Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જિંદગીમાંથી સંતોષ, નિરાંત, પ્રસન્નતા, નિર્દોષ મજાક-મસ્તી ક્યાં ચાલ્યા ગયા?

જિંદગીમાંથી સંતોષ, નિરાંત, પ્રસન્નતા, નિર્દોષ મજાક-મસ્તી ક્યાં ચાલ્યા ગયા?

Published : 18 March, 2026 06:03 PM | Modified : 18 March, 2026 06:11 PM | IST | Mumbai
Hemant Thakkar | feedbackgmd@mid-day.com

વધુ ને વધુ ધન પ્રાપ્ત કરવાની લાલસા અને પછી કીર્તિ મેળવવાની ઘેલછા માણસને પ્રશંસાનું વ્યસન લગાડી શકે છે. અને આવું જ કરતા રહેનારના જીવનનાં કીમતી વર્ષો વેડફાઈ જતાં હોય છે. જિંદગીના ઉત્તરાર્ધમાં આ બધી વાતો સમજાય છે.

તસવીર સૌજન્ય - આઈસ્ટૉક

PoV

તસવીર સૌજન્ય - આઈસ્ટૉક


રોજની રોટી રળતો મજૂર હોય કે માસિક પગાર લેતો કર્મચારી, ક્લર્ક હોય કે પછી મબલક રળતા ડૉક્ટરો, એન્જિનિયર કે વકીલ હોય કે કરોડોની કમાણી કરતા શ્રીમંત વેપારી કે ઉદ્યોગપતિ હોય... આજે બધા જ વ્યસ્ત છે અને સાથે-સાથે તનાવયુક્ત જીવન જીવે છે. બિઝી અને ટેન્શન, આ બે શબ્દો આપણા રોજના જીવનમાં જાણે વણાઈ ગયા છે. જેને માટે આ વ્યસ્તતા અને તનાવ અનુભવે છે એ જીવન વિશે માણસને શાંતિથી વિચારવાનો સમય નથી. સવાર પડે છે એની તેને ખબર પડે છે પણ રાત ક્યારે પડે છે અને ક્યારે પૂરી થઈ જાય છે એનું તેને જાણે ધ્યાન જ રહેતું નથી.
જિંદગીમાંથી સંતોષ, નિરાંત, પ્રસન્નતા અને નિર્દોષ મજાક-મસ્તી ક્યાં ચાલ્યાં ગયાં? તેમના અભાવથી જ સુખની અનુભૂતિ માણસને થતી નથી. આકાંક્ષા રાખવી એ બૂરી ચીજ નથી પરંતુ મહત્ત્વાકાંક્ષા પાછળની આંધળી દોટ એક પ્રકારનો રોગ છે. દેખાદેખીથી જીવનઘડતર કરવું કે સરળ ચાલતા જીવનપ્રવાહને બદલવો એ મૂર્ખાઈ છે.
વધુ ને વધુ ધન પ્રાપ્ત કરવાની લાલસા અને પછી કીર્તિ મેળવવાની ઘેલછા માણસને પ્રશંસાનું વ્યસન લગાડી શકે છે. અને આવું જ કરતા રહેનારના જીવનનાં કીમતી વર્ષો વેડફાઈ જતાં હોય છે. જિંદગીના ઉત્તરાર્ધમાં આ બધી વાતો સમજાય છે.
જે સમાજ માટે, જે લોકો માટે તમે જેટલો સમય આપ્યો એટલો સમય એ સમાજ કે એ લોકો તમારા માટે આપવાના નથી. તમે સમાજના રંગમંચ પરથી અદૃશ્ય થયા પછી કોઈ તમને યાદ કરવાનું નથી.
મોટા ભાગે સ્વાર્થ વગર કોઈ કોઈની પાસે જતું નથી કે કોઈના ખબર પૂછતું નથી. આ કડવું સત્ય ઉંમર વધતાં ધીમે-ધીમે સમજાય છે. આમાં જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ કેટલાકને દેખાશે પણ આજે આયુષ્યના ઉત્તરાર્ધમાં એકાએક જ્ઞાન લાધ્યું કે ‘આપણા માટે આપણે શું કર્યું?’
આપણો આનંદ આપણે બીજાઓના હાથમાં સોંપી દીધો છે. આપણા સુખની ચાવી શું બીજા પાસે છે? આવું ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે.
સર્જક કે લેખક પાસે વાચક આશાવાદ, હકારાત્મક અભિગમ અને પ્રેરણાત્મક વિચારોની આશા રાખતો હોય છે. પણ સર્જક કે કલાકાર માત્ર પોતાની જ જિંદગી જીવતો નથી હોતો, તે તેના કુટુંબના એક અવિભાજ્ય અંગરૂપે જીવે છે. પતિ-પત્ની, મા-બાપ, સંતાનો-પુત્રવધૂ, ભાઈ-બહેન, કાકા-મામા સાથે સંયુક્ત પરિવારમાં જીવવામાં અનેક સમાધાનો કરવાં પડે છે. કેટલીક અણગમતી બાબતોને પણ સ્વીકારી લેવી પડતી હોય છે. એવી જ રીતે સામાજિક સંસ્થાઓ કે સાર્વજનિક કાર્યોમાં સાથે કામ કરતી વ્યક્તિઓની રીતભાત, સંકુચિત સ્વાર્થી માનસ, આપખુદ વર્તન વગેરેને સહન કરીને કે મનમાં સમાધાન કરીને આવી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. જે કામના કલાકો અન્યથા પ્રોડક્ટિવ, સર્જનાત્મક કાર્યમાં વાપરી શકાયા હોત એ સંસ્થાકીય વાદવિવાદો, વિખવાદો, વ્યર્થ ચર્ચાઓમાં ખર્ચાઈ જાય ત્યારે હૈયું વિષાદ અનુભવે છે.
એક બીજી વાત પણ વિચારવા જેવી છે. જેમ-જેમ ઉંમર વધે છે તેમ વ્યક્તિગત જીવન અને સમાજજીવનને જોવાની દૃષ્ટિમાં પણ પરિવર્તન આવે જ છે. સાથે-સાથે જીવનમાં અપેક્ષાઓ ઘટતી જાય છે. જે મેળવવા જેવું હતું એ મેળવી લીધું, નાની-મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી, વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયા, હવે જે રોજિંદું જીવન જીવીએ છીએ એ ઘણુંખરું રિપીટેશન-આગલા દિવસનું જ પુનરાવર્તન જેવું લાગે છે.
જોકે બધા જ લોકો કદાચ આવું ન પણ અનુભવતા હોય. જેમણે જીવનમાં ઉત્સાહ ટકાવી રાખ્યો હોય તેઓ નસીબદાર ગણાય. હમણાં એક સાહિત્યકાર મિત્રનો પત્ર હતો. જીવનભર પ્રાધ્યાપક રહ્યા. સર્જક અને ચિંતકની ઊંચી કક્ષાએ પહોંચેલા. અત્યંત બુદ્ધિમાન, પ્રેમાળ, નિર્દંભી અને નિખાલસ સ્વભાવ. તેઓ લખે છે, ‘બાકી. હું યથાવત. કશું ગમતું નથી. મરાતું પણ નથી. આનંદો ઓસરતા જાય છે એમ જીવવું વધુ ને વધુ બોજારૂપ લાગતું જાય છે. શરીર ચાલે છે અને અન્યોને ઉપયોગી-મદદગાર થઈ શકું છું એટલે જ જીવું છું.’ 
મને લાગે છે કે બહુ જ વધારે સંવેદનશીલ મનુષ્યના મનમાં આવી વૃત્તિ જન્મતી હોય છે. જે વધુ વિચાર નથી કરતા તેઓ તો તેમના ભાગ્યમાં જેવું જીવન આવ્યું એ કશી ફરિયાદ વગર જીવતા રહે છે. મેં મારા યુવાન પુત્રને ઉપર લખ્યો એ પૅરૅગ્રાફ વંચાવ્યો અને કહ્યું, ‘આ એક બુદ્ધિવાદી સર્જકનો મનોભાવ છે.’ મારા પુત્રએ જવાબ આપ્યો, ‘આવી નકારાત્મક વિચારધારા ધરાવનારાને હું બુદ્ધિમાન કે સર્જક નથી ગણતો.’ તેની વાત સાચી લાગી રહી છે. યુવાનીમાં ભાવિની યોજનાઓ, કલ્પનાઓ વ્યક્તિને મહત્ત્વાકાંક્ષી, આશાવાદી અને ઉત્સાહી બનાવે છે. 
મને ત્રણ દાયકા પહેલાં અવસાન પામેલ મારા પિતાશ્રી નંદલાલભાઈ (અનુભવાનંદજી)ની કેટલીક વાતો યાદ આવી ગઈ. તેમણે ૭૮ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. તેમને પણ વાંચનનો શોખ અને લખવાનો પણ. તેમણે કુલ ૪૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. સ્વભાવે તેઓ આનંદી અને રમૂજી. મેં તેમને વિષાદમય ચહેરે, ઉદાસીનતામાં બેઠેલા ભાગ્યે જ જોયા હતા. સંતોષી હતા. જિંદગીભર ૬ જોડી કપડાંથી વધુ કપડાં રાખતા જ નહીં. મિત્રો-સગાંસબંધીઓ-લેખકોને સતત મદદરૂપ થવા પ્રયત્નો કરતા. તેમને મન રોજ દિવસ ઊગતો એ જાણે આનંદનો ઉજાસ લઈને આવતો. તેઓ અવારનવાર સવારે ભજનો પણ ગાતા રહેતા. આજની ઘડી તે રળિયામણી... (નરસિંહ મહેતા) તેમનું પ્રિય ભજન.
અમારા ઘરનું વાતાવરણ હંમેશાં આનંદિત રહેતું. તેમનું મૃત્યુ પણ કશી પીડા વગર અણધાર્યું હૃદયરોગના હુમલાથી થયું હતું. મને અત્યારે પણ લાગે છે કે તેઓ અંતઘડીએ પણ મનોમન આ જ બોલ્યા હશે, આજની ઘડી તે રળિયામણી... આવી સરળતા, સહજતા અને આનંદીપણું જો આપણને મળે તો શક્ય છે કે ઉપર લખ્યા છે એવા ભારે નિરાશાજનક વિચારો આપણા મનમાં ન આવે. તેઓ સૌને એક વાક્ય અવારનવાર કહેતાઃ ફિકરની ફાકી કરો, કામ કરો ભાઈ કામ કરો. આશા રાખીએ કે આપણી જિંદગી આપણને બોજારૂપ ન લાગે, કંટાળાજનક ન લાગે. મૃત્યુ એના સમયે આવવાનું જ છે. ત્યાં સુધી આનંદથી જીવી શકીએ. મુદ્દઈ લાખ બુરા ચાહે, વહી હોતા હૈ જો મંઝૂરે ખુદા હોતા હૈ. આપણે તો નિયતિના હાથનાં રમકડાં છીએ. આપણે તો એ જ રમત રમીએ છીએ જે તે રમાડે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 06:11 PM IST | Mumbai | Hemant Thakkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK