કલા, સાહિત્ય, સંગીત અને કુદરત પાસે આવી અનુભૂતિ કરાવવાની મહત્તમ ક્ષમતા છે
સિતાંશુ યશશ્ચંદ્ર
આજે ૨૦૨૬ની આપણી પ્રથમ મુલાકાત છે એટલે આરંભ તો અભિવાદનથી જ થવું જોઈએને. અને કોઈ મજાની વાત કે પ્રસંગથી ઉત્તમ અભિવાદન શું હોઈ શકે? અત્યારે મને કવિ નયન દેસાઈના શબ્દો યાદ આવે છે…
મનગમતી કોઈ પંક્તિ
ADVERTISEMENT
અચાનક કદી જડે
તો થાય છે,
આવી ગઈ જાગીર હાથમાં!
હા મિત્રો, કેટલાક શબ્દો, પંક્તિઓ પ્રસંગો કે વાતો અચાનક નજરે ચડે કે યાદ આવે ત્યારે બત્રીસ કોઠે દીવા ઝળહળી ઊઠ્યા હોય એવી લાગણી અનુભવાય. કલા, સાહિત્ય, સંગીત અને કુદરત પાસે આવી અનુભૂતિ કરાવવાની મહત્તમ ક્ષમતા છે. વર્ષો પહેલાં મનાલીમાં સવારના આંખ ખૂલતાંવેંત હિમાલયના પહાડોનાં ઉન્નત શ્વેત શિખરો વચ્ચેથી ધીમે-ધીમે પોતાનું કેસરી ઝાંયવાળું સોનેરી સ્વરૂપ પ્રગટ કરતા સૂરજને જોયો હતો. મમ્મી-પપ્પા બેઠાં હોય અને પાછળથી તેમના ખભા પકડી કોઈ ગોળમટોળ બાળક જાણે હાઉકલી કરી રહ્યું ન હોય. એ દૃશ્ય જોઈ જે દિવ્ય અનુભૂતિ થઈ હતી એ અનન્ય હતી. અવર્ણનીય પ્રસન્નતા આંસુ બનીને આંખોમાંથી વહી રહી હતી. આજે પણ એ દૃશ્ય વિઝ્યુઅલાઇઝ કરું ત્યારે એવી જ ઉત્કટ હર્ષની લહેર સમગ્ર શરીરમાં દોડી જાય છે.
મને યાદ છે વર્ષો અગાઉ ગાંધીનગરમાં અક્ષરધામ નવું-નવું બન્યું એ અરસાની વાત છે. એની મુલાકાત દરમિયાન એક વિભાગમાં જવાનું બનેલું. અસંખ્ય અરીસાઓના ટુકડાથી બનેલા એ કક્ષમાં એક સાંકડા પુલ જેવા પટ્ટા પર ચાલીને એક બાજુથી બીજી બાજુ જવાનું હતું. ત્યારે એ અરીસામાં ઝિલાતાં પોતાનાં હજારો પ્રતિબિંબ જોઈ એક પળે શ્રીમદ રાજચંદ્ર રચિત પંક્તિઓનું સ્મરણ થઈ આવ્યું હતું…
હું કોણ છું?
ક્યાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું?
તો બીજી પળે કન્હૈયાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરતાં અવાક્ થઈ ગયેલી મા યશોદા યાદ આવી ગઈ હતી. આ વિરાટ વિશ્વમાં એક કણ કરતાંય નાના એવા આપણા અસ્તિત્વનો અહેસાસ એ ક્ષણે આપોઆપ થયો હતો. નવાઈ લાગે એવી વાત છે કે કોઈ પણ પૂજા-પાઠ કે ઉપદેશ-વ્યાખ્યાન વિના જીવનનું પરમ સત્ય સમજાઈ ગયું.
આવો જ એક હૃદયસ્પર્શી અનુભવ ગયા વર્ષે થયો. જિંદગીના કઠિનમાં કઠિન કોયડા સ્વયં ઉકેલાતા લાગે એવી કેટલીક પંક્તિઓ સર્જકના સ્વમુખે સાંભળવાનો લહાવો મળ્યો. કેવી ખુશનસીબી.
આપણી ભાષાના ઉત્તમ સર્જક અને વિચારક સિતાંશુ યશશ્ચંદ્ર પાસેથી તેમની કવિતા અને તેમનાં સર્જન વિશે વાતો સાંભળી. વર્ષો અગાઉ કવિ અને કવિપત્ની પોતાની એકની એક દીકરીને એકલી અમેરિકા મૂકીને પાછાં ફરી રહ્યાં હતાં. એ સમયે કોઈ પણ મા-બાપના હૃદયમાં ઉદ્ભવે એવી જ લાગણી તેઓ પણ અનુભવી રહ્યાં હતાં. દીકરીને એકલી પરદેશ મોકલવાની હોય કે તે ત્યાં એકલી રહેવાની હોય ત્યારે તેની સુખાકારી અને સલામતી માટે મા-બાપનાં હૈયાં કેટલો ઉચાટ અનુભવે. સામાન્ય માનવીના સંદર્ભે એ કન્સર્ન કાં તો આંસુ બનીને ટપકે, કાં ચિંતા. પરંતુ કવિ પોતાના હૃદયમાં છલકાતી વેદનાને એક હૃદયસ્પર્શી અને વિચારોત્તેજક કાવ્યમાં કંડારે છે. આ સર્જક વેદનાના બાહ્ય કે ઉપરછલ્લા રૂપને તાબે થઈ જનારા નથી. એ તો વેદનાને પડકારે છે. તે કહે છે…
વેદના, તું અંધ ના કર,
વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,
લે હવે આવ તું, પેટાવ તું,
ઝળહળ બનાવી દે મને.
વેદનાની અસીમ તાકાતને કવિ લલકારે છે. એને યાદ અપાવે છે કે તારે માત્ર માણસને તોડવાનું કામ નથી કરવાનું; તારે તો દૃષ્ટિ આપવાની છે, દુ:ખથી અંધ બનવાને બદલે પીડાના એ પારાવારમાં જ માનવી ભીતરની સમજણનાં કોડિયાં સજાવી શકે છે અને વેદનાના તેલથી એ કોડિયાં પ્રગટાવી જાત અને જગતને ઝળાંહળાં કરી શકે છે એ હકીકત કવિએ કેવા ખુમારીના લહેકામાં મૂકી છે.
આ પંક્તિઓ વાંચતાં અનેક વિભૂતિઓ યાદ આવી ગઈ જેમણે વેદનાને શરણે થવાને બદલે એને પ્રગતિનું, ઉન્નતિનું પગથિયું બનાવી દીધું. પોતાને ભાગે આવેલી પીડાના ખાતર પર પ્રસન્નતા અને ઉન્નતિનો અમૂલ્ય ફાલ ઉછેર્યો.
કવિ આગળ કહે છે…
તેજમાં સુખચેનના,
ચીજો જ દીઠી ચારેગમ
તું બતાવે તો મને
દેખાય અજવાળાં સ્વયમ.
સુખ-ચેન કે છતના દિવસોમાં ચોતરફ ભૌતિકતા પમાય છે પણ વેદના જે આપે છે એ અજવાળાનો સ્વયં સાક્ષાત્કાર છે. સુખમાં નથી શીખવા મળતું એ દુ:ખ કે પીડાની પળોમાં આપોઆપ સમજાઈ જાય છે. એ સૂક્ષ્મ સમજણનું અજવાળું વેદના જ આપી શકે છે. અને એ અજવાસમાં જિંદગીનાં કપરા અને કઠિન લાગતા કોયડાઓને ઉકેલવાની, અકળ જણાતા માણસોને સમજવાની તાકાત હોય છે. એટલે તો કવિ વેદના પાસે કેટલી સરસ માગણી કરે છે…
ભીંત ગાયબ થાય ચિત્રે
એવું ભીંતચિત્ર દે.
વેદના, તું ના કારાગાર થા
થા એક અણધાર્યો પ્રવાસ.
વેદનાની ભીંત પર કવિ એવું ચિત્ર સર્જવા માગે છે કે એ ભીંત જ ગાયબ થઈ જાય, રહી જાય માત્ર ચિત્ર. રંગ ઊપટી ગયો હોય એવી ભીંત ઉપર કોઈ ક્લાકાર રંગબેરંગી, સુંદર મજાનું ચિત્ર રચી દે પછી માત્ર ચિત્રનું જ અસ્તિત્વ રહે છે. હવે જોનાર માટે એ ચિત્રની ખૂબસૂરતી જ હકીકત બને છે.
કેટલીક વ્યક્તિઓને તમે પૂછો ‘કેમ છો?’ તો જવાબ મળે ‘ઠીક.’ તેમને મારાથી અચૂક પુછાઈ જાય, ‘કેમ, મજામાં નથી?’ તેમની વાતોમાં હંમેશાં તેમનાં દુ:ખ અને પીડા પડઘાયા કરે. પરંતુ વેદના કંઈ સતત વાગોળવાની કે મમળાવવાની ચીજ નથી. કવિને વેદનાની કેદમાં રહેવું મંજૂર નથી. તે તો એમાંથી અણધાર્યો પ્રવાસ ખેડવા માગે છે. વેદનામાં ભીંજાવા નહીં, એમાં ઓગળીને સભર બનવા માગે છે. વેદનાના રૂપાંતરનો આ કીમિયો જિંદગીની વિષમતા સામે ઝૂઝતી કોઈ પણ વ્યક્તિમાં શક્તિસંચાર કરી શકે એવી આ પંક્તિઓ છે.
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)


