વડીલોને એકબીજા માટે ફરિયાદો અને અસંતોષ હતાં છતાં તેમણે પોતાનાં પાત્રોને તેમની તમામ મર્યાદા સાથે સ્વીકાર્યાં, પડ્યું પાનું નિભાવીને જીવનભર સહન કર્યું; કારણ કે એ દંપતીઓ માટે તેમના પર્સનલ ઈગો ને જરૂરિયાત કરતાં તેમના કુટુંબની આબરૂનું મૂલ્ય વધુ હતું
લાફ લાઈન
પ્રતીકાત્મક તસવીર
હિમાદાદાનાં ધર્મપત્ની શાંતિકાકી અમારી સોસાયટીનું ઍન્ટિક નઝરાણું છે. આ બન્ને દંપતીનો દીકરો પરસોતમ લંડનમાં વેલ-સેટ છે. બીજું આંયા કોઈ આગળ-પાછળ છે નહીં, એટલે આ બેઉ માણાં આખા ગામ, ગુજરાત ને વિશ્વની ઘટનાઓની આગળપાછળ ફેરફુદરડી ફર્યા કરે.
દરેક સવાલના શાંતિકાકી પાસે પોતીકા ઉત્તર હોય ને શાંતિકાકી કરતાં ડબલ હિમાદાદા પાસે એના જવાબો હોય છે. શાંતિકાકી ‘મિસ વર્લ્ડ’નો અર્થ એવો કરે કે જેને આખું વર્લ્ડ મિસ કરે એ મિસ વર્લ્ડ. કાકી માટે ફિક્સિંગ ને બૉક્સિંગ બેય સરખાં. તેમના મતે બૉક્સિંગમાં એક જ જણ ધુંબો સહન કરે ને ફિક્સિંગમાં બધા જણ કરોડોને ધુંબો મારે! શાંતિકાકી દેખાવે દેશી પણ વિચારે વિદેશી.
ADVERTISEMENT
સાવરણી અને વેલણ એ શાંતિકાકીનાં શસ્ત્રો. પોતાના ઘરમાં શું રસોઈ બનાવવી એના કરતાં કાકીને આજુબાજુવાળીઓએ શું-શું બનાવ્યું છે એની ખબર વધુ હોય. પોતાના ઘરે ભલે ને કોઈ ન આવતું હોય છતાં શેરીમાં કોના ઘરે કોણ આવ્યું ને કોણ કોની ન્યાં ગ્યું એ કાકીને ખબર જ હોય. શાંતિકાકી અમારી શેરીની જીવતીજાગતી ન્યુઝ ચૅનલ છે. નાની એવી વાતને એટલીબધી મોટી કરીને શેરીમાં રજૂ કરે જાણે આભ તૂટી પડે. કાકી પાસે શબ્દભંડોળ પાંચસો શબ્દોનું માંડ હશે, પરંતુ એનું ટર્નઓવર પાંચ હજાર શબ્દોનું!
શાંતિકાકીની કરકસર આખા ગામમાં વખણાય. કાકી સાબુ પણ ધોઈને વાપરે એવાં સ્વચ્છતાનાં આગ્રહી, ને કોરોના આવ્યા પછી નહાતાં પે’લાં પણ હાથપગ ધોઈને નહાવા જાય એટલાં શંકાશીલ. કાકીની કરકસર કદાચ ખુદ કરકસર કરતાં પણ વધુ અસરદાયક છે. વરસમાં એકાદ વાર હિમાદાદા ગાયત્રી યજ્ઞ કરે. કાકી યજ્ઞમાં કાકા સાથે બેસે તો ખરાં, પણ હવનકુંડના અગ્નિમાં કુકર મૂકીને ખીચડી ચડાવી લ્યે. હિમાદાદા ખિજાય તો તાડૂકીને કહી દે કે તમતમારે શ્લોક બોલોને! માતાજીને ખીચડી પકાવવામાં વાંધો નથી તો તમને શું વાંધો છે?
કાકીના આ યજ્ઞને હવે સોસાયટી ‘ખીચડી યજ્ઞ’થી જ સંબોધે છે.
અમારાં આ શાંતિકાકી પણ ક્યારેક-ક્યારેક ભોળાભાવે બહુ અઘરા સવાલ કરી નાખે. આ કપલ કદી લોકલ બસ સિવાય ગોંડલની બહાર નીકળતું નથી છતાં એ બેયને પ્લેનનાં ભાડાં વધે એની ઉપાધિ સતત હોય. એક દી કાકીએ મને પૂછેલું આપણા ગામમાં પોસ્ટમાસ્તર ટપાલ લઈ આવે, દૂધવાળો દૂધ લઈ આવે, શાકવાળો શાક લઈ આવે તો પછી આ ફાયરબ્રિગેડવાળા પાણી લઈને શું કામ આવે છે? એ પણ ‘ફાયર’ લઈને આવવો જોઈએને?!
શાંતિકાકીને મન મુંબઈમાં ‘દિલ્હીવાળી’ નથી થાતી આનું કારણ ઈ એ ‘મુમબઈ’ના અંગ્રેજી સ્પેલિંગમાં મોમ + બા + આઈ એમ ત્રણ ભાષાનો માતૃપ્રેમ સમાયેલો છે એટલે મુંબઈમાં સ્ત્રીઓનું સન્માન જળવાયું છે. જોકે એ પણ સત્ય છે કે હિમાદાદા અને શાંતિકાકી લગનના ફોટાના આલબમ સિવાય એક પણ વાતમાં સહમત નથી થ્યાં. હું આ બન્ને વડીલોના અગત્યના બિનજરૂરી સવાલોના જવાબો આપવા કરતાં તેમને સામા સવાલો કરીને એ લોકને એના સવાલો ભુલાવી નાખું છું.
મેં હમણાં એક દી શાંતિકાકીને પૂછેલું કે તમારાં લગન વખતે હિમાદાદાને વિશ કરવા કેટલા લોકો આવેલા? કાકીએ દાઢમાંથી જવાબ આપ્યો કે ‘ચાર-પાંચ જણે અભિનંદન આપેલાં અને આખી સોસાયટીએ તારા કાકાનો લગ્ન કરી લેવા બદલ આભાર માનેલો.’
જોકે એક વડીલ ઉંમરની પેઢીના જમાનામાં કન્યા જોવા જાવાની સિસ્ટમ નહોતી ને એટલે જ હું કાયમ ફરી-ફરીને ડાયરામાં કહેતો હોઉં છું કે કૂવામાં પડવું જ છે પછી એની ઊંડાઈ માપવાની જરૂર શું?
એક જમાનામાં ઘરની ગૃહલક્ષ્મી કોને બનાવવી એ મા-બાપ અને પરિવારજનો નક્કી કરતા. એવા ઘણા મુરબ્બીઓ અટાણે કદાચ આ વાંચતા પણ હશે કે જેમણે ‘સુહાગરાતે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે એને ખબર પડી કે આ આપણું નસીબ...!’ મારી આખી વાતનો મૉરલ ઑફ સ્ટોરી એ છે કે એ વડીલોને પણ એકબીજાં માટે ફરિયાદો અને અસંતોષ હતાં છતાં તેમણે પોતાનાં પાત્રોને તેમની તમામ મર્યાદા સાથે સ્વીકાર્યાં. પડ્યું પાનું નિભાવીને જીવનભર સહન કર્યું, કારણ કે એ દંપતીઓ માટે તેમના પર્સનલ ઈગો ને જરૂરિયાત કરતાં તેમના કુટુંબની આબરૂનું મૂલ્ય વધુ હતું. એ માટે એ લોકોએ આજીવન ભરણપોષણના કેસ નથી કર્યા. આપણા અભણ વડીલોની કુટુંબ માટેની નૈતિક જવાબદારી અને સમજદારીને સલામ! આપણે અટાણે ખૂબ ભણ્યા, પોતાની રીતે પાત્રો સિલેક્ટ કરીને પરિણામો શું લાવ્યા? ડિવૉર્સના લાખો કેસ કોર્ટમાં સડી રહ્યા છે. કરોડો વ્યથિત પુરુષ અને સ્ત્રીઓનાં જીવન લગ્નમાં ભંગાણ પડવાથી નર્ક જેવાં થઈ ગયાં છે.
સગાઈ ટાણે દરેક પરિવાર એવું જ ગામને કહે છે કે ‘અમારે જોતું’તું એવું મળી ગયું.’ આ તો વહુ માથાફરેલી નીકળે પછી જ કુટુંબને ખબર પડે છે કે આ નમણું નાગરવેલ જેવું ચીભડું વાડને ગળી ગયું. સગાઈ પછી વૉટ્સઍપમાં લાંબી-લાંબી કવિતાઓ જેને લખી હોય એના ઉપર પછી વધુમાં વધુ ‘કોર્ટની કલમો’ લાગે એવા પ્રયત્નો શરૂ થાય છે. જેની યાદમાં ઉજાગરા કર્યા હોય છે એના નામ પર જ આબરૂના ધજાગરા થાય છે. જેના માટે રોયા હોય એની પાછળ રોવાનો સમય અચાનક આવી જાય.
જેને દિલની અગણિત લાગણીઓથી દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એના ઘરમાંથી જ કરિયાવરની વસ્તુઓ ગોતી-ગોતીને ગણીને લઈ જવામાં આવે..! છેડાછેડી અને છૂટાછેડામાં હાર્ડ્લી બે-ત્રણ માત્રાનો જ તફાવત છે. પરંતુ છેડાછેડીથી છૂટાછેડા સુધીની યાત્રા બહુ દર્દનાક હોય છે. જાણે કે કોઈ ડૉક્ટર ઍનેસ્થેસિયા વગર તમારું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કે બાયપાસનું ઑપરેશન કરી રહ્યો છે. ‘ડિવૉર્સ’ આપણી સુધરેલી પેઢીની બાયપ્રોડક્ટ છે. આવો, આપણે ધીરજ વધારીએ. પરિવાર માટે કમાવું જેટલું મહત્ત્વનું છે એટલું જ જતું કરીને સહન કરવું પણ મહત્ત્વનું છે.
કારણ કે પહેલાં દીવાલોમાં ઘર હતાં. હવે ઘર વચ્ચે દીવાલો છે, આપણને સગા ભાઈ કરતાં વધુ સાળાની ફિકર છે. સગી બહેન કરતાં ‘સાળી’ વધુ સચવાઈ રહી છે. પરિવારની ભાવના પૈસાની આ દોડમાં દફન થઈ ચૂકી છે. પહેલાં આપણે મા-બાપ સાથે રહેતાં હતાં, હવે મા—બાપ આપણી સાથે રહેવા લાગ્યાં છે. શું આ વિકાસ છે? કે વિનાશ તરફનો વિકાસ છે?
દોસ્તો, આ પ્રગતિ નથી, પરગતિ છે!