Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઊંઝાનાં જીરું અને વરિયાળીની તો કંઈ વાત થાય

ઊંઝાનાં જીરું અને વરિયાળીની તો કંઈ વાત થાય

Published : 26 July, 2026 03:12 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

કચ્છ, સૌરાષ્ટ્ર તેમ જ છેક રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી પણ મસાલા વેચવા આવે છે વેપારીઓ : નવી મુંબઈના વેપારીઓ પણ અહીંથી મગાવે છે જીરું-વરિયાળી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઊંઝાનાં જીરું અને વરિયાળી ઑલરેડી જગવિખ્યાત છે, પણ હવે એને GI ટૅગ મળ્યો છે એટલે હવે ઊંઝાના નામે નકલી માલ નહીં વેચાય. જીરું-વરિયાળી સહિતના મસાલાનું વર્ષેદહાડે ૮૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી ઊંઝા APMCના વેપારને હવે વધુ બૂસ્ટ મળશે : ઊંઝામાં માત્ર ઉત્તર ગુજરાત જ નહીં; કચ્છ, સૌરાષ્ટ્ર તેમ જ છેક રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી પણ મસાલા વેચવા આવે છે વેપારીઓ : નવી મુંબઈના વેપારીઓ પણ અહીંથી મગાવે છે જીરું-વરિયાળી

ઊંઝાનું નામ પડતાં જ કોઈ પણ ગૃહિણીના મોઢે ઝટ દઈને જીરું અને વરિયાળીનું નામ અવશ્ય આવી જાય. આ જીરું-વરિયાળીને કારણે ઊંઝા વિશ્વવિખ્યાત તો પહેલેથી જ છે, પણ સોનામાં સુગંધ ભળે અને ગર્વ લઈ શકાય એવી વાત એ બની છે કે ઊંઝાનાં જીરું અને વરિયાળીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. એને પગલે માત્ર ઊંઝાનાં જીરું અને વરિયાળીને ઊંઝાના નામ સાથે વેચી શકશે, બીજે ક્યાંયનાં જીરું-વરિયાળીને ઊંઝાનું નામ વાપરીને વેપારીઓ કોઈને છેતરી નહીં શકે. આ અવસરે સ્વાદ અને સુગંધમાં બેનમૂન તેમ જ સ્વાસ્થ્ય માટે ગુણકારી એવાં ગુણવત્તાસભર ઊંઝાનાં જીરું અને વરિયાળીની રસપ્રદ બાબતો જાણીએ.



મંડીઓની મંડી ઊંઝા


ઉત્તર ગુજરાતમાં આવેલું ઊંઝા બે બાબતોને કારણે જગવિખ્યાત છે. એક તો ઉમિયા માતાજીનું મંદિર. અહીં પાટીદારો સહિત કરોડો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા અને શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. બીજું, જીરું-વરિયાળીને કારણે વિશ્વભરમાં ઊંઝાનો ડંકો વાગે છે. જો તમે ઊંઝા હાઇવે પરથી પસાર થાઓ તો તરત જ જીરું અને વરિયાળીની સુગંધ આવશે જ. ઊંઝા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ચૅરમૅન દિનેશ પટેલ ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહે છે, ‘ઊંઝાનાં જીરું-વરિયાળીને GI ટૅગ મળ્યો એ અમારા બધા માટે ખૂબ જ આનંદદાયક વાત છે. લગભગ જ્યારથી રેવન્યુ સિસ્ટમ આવી ત્યારથી જીરું-વરિયાળી શરૂ થયાં. ઉતારામાં જીરું-વરિયાળી વવાતાં એનો ઉલ્લેખ છે. આજનો નહીં પણ ૨૦૦–૩૦૦ વર્ષ પહેલાંનો રેકૉર્ડ છે અને એમાં ઉલ્લેખ છે. ખેતરોમાંથી જીરું-વરિયાળી આવે એટલે પહેલાં હાથથી સાફ થતું અને પછી બહાર મોકલતા. જોકે ઊંઝા એવા લોકેશન પર છે જ્યાંથી રેલવે પાસ થાય છે, હાઇવે પાસ થાય છે, મુંદ્રા કંડલા પોર્ટ નજીક પડે છે એટલે દિલ્હી, મુંબઈ સહિતનાં સ્થળોએ માલ મોકલવામાં સરળતા બની રહી છે. ઊંઝાની આજુબાજુના વિસ્તારોમાં પાક વધતો ગયો, પ્રોડક્શન વધતું ગયું, સામે ખપત વધતી ગઈ અને ઊંઝા એક સેન્ટર બની ગયું. આજે તો આખું ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમ જ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાંથી પણ લોકો જીરું-વરિયાળી સહિતના મસાલા વેચવા અહીં આવે છે. અહીંથી જેસલમેર લગભગ ૮૦૦ કિલોમીટર દૂર થાય છતાં ત્યાંથી વેપારીઓ તેમનો માલ વેચવા ઊંઝા આવે છે. ઊંઝામાં ગમે એટલો માલ આવ્યો હોય તો પણ સેમ ડેએ વેચાઈ જાય છે, ઑક્શન થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પણ અહીં વેપારીઓ માલ વેચવા આવે છે. ઊંઝા તો મંડીઓની મંડી છે. અહીં નાનું APMC નથી કે આજુબાજુના પચીસ કે પચાસ કિલોમીટરનો જ પાક આવે. આ મંડી બંધ થાય તો બીજી ૫૦ મંડી બંધ થાય.’

૮૦૦૦ કરોડનું ટર્નઓવર


એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ ઊંઝા કહેવાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ રોજનો લાખો-કરોડોનો બિઝનેસ અહીંથી થઈ રહ્યો છે એ વિશે વાત કરતાં દિનેશ પટેલ કહે છે, ‘APMCમાં ૮૦૦થી ૮૫૦ જેટલા કમિશન એજન્ટ છે અને એટલા જ ટ્રેડર્સ છે. જીરું-વરિયાળી સહિતના મસાલાઓનો અહીં વેપાર થાય છે. જીરું-વરિયાળી સાથે બધું મળીને વર્ષેદહાડે લગભગ ૮૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. અહીંથી આખા વિશ્વમાં ગુણવત્તાવાળાં જીરું-વરિયાળી જાય છે. એવી ક્વૉલિટી મેઇન્ટેઇન થાય છે કે નવી મુંબઈના વેપારીઓ પણ અહીંથી જ જીરું-વરિયાળી મગાવે છે. ક્વૉલિટીને કારણે અહીંનાં જીરું અને વરિયાળી ફેમસ છે.’

જીરાની પાંચ જાત, વરિયાળીની ચોમાસા-શિયાળા માટે ત્રણ-ત્રણ જાત

કોઈ પણ ચીજવસ્તુમાં એની ગુણવત્તા મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે જીરું-વરિયાળીની ગુણવત્તા વિશે વાત કરતાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બીજ મસાલા સંશોધન કેન્દ્રના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. પી. જે. પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘પાકની ઓરિજિનલ શરૂઆત થઈ હોય એ વખતની એની ગુણવત્તા સારી હોય, સુગંધ સારી હોય, ઑઇલની ટકાવારી વધુ હોય એ રીત ગુણવત્તાના માપદંડ છે અને ઊંઝાનાં જીરું-વરિયાળીની ગુણવત્તા સારી છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં ઊંઝાના એક-બે વેપારી ક્યાંક વિદેશ ગયા હતા. ત્યાંથી જીરું લાવીને અહીં વેપાર શરૂ કર્યો હતો. જીરું-વરિયાળીના પાકમાં એરિયાવાઇઝ એની ગુણવત્તામાં ફરક પડે, તફાવત આવે. જીરું તમે ઊંઝા આસપાસ વાવો અને એનું એ જીરું સૌરાષ્ટ્ર કે બીજી જગ્યાએ વાવો તો એની ગુણવત્તામાં થોડો તફાવત આવે. માટી અને વાતાવરણ પણ ભાગ ભજવે છે. એકલી માટીનો સવાલ નથી. ક્લાઇમેટ પણ પાકની ગુણવત્તામાં ભાગ ભજવે છે. સુગંધ, સાઇઝ અને કલર દેખાઈ આવે અને એમાં ફેર પડે એ દેખાઈ આવે છે.’ જીરું અને વરિયાળી વર્ષોથી લેવાતા પાક છે ત્યારે એમાં નવી-નવી જાતોનાં સંશોધનો પણ થાય છે. આ મુદ્દે ડૉ. પી. જે. પટેલ કહે છે, ‘અમે વધુ ઉત્પાદન આપતી નવી-નવી જાતો શોધીએ છીએ. અમુક વર્ષ થઈ જાય એટલે એ જાતમાં ઉત્પાદન ઘટે છે. એટલે અમે નવું સંશોધન કરી, અલગ-અલગ જગ્યાએ છોડ તારવીને વધુ ઉત્પાદન આપતી, રોગ અને જીવાતો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો અને ટેક્નૉલૉજી વિકસાવીએ છીએ. જીરુંમાં કાળિયો મેઇન રોગ છે. એ આખું જીરું સાફ કરી નાખે. એ ન થાય એ માટે ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપીએ છીએ, મિક્સ પાક વાવવા માટે વાત કરીએ છીએ. ચાર લાઇન જીરાની વાવો અને એક લાઇન અજમાની વાવો. એમ અલગ-અલગ જાતો અને ટેક્નૉલૉજી અપનાવવા માટે કહીએ છીએ જેથી ખેડૂતોને નુકસાન ન જાય. અમે ગુજરાત જીરું વન, ગુજરાત જીરું ટૂ એમ કુલ પાંચ જાત જીરાની વિકસાવી છે. આ તમામ ભારત સરકારમાં રજિસ્ટર થઈ છે. ૧૦-૧૫ વર્ષે એક જાત બહાર પડે છે. વરિયાળી ચોમાસા માટેની ૩ જાત અને વરિયાળી શિયાળા માટે ૩ જાત વિકસાવી છે. ગુજરાત વરિયાળી એક, બે અને ત્રણ એ ચોમાસા માટે; જ્યારે ગુજરાત વરિયાળી ૧૧, ૧૨ અને ૧૩ શિયાળા માટેની જાત વિકસાવી છે. એમાં ગુજરાત વરિયાળી ૧૨ જાત છે એ શિયાળો અને ચોમાસું બન્નેમાં ચાલે છે. જીરું અને વરિયાળીનો પાક વર્ષમાં એક વાર લેવાય છે. ચાર-પાંચ વર્ષે નવી જાત મળી જાય તો બહાર પાડીએ છીએ. એક જાત મળે પછી પાંચ-છ સ્થળે ટ્રાયલ કરીએ છીએ. એમાંથી વધુ ઉત્પાદન આપતી જાત પસંદ કરીને એનું બિયારણ પેદા કરીએ છીએ અને એ પ્યૉર રહે એ માટે એનું મેઇન્ટેનન્સ કરી છીએ.’

મબલક ઉત્પાદન

કોઈ પણ વસ્તુ જ્યાંની પણ જાણીતી હોય એટલે સ્વાભાવિક રીતે એ ત્યાં બનતી હોય એમ જીરું-વરિયાળીનું મબલક ઉત્પાદન પણ ઊંઝા સહિત મહેસાણા જિલ્લામાં થાય છે. આ મુદ્દે વાત કરતાં મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી (ઇન્ચાર્જ) શૈલેષ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘મૂળભૂત આ પાક મહેસાણા જિલ્લાનો છે. પછી બીજાં રાજ્યોમાં એ ગયો. મહેસાણા જિલ્લામાં જીરું-વરિયાળીના છેલ્લાં ૩ વર્ષના પ્રોડક્શનની ઍવરેજ જોઈએ તો ૩૮૪૯ હેક્ટરમાં વર્ષે વરિયાળીનું ૫૭૮૮ ટન ઉત્પાદન થયું છે. ૨૨૯ હેક્ટરમાં જીરુંનું ૧૭૧ ટન ઉત્પાદન થયું છે. જીરું અને વરિયાળીનો પાક મહેસાણા જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, કચ્છમાં થાય છે. ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ થોડું ઘણું થાય છે. એટલે ૩ વર્ષની ઍવરેજ જોઈએ તો ગુજરાતમાં ૭૩,૬૨૯ હેક્ટરમાં ૧,૨૨,૪૮૫ ટન વરિયાળીનું ઉત્પાદન થયું છે, જ્યારે ૩,૮૧,૫૭૫ હેક્ટરમાં ૨,૮૪,૮૩૭ ટન જીરાનું ઉત્પાદન થયું છે.’

પાક થયો શિફ્ટ

ખેડૂતમિત્રો સારી રીતે જાણે છે કે જુદા-જુદા પાકો વર્ષ દરમ્યાન લેતા હોઈએ ત્યારે એમાં જીવાત પડતી હોય છે કે રોગ પણ થતો હોય છે. એક સમયે ખાલી ઊંઝા પંથકમાં જીરુંનો પાક થતો, પણ આ પાક બીજા વિસ્તારોમાં પણ ફેલાયો એની પાછળનું કારણ જણાવતાં શૈલેષ પટેલ કહે છે, ‘મહેસાણા જિલ્લામાંથી જીરું ધીરે-ધીરે બીજા જિલ્લાઓમાં શિફ્ટ થતું ગયું. બાકી પહેલાં તો બહુ જ થતું હતું. હવે તો પાટણ તેમ જ સૌરાષ્ટ્રના અને રાજસ્થાનના ભાગોમાં શિફ્ટ થઈ ગયું એની પાછળનું કારણ એ છે કે જીરુંનું વાવેતર સતત બે-ત્રણ વર્ષ એના એ જ ખેતરમાં કરો તો પછી રોગ આવી જાય છે. એટલે ખેતર બદલવું પડે, નહીં તો જોખમ વધી જાય. જીરુંમાં કાળિયો રોગ થાય છે. એકની એક જમીનમાં વાવેતર કરો તો રોગિષ્ઠ છોડની રાખ જમીનમાં પડે અને એની ફૂગ જમીનમાં પ્રસરે. બીજા વર્ષે વાવો તો દાણા બેસવાના સમયે એ ઍક્ટિવ થાય અને આખો પાક ફેલ જાય. આ રોગ જમીનમાંથી અને હવાથી પણ ફેલાય છે. જીરાના પાકની ફેરબદલી કરવી પડે તો જમીનમાં વાંધો ન આવે. એટલે મૂળભૂત જીરું એ મહેસાણા જિલ્લાનો પાક છે પણ શિફ્ટ થયો છે.’

એશિયાનું સૌથી મોટું માર્કેટ

ટૉપ ક્વૉલિટી મેઇન્ટેઇન થતી હોવાથી આજે ઊંઝાનાં જીરું અને વરિયાળી દુનિયાભરમાં ફેમસ છે. ઊંઝામાં માત્ર જીરું અને વરિયાળીનું જ નહીં, બીજા મસાલાનું પણ મોટું માર્કેટ છે એ વિશે વાત કરતાં શૈલેષ પટેલ કહે છે, ‘ગુણવત્તાને કારણે ઊંઝાનાં જીરું-વરિયાળી વિખ્યાત છે. જોકે અહીં ઇસબગુલ, અજમો, સૂઆ, ધાણા સહિતના બીજા મસાલા પાકો પણ વેચાવા આવે છે એટલે ટર્નઓવરની રીતે, ક્વૉન્ટિટીની રીતે અને રૂપિયાની રીતે એશિયાનું સૌથી મોટું માર્કેટ છે.’

સપોર્ટિવ ફૅસિલિટીનો વિકાસ

ઊંઝાની આસપાસનાં ખેતરોમાં માત્ર જીરું અને વરિયાળી સહિતના પાકો લેવાય છે એટલું જ નહીં; આ વિસ્તારમાં જીરું-વરિયાળીની સાફસફાઈથી માંડીને પૅકિંગ વ્યવસ્થા, માલ એક્સપોર્ટ કરવા માટે ફૅક્ટરીઓ, પ્રોસેસિંગ પ્લાન્ટ સહિત અન્ય જરૂ‍રિયાત પ્રમાણેની સગવડો પણ ઊભી થઈ છે જેને કારણે અહીં રોજગારીના અવસરો મળી રહે છે. ઊંઝા APMCમાં જીરું-વરિયાળી સહિતના પાકોના ટ્રેડર્સ સુરેશ પટેલ ‘મિડ-ડે’ને કહે છે ‘ખેડૂતો માર્કેટમાં જીરું-વરિયાળી લઈને આવે એનું ઑક્શન થાય છે. આ માલ જે-તે વેપારી પાસે આવે એટલે એનું ક્લીનિંગ, ગ્રેડિંગ અને સૉર્ટિંગનું કામ થાય છે. માલના ગ્રેડિંગકામ, સફાઈકામ સહિતનાં કામો માટે ઊંઝાની આસપાસ ટ્રેડર્સોએ પોતાની ફૅસિલિટી ઊભી કરી છે. ઊંઝા APMC એ લાર્જેસ્ટ મસાલા માર્કેટ છે. ગુણવત્તાવાળો માલ અહીં આવે છે. એટલે ઊંઝા APMCમાંથી જીરું અને વરિયાળીની લાખો બોરીઓ એક્સપોર્ટ થાય છે અને અહીં વેપાર-ધંધો વિકસ્યો છે.’

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 03:12 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK