વિશ્વના કુલ ફર્ટિલાઇઝર નિકાસનો ૨૦થી ૩૦ ટકા હિસ્સો હોર્મુઝ માર્ગેથી પસાર થાય છે. આ માર્ગ બંધ હોવાથી ફર્ટિલાઇઝરનું ટ્રાન્સપોર્ટેશન અટકી પડ્યું છે જેની સીધી અસર કૃષિઉત્પાદનો પર પણ પડી છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સાથે શરૂ કરેલા સંઘર્ષની ઝાળમાં આરબ અને મુસ્લિમ દેશો તો દાઝ્યા જ છે, પરંતુ એની અસર હવે વિશ્વભરમાં પડી રહી છે. હોર્મુઝની ખાડી બંધ કરીને કુદરતી સંસાધનોને રોકવાની હોડ પછી હવે લડાઈ પરસ્પરનાં કુદરતી સંસાધનોનો ખાતમો બોલાવવા તરફ આગળ વધી છે. આ પગલું દુનિયાના એકેએક દેશને અસર કરશે. હજી યુદ્ધ આમ જ ચાલશે અને કાળું સોનું ગણાતું ક્રૂડ ઑઇલ તેમ જ નૅચરલ ગૅસ જો આમ જ ભડકે બળશે તો વિશ્વ મંદી તરફ ધકેલાશે એવું કેમ કહેવાય છે એનું ગણિત આજે સમજીએ
હોર્મુઝ માર્ગ બંધ હોવાથી અનેક ચીજોની આયાત અટકી જતાં અનેક દેશોમાં દૈનિક જરૂરિયાતની ચીજોની અછતને કારણે મોંઘવારી વધી છે તો જે ચીજોની નિર્યાત થતી હતી એનો સ્ટૉક વધી પડતાં એનું પૂરતું મૂલ્ય નથી મળી રહ્યું. આ બેવડો માર તમામ દેશોના આર્થિક ગણિતને બગાડે છે.
ADVERTISEMENT
૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઑઇલના ભાવ ૪૫ ડૉલર પ્રતિ બૅરલ વધ્યા હતા જેને કારણે અમેરિકામાં મોંઘવારીનો દર ૦.૫ ટકા વધ્યો હતો, જેને કારણે ત્યાર પછીનાં ૩ વર્ષમાં અમેરિકામાં મોંઘવારીનો દર વધીને ૨.૧ ટકા જેટલો થઈ ગયો હતો અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ તો ૬.૭ ટકા સુધી વધ્યા હતા.
સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર કે કળિયુગ; જ્યાં સુધી આ સૃષ્ટિમાં જીવમાત્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી યુદ્ધ છે એ એક શાશ્વત સત્ય છે પછી ભલે એ ધર્મ અને અધર્મ વચ્ચેનું હોય, સત્ય-અસત્યનું હોય, શક્તિપ્રદર્શનનું હોય કે આધિપત્યનું, ચોપગા પ્રાણી વચ્ચેનું હોય કે બેપગા; આ એક શાશ્વત સત્ય એટલું વિદિત છે કે ચોપગા પ્રાણી અને મનુષ્યોની વાત તો છોડો, વનસ્પતિઓ વચ્ચે પણ યુગોથી ક્યારેક અસ્તિત્વને લઈને તો ક્યારેક અવલંબનને લઈને યુદ્ધ ચાલતું જ રહે છે. યુદ્ધ દરેક જીવસૃષ્ટિ સાથે સંકળાયેલું એક એવું અભિન્ન સત્ય છે કે એ યુગોથી ચાલતું રહ્યું છે અને ચાલતું રહેશે. આ એક શાશ્વત સત્ય સાથે જ એનું પરિણામ પણ એટલું જ શાશ્વત સત્ય છે. મજાની વાત એ છે કે આપણે એમ સમજીએ છીએ કે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં હાર કે જીત એ એનું સાચું અને અંતિમ પરિણામ હોય છે પરંતુ વાસ્તવમાં તો કોઈ પણ યુદ્ધ માત્ર બે જ પરિણામોનું સર્જન કરતું હોય છે. એક, ખુવારી અને ત્યાર બાદ નવસર્જન!
પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને દ્વિતીય વિશ્વયુદ્ધ અને હમણાં તૃતીય વિશ્વયુદ્ધના દરવાજે ખેલાઈ રહેલું ઇઝરાયલ અને અમેરિકાનું ઈરાન સાથેનું યુદ્ધ લઈ લો, કોઈક યુદ્ધે હરિયાળી ક્રાન્તિને જન્મ આપ્યો તો કોઈકે ઇન્ડસ્ટ્રિયલ રેવલ્યુશનને. હાલ ચાલી રહેલા વેસ્ટ એશિયા યુદ્ધનું પણ હાર-જીતની દૃષ્ટિએ દેખીતું પરિણામ જે પણ આવે પરંતુ એ પહેલાં એનાં બે શાશ્વત પરિણામો તો નક્કી જ છે, ખુવારી અને નવસર્જન! હવે આમ તો આ યુદ્ધ વર્તમાનમાં ભલે ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું હોય, પણ એનાં સારાં-માઠાં પરિણામ ઓછા-વધતા અંશે આખાય વિશ્વને ભોગવવાનાં છે એમાં કોઈ શક નથી કારણ કે યુદ્ધક્ષેત્રની જ્યોગ્રાફિકલ સિચુએશન જે છે એ એટલી જટીલ છે કે એનાં પરિણામો આખાય વિશ્વને ધમરોળી નાખવા માટે પૂરતાં છે.
આથી જ નવસર્જન તો થતાં થશે પણ એ પહેલાં ખુવારી શું થશે અને શું થઈ રહી છે એનો અંદાજ મેળવવો મહત્ત્વનું બની જાય છે. હવે આવા સંહારનો દરેક દૃષ્ટિકોણે અંદાજ મેળવવા માટે સૌથી પહેલાં જરૂરી એ થઈ પડે છે કે સામાન્ય સંજોગો શું હતા એ સમજીએ, કારણ કે જ્યાં સુધી આપણે સામાન્ય સંજોગોમાં શું પ્રાપ્ય હતું એ નહીં સમજીએ તો શું ખોઈ રહ્યા છીએ કે ખોયું છે એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. એક ઉદાહરણ દ્વારા આ વિધાન સમજીએ તો એમ કહી શકાય કે એક યુવાન મહિને ૫૦,૦૦૦ રૂપિયાના પગારની નોકરી કરતો હતો જ્યારે તે બરાબર પ્લાનિંગ દ્વારા પોતાનું ઘર ચલાવતો હતો. તેની પાસે મહિનાનો સીધું-સામાન ખરીદવા, લોનના EMI ભરવા, બચત કરવા માટે નાણાંની આવક હતી જેનું તે આયોજન કરતો હતો. પરંતુ હવે જ્યારે એ નોકરી જતી રહી છે ત્યારે નવી નોકરી તો હજી મળતાં મળશે, પણ એ પહેલાં આ ચાલુ નોકરી જતી રહેવાથી તેને શું નુકસાન થઈ રહ્યું છે અને થશે એનો અંદાજ મેળવવો. આ માટે આપણે સૌથી પહેલાં એ જાણવું પડે કે તેને એ નોકરીમાં કેટલાં નાણાં મળતાં હતાં. તો જ નુકસાનનો અંદાજ મેળવી શકાય, ખરુંને?
ક્રૂડ ઑઇલ વિશ્વની ધોરી નસ
તો સૌથી પહેલાં વાત કરીએ સામાન્ય સંજોગોની. ૨૦૨૩-’૨૪ના આંકડા અનુસાર વૈશ્વિક GDPમાં ઈરાનનું લગભગ ૦.૩૮ ટકા જેટલું યોગદાન છે. આંકડાની દૃષ્ટિએ આ ભલે ખૂબ નાનો દેખાતો હોય, પરંતુ તેલ અને ગૅસ ક્ષેત્રમાં ઈરાન વૈશ્વિક દૃષ્ટિએ એક ખૂબ મોટું કૉન્ટ્રિબ્યુટર રહ્યું છે કારણ કે આ દેશ પર અનેકો પ્રતિબંધો લગાડ્યા હોવા છતાં વિશ્વના કુલ તેલ ભંડારોનો ૧૦ ટકા જથ્થો અને ગૅસ ભંડારનો ૧૫ ટકા હિસ્સો ઈરાન પાસે છે એ હકીકત છે. વિશ્વમાં જેટલું પણ કાચા તેલનું ઉત્પાદન થાય છે એમાં ૪.૪ ટકા હિસ્સેદારી ઈરાનની છે. અને ચીન જેવા રાષ્ટ્રની તો ક્રૂડ ઑઇલની કુલ માગના ૧૫ ટકા જેટલા હિસ્સાની આપૂર્તિ ઈરાની તેલથી થાય છે. ૨૦૨૪ના આંકડા કહે છે કે ઈરાનની કુલ વાર્ષિક નિકાસ ૧૩.૩ બિલ્યન ડૉલરથી ૮૬ બિલ્યન ડૉલર જેટલી છે.
આ તો થઈ ઈરાનની વાત. એ જ રીતે ઇઝરાયલની વાત કરીએ તો ક્ષેત્રફળની દૃષ્ટિએ ઇઝરાયલ ભલે એક નાનો દેશ લાગતો હોય, પરંતુ એણે ટેક્નૉલૉજી અને R&Dની દૃષ્ટિએ આટલાં વર્ષો દરમિયાન જે વિકાસ કર્યો છે એને કારણે એનું વૈશ્વિક ફલક પર યોગદાન ખૂબ મોટું છે. ઇઝરાયલનો GDP ૫૭૦ બિલ્યન ડૉલર કરતાં વધુ છે જે કુલ વૈશ્વિક GDPના ૦.૩ ટકાથી ૦.૫ ટકા જેટલો છે. એની વાર્ષિક નિકાસ ૬૦ બિલ્યન ડૉલર કરતાં વધુ છે જેમાં હાઈ-ટેક મશીનરી, દવાઓ, રિફાઇન્ડ પેટ્રોલિયમ અને ડાયમન્ડ મુખ્ય છે.
અને આ યુદ્ધનો ત્રીજો આખલો એવા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જેનો GDP ૩૦.૬ ટ્રિલ્યન ડૉલરથી ૩૧.૮ ટ્રિલ્યન ડૉલર જેટલો છે અને વિશ્વની અર્થવ્યવસ્થામાં એની હિસ્સેદારી ૨૪થી ૨૬ ટકા જેટલી છે. પણ જો આપણે અમેરિકાને ખરીદશક્તિની દૃષ્ટિએ વિશ્વ સાથે સરખાવીએ તો વિશ્વની કુલ ખરીદશક્તિના ૧૪.૮ ટકા જેટલી ખરીદી એકલું અમેરિકા કરે છે. આ જ કારણ છે કે અમેરિકી પ્રમુખ ટૅરિફને નામે આખીય દુનિયાને પોતાના ઇશારે નચાવે છે. આ એક અછડતી દૃષ્ટિ નાખી લડી રહેલા ત્રણ આખલાઓ પર, હવે એક નજર નાખી લઈએ એ મગતરાંઓ પર જેમને આ આખલાઓની લડાઈને કારણે હાલ મોટું નુકસાન થઈ રહ્યું છે. મિડલ ઈસ્ટ - મધ્ય પૂર્વના દેશો, જેને આપણે અરબ દેશો તરીકે ઓળખીએ છીએ એ બધા મળીને વિશ્વના કુલ GDPમાં ૫ ટકા જેટલી હિસ્સેદારી ધરાવે છે.
આ બધા દેશો નાના હોવા છતાં આટલા મોટા યોગદાનનું મુખ્ય કારણ છે તેમનો હાઇડ્રોકાર્બન જથ્થો. આખાય વિશ્વની ક્રૂડ ઑઇલની કુલ માગના ૫૦ ટકા જેટલા હિસ્સાની આપૂર્તિ આ દેશો કરે છે. આ દેશોનો GDP અંદાજે ૩.૯ ટ્રિલ્યન ડૉલર જેટલો છે જેમાં સાઉદી અરબ અને ઇજિપ્ત બે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ બન્નેને મિડલ ઈસ્ટના દેશો કુલ કૉન્ટ્રિબ્યુશનમાં ક્રમશઃ લગભગ ૨૪ ટકા અને ૨૭ ટકા જેટલી હિસ્સેદારી ધરાવે છે. આથી જ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના મોખરાના ૨૦ દેશોમાં આ બન્ને દેશો પણ સામેલ છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ - ડૉમિનન્સ અને માલિકીની લડાઈ
હવે વાત કરીએ એ માર્ગની જેના વિશે હમણાં લગભગ એક અઠવાડિયાથી બધાં જ અખબારો અને ન્યુઝ ચૅનલ્સ પર વાત થઈ રહી છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ! વિશ્વના અત્યંત મહત્ત્વના ટ્રેડ સી રૂટ્સમાં મોખરાના સ્થાને આવતો સાંકડો જળમાર્ગ મહત્તમ દેશોની જીવાદોરી સમાન ધોરી નસ છે એમ કહીએ તો કદાચ ખોટું નથી. આ જળમાર્ગ વિશ્વ માટે એટલો મહત્ત્વનો છે કે કોઈ પણ કારણોસર જો એ ખોટકાય તો આખાય વિશ્વની મોટા ભાગની સપ્લાય ચેઇન ખોરવાઈ જાય. એક એવો જળમાર્ગ કે જે માત્ર ૨૯ નૉટિકલ માઇલ જેટલો પહોળો છે છતાં ત્યાંથી વિશ્વની ૫૫થી ૬૦ ટકા જેટલાં ટ્રેડ શિપ્સ પસાર થાય છે. આખાય વિશ્વમાં રોજનું જેટલું ક્રૂડ ઑઇલ વપરાય છે એનો ૨૦ ટકા હિસ્સો આ સાંકડા જળમાર્ગથી થઈને પસાર થાય છે. આ સિવાય ગૅસ અને બીજી અનેક પ્રોડક્ટ્સ તો અલગ. આ એક મુખ્ય કારણ છે કે જે વિશ્વની અર્થવ્યવસ્થામાં મધ્ય પૂર્વના દેશોને આટલા મહત્ત્વના બનાવે છે અને આ જ બીજું મુખ્ય કારણ છે કે મધ્ય પૂર્વના દેશો નાના અને રણ વિસ્તારમાં સ્થિત હોવા છતાં આટલા અમીર છે. આટલો મૂળભૂત અંદાજ મેળવી લીધા પછી હવે વાત કરીએ આખલાઓની આ લડાઈને કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને સીધી કે આડકતરી રીતે કેટલી અસર થઈ રહી છે અને હજી થશે. અર્થાત નવસર્જન પહેલાંની ખુવારી વિશ્વને ક્યાં લઈ જઈ રહી છે.

વૈશ્વિક વેપારનાં લગભગ પંચાવન ટકા વેપારી જહાજો આ સાંકડા હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી પસાર થાય છે. ઈરાને એ અવરોધતાં સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઑઇલ અને અસેન્શિયલ ચીજોની કિંમતમાં ભારે ઉછાળ આવ્યો છે.
ત્રણ દેશો વચ્ચેના આ સંઘર્ષે મધ્ય પૂર્વના બધા દેશોની તેલ, ગૅસ અને ફર્ટિલાઇઝરની નિકાસ હાલ સંપૂર્ણ બંધ કરાવી દીધી છે. આ સિવાય એ બધા જ વ્યાપારિક સામાન કે જે મધ્ય પૂર્વના દેશોને આખાય વિશ્વ સાથે જોડે છે એની પણ સપ્લાય ચેઇન તૂટી છે. સ્વાભાવિક છે, જ્યારે કોઈ જહાજ મહત્ત્વના માલસામાનનું વહન કરે ત્યારે જે-તે એક્સપોર્ટર દેશ અને ઇમ્પોર્ટર દેશ એનો વીમો પણ ઊતરાવે જ. એ સમુદ્રી વીમો પણ વર્તમાન સંજોગો જોતાં અત્યંત મોંઘા થઈ ગયા છે, જેને કારણે જે-તે માલની પડતર પણ સ્વાભાવિક રીતે જ મોંઘી થવાની. આ પરિસ્થિતિ જોતાં એટલું તો સમજી જ શકાય કે જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો તેલ, ગૅસ અને અન્ય પ્રકારની બુનિયાદી વસ્તુઓ પર મોટી અસર કરશે જેની સૌથી મોટી અને પહેલી અસર થશે વિશ્વના મોંઘવારી દર પર. આમ જોવા જઈએ તો આપણા દરેકના જીવનમાં હવે ક્રૂડ ઑઇલ ધોરી નસ સમાન બની ચૂક્યું છે. આ ધોરી નસ આખાય વિશ્વના બધા દેશોના રોજિંદા જીવનમાં અને બજારોમાં એક વિષચક્રની રચના કરે છે. દરેક રોજિંદી ચીજવસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરે છે વાહનો દ્વારા (જહાજ, હવાઈ જહાજ, ટ્રેન અને વ્હિકલ્સ), આ બધાં જ ચાલે છે પેટ્રોલ અથવા ડીઝલ દ્વારા.
હવે જો પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો પહોંચે નહીં તો એના ભાવો વધે, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય અને એની અસર જે ચીજવસ્તુઓનું વહન થઈ રહ્યું હોય એની પડતર પર પડે. અર્થાત એ પણ મોંઘી થાય. પરિણામ સ્વરૂપ આપણા અને દેશના ગજવા પર બોજો વધે. આખરે મોંઘવારીનો દર વધે, જેને કારણે દેશનું બજેટ ખોરવાય અને સરવાળે આર્થિક સંકટ પણ વધી શકે જે કોઈ એક-બે વ્યક્તિને નહીં પણ આખાય દેશને એક મોટી મંદીની ખાઈમાં ધકેલી શકે છે. સૌથી પહેલાં નજર નાખીએ વર્તમાનમાં ક્રૂડ ઑઇલના ભાવોની અલગ-અલગ દેશો પર કેવી અસર પડી છે. ભારત એક એવો દેશ છે જ્યાં હજી સુધી તો પેટ્રોલ-ડીઝલ કે ગૅસના ભાવોમાં સરકારે બહુ વધારો ઝીંક્યો નથી. જોકે શુક્રવારે પ્રીમિયમ પેટ્રોલ પર પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા જેટલી સારી પરિસ્થિતિ વિશ્વના બીજા દેશોમાં નથી. જપાનમાં પેટ્રોલના ભાવોમાં ૨.૫ ટકા અને LNG ભાવોમાં ૨૬ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં પેટ્રોલ ૬.૫ ટકા અને ગૅસ ૬૨ ટકા મોંઘો થયો છે. ચીનમાં અનુક્રમે ૧૦ ટકા અને ૧૨ ટકા તો વળી ઇટલીમાં પેટ્રોલ અને LNG ૧૦ ટકા અને ૪૯ ટકા મોંઘું થયું. ફ્રાન્સમાં ૧૨.૩ ટકા પેટ્રોલ અને ૪૩ ટકા નૅચરલ ગૅસ મોંઘો થયો, જ્યારે સાઉથ કોરિયામાં અનુક્રમે ૧૨.૬ ટકા અને ૧૫ ટકા જ્યારે જર્મનીમાં આ વધારો ૧૪.૯ ટકા અને ૬૮ટકા જેટલો ઝિંકાયો છે. કૅનેડામાં પેટ્રોલ ૧૭.૨ ટકા અને નૅચરલ ગૅસ ૧૧ ટકા મોંઘાં થઈ ચૂક્યાં છે જ્યારે સ્પેનમાં ૧૮.૭ ટકા અને ૪૬ ટકાનો વધારો થયો છે. આપણા પાડોશી પાકિસ્તાનમાં પણ પેટ્રોલના ભાવોમાં ૨૪.૪ ટકા અને LPGમાં ૨૭ ટકાનો વધારો કરાયો છે. ઑસ્ટ્રેલિયામાં ૩૧.૮ ટકા અને LNGમાં ૧૯ ટકાનો ભાવવધારો થયો છે જ્યારે વિયેતનામમાં વધારો કરાયો ૩૧.૮ ટકા અને ૨૮ ટકાનો અને પોતાને વિશ્વલીડર ગણાવતા લડી રહેલા આખલાને ત્યાં અમેરિકામાં પણ પેટ્રોલ ૨૩.૬ ટકા અને નૅચરલ ગૅસ ૮ ટકા મોંઘાં થઈ ચૂક્યાં છે.
આ પરિસ્થિતિ તો હજી યુદ્ધ ચાલી રહ્યું છે એના ૨૦-૨૨ દિવસ થયા ત્યારે છે. વિચાર કરો કે જો આ યુદ્ધ વધુ લાંબું ચાલશે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ આ જ રીતે બંધ રહેશે તો આગળ શું પરિસ્થિતિ થઈ શકે?
હોર્મુઝનો વિકલ્પ છે જ નહીં?
આ સ્ટ્રેટ ઑફ હોર્મુઝનું રમખાણ બહુ ગાજ્યું એટલે આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે માત્ર આ એક જ દરિયાઈ માર્ગ પર આટલુંબધું અવલંબન શા માટે? શું કોઈ બીજો વૈકલ્પિક માર્ગ છે જ નહીં? તો એનો જવાબ કંઈક આ પ્રમાણે છે. હમણાંના ૨૦૨૫ના લેટેસ્ટ આંકડા જોઈએ તો ૨૯ નૉટિકલ માઇલ્સના એ સાંકડા દરિયાઈ માર્ગથી રોજ લગભગ ૨૦ મિલ્યન બૅરલ જેટલું ક્રૂડ ઑઇલ અને બીજી પેટ્રોલિયમ પેદાશોની આવજા થાય છે. એવું નથી કે એના વૈકલ્પિક માર્ગો નથી. સાઉદી અરબથી લાલ સમુદ્રના માર્ગે અને આરબ અમીરાતના ફુજૈરાહવાળા રસ્તે પણ આ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે, પરંતુ તકલીફ એ છે કે આ બન્ને માર્ગોની રોજિંદા ટ્રાન્સપોર્ટેશનની કૅપેસિટી ૩.૫ મિલ્યન બૅરલ અને ૫.૫ મિલ્યન બૅરલ જેટલી જ છે. અર્થાત સ્ટ્રેટ ઑફ હોર્મુઝ કરતાં ત્રીજા ભાગ જેટલી જ. અચ્છા એટલું જ નહીં, ૨૦૨૫ દરમિયાન કતર અને યુનાઇટેડ આરબ અમીરાતથી લગભગ ૧૧૨ બિલ્યન ક્યુબિક મીટર જેટલો લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) પણ આ જ દરિયાઈ માર્ગે પસાર થયો હતો, જેના માટે આ બન્ને દેશો માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સિવાય બીજો કોઈ વૈકલ્પિક માર્ગ નથી.
હવે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાને કારણે બે મોટી મુશ્કેલીનો સામનો વિશ્વ આખાએ કરવો પડી રહ્યો છે. એક તો જરૂરિયાત અનુસાર ક્રૂડ ઑઇલ અને ગૅસ સમયસર મળી નથી રહ્યાં બીજું, ઉત્પાદન કરતા દેશોમાં એનો ભંડાર વધી રહ્યો છે, જેને કારણે એ વધુ જોખમી થતા જઈ રહ્યા છે. ઈરાન જો એક પણ હુમલો આ ભંડાર પર કરે તો બધું એકસામટું નાશ તો પામે જ સાથે જ જાનમાલને પણ મોટું નુકસાન થાય. સાથે જ સમુદ્રના કંઈ કેટલાય મહત્ત્વના બંદરગાહો પર હુમલા થવાને કારણે એને જે મોટી ક્ષતિ પહોંચે છે એ અલગ.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ હોવાને કારણે ફર્ટિલાઇઝરનું ટ્રાન્સપોર્ટેશન પણ અટકી પડ્યું છે, જેની સીધી અસર સ્વાભાવિક રીતે કૃષિ ઉત્પાદન પર પડશે કારણ કે વિશ્વના કુલ ફર્ટિલાઇઝર નિકાસનો ૨૦થી ૩૦ ટકા હિસ્સો આ હોર્મુઝથી પસાર થાય છે. યુરિયા કે જે LNGથી બનતી નાઇટ્રોજન યુક્ત ફર્ટિલાઇઝર પ્રોડક્ટ છે.
મધ્ય પૂર્વના મોટા ભાગના દેશો રણપ્રદેશ છે, જેને કારણે તેઓ ક્રૂડ ઑઇલના તો મોટા ઉત્પાદક છે. પરંતુ ખેતી ક્ષેત્રે તેમણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે કારણ કે ત્યાં મોટા ભાગે કોઈ ખાસ ખેતી થતી નથી. હવે હોર્મુઝ બંધ હોવાને મધ્ય પૂર્વના આ દેશોમાં રોજિંદા ખાવા-પીવાની ચીજવસ્તુઓની પણ ધીરે-ધીરે અછત ઊભી થવા માંડશે. જો આ યુદ્ધ અને હોર્મુઝની પરિસ્થિતિ લાંબી ચાલી તો એક મોટી મુશ્કેલી નજીકના ભવિષ્યમાં સર્જી શકે. આ વિશેની ગંભીરતા સમજવા માટે માત્ર એક ઉદાહરણ લઈએ તો મિડલ ઈસ્ટના કુલ ૬ દેશો પોતાની રોજિંદી જરૂરિયાતની પૂરેપૂરી ખાંડ બીજા દેશોમાંથી આયાત કરે છે. વનસ્પતિ તેલની કુલ જરૂરિયાતનો ૯૧ ટકા જેટલો હિસ્સો અને ૭૭ ટકા જેટલા ચોખા વિશ્વના બીજા દેશોમાંથી આ દેશો આયાત કરે છે.
આ ક્રૂડ ઑઇલ-ક્રૂડ ઑઇલની બહુ રાડો પાડીએ ને ત્યારે સ્વાભાવિક રીતે જ એમ થાય છે કે એવો તે શું મોટો ફરક પડી જાય છે? તો એક નજીવો વધારો કાળક્રમે વિશ્વની અર્થવ્યવસ્થાને કેટલો મોટો ફર્ક પહોંચાડી શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રૂડ ઑઇલના ભાવમાં જો માત્ર એક ડૉલર પ્રતિ લીટરનો પણ વધારો થાય તો એ ગ્લોબલ GDP ૦.૧૫ ટકાથી ઘટાડી શકે છે. તો એ આધારે ડૉલરની આજની કિંમત પ્રમાણે ગણીએ તો સમજોને લગભગ ૧૬૫ થી ૧૮૫ બિલ્યન ડૉલર જેટલો ઘટાડો આખાય વૈશ્વિક GDPમાં થાય.
આ તો થઈ વૈશ્વિક અર્થતંત્રની વાતો, પણ જે આખલાઓ લડી રહ્યા છે એની શું પરિસ્થિતિ થશે?
અમેરિકા પર અસર
વર્ષ ૨૦૨૨ના આંકડા કહી રહ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે ક્રૂડ ઑઇલના ભાવ ૪૫ ડૉલર પ્રતિ બૅરલ વધ્યા હતા જેને કારણે અમેરિકામાં મોંઘવારીનો દર ૦.૫ ટકા વધ્યો હતો, જેને કારણે ત્યાર પછીનાં ત્રણ વર્ષોમાં અમેરિકામાં મોંઘવારીનો દર વધીને ૨.૧ ટકા જેટલો થઈ ગયો હતો અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ તો ૬.૭ ટકા સુધી વધ્યા હતા. જ્યારે ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને માંસમાં તો આ મોંઘવારીનો દર ડબલ ડિજિટમાં વધ્યો હતો, જેનું પરિણામ અમેરિકામાં એ આવ્યું કે નીચી આવક ધરાવતા ૨૦ ટકા જેટલા પરિવારોની કુલ આવકનો લગભગ ૮૮ ટકા હિસ્સો તો માત્ર ત્રણ જ વસ્તુઓ પાછળ થતો હતો. એક ભોજનની સામગ્રી, બીજું વીજળી અને પ્રાકૃતિક ગૅસ અને ત્રીજું હાઉસિંગ; જેને કારણે આ પરિવારોએ રોજિંદી જિંદગી માટે લોનનું ભારણ વધારવું પડી રહ્યું છે અને ક્રેડિટ કાર્ડ પર જીવતા અમેરિકન્સ તેમની કુલ આવકનો મોટા ભાગનો હિસ્સો ક્રેડિટ કાર્ડ્સનાં બિલ્સ ભરવા પાછળ ખર્ચી રહ્યા છે. અમેરિકાની જ કંપની Deloitte દ્વારા થયેલા અધ્યયનના આંકડા કહે છે કે અમેરિકાના ૬૦ ટકા ગ્રાહક પરિવારો એવા છે જેમની આર્થિક સ્થિતિમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં કોઈ સુધાર થયો નથી. રશિયા અને યુક્રેનના યુદ્ધના આંકડા અમેરિકાની વર્તમાન પરિસ્થિતિનો સટીક અંદાજ આપી શકે એમ છે. ૨૦૨૨માં અમેરિકા દ્વારા એની મૉનિટરી પૉલિસી કડક કરી હોવા છતાં એ નોંધાયું હતું કે સૌથી વધુ કમાણી કરતા અમેરિકાની કુલ વસ્તીના ૨૦ ટકા પરિવારોની નેટવર્થમાં ૮.૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વળી એ યુદ્ધમાં તો અમેરિકા સીધેસીધું સામેલ પણ નહોતું, જ્યારે અહીં તો એ પોતે જ યુદ્ધ લડી રહ્યું છે.
હજી એક કડવી લાગે એવી વાસ્તવિકતા મૂકીએ? અમેરિકાની ફેડરલ સરકારના ફેબ્રુઆરી મહિના સુધીના આંકડા કહી રહ્યા છે કે તેમનું દેવું ૩૮.૮ ટ્રિલ્યન ડૉલર જેટલું થઈ ગયું છે. હવે સ્વાભાવિક છે કે જેમ-જેમ દેવું વધે તેમ-તેમ એના વ્યાજની ચુકવણીનું દેવું પણ આપોઆપ વધતું જાય. ૨૦૨૫ની જ વાત લઈ લોને, અમેરિકા માત્ર વ્યાજ તરીકે અંદાજે ૧ ટ્રિલ્યન ડૉલર ચૂકવી રહ્યું હતું જે ૧.૦૨ ટ્રિલ્યન ડૉલરના મેડિકૅર પાછળ થતા ખર્ચ અને ૧.૬ ટ્રિલ્યન જેટલો સોશ્યલ સિક્યૉરિટી પાછળ થતો ખર્ચ પછી ત્રીજો સૌથી મોટો ખર્ચ છે. અને આ ખર્ચ અમેરિકાના કુલ GDPના ૫.૪ ટકા જેટલો છે. અમેરિકન ફેડરલની આ ખોટ છેલ્લા એક દશકની સરેરાશ ખોટ કરતાં વધુ છે.
અમેરિકાનું સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ કહે છે કે અમેરિકા આ યુદ્ધમાં સક્રિય થયું એની પહેલાં ૧૦૦ કલાકમાં જ એને ૩.૭ બિલ્યન અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩૬૦૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ ગયો હતો જેનું દેશના બજેટમાં કોઈ પ્રાવધાન પણ કરવામાં આવ્યું નહોતું. જો પહેલા ૧૦૦ કલાકનો આટલો ખર્ચ હોય તો વિચાર કરો કે આજે યુદ્ધને ૨૪ દિવસ થઈ ગયા છે. અમેરિકાએ કેટલા ડૉલરનું આંધણ આ યુદ્ધ પાછળ કરી નાખ્યું હશે?
એમાં વળી અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ટ ટ્રમ્પની ટૅરિફ પૉલિસી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે અને રાષ્ટ્રપતિ મનફાવે એ રીતે બીજા દેશો પર ટૅરિફ લગાવી ન શકે એવું કહ્યું છે. એને કારણે અમેરિકાને ટૅરિફ દ્વારા જે વધારાની આવકની આશા હતી એના પર પણ હાલને તબક્કે તો પાણી ફરી વળ્યું છે. એમાં વળી માંદગીમાં લોટ ઘટ્યા જેવી હાલત અમેરિકાના અનએમ્પ્લૉઇમેન્ટના આંકડા સરજી રહ્યા છે. અમેરિકાનો બેરોજગારીનો દર વધીને ૪.૪ ટકા જેટલો થઈ ગયો છે.

ઈરાને કતરના વિશ્વના સૌથી મોટા નૅચરલ ગૅસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે જેને પાછો બેઠો કરતાં ત્રણથી પાંચ વર્ષ લાગશે અને ત્યાં સુધી કતરને દર વર્ષે ૧,૮૬,૬૦૦ કરોડ રૂપિયાની ખોટ જશે.
ઈરાન મરણપથારીએ
અમેરિકા અને ઇઝરાયલ બન્ને તરફથી બેવડો માર ઝીલી રહેલા ઈરાનમાં ડોમેસ્ટિક લેવલ પર જે ગંભીર નુકસાન થઈ રહ્યું છે એ તો ખરું જ. ઇકૉનૉમિસ્ટ્સના અભ્યાસ અને અંદાજ મુજબ ઈરાન આ યુદ્ધને કારણે લગભગ ૧૭ વર્ષ પાછળ ધકેલાઈ જશે. વળી નવી પેનલ્ટીઓને કારણે એને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આયાત કરવામાં પણ મોટી મુશ્કેલી ઊભી થશે જેમાં ખાસ તો વીજળી અને રોજિંદી ખાવાપીવાની ચીજવસ્તુઓ જ ઈરાનના બજેટમાં ૬૫ ટકા જેટલી ખાધ ઊભી કરી શકે એવો અંદાજ મુકાઈ રહ્યો છે. ઈરાનમાં મોંઘવારીનો દર ૬૦ ટકા કરતાંય વધુ ઊંચાઈએ આંબી જશે એવો અંદાજ મુકાઈ રહ્યો છે.
કેટલાક આંકડાઓ કહી રહ્યા છે કે ૨૦૨૪માં ઈરાને એના ડિફેન્સ બજેટમાં અધધધ ૨૦૦ ટકા જેટલો વધારો કર્યો હતો. ૨૦૨૩માં જે આંકડો ૧૦ બિલ્યન ડૉલર એટલે કે ૯૪,૦૦૦ કરોડનો હતો એ ડિફેન્સ બજેટ તરીકે ૨૦૨૫-’૨૬માં વધીને ૪૬ બિલ્યન ડૉલર ૪.૪૩ લાખ કરોડ રૂપિયા જેટલો થઈ ગયો હતો.
હમણાંની જ પરિસ્થિતિની વાત કરીએ તો ઈરાની કરન્સી રિયાલ હાલ ૧૩,૧૫, ૬૨૫ ઇરાનિયન રિયાલ પ્રતિ ડૉલરના ઐતિહાસિક નીચલા ભાવે પહોંચી ગયો છે. એનો ઑઇલ જથ્થો ઘટી રહ્યો છે અને સાથે જ પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ ઈરાને લોકલ લેવલ પર ઝઝૂમવું પડશે એમ કહેવાઈ રહ્યું છે. અર્થશાસ્ત્રીઓની વાત માનીએ તો તેઓ એવો અંદાજ મૂકી રહ્યા છે કે ઈરાનનું બજેટ એવું ખાડે જઈ રહ્યું છે કે એને ૧૮૦૦ ટ્રિલ્યન તોમસ (૧ તોમસ = ૧૦ રિયાલ)ની ખાધ સહન કરાવી પડશે. અને સામે ટૅક્સ દ્વારા દેશને જે આવક થાય છે એ નહીંવત રહી જશે, જેને કારણે આખાય ઈરાનમાં એક એવી સામાજિક અવ્યવસ્થા ફેલાઈ શકે છે કે લોકો જીવન જરૂરિયાતની મૂળભૂત ચીજવસ્તુઓ માટે પણ મોટો ઉપદ્રવ ઊભો કરી શકે.
યુદ્ધ કોઈના જ હિતમાં નથી એ વાત સાચી, પરંતુ એ સિવાય બીજા આંખ સામે વિકલ્પો કયા છે? એ બાબત વિશે હમણાં આ ત્રણેય દેશોમાંથી કદાચ કોઈ વિચારવા નથી માગતું કારણ કે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના વિરોધ સામે અને બીજા દેશોમાં અસ્થિરતા ફેલાવવાનો બદલો લેવા સામે લાદવાના આશય સાથે શરૂ થયેલું આ યુદ્ધ હવે ત્રણેય દેશો માટે ‘અહમ’નો અને ‘હું મોટો’ દેખાડવાનો પ્રશ્ન બની ગયો હોય એમ લાગે છે. ઈરાનને ખબર છે કે હું તો મૃતઃપાય થઈ જ ચૂક્યો છું જ તો પછી તમને પણ મરણપથારીએ લાવીને જ જંપીશ અને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા છે જે હવે કદાચ ઈરાનને આ પૃથ્વીના નકશા પરથી જ મિટાવી દેવા માગે છે.
