Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જેન-ઝી સાથે વિરોધ પક્ષ જોડાશે તો જેન-ઝીનો વિરોધ પણ સ્વાર્થની રમત બની જશે

જેન-ઝી સાથે વિરોધ પક્ષ જોડાશે તો જેન-ઝીનો વિરોધ પણ સ્વાર્થની રમત બની જશે

Published : 10 August, 2026 07:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદ્યાર્થીઓનું આંદોલન લોકશાહીમાં પોતાના અધિકારો અને પ્રશ્નો રજૂ કરવાની શક્તિ દર્શાવે છે, પરંતુ રાજકીય હસ્તક્ષેપ અને ધીરજના અભાવથી જનઆંદોલનનો મૂળ હેતુ નબળો પડી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિદ્યાર્થીઓ અત્યારે જે આંદોલન કરી રહ્યા છે એની સામે ક્યારેય કોઈ વિરોધ હોઈ ન શકે. ગણતંત્ર એટલે કે લોકશાહીની એ જ સારી વાત છે કે સામાન્ય જન પણ પોતાની માગણી સાથે રસ્તા પર આવી શકે, વિરોધ નોંધાવી શકે. લોકશાહીની સૌથી ઉમદા વાત જો કોઈ હોય તો એ કે સામાન્ય જન પણ પોતે ચૂંટેલા પ્રતિનિધિ પાસે જવાબ માગી શકે અને તે પ્રતિનિધિએ જવાબ આપવો પડે. RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફર્મેશનની જે સુવિધા આપણે ત્યાં છે એનો એ જ ભાવ છે કે સામાન્ય જન પણ બધી વાત જાણવાનો અધિકાર ધરાવે છે અને સરકાર જવાબદેહી છે. આ આખી વાતમાં ન ગમે એવી કે પછી સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી જો કોઈ વાત હોય તો એ કે આ બધાનો ગેરલાભ વિરોધ પક્ષ લે છે. વિરોધ પક્ષે મુદ્દો શોધવાનો હોય અને મુદ્દો શોધીને એના પર પોતાનો વિરોધ નોંધાવવાનો હોય. વિરોધ પક્ષ પ્રજા દ્વારા લાવવામાં આવેલા પ્રશ્ન પર રોટલા શેકવાનું શરૂ કરે તો ગણતંત્રને નુકસાન થાય. એવા સમયે આંદોલન જનહિતનું આંદોલન બની રહેવાને બદલે પછી રાજકીય આંદોલન બની જાય.
આ પ્રકારના રાજકીય આંદોલન દ્વારા ક્યારેય ક્રાન્તિ નથી આવતી. ક્રાન્તિ ત્યારે જ આવે જ્યારે મુદ્દો પ્રજાએ ઊભો કર્યો હોય અને પ્રજાએ ઊભા કરેલા મુદ્દાને વેગ પણ પ્રજા દ્વારા મળે. તમે આઝાદી સમયનાં આંદોલનો જોશો તો તમને આ વાત સારી રીતે સમજાશે. એ સમયે કોઈ રાજકીય પક્ષો નહોતા. એ સમયે જે પક્ષ બન્યો એ પક્ષનો હેતુ પણ દેશને આઝાદ કરાવવા માટેનો હતો અને પછી ધીમે-ધીમે એ પક્ષ રાજકીય બનવાનો શરૂ થયો.
અત્યારની આ જે નવી જનરેશન છે એનામાં ઉત્સાહ છે, પ્રશ્ન પૂછવાની હિંમત છે અને જવાબ માટે લડવાની, દોડવાની, મહેનત કરવાની ક્ષમતા પણ છે. સાથોસાથ એ નાની-નાની વાતમાં અકળામણ પણ અનુભવે છે જે દેખાડે છે કે એમનામાં ધીરજ નથી. ધીરજ વિના ક્યારેય લાંબી રેસમાં ઊતરી ન શકાય. જેન-ઝી વાચાળ છે પણ તેઓ વ્યાકુળ પણ એટલા જ રહે છે. પરિણામે જ્યારે પણ તેમણે ધીરજ રાખવાની હોય છે ત્યારે તેઓ રાખી શકતા નથી અને એટલે હાથમાં આવેલી બાજી પોતે જ બગાડી બેસે છે. જેન-ઝી માટે એક વાત સૌકોઈએ યાદ રાખવાની જરૂર છે. જો એનો સદુપયોગ કરવામાં આવે તો એ બેસ્ટ સોલ્જર બની શકે છે, પણ તેનામાં લીડર બનવાના ગુણોનો અભાવ છે જેને લીધે તેના આંદોલનમાં હિંસકતાની સાથોસાથ અણઆવડત પણ દેખાય છે. જેન-ઝીને જો સાચા માર્ગે વાળવામાં આવે તો એ વ્યક્તિની તાકાત બની શકે, પણ એ કેટલો સમય સાથે રહેશે એ કહેવું અઘરું છે કારણ કે તેનામાં ધીરજનો અભાવ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK