Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દરેક વળાંક પર માર્ગ બદલવો જરૂરી નથી : રોકાણમાં ધીરજ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણનું મહત્ત્વ

દરેક વળાંક પર માર્ગ બદલવો જરૂરી નથી : રોકાણમાં ધીરજ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણનું મહત્ત્વ

Published : 14 June, 2026 06:11 PM | IST | Mumbai
Foram Shah | feedbackgmd@mid-day.com

અલબત્ત, રોકાણને સંપૂર્ણપણે અવગણવું યોગ્ય નથી. સમયાંતરે એની સમીક્ષા કરવી જરૂરી છે, જેથી પોર્ટફોલિયો વ્યક્તિનાં નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાતો સાથે સુસંગત રહે. ધીરજ, શિસ્ત અને લાંબા ગાળાનો અભિગમ જ સફળ રોકાણનો સૌથી મજબૂત આધાર હોય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના બે મિત્રો ઋષભ અને સચિને સપરિવાર મુંબઈથી ગોવાની રોડ-ટ્રિપનું આયોજન કર્યું. બન્નેએ પ્રવાસની સંપૂર્ણ તૈયારી કરી હતી અને નક્કી કર્યું હતું કે તેઓ બધા લગભગ બારથી ૧૫ કલાક બાદ ગોવામાં ભેગા થશે. મુસાફરી દરમ્યાન રસ્તામાં ટ્રાફિક, ડાઇવર્ઝન અને અન્ય સમસ્યાઓ નડી. ઋષભે માર્ગમાં ગૂગલ મૅપ્સ પર મળતી નવી સૂચનાઓ અને વિકલ્પોને અનુસરીને અનેક વખત પોતાનો રૂટ બદલ્યો, જ્યારે સચિને શરૂઆતમાં પસંદ કરેલા માર્ગ પર જ રહેવાનું નક્કી કર્યું. ગોવા પહોંચ્યા પછી બન્નેએ પોતાની મુસાફરીની તુલના કરી ત્યારે જાણવા મળ્યું કે સચિનની કારનું સરેરાશ માઇલેજ ઋષભ કરતાં વધુ સારું રહ્યું હતું. આ ઘટના રોકાણકારોને પણ એક મોટી શીખ આપે છે.
રોકાણની દુનિયામાં પણ ઘણા લોકો વારંવાર પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરતા રહે છે. બજારની વધઘટ, સમાચાર અથવા લોકોની સલાહના આધારે તેઓ રોકાણ કરે અને ઉપાડી લે એવું બનતું હોય છે. બીજી તરફ કેટલાક રોકાણકારો સધ્ધર અને વિશ્વસનીય કંપનીઓમાં લાંબા ગાળે રોકાણ કરીને રોકાણને વધવા માટે પૂરતો સમય આપે છે. 
તાજેતરનાં વર્ષોમાં પોર્ટફોલિયો રીબૅલેન્સિંગની ચર્ચા વધી છે. રીબૅલેન્સિંગનો અર્થ એ છે કે રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં વિવિધ ઍસેટ ક્લાસનું પ્રમાણ ફરીથી ગોઠવે. જોકે આ પદ્ધતિ દરેક સમયે ફાયદાકારક સાબિત થાય એવું જરૂરી નથી. ઘણી વખત રોકાણકારો સારું પ્રદર્શન કરતી ઍસેટ વેચીને નબળું પ્રદર્શન કરતી ઍસેટ ખરીદે છે. પરિણામે ભવિષ્યમાં વધુ વૃદ્ધિની સંભાવના ધરાવતી સંપત્તિમાંથી વહેલા બહાર નીકળી જવાની ભૂલ થઈ શકે છે.
વારંવાર રીબૅલેન્સિંગ ન કરવાના કેટલાક મોટા ફાયદા પણ છે. સૌથી મોટો ફાયદો કમ્પાઉન્ડિંગનો છે. જ્યારે કોઈ રોકાણ સતત વધતું રહે છે ત્યારે એના પર મળતું વળતર પણ આગળ વધીને નવી કમાણી પેદા કરે છે. લાંબા ગાળે આ પ્રક્રિયા સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
બીજો ફાયદો ખર્ચમાં ઘટાડાનો છે. દરેક ખરીદી અને વેચાણ સાથે બ્રોકરેજ, ફી અને અન્ય વ્યાવહારિક ખર્ચ જોડાયેલા હોય છે. સતત લેવડદેવડ આ ખર્ચ વધારી શકે છે. આ ઉપરાંત નફામાં રહેલી સંપત્તિ વેચવાથી કૅપિટલ ગેઇન ટૅક્સ પણ ચૂકવવો પડી શકે છે. જો રોકાણ લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે તો ટૅક્સની જવાબદારી પાછળ ઠેલાય છે અને રોકાણની રકમ વધુ સમય સુધી વૃદ્ધિ પામતી રહે છે.
આ ઉપરાંત ઓછા ફેરફારો કરવાથી લાગણીમાં તણાઈને નિર્ણયો લેવાનું પ્રમાણ પણ ઘટે છે. બજારની દૈનિક વધઘટ ઘણી વાર રોકાણકારોને ગભરાવી દે છે અને ઉતાવળે નિર્ણય લેવા પ્રેરિત કરે છે. લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ રાખી મૂકવાથી આવા નિર્ણયો ટાળી શકાય છે.
અલબત્ત, રોકાણને સંપૂર્ણપણે અવગણવું યોગ્ય નથી. સમયાંતરે એની સમીક્ષા કરવી જરૂરી છે, જેથી પોર્ટફોલિયો વ્યક્તિનાં નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાતો સાથે સુસંગત રહે. ધીરજ, શિસ્ત અને લાંબા ગાળાનો અભિગમ જ સફળ રોકાણનો સૌથી મજબૂત આધાર હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 06:11 PM IST | Mumbai | Foram Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK