બાહ્ય દુનિયામાં આપણે અઢળક લોકોને મળીએ છીએ, અને ૯૦ ટકા લોકો સાથે આપણને કામ હોય છે. જોકે કંઈ કામ વગર સાવ નકામી વાતો કરવા માટે તમે કોઈ અજાણી વ્યક્તિને મળ્યા છો? જો ના, તો ચોક્કસ મળી જોજો. તમારા માટે આ એક આહ્લાદક અનુભવ બની જશે એની ગૅરન્ટી
અજાણ્યાઓ સાથે જોડાણ
પાર્ટીઓ કરવી, બહાર જમવા જવું, ફિલ્મો જોવા જવી, શૉપિંગ કરવું, નાટકો જોવાં, મ્યુઝિકલ શોમાં જવું આ બધું જીવનમાં એક સમયે મારા માટે મજા હતી. હવે એ નૉર્મલ થઈ ગયું છે. હજી પણ મજા આવે છે આ બધામાં, પણ નવીન કશું લાગતું નથી. બધાની તો ખબર નથી પણ મારા જીવનમાં નવીનતા અત્યંત જરૂરી છે. એટલી હદે કે મારી રસોઈ ક્યારેય એકસરખી ન બને. ભલે હોય તુવેરની દાળ જ, પણ આજે એ જેવી બની એવી કાલે ન જ બને. થોડા દિવસ પહેલાં રવિવારે જીવનમાં નવીનતા લાવવાના પ્રયાસોમાં સોશ્યલ મીડિયા ફંગોળતી હતી ત્યારે એક ઇવેન્ટનું લિસ્ટિંગ જોયું. એમાં વર્સોવાના એક કૉફી હાઉસમાં દૈનિક જાદુગર નામની એક સંસ્થાએ ‘મિલેનિયલ સ્પેલ’ નામની ઇવેન્ટ યોજી હતી. કશું ખાસ સમજ્યા-વિચાર્યા વગર થયું કે બસ, ઘરની બહાર નીકળીએ એટલું ઘણું છે, વધુ નહીં તો એક ચા પીને આવતા રહીશું.
એ વિચારે અમે અહીં બેધડક પહોંચી ગયા. ત્યાં લગભગ ૧૮-૨૦ લોકો હતા, પણ એકેય જાણીતો ચહેરો નહોતો. અક્ષત સિંહ કૈન અને તેના બે મિત્રો મળીને આ નાનકડી ઇવેન્ટ ચલાવી રહ્યા હતા. અક્ષતે અમને એક ટાસ્ક આપ્યો. સાવ અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે બેસાડી દીધી. બન્નેએ એકબીજા સાથે વાત કરવાની હતી, પણ એમાં કામ વિશે એક પણ વાત ન જોઈએ. તમારે એ નથી કહેવાનું કે તમે શું કામ કરો છો. અજાણી વ્યક્તિ સાથે પણ સાવ નકામી વાતો કરવી. નકામી એટલે કેવી? આ પ્રશ્નના જવાબમાં અક્ષત પાસે એક લાંબું લિસ્ટ હતું. મને પાર્લે-જી બિસ્કિટ ખૂબ જ ભાવે. મારી મમ્મીને એ જમાનામાં સાઇકલ ચલાવતાં આવડતી હતી. મારાથી ગરમી જરાય સહન જ ન થાય કે પછી મને બે ચોટલીઓ ગૂંથવી ખૂબ જ ગમે છે. સાંભળીને પહેલાં તો અજુગતું લાગ્યું.
સૌથી પહેલો અહેસાસ એ હતો કે અજાણ્યા માણસને પોતાનો પરિચય આપવાનો હોય તો આપણે આપણા પ્રોફેશનથી જ શરૂઆત કરતા હોઈએ. જાણે કે એ જ આપણી એકમાત્ર ઓળખ હોય. જેવું કોઈને કહો કે હું આ વ્યક્તિ છું અને આ કામ કરું છું તો સામેવાળી વ્યક્તિ એ જ રીતે વાત કરે અને એ જ રીતે મળે કારણ કે સમાજમાં પૈસો અને પ્રોફેશન એ બન્નેની કિંમત ઘણી વધુ છે. જોકે જ્યારે આ બન્ને બાબતોનો ઉલ્લેખ કરીએ નહીં ત્યારે આપણી ઓળખમાં શું-શું સામેલ થાય એ વિચારવાની મજા છે. પહેલાં એકાદ મિનિટ તો લોકોને લાગ્યું કે બોલવું શું? અને પછી બધા એટલું બોલ્યા કે ચૂપ કરવા અઘરા પડી ગયા.
એકદમ ગેલ પમાડે એવી આ રમતે એ દિવસે ઘણુંબધું શીખવ્યું. પ્રોફેશનની ઓળખ હટે એ પછી દરેક વ્યક્તિ ફક્ત માણસ બની જતી હોય છે. મને સામેવાળી વ્યક્તિને જાણવામાં રસ છે, પણ એટલે નહીં કે તે ખૂબ પહોંચવાળી વ્યક્તિ છે કે મને તેની સાથે કોઈ કામ છે. મને સામેવાળી વ્યક્તિમાં એટલે રસ છે કારણ કે તે માણસ છે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને ફક્ત એક માણસ સમજીને મળો ત્યારે તેની સાથે કેટલું જલદી કનેક્ટ થઈ જવાતું હોય છે એ પણ મેં અનુભવ્યું, કારણ કે અંતે તો આપણા બધાની માનવીય સંવેદનાઓ એકસરખી જ છે. આપણને બધાને કંઈક વિચિત્ર કહી શકાય એવી આદતો છે. જેમ કે નખ ખોતરવાની; હા, આવું છું કહીને ન જવાની કે આઇસક્રીમ આખો પીગળી જાય પછી ખાવાની. આપણે બધા શોખીન તો છીએ, પણ આપણા શોખની ડીટેલ્સ ગેલ પમાડે એવી હોય છે. જેમ કે કોઈને ગાવાનો શોખ હોય, પણ બાથરૂમમાં ગાવાની જે મજા પડે છે એ બધા વચ્ચે નથી પડતી. કોઈને ફરવાનો ખૂબ શોખ છે અને દુનિયાના ઘણા દેશો ફરી ચૂક્યા છે, પણ તે કોઈ દિવસ મુંબઈની ચોપાટી ફરવા ગયા નથી. ફેવરિટ ડિશ વડાપાંઉ હોય, પણ એમાં મીઠી ચટણી ન નાખી હોય તો તે અડે પણ નહીં. એ દિવસે અમે બધા એકબીજાને ભરપૂર જાણતા હતા એવો અહેસાસ થયો. કેટલાકનાં નામ યાદ રહી ગયાં તો કેટલાકનું હાસ્ય, કોઈનું નામ તો ભુલાઈ ગયું પણ તેમને સમોસા ખૂબ ભાવે છે એ ધ્યાનમાં રહી ગયું. સૌથી મજાની વાત એ હતી કે એ દિવસે વર્ષો પછી હું વગર કારણે ખુશ હતી. સ્માઇલ પ્લીઝ કહ્યા વગર જ મોઢા પર સ્મિત સ્થાપિત થઈ ગયું હતું.
મુંબઈ એક બીજી જગ્યાએ મોકો આપે છે આ રીતે વ્યક્તિઓને મળવાનો. એ છે આપણી લોકલ ટ્રેન. અહીં બે વ્યક્તિ એકબીજાનું નામ પણ જાણવાની તસ્દી લીધા વગર એકબીજા સાથે એક કલાક વાતો કરતી જોવા મળે છે. ટ્રેનની સીટ પર રડી પડતી છોકરીને કેમ રડે છેની કોઈ પણ પંચાત વગર પોતાની બૉટલ કાઢીને પાણી ઑફર કરતી બીજી છોકરી ફક્ત તેને આંખોથી સાંત્વન આપી દેતી હોય છે કે બધું ઠીક થઈ જશે. તમે ઊભા હો અને થાક તમારા ચહેરા પર ડોકાતો હોય ત્યારે દાદા, અહીં બેસી જાઓનો લહેકો કરતા છોકરાઓ અને દરવાજાની બહાર લટકતા છોકરાઓને બરાબર ઝૂડી લેનારા વડીલોને પણ અહીં મળી શકાય છે. નામની જરૂર નથી, કામ જાણવાની પણ જરૂર નથી છતાં એકબીજા સાથે જોડાયેલા અને એક સ્ટ્રૉન્ગ કનેક્શન ધરાવતા લોકો.
આજકાલ વ્યક્તિ વધુ ને વધુ એકલી બનતી જાય છે એવી ફરિયાદો સાંભળવા મળે છે. ‘ભીડ મેં ભી તન્હા’વાળી લાગણી દરેકેદરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછી એક વખત તો અનુભવી જ હશે. આવું થાય ત્યારે લોકો બીજા લોકોને મળવાનું, મિત્રો પાસે જવાનું કે પાર્ટીમાં જવાનું પસંદ કરતા હોય છે. આ રીતે બીજા લોકો જોડે કનેક્ટ થઈ શકાય અને મનનો ખાલીપો ભરી શકાય. જોકે આપણામાંથી ઘણા એવા છે જેઓ આ પ્રકારના ઉપાયો કર્યા પછી વધુ ખાલીપો અનુભવે છે. એનું કારણ એ છે કે તમે બીજી વ્યક્તિને કોઈ ને કોઈ સંબંધે મળો છો, અપેક્ષાઓના ટોપલા સાથે મળો છો. તે મને કઈ રીતે ઉપયોગી થઈ શકે એમ છે એ એક મહત્ત્વનો મુદ્દો બની જતો હોય છે. જોકે સંબંધો કે અપેક્ષાઓના ભાર વગર પણ એક માણસ બીજા માણસને મળી શકે છે અને ત્યારે એ બન્ને વચ્ચેનું જોડાણ માણસાઈ દ્વારા શક્ય બને છે. તો આવો; નામ, કામ અને દામની દુનિયાથી પરે મળી લઈએ એક માણસ થકી બીજા માણસને.
