Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણે પરોપકારની ભાવનાથી દાન કરીએ છીએ કે નામ, પ્રસિદ્ધિ અને વાહવાહીની ભાવનાથી?

આપણે પરોપકારની ભાવનાથી દાન કરીએ છીએ કે નામ, પ્રસિદ્ધિ અને વાહવાહીની ભાવનાથી?

Published : 16 September, 2026 06:12 PM | Modified : 16 September, 2026 06:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાનનો સાચો હેતુ નામ, પ્રસિદ્ધિ કે સન્માન મેળવવાનો નહીં, પરંતુ કોઈના જીવનમાં સુખ વધારવાનો છે. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે નિઃસ્વાર્થ દાન, સેવા, પરોપકાર અને કૃતજ્ઞતાનું મહત્ત્વ સમજાવ્યું.

દાનનો સાચો અર્થ

PoV

દાનનો સાચો અર્થ


આપણે મેળવવાની દોડમાં દોડતા રહીએ છીએ. વધુ જોઈએ, વધુ મળે, વધુ ભેગું થાય. જોકે ક્યારેક પોતાને એક પ્રશ્ન પૂછ્યો છે કે ‘મેં આપ્યું છે કેટલું?’ કુદરતનો એક નિયમ છે કે આપનારને ક્યારેય ઘટતું નથી, પરંતુ આપવાના પણ નિયમો છે. દીધા બાદ નામ કે પ્રસિદ્ધિ ન હોવી જોઈએ અને લીધા બાદ ઉપકારભાવ જતાવવાનું ભૂલવું ન જોઈએ. આધ્યાત્મિક શબ્દોમાં કહું તો દેતી વખતે અપરિગ્રહતા એટલે નિઃસ્વાર્થતા રાખવી અને લેતી વખતે કૃતજ્ઞતા એટલે ઉપકારભાવના રાખવી. આ બે સિદ્ધાંતોને હું મારા જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરું છું અને આ સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા પછી મળેલા અનુભવોએ મારા આ વિશ્વાસને વધુ ને વધુ દૃઢ બનાવ્યો છે.
પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે દાનના મહિમાને કેન્દ્રમાં રાખીને આપેલા પ્રવચનમાં આ જ ભાવનાને સુંદર રીતે સ્પર્શી હતી. તેમણે કહ્યું હતું કે ‘ધર્મની શરૂઆત ફક્ત હાથ જોડવાથી નથી થતી, કોઈના કલ્યાણ માટે હાથ લંબાવવાથી થાય છે.’ ગુરુદેવે કરેલી આ વાત જેટલી સરળ છે એનો અર્થ એટલો જ ઊંડો છે. ધર્મ માત્ર મંદિર સુધી પહોંચવામાં નથી, માત્ર પ્રાર્થના કરવામાં નથી અને માત્ર હાથ જોડવામાં પણ નથી. ધર્મનો સાચો આરંભ ત્યારે થાય છે જ્યારે કોઈનું દુઃખ જોઈને મદદ માટે હાથ લંબાવીએ, કોઈની જરૂરિયાતને સમજીને તેના જીવનમાં ઉપયોગી બનીએ અને કોઈના કલ્યાણ માટે આપણી પાસેનું થોડુંક છોડવાની ભાવના રાખીએ કારણ કે સાચો ધર્મ માત્ર પૂજામાં નહીં; પરોપકાર, સેવા અને સંવેદનામાં પ્રગટે છે.
પરમ ગુરુદેવે દાનના સંદર્ભમાં ૩ શબ્દો ‘ના-દાન’, ‘મે-દાન’ અને ‘દાનવીર’ની સુંદર સમજ આપી હતી. જે વ્યક્તિ દાન જ નથી કરતી તે ‘ના-દાન’; જે દાન કરે છે પરંતુ ‘આ દાન મેં કર્યું છે’ એવી પ્રસિદ્ધિની ખેવના રાખે છે તે ‘મે-દાન’; જ્યારે જે વ્યક્તિ દાન કરીને પણ પોતાના નામની અપેક્ષા રાખતી નથી અને આપેલું દાન યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય રીતે ઉપયોગમાં આવે એની કાળજી રાખે છે તે સાચો ‘દાનવીર’. આપણે આજે આત્મચિંતન કરવાની જરૂર છે કે શું આપણે પરોપકારની ભાવનાથી દાન કરીએ છીએ કે નામ, પ્રસિદ્ધિ અને વાહ-વાહીની ભાવનાથી?
આજકાલ મોટા ભાગના લોકોને દાન બાદ નામ બોલાય, વાહ-વાહ થાય, સન્માન મળે, મંચ પર બેસાડવામાં આવે, તકતી પર નામ લખાય આ બધામાં વધુ રસ જોવા મળે છે. સમાજમાં પણ જાણે પ્રથા પડી ગઈ છે કે દાન આપનારની વાહ-વાહ કરવી જ જોઈએ. આ પ્રથા ઊભી કરવામાં એવા કેટલાક લોકોનો ફાળો છે જેમને દાન આપીને લોકકલ્યાણ કરવા કરતાં પોતાની જાતને ‘દાનવીર’ કહેવડાવવામાં વધુ રસ હોય છે. બીજી તરફ કેટલાક સામાજિક કાર્યકરો પણ દાન આપનારની સતત સ્તુતિ કરતા રહે છે. પરિણામે દાનની સાથે પ્રસિદ્ધિ જોડાતી ગઈ અને ધીમે-ધીમે દાન કરતાં દાનનું પ્રદર્શન વધુ મહત્વનું બની ગયું છે.
પરમ નમ્રમુનિ ગુરુદેવે જણાવ્યું હતું કે દાન આપ્યા બાદ મળનારા પુણ્યના બે પ્રકાર છે. નિઃસ્વાર્થભાવે અને પ્રસિદ્ધિની લાલસા વિના આપેલા દાનથી મળતા પુણ્યને ‘પુણ્યાનુબંધી પુણ્ય’ કહેવાય છે જે તમારા પુણ્યકર્મનો ઉદય કરાવે છે. આ પુણ્યનો ઉદય થાય છે ત્યારે વ્યક્તિને કુદરતી રીતે સતત મળતું રહે છે અને તેની અંદર વધુ ને વધુ દાન કરવાની, સેવા કરવાની અને પરોપકાર કરવાની ભાવના જાગતી રહે છે.
બીજી તરફ નામ કે નામના પ્રચારની લાલસા રાખીને કરેલા દાનથી મળતા પુણ્યને ‘પાપાનુબંધી પુણ્ય’ કહેવાય છે અને આ પુણ્યને ભોગવતી વખતે વ્યક્તિ નવાં પાપકર્મોનું બંધન કરે છે. મારી દૃષ્ટિએ તો આ પાપાનુબંધી પુણ્ય ‘ઝેર ભળેલા લાડુ’ જેવું છે. લાડુ ગળ્યો છે એટલે ખાતી વખતે ભલે મજા આવે, પરંતુ અંતે એ મીઠાશ વિનાશનું કારણ બને છે. એ જ રીતે દાન કરીને મળેલી વાહ-વાહ, સન્માન અને પ્રસિદ્ધિ ક્ષણિક આનંદ આપી શકે; પરંતુ જો એની પાછળ નામની લાલસા અને પ્રસિદ્ધિની અપેક્ષા છુપાયેલી હોય તો એ પુણ્ય નવા કર્મબંધનનું કારણ બની શકે છે.
સાચા જ્ઞાની હંમેશાં ‘પુણ્યાનુબંધી પુણ્ય’ની જ કામના કરે છે. એવું પુણ્ય જેમાં મળેલા પુણ્યનો ઉપયોગ ધર્મ, સેવા અને પરોપકારમાં થાય. પરિણામે ભવિષ્યમાં પણ પુણ્યનું જ ભાથું બંધાતું રહે. એટલે દાનનો હેતુ પ્રસિદ્ધિ, સન્માન કે પોતાનું નામ મોટું કરવું ન હોવું જોઈએ; દાનનો હેતુ એટલો જ હોવો જોઈએ કે કોઈના જીવનમાં થોડું સુખ વધે, કોઈનું દુઃખ થોડું ઓછું થાય અને આપણી અંદરની સેવા તથા પરોપકારની ભાવના સતત વધતી રહે.
હવે તમે કદાચ કહેશો કે નાના માણસો બિચારા શું દાન કરી શકવાના? પરંતુ હું એટલું જરૂર કહીશ કે પરોપકારની ભાવના જગાડવા માટે મોટી રકમની નહીં, મોટા હૃદયની જરૂર છે. જો મોટું કંઈ ન કરી શકો તો અઠવાડિયામાં માત્ર એક દિવસ ઘરે બનાવેલી રસોઈ કોઈ વયોવૃદ્ધ, એકલા રહેતા વડીલ, દિવ્યાંગજન, મજૂર કે આર્થિક સંઘર્ષ કરી રહેલા કોઈ જરૂરિયાતમંદને જમાડજો. કદાચ એના બદલામાં તમને નામ, સન્માન કે પુરસ્કાર નહીં મળે; પરંતુ એટલું ચોક્કસ છે કે કોઈ ભૂખ્યા માણસનું પેટ ભરાશે, તેના ચહેરા પર સંતોષનું સ્મિત આવશે અને તેના હૃદયમાંથી તમારા માટે આશીર્વાદ જરૂર નીકળશે.
કોઈ મોટું દાન કરવું શક્ય ન હોય તો રોજ માત્ર એક રૂપિયાથી દાનની શરૂઆત કરી શકાય. રકમની દૃષ્ટિએ એક રૂપિયો ભલે નાનો લાગે, પરંતુ દાનમાં રકમ કરતાં અર્પણની ભાવના વધુ મહત્ત્વની છે. રોજનો માત્ર એક રૂપિયો પણ આપણી અંદર એવી યાત્રાની શરૂઆત કરી શકે છે જે આપણને ધીમે-ધીમે ‘મારું’માંથી ‘આપણું’ તરફ લઈ જાય છે. માત્ર બીજાઓ પાસેથી મેળવવાની અને પોતાની પાસે જે છે એનો ઉપભોગ કરવાની ભાવના છોડીને આપણી પાસે જે છે, જેટલું છે એમાંથી વધુ નહીં તો ફક્ત એક ટકો કોઈના કલ્યાણ માટે આપવાની ભાવના રાખીએ; કારણ કે જીવનનું સાચું સૌંદર્ય મેળવવામાં નહીં, વહેંચવામાં છે.

અંતિમ વિચાર



દાનનું સાચું મૂલ્ય રકમમાં નહીં, એની પાછળ રહેલી નિઃસ્વાર્થ ભાવનામાં છે. દાન સાથે નામ, પ્રસિદ્ધિ કે સન્માનની અપેક્ષા રાખવાને બદલે કોઈના જીવનમાં સુખ અને રાહત વધે એ જ હેતુ હોવો જોઈએ. મોટી રકમ ન હોય તો પણ પોતાની ક્ષમતા મુજબ થોડુંક આપવાની શરૂઆત કરી શકાય, કારણ કે નિઃસ્વાર્થ દાન આપણને ‘મારું’માંથી ‘આપણું’ તરફ લઈ જાય છે.


-રાજેશ ચાવડા


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK