દાન માત્ર કોઈને મદદ કરવાનો માર્ગ નથી, પરંતુ તે મનમાં શાંતિ, હૃદયમાં આનંદ અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. નિઃસ્વાર્થ ભાવથી કરેલું દાન આપનાર અને મેળવનાર બંનેના જીવનમાં ખુશીનું વાતાવરણ સર્જે છે.
પ્રતીકાત્મક તસવીર
બને ત્યાં સુધી દાન કરવું નહીં, કરવું પડે તોય શક્તિ કરતાં ઓછું કરવું અને એય પાછું રડતાં-રડતાં કરવું. દાનનાં આ ૩ કલંકની વાત કર્યા પછી સૂચન કર્યું કે નિયમ કરો કે સામે જે ભિખારી મળે તેને હાથમાં જે આવે એ આપી દેવું. આ વાત વાંચીને બે દિવસ પછી એક યુવક મળવા આવ્યો. આવીને પગે લાગ્યો. તેનો ચહેરો હસું-હસું હતો.
‘ગુરુદેવ, મજા આવી ગઈ.’
‘કેમ શું થયું?’
‘ખિસ્સામાં જે આવે એ ભિખારી આપવાનો નિયમ એક દિવસ પાળ્યો અને બસ, પછી એ નિયમ કાયમ પાળવાનો નિર્ણય કર્યો.’
‘કેવો રહ્યો અનુભવ?’
મેં પૂછ્યું એટલે તેણે સહેજ માંડીને વાત કરી.
‘આપ તો જાણો છો કે મુંબઈમાં ભિખારીઓનો તોટો નથી. હાલતાં ને ચાલતાં રસ્તામાં તેઓ મળી જ રહે છે. આપે જે સૂચન કર્યું હતું એ સૂચન મુજબ એક દિવસ માટે નિયમ બનાવ્યો અને ઘરેથી નીકળ્યો ત્યાં જ રસ્તામાં ભિખારી મળી ગયો. ખિસ્સામાં હાથ નાખ્યો અને સીધી ૧૦૦ની નોટ બહાર આવી...’
‘પછી?’
‘પછી શું, ભરપૂર પ્રસન્નતા સાથે તેના હાથમાં ૧૦૦ની નોટ પકડાવી દીધી!’
‘ભિખારી તો ગાંડો-ગાંડો થઈ ગયો હશે...’
‘ભિખારીની વાત છોડો...’ યુવકનો ઉત્સાહ અનન્ય હતો, ‘ગુરુદેવ, પહેલાં મારી વાત કરો... જ્યાં આઠ આનાની આશા નહીં હોય ત્યાં સીધા ૧૦૦ રૂપિયા હાથમાં આવતાં ભિખારી તો રાજીનો રેડ થયો જ હશે, પણ એના કરતાં વધારે રાજી હું થયો છું. ખબર નહીં કેમ પણ જાણે હું હવામાં ઊડતો હોઉં એવી મને લાગણી થાય છે...’
‘શું વાત કરે છે?’
‘બિલકુલ સાચું કહું છું. અમે ભિખારીને શું આપીએ છીએ એ વાત તો પછીની છે; પણ મુખ્ય વાત તો એ કે અમે ભિખારીને ‘સાચા’ જ માનતા નથી, સમાજ માટે બોજરૂપ માનીએ છીએ. આવી માન્યતા ધરાવતો હું ભિખારીને આઠ આના પણ ન આપું ત્યાં એક જ ઝાટકે ૧૦૦ રૂપિયા આપી દઉં એ મારા માટે આશ્ચર્ય જ નહોતું, ચમત્કાર પણ હતો. સાચું કહું છું એ દાનમાં મેં ગજબનાક આનંદનો અનુભવ કર્યો છે. ૧૦૦ની નોટ? ભિખારીને? હું આપું અને એ પણ આનંદપૂર્વક? બધું અસંભવિત પણ એ સંભવિત બની ગયું. આશીર્વાદ આપો કે દાન જ્યાં કરું, જ્યારે કરું ત્યારે આવા જ આનંદનો અનુભવ હું કરતો રહું.’
