Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અંધશ્રદ્ધાને ખોતરશો ત્યારે પાકી શ્રદ્ધા નીકળે

અંધશ્રદ્ધાને ખોતરશો ત્યારે પાકી શ્રદ્ધા નીકળે

Published : 23 July, 2026 07:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશિયલ મીડિયા પર ફરતા ધાર્મિક સંદેશાઓને આંખ મીંચીને સાચા માની લેવાને બદલે સત્યની શોધ કરવી જરૂરી છે. પ્રશ્નો પૂછવા, તર્ક કરવા અને સમજ્યા પછી જન્મેલી શ્રદ્ધા જ સાચી અને અતૂટ શ્રદ્ધા બની શકે છે.

વિરલ ટોળિયા

વિરલ ટોળિયા


રોજ સવારે સોશ્યલ મીડિયા કે વૉટ્સઍપ ખોલો એટલે સુવિચારો અને ભગવાનના નામે મોકલેલાં ક્વોટ્સનો રાફડો ફાટેલો જોવા મળે છે અને વણલખ્યો નિયમ એવો કે તમારે વગર વિચાર્યે એમાં શ્રદ્ધા રાખવાની જ. જો ભૂલથી પણ તમે કોઈ આવા ખોટા કે વગર સંદર્ભના કથનનો વિરોધ કરો તો સામેથી તરત જ લેબલ લગાડી દેવામાં આવશે કે તમારામાં તો હાફ નૉલેજ છે. હવે સવાલ એ થાય કે જેણે ફૉર્વર્ડ કરેલા મેસેજમાં પોતે જ કંઈ ચકાસ્યું નથી તે ભગવાનનાં નામે બે વાક્યો મૂકી દે એટલે રાતોરાત ત્રિકાળજ્ઞાની થઈ ગયો?
અત્યારે ભગવાન કે શાસ્ત્રોના નામે મોકલાતાં મોટા ભાગનાં અવતરણોનો કોઈ શાસ્ત્રીય, વૈદિક કે ગ્રંથસ્થ સંદર્ભ હોતો જ નથી; પરંતુ જો તમે સત્ય શોધવાની કોશિશ કરો કે કોઈ નવો વિચાર રજૂ કરો તો તમને જ્ઞાન વગરના ગણાવી દેવાય છે. સાચી દલીલ કે ઊંડા જ્ઞાનના અભાવે લોકો માટે આ એક સરળ રસ્તો બની ગયો છે આવું કહીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દેવું.
ખરેખર તો આપણે જે સાંભળ્યું કે વાંચ્યું એને જ ૧૦૦ ટકા અંતિમ સત્ય માની લઈએ ત્યારે શ્રદ્ધા જન્મે તો છે, પણ એનો પાયો સાવ નબળો હોય છે કારણ કે એવી આંધળી શ્રદ્ધામાં કોઈ ઊંડાઈ કે ખરાઈ હોતી નથી. માણસ એક બુદ્ધિશાળી પ્રાણી છે તો તેના મનમાં સવાલો થાય એ સ્વાભાવિક છે, પરંતુ આપણે મોટા ભાગે મનમાં ઊઠતા વિચારો કે શંકાઓનું સમાધાન કરવાની તસદી જ લેતા નથી.
રામાયણ હોય, મહાભારત હોય કે જૈન ગ્રંથો - એના પ્રત્યેક પ્રસંગની ગહન ચર્ચા એના મર્મજ્ઞો સાથે થવી જોઈએ. જ્યાં સુધી મનમાં ઉત્પન્ન થતા દરેક તર્કનું સંપૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી સામા સવાલો કરતા રહેવું જોઈએ અને જ્યારે મનના તમામ સંશયો શાંત થઈ જશે ત્યારે જે જાગ્રત થશે એ હશે ‘અતૂટ શ્રદ્ધા’. આ શ્રદ્ધા એટલી મજબૂત હશે કે કોઈની પણ દલીલો એને ડગાવી નહીં શકે, કારણ કે તમે મનના દરેક પક્ષની ચકાસણી જાતે કરી લીધી છે.
ઘણી વાર એવું પણ બને કે વાંચન કે જ્ઞાનીઓ સાથેની ચર્ચા પછી પણ મનના પ્રશ્નોનો ઉકેલ ન મળે. છતાં સમાજના કે કુટુંબના ગાડરિયા પ્રવાહમાં જોડાયેલા રહેવું પડે કે કોઈ પ્રથા પાળવી પડે તો પણ હિંમત રાખીને સમજવું કે એમાં ખોટી શ્રદ્ધા રાખવાની જરૂર નથી કારણ કે મન વગર, માત્ર ડર કે દબાણમાં આવીને કરવામાં આવતી ગોખેલી ક્રિયા એ શ્રદ્ધા નથી માત્ર એક કામ છે અને શ્રદ્ધા વગરની ક્રિયામાંથી ક્યારેય ઉત્કૃષ્ટ પરિણામ ન મળી શકે, પછી એ ધર્મ હોય કે બિઝનેસ.
સત્યની શોધ માટેનું પહેલું પગથિયું જ અંધશ્રદ્ધાને પડકારવાનું છે. અંધશ્રદ્ધાને ખોતરશો ત્યારે જ સાચી શ્રદ્ધાનો જન્મ થશે અને જે કાર્ય પાકી શ્રદ્ધા સાથે થશે એ કાર્ય જ ભક્તિ બની જશે. શ્રદ્ધા જેટલી મજબૂત, પરિણામ પણ એટલું જ સર્વોચ્ચ.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK