Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક છત નીચે રહેતી સ્ત્રીઓ વચ્ચે જે પણ સંબંધ હોય એમાં મિત્રતા હોવી અનિવાર્ય છે

એક છત નીચે રહેતી સ્ત્રીઓ વચ્ચે જે પણ સંબંધ હોય એમાં મિત્રતા હોવી અનિવાર્ય છે

Published : 08 June, 2026 11:54 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સ્ત્રીઓ જ્યારે એકબીજાની દુશ્મન બને છે ત્યારે એ દુશ્મનીનું ભુગતાન સમગ્ર પરિવારે જ નહીં, સમગ્ર સ્ત્રીજાતિએ કરવું પડે છે. એ દુશ્મનીમાં ભલીવાર નથી. મિત્રતામાં જ સાર છે, એમાં જ સ્ત્રીજાતિનો ઉદ્ધાર છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


આજકાલ સાસુ-વહુની અઢળક રીલ્સ જોવા મળે છે જેમાં બન્ને ભેગાં મળીને પોતાને જોડતી કડી એટલે કે તે પુરુષ જે સાસુમાનો દીકરો અને વહુનો પતિ છે તેની વલે કરતાં હોય છે. આમ તો આ પ્રકારનો વિડિયો ૨૦૧૯માં પહેલી વાર આવેલો. એ ‘સભ્યતા’ નામની બ્રૅન્ડનું દિવાળી કૅમ્પેન હતું જેમાં શીબા ચઢ્ઢા સાસુ હોય છે. સવારના પહોરમાં ચા કોણ બનાવશે એ મુદ્દે ઘરમાં ગરમાગરમી છે. સાસુ અને વહુ બન્ને ગરમ મિજાજમાં છે એવું દીકરાને ફીલ કરાવવામાં આવે છે. દીકરો ઘરનું વાતાવરણ શાંત કરવા કહે છે કે તમે બન્ને શાંત થઈ જાઓ, ચા હું બનાવું છું. તે જેવો ચા બનાવવા રસોડામાં જાય છે કે બન્ને સાસુ-વહુ ખુશ થઈ જઈને એકબીજાને કંઈક આવા પ્રશ્નો પૂછે છે કે બપોરે શું બનાવડાવીએ આની પાસે? હલવા-પૂરી બનાવડાવીએ? તે બનાવી શકશે ખરો? જેનાથી ખબર પડે છે કે સાસુ-વહુ બન્ને જાણીજોઈને ઝઘડવાનું નાટક કરી રહ્યાં હતાં પરંતુ બન્ને તેમના દીકરા-કમ-પતિ પાસેથી ઘરનું કામ કરાવવા ઇચ્છતાં હતાં. આ બધાને ગેલ પમાડે એવી ઍડ હતી. જોકે આજે તો સોશ્યલ મીડિયા આ પ્રકારની રીલ્સથી ઊભરાઈ રહ્યું છે જેમાં સાસુ-વહુ શૉપિંગ કરતાં હોય અને દીકરો-કમ-પતિ લૂંટાઈ રહ્યો હોય. સાસુ-વહુ બહાર ફરવા જતાં હોય અને દીકરો-કમ-પતિ ઘરનું ધ્યાન રાખતો હોય. સાસુ-વહુ બન્ને મેંદી લગાડીને બેઠાં હોય અને દીકરો-કમ-પતિ ઘરની સફાઈ કરતો હોય. આ પ્રકારના વિડિયો મજેદાર હોય છે. એમાં સૌથી મજેદાર હોય છે એ બે સ્ત્રીઓ વચ્ચેની દોસ્તી. વિડિયોમાં ભલે એવું દેખાતું કે સાસુ-વહુ મળી જાય ત્યારે તેમના દીકરા-કમ-પતિની હાલત ખરાબ થઈ જાય છે, પણ હકીકતમાં જે ઘરોમાં સાસુ-વહુ બન્ને મિત્રો હોય એ ઘરમાં સૌથી વધુ ખુશ તે દીકરો-કમ-પતિ જ હોય છે.

હાલમાં જજ કક્ષાનાં ગિરિબાલા સિંહ જ્યારે પોતાની વહુના મૃત્યુ પાછળ જવાબદાર ઠેરવાયાં અને જેલ ગયાં ત્યારે યાદ આવ્યું સ્ત્રીઓ માટે પરાપૂર્વથી બોલાતું વિધાન - સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. આ વિધાન ઘણાં ઘરોમાં સાક્ષાત્ ભજવાયું પણ છે. આ વિધાન પર એકતા કપૂરે બાલાજી પ્રોડક્શન્સનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. વહુને મહેણાં-ટોણાં મારતી સાસુ, ભાભીની વસ્તુઓ પોતાની સમજીને છીનવી લેતી નણંદ, દેરાણીને જાણીજોઈને વઢ પડાવતી જેઠાણી, પોતે જેઠાણી કરતાં કેટલી સવાઈ છે એનો દેખાડો કરતી દેરાણી, સાસુને ઘરેથી તગેડી મૂકતી વહુ, પોતાની બહેનનો હક છીનવતી બીજી બહેન, એક વિવાહિત સ્ત્રીના પતિ સાથે પ્રેમમાં પડતી એક બીજી સ્ત્રી જેવાં ઘણાં ઉદાહરણો સાક્ષાત્ છે જેમને જોઈને કહી શકાય કે હા, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.



આમ તો પ્રોફેશનલ લાઇફમાં પણ એવાં ઉદાહરણો મળી રહે જેમાં સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હોય. જોકે આજે વાત કરીએ એક છત નીચે રહેતી સ્ત્રીઓની. આજના સમયમાં તો વિભક્ત કુટુંબો વધુ છે એટલે મોટા ભાગે એક છત નીચે એક જ સ્ત્રી હોય છે, વધુ હોય તો એ મા-દીકરીના સંબંધમાં હોય છે એટલે દુશ્મન હોવાની શક્યતા ત્યાં આવે નહીં. એક સમયે સંયુક્ત કુટુંબો ઘણાં હતાં. આજે પણ મુંબઈમાં ઘણા પરિવારો સંયુક્ત સેટ-અપમાં રહે છે. સંયુક્ત કુટુંબનો પાયો જ એ એક છતની નીચે રહેતી સ્ત્રીઓ છે. પહેલાં તો એ સ્વીકારવું જરૂરી છે કે સ્ત્રી હોય કે પુરુષ - એક છત નીચે સાથે રહેવું અઘરું જ છે. તમે એકબીજાને ગમે એટલો પ્રેમ કરતા હો પણ એક છત નીચે બે જીવ ભેગા થાય એટલે સંઘર્ષ અનિવાર્ય છે, પણ આ સંઘર્ષ પુરુષોમાં ઓછો જોવા મળે છે. એક છત નીચે રહેતા પુરુષો એકબીજાનું પીઠબળ સાબિત થતા હોય છે. કદાચ એનું કારણ એ પણ હોય કે મોટા ભાગે તેમની વચ્ચે લોહીના સંબંધો હોય છે. અંદરોઅંદર ભલે ઝઘડા કરશે પણ મુસીબત સમયે એક હશે. એક છત્ર નીચે રહેતી સ્ત્રીઓ વચ્ચે મોટા ભાગે લોહીના સંબંધો હોતા નથી એટલે એકબીજાની ઢાલ બનવાનું એટલું સહજ નથી હોતું.


થોડા સમય પહેલાં એક સુંદર ફિલ્મ આવેલી જેનું નામ હતું ‘લાપતા લેડીઝ’. સ્નેહા દેસાઈ દ્વારા લિખિત આ ફિલ્મનો એક ડાયલૉગ મને અત્યંત પ્રિય છે જેમાં કહેવાયું છે કે ‘ઘર કી ઔરતે સાસ, બહૂ, દેવરાની, જેઠાની ઔર નનદ તો બન જાતી હૈ; બસ સહેલી નહીં બન પાતી!’ આ ડાયલૉગમાં એક અફસોસ છે કે કાશ! એ બધી જુદા-જુદા સંબંધોમાં પરોવાયેલી હોવા છતાં એકબીજાની અંદર મિત્રતા શોધી શકી હોત! આ એક મોટું પરિવર્તન છે જે સ્ત્રીઓ સમાજમાં, પોતાના ઘરમાં અને પોતાના જીવનમાં લાવી શકે છે.

સ્ત્રી સ્ત્રીની મિત્ર બની શકે છે એ ફક્ત રીલ્સમાં જ નહીં, ઘણાં ઘરોમાં પણ દેખાય છે. વહુને ઑફિસથી આવે ત્યારે રસોડામાં ન લાગવું પડે એનું ધ્યાન રાખતી સાસુ, જીવનભર ઢસરડા કર્યા પછી સાસુ હવે ખુદ માટે સમય કાઢે એનું ધ્યાન રાખતી વહુ, નણંદને પગભર કરવામાં મદદ કરતી ભાભી અને ભાભીનાં મમ્મી-પપ્પાને કાળજીની જરૂર છે એટલે આ ઘરે જ તેમને લઈ આવવા માટે પોતાનાં મમ્મી-પપ્પાને મનાવતી નણંદ, પોતાને એ સુખ ન મળ્યું હોવા છતાં દેરાણીને પોતાનાં મનપસંદ કપડાં પહેરવા દેવાની છૂટ મળે એનું ધ્યાન રાખતી જેઠાણી કે જેઠાણીને કિચનથી ફ્રી કરીને મ્યુઝિક ક્લાસમાં મોકલતી તેની દેરાણી સ્ત્રીઓની ફ્રેન્ડશિપનાં આ બેસ્ટ ઉદાહરણો છે જે તમે આજુબાજુ નજર કરશો તો સમાજમાં ઘણાં ઘરોમાં જોવા મળશે.


સ્ત્રીઓના સખીપણાના ફાયદા પણ ઘણા છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સપોર્ટ કરે છે ત્યારે એ બન્ને સ્ત્રીઓનું જીવન સુધરે છે એટલું જ નહીં, સમગ્ર પરિવારનું જીવન વધુ સુંદર બને છે. જ્યારે એક સ્ત્રી નક્કી કરે છે કે તે નોકરી કરશે ત્યારે તેની સાથે ઘરની બધી સ્ત્રીઓમાં આર્થિક આત્મનિર્ભરતાનાં બીજ રોપાય છે. જ્યારે એક સ્ત્રી નક્કી કરે છે કે ભલે વર્ષોથી પથ્થર પર ચટણી પીસાતી હતી, પણ મિક્સર વાપરવું સરળ રહેશે ત્યારે તેને સાથ આપવાથી ઘરની બધી જ સ્ત્રીઓનાં કષ્ટ ઓછાં થાય છે. જ્યારે એક સ્ત્રી વિચારે કે ઘરનાં બધાં કામ મારાથી નહીં થાય અને ઘરમાં હાઉસહેલ્પ જોઈશે તો એનાથી રાહત ઘરની દરેક સ્ત્રીને મળે છે. એક સ્ત્રી વિચારે કે મારા બાળકને મોટું કરવામાં મારા પતિએ પણ મને સાથ દેવો જ જોઈએ, ત્યારે અમે તો એકલા જ બધું કર્યું હતું એનો રાગ આલાપવાને બદલે તેનો સાથ આપવો જોઈએ કારણ કે આ એક નિર્ણયથી ઘરનું બદલેલું વાતાવરણ તમને ભવિષ્યમાં ઘણી રાહત આપશે એ નક્કી વાત છે. સમાજને દરેક સંબંધને એક બીબાઢાળ રીતે જોવાની આદત પડી ગઈ છે. આવો આ બીબાને તોડીએ. આવો, એક છત નીચે જ રહેતી સ્ત્રીઓ એકબીજા સાથે બહેનપણાં વિકસાવીએ, એકબીજાની તાકાત બનીએ.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 11:54 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK