Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સંકટ આવે એ પહેલાં જ જાગી જઈએ તો કેવું?

સંકટ આવે એ પહેલાં જ જાગી જઈએ તો કેવું?

Published : 29 September, 2026 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વાસ્થ્યની કાળજી બીમારી આવ્યા પછી નહીં, પહેલેથી લેવી જરૂરી છે. જરૂરિયાતમંદ લોકો માટે સારવારના ખર્ચથી લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુધીની જાગૃતિ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે મોટી મદદરૂપ બની શકે છે.

પ્રજ્ઞા મોરજરિયા

પ્રજ્ઞા મોરજરિયા


આજના સમયમાં લોકો દૂરનું નથી વિચારતા. તાત્કાલિક જેમાં મજા આવતી હોય એ કરવાનું, પછી જે થવું હોય એ ભલે થાય. આ ઍટિટ્યુડનાં દુષ્પરિણામો શું આવી શકે એ અમે નજરોનજર જોયાં છે. દર અઠવાડિયે એક દિવસ નાણાવટી હૉસ્પિટલમાં જનરલ વૉર્ડના દરદીઓના હાલચાલ જાણવા અને તેમને અમારાથી બનતી મદદ કરવા અમે ૧૨ મહિલા ટ્રસ્ટીઓનું ગ્રુપ જઈએ છીએ. મારા ૧૫ વર્ષના આ કાર્યના અનુભવ પરથી કહીશ કે આજના સમયમાં લોકોએ પૂર પહેલાં પાળ બાંધવાની દિશામાં વધુ સક્રિય થવાની જરૂર છે. 
ખાસ કરીને જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આર્થિક રીતે સધ્ધર લોકો તો હજીયે થોડાક સભાન છે, પરંતુ જેઓ પહેલેથી જ જરૂરિયાતમંદ છે અને જેમને બીમારી આવે તો કેમ પહોંચાશે એની ખબર નથી એ લોકો પોતાના સ્વાસ્થ્ય પર બહુ ધ્યાન નથી આપી શકતા. આ કરુણ હકીકત છે, કારણ કે તેઓ પોતાના રોજીંદા જીવનની મહેનતમાં એવા અટવાયેલા છે કે એ જદ્દોજહદમાં ક્ષણિક આનંદ મળતો હોય એવાં વ્યસનોમાં ચડી જાય અને છેલ્લે પોતાનું અને પોતાના પરિવારનું જીવન બગાડી મૂકે. આ જ કારણ છે કે આજના સમયમાં હૉસ્પિટલોમાં મિડલ-એજ અને યંગ કહી શકાય એેવા દરદીઓની સંખ્યા એકધારી વધી રહી હોય એવું દેખાય છે. તમે સ્વસ્થ હો ત્યાં સુધી સ્વાસ્થ્યનું મૂલ્ય નથી સમજાતું. તમે તમારા ઘરે કામ કરવા આવતા હાઉસહેલ્પ, ડ્રાઇવર કે બીજા જે પણ તમારા પરિચયમાં હોય તેમનામાં આ જાગૃતિ લાવો. તમારામાં ન હોય તો તમે પણ સતર્ક થાઓ, કારણ કે આજે મેડિકલ એટલું મોંઘું છે કે સધ્ધરમાં સધ્ધર વ્યક્તિ પણ પડી ભાંગે છે. ઇન ફૅક્ટ, નાણાવટીમાં અમે ખૂબ સારા ઘરના લોકોને પૈસા પૂરા થવાને કારણે જનરલ વૉર્ડમાં ટ્રીટમેન્ટ કરાવતા જોયા છે. જરૂરિયાતમંદ હોય તેમણે આધાર કાર્ડની કૉપી, ઑરેન્જ રૅશનકાર્ડની કૉપી, સેલેરી સ્લિપની કૉપી જેવા ડૉક્યુમેન્ટ્સ ફાઇલ કરીને જ રાખવાના. બધાની ઝેરોક્સના ચાર-ચાર બંચ હોય અને ક્યારેક બીમારી આવે અને હૉસ્પિટલમાં એ દેખાડે તો ઘણી વાર હૉસ્પિટલવાળા પાસે જરૂરિયાતમંદ માટે ખાલી બેડ પણ હોય છે તો એનો લાભ મળી જાય. લોકોને આ ખબર ન હોય અને જનરલ વૉર્ડમાં પણ મોટી હૉસ્પિટલમાં ચાર-પાંચ દિવસમાં ખાસ્સાએવા પૈસા ચડી જતા હોય છે. 
જાગૃતિ લાવો અને વધુ ને વધુ લોકોને સહાય કરવાનો પ્રયાસ કરો. તમને નથી ખબર કે સમય ક્યારે અને કઈ રીતે પલટી મારશે. તમારી થોડીક સભાનતા તમને નહીં તો તમારી આસપાસના જરૂરિયાતમંદ લોકોને તો ચોક્કસ મદદરૂપ થઈ શકશે. બીજું, જો બેફામ જીવન જીવતા હો તો અઠવાડિયે એક વાર હૉસ્પિટલમાં આંટો મારવાનું રાખો. સ્વાસ્થ્ય કેટલું મોટું સુખ છે એ સમજાઈ જશે અને એના માટે ગંભીરતા પણ આવી જશે.

-પ્રજ્ઞા મોરજરિયા


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK