવામાં કે શર્ટનાં બટન બંધ કરવામાં ખૂબ મદદરૂપ બને છે. આ પ્રવૃત્તિઓથી બાળકની એકાગ્રતા વધે છે અને તેનો સિટિંગ ટોલરન્સ એટલે કે એક જગ્યાએ બેસી રહેવાની ક્ષમતા કેળવાય છે. એમનું હૅન્ડ-આઇ કૉ-ઑર્ડિનેશન સુધરે છે. જો બાળક બહુ ચંચળ હોય, ગુસ્સે થતું હોય કે હાઇપરઍક્ટિવ હોય, તો સેન્સરી પ્લે તેના માટે થેરપી જેવું કામ કરે છે.’

આવા સાયન્સ એક્સપરિમેન્ટ્સ કરાવો

બાળકોમાં કુતૂહલ જાગે અને વિજ્ઞાન પ્રત્યેનો રસ વધે એ માટે તમે ઘરે નાનાં વિજ્ઞાનના પ્રયોગો પણ કરી શકો. એક ટબમાં પાણી ભરો. ઘરમાં રહેલી અલગ-અલગ વસ્તુ ભેગી કરો, જેમ કે પ્લાસ્ટિકનાં રમકડા, લાકડાની ચમચી, કાગળની હોડી, સૂકાં પાંદડાં કે ફૂલ, સિક્કો, ચાવી વગેરે. હવે એ વસ્તુને પાણીમાં નાખતાં પહેલાં બાળકને પૂછો કે તને શું લાગે છે આ વસ્તુ તરશે કે ડૂબશે?

તમે કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં એક ચમચી હળદર નાખીને બરાબર હલાવી લો. પાણીનો રંગ પીળો થઈ જશે. હવે બાળકોને કહો કે તે આ પાણીમાં એક ચમચી ડિટર્જન્ટ પાઉડર ઉમેરો. ડિટર્જન્ટ મિક્સ થતા પીળા રંગનું પાણી બદલાઈને ઘાટું લાલ કે ઑરેન્જ થઈ જશે. આ પાણીમાં વિનેગર કે લીંબુનો રસ ઉમેરીને હલાવો. વિનેગર ભળતાંની સાથે જ લાલ રંગ ગાયબ થઈ જશે અને પાણી પહેલાં જેવું જ પીળું જઈ જશે.

બંને ગ્લાસમાં સરખું પાણી ભરે. હવે બાળકને કહો કે પહેલાં ગ્લાસમાં એક લીંબુ નાખે. આ લીંબુ ગ્લાસના તળિયે બેસી જશે. એ પછી બાળકને બીજા ગ્લાસના પાણીમાં ૩-૪ ચમચી મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરવાનું કહો. હવે બાળક આ ગ્લાસમાં જેવું લીંબુ નાખશે એ ડૂબવાને બદલે તરવા લાગશે.

આનો ફાયદો શું?

આ વિશે વાત કરતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આ પ્રવૃત્તિઓ માત્ર વિજ્ઞાન વિષય પૂરતી સીમિત નથી, પણ બાળકના મગજના સર્વાંગી વિકાસમાં મોટો ભાગ ભજવે છે. બાળકો સ્વભાવે જ જિજ્ઞાસુ હોય છે. જ્યારે તેઓ પ્રયોગો દ્વારા રંગ બદલાતો, વસ્તુઓ તરતી-ડૂબતી કે પરપોટા ઊછળતા જુએ છે, ત્યારે તેમના મનમાં આવું કેમ થયું? તે જાણવાની ઉત્સુકતા જાગે છે. આ જિજ્ઞાસા જ તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ  વિકસાવે છે. પુસ્તકોમાં વાંચેલી વ્યાખ્યાઓ ગોખવાને બદલે જ્યારે બાળક પ્રયોગો પોતાની આંખો સામે લાઇવ જુએ છે, ત્યારે તેને કૉન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહે છે. ડેન્સિટી, સાઉન્ડ-વાઇબ્રેશન, ન્યુટ્રલાઇઝેશન જેવા વૈજ્ઞાનિક નિયમો તેઓ રમત-રમતમાં જ શીખી જાય છે. પ્રયોગ દરમિયાન બાળક ખૂબ જ ઝીણવટપૂર્વક પ્રક્રિયાને જુએ છે, જેનાથી તેની નિરીક્ષણ શક્તિ તેજ બને છે. પ્રયોગ શરૂ કરતાં પહેલાં શું થશે? એવું અનુમાન લગાવવાથી તેનું લૉજિકલ અને ક્રિટિકલ થિન્કિંગ પણ ખીલે છે. જ્યારે બાળક પોતાના હાથે ચમચીથી હલાવે છે, ટીપાં નાખે છે કે માપન કરે છે, ત્યારે તેનું મગજ અને હાથ બંને એકસાથે સક્રિય થાય છે. રસોડાની કે ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓથી પ્રયોગો કરવાથી બાળક સમજી શકે છે કે વિજ્ઞાન કોઈ અઘરો વિષય નથી, પણ આપણી આસપાસની દુનિયાનો જ એક ભાગ છે. તે પોતાની આસપાસની કુદરતી પ્રક્રિયાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોતાં શીખે છે.’

તમે એક થાળીમાં બાળકને ત્રણ બરફના ટુકડા આપો. તમે એમને કહો કે એક ટુકડા પર બીજો ટુકડો ગોઠવે. જોકે, એ સરખી રીતે ટકશે નહીં અને વારંવાર લપસી જશે. હવે બાળકને પહેલા બરફની સપાટી પર થોડું મીઠું છાંટવાનું કહો. એના પર બીજો બરફનો ટુકડો રાખવાનું કહો. થોડી જ સેકન્ડમાં બંને બરફના ટુકડા એકબીજા સાથે ચોંટી જશે.

કાચના બાઉલ પર પ્લાસ્ટિક રેપને એકદમ ટાઈટ બાંધી દો. હવે આ પ્લાસ્ટિક પર થોડું મીઠું વેરી દો. એક બ્લૂટૂથ સ્પીકર લો અને તેને બાઉલની એકદમ નજીક રાખો અથવા બાળકને તમે બાઉલની નજીક આવીને જોરથી અવાજ કરવાનું કહો. એનાથી પ્લાસ્ટિક પર રાખેલું મીઠું હવામાં ઊછળવા લાગશે. અવાજ જેટલો મોટો હશે, મીઠું એટલું વધારે ઊંચું કૂદશે.

સૌથી પહેલાં કાચના ગ્લાસમાં પાણી ભરો. હવે બાળકને કહો કે તે પાણીની ઉપર ૨-૩ ચમચી જેટલું તેલ ઉમેરે. હવે બાળકને કહો કે તે અલગ-અલગ રંગના ફૂડ કલરનાં ૨-૩ ટીપાં તેલની ઉપર નાખે. થોડી જ વાર આ ટીપાં તેલને પાર કરીને નીચે પાણીના સ્તરને અડશે, કે તરત જ એકસાથે અલગ-અલગ રંગોના ફુવારા પાણીમાં નીચે તરફ છૂટશે. પાણીની અંદર અલગ-અલગ રંગોને આ રીતે ફટાકડાની જેમ ફૂટતા જોવા એ બાળકો માટે ભારે રોમાંચક અનુભવ હશે.

અહીં પેરન્ટ્સ એ ધ્યાન રાખે કે વિજ્ઞાનના પ્રયોગો બાળકને જાતે કરવા આપો. બાળક એક્સપરિમેન્ટ કરતું હોય ત્યારે તેની પાસે બેસો. એને કઈ રીતે એક પછી એક સ્ટેપ કરવું એનું માર્ગદર્શન આપો. બાળક જ્યારે પ્રયોગ કરતું હોય ત્યારે આવું કેમ થયું? એ પાછળનું કારણ સમજાવો. એ સિવાય પ્રયોગ શરૂ કરતાં પહેલાં, વચ્ચે અને પછી બાળકને એવા સવાલો પૂછો જે તેને વિચારવા માટે પ્રોત્સાહિત કરે. બાળકો પાસેથી તેમની ઉંમર અને સમજ પ્રમાણે પ્રયોગો કરાવો.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 02:25 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK