Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનની પરીક્ષામાં IQ કરતાં EQ વધુ પાવરફ‍ુલ

જીવનની પરીક્ષામાં IQ કરતાં EQ વધુ પાવરફ‍ુલ

Published : 16 September, 2026 06:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની બુદ્ધિની આંધળી દોડમાં બાળકોના IQ પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે, પરંતુ જીવનમાં સફળતા અને સંતુલન માટે EQ પણ એટલું જ જરૂરી છે. પોતાની અને અન્યની લાગણીઓને સમજવાની કળા યુવાનોને વધુ સારો માણસ બનાવે છે.

બીના ઠક્કર

What’s On My Mind?

બીના ઠક્કર


સવારના પહોરમાં અખબાર ખોલીએ કે ન્યુઝ-ચૅનલ ચાલુ કરીએ એટલે મન ધ્રૂજી ઊઠે એવા સમાચારો સામે આવે છે. આત્મહત્યા, બળાત્કાર, હિંસા, કોમી રમખાણો અને તાજેતરમાં ગાજેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાઓ... આ બધું જોઈને પ્રશ્ન થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આ બધી સમસ્યાઓ કંઈ આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે; પરંતુ આજના ડિજિટલ અને મૉડર્ન યુગમાં નાની વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. શું આંદોલનો જ આ સમસ્યાઓનો ઉકેલ છે? સૌથી વધુ આંચકો ત્યારે લાગે છે જ્યારે વાંચવા મળે કે પકડાયેલા ગુનેગારો ડિગ્રી ધરાવતા શિ​િક્ષત યુવાનો છે. જો તેઓ આટલા બુદ્ધિશાળી છે તો પછી આવાં હીન પગલાં કેમ ભરે છે? યુવાનોને ગુનાખોરી તરફ જતા અટકાવવા અને મગજના વિકાસની આંધળી દોડ વચ્ચે લાગણીઓ પર કાબૂ રાખવાની કળા શીખવવી સમયની ડિમાન્ડ છે.
આજે સમાજમાં ચારેય તરફ બુદ્ધિમત્તાની આંધળી દોડ (Rat Race) શરૂ થઈ છે. સ્માર્ટનેસ અને હોશિયારી દેખાડવી ફૅશન બની ગઈ છે. વાલીઓ પોતાનાં બાળકોને નાનપણથી આ રેસમાં ધકેલી દે છે. ઊંચી ફી ભરીને, ટ્યુશનો કરાવીને બાળકનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) એટલે કે બુદ્ધિઆંક કેમ વધે બસ એ જ એકમાત્ર લક્ષ્ય બની ગયું છે. વાસ્તવમાં આપણે માત્ર બાળકના મગજના વિકાસ પર ધ્યાન આપી રહ્યા છીએ, ભાવનાત્મક વિકાસની કોઈ વાત નથી. જેનો IQ ઊંચો તે જ સફળ આ અર્ધસત્ય છે. ઇન્ટરનેટ, ગૂગલ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના જમાનામાં જ્ઞાન કે માહિતી તો આંગળીનાં ટેરવે મળી જાય છે. જીવનને શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક જીવવા માટે વ્યવહારુ બુદ્ધિ અને EQ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ - ભાવનાત્મક બુદ્ધિ વધુ જરૂરી છે. IQ જીવનમાં અને કરીઅરમાં ખૂબ ઊંચાઈ પર, સફળતાના શિખરે ચોક્કસ લઈ જઈ શકે છે; પરંતુ એ ઊંચાઈ પર સ્થિર રહેવા માટે EQ જરૂરી છે. પોતાની અને અન્ય લોકોની લાગણીઓને સમજવી, એને યોગ્ય રીતે વ્યક્ત કરવી એ જ સાચી હોશિયારી છે. આજે સમાજમાં નાની-નાની વાતોમાં થતા છૂટાછેડા અને વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા દર્શાવે છે કે માણસ ભણ્યો છે પણ ગણ્યો નથી. તેનામાં ભાવનાત્મક બુદ્ધિનો અભાવ છે. આજનો યુવાન ઉતાવળો બની ગયો છે. સહેજ પણ માનસિક તનાવ જણાય ત્યારે વિચાર્યા વગર કાં તો આત્મહત્યા કરી લે છે અથવા ગુસ્સામાં આવીને સામેવાળી વ્યક્તિનું નુકસાન કરી બેસે છે. આવા લોકો સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે. EQ આપણને આપણી શક્તિઓ અને નબળાઈઓનો અરીસો બતાવે છે. એ આપણી કમ્યુનિકેશન સ્કિલને સુધારે છે અને લાગણીઓને વશમાં રાખીને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. આજના સમયમાં માણસ બનવા માટે IQ કરતાં EQ વધુ પાવરફુલ હથિયાર છે.

-બીના ઠક્કર


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK