Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બીજાઓની ભૂલો શોધતા રહેવાની કેટલાક માણસોની હૉબી હોય છે

બીજાઓની ભૂલો શોધતા રહેવાની કેટલાક માણસોની હૉબી હોય છે

Published : 01 April, 2026 05:00 PM | IST | Mumbai
Hemant Thakkar | feedbackgmd@mid-day.com

માણસ માત્ર ભૂલને પાત્ર. અંગ્રેજીમાં કહેવાય છે કે અ મૅન ઇઝ લાયેબલ ટુ એર (Err). જે માણસ ભૂલ કરે તેને તેનાં ફળ-કુફળ ભોગવવાં પડે એ સ્વાભાવિક છે, એ ન્યાયી વાત છે. હિન્દીમાં કહેવત છે, જૈસી કરની વૈસી ભરની...

બીજાઓની ભૂલો શોધતા રહેવાની કેટલાક માણસોની હૉબી હોય છે

બીજાઓની ભૂલો શોધતા રહેવાની કેટલાક માણસોની હૉબી હોય છે


માણસ માત્ર ભૂલને પાત્ર. અંગ્રેજીમાં કહેવાય છે કે અ મૅન ઇઝ લાયેબલ ટુ એર (Err). જે માણસ ભૂલ કરે તેને તેનાં ફળ-કુફળ ભોગવવાં પડે એ સ્વાભાવિક છે, એ ન્યાયી વાત છે. હિન્દીમાં કહેવત છે, જૈસી કરની વૈસી ભરની...
ત્યાં સુધી બધું ઠીક છે પરંતુ કરે કો`ક અને ભરે કો`ક. ભૂલ કોઈની અને ભોગવવાનું અન્યને. એવું બને, એવું જોવા મળે ત્યારે થાય છે કે આ અન્યાય છે. અને આવું બન્યા જ કરતું હોય છે. જુદા-જુદા ક્ષેત્રે, ભિન્ન-ભિન્ન સંજોગોમાં એવું અનેક વાર બનતું રહે છે જ્યારે ભૂલ કરનારને દંડ આપવાને બદલે અન્ય કોઈ દંડાઈ જાય છે. એક જાણીતા લેખકનું પુસ્તક છપાયું. પુસ્તકના નામની જોડણી પૂંઠા પર જ ખોટી લખાઈ-છપાઈ ગઈ. ચિત્રકારે ભૂલ કરી? કોઈની નજરે ન ચડી? લેખકે કે પ્રકાશકે એ જોયું નહોતું? આવી દેખીતી ભૂલ, ગ્લેરિંગ મિસ્ટેક, કોઈની પણ નજરે પડે. ભૂલ એ ભૂલ છે. એનો બચાવ કરવાનો અર્થ નથી પણ કોઈ ભૂલને, કોઈની પણ ભૂલને કેટલી ગંભીર રીતે લેવી, કોનો ન્યાય કરવો કે કોને અન્યાય કરવો એ દરેક વ્યક્તિ પર, ભૂલ જોનાર અને વખોડનાર પર આધાર રાખે છે. આ કિસ્સામાં એક દૈનિકે આ ભૂલને એના વ્યંગલેખનો જાણે આધાર બનાવી લીધો અને લેખકને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકીને દંડવાનો પ્રયત્ન કર્યો. ભૂલ ચિત્રકારની, મુદ્રકની, પ્રકાશકની કે લેખકની? આ તો જાડા નરને જોઈ ચડાવો શૂળીએ જેવો ઘાટ થયો. 
અંધેરી નગરી અને ગંડુ રાજા. જોકે આ પુસ્તક પણ વેચાઈ ગયું અને એની બીજી આવૃત્તિમાં આ ભૂલ સુધારી લેવામાં આવી. ખેર, કોઈની આવી ચેષ્ટાઓથી જે પ્રતિષ્ઠા કે યશ છે એના કાંગરા ખરતા નથી, માત્ર આવી ચેષ્ટા કરનારનું સંકુચિત, સંકીર્ણ માનસ જ દેખાય છે પરંતુ આવું બને ત્યારે દુઃખ તો થાય જ.
માણસ પોતાના તુંબડે તરવાને બદલે કોઈનો તુંબડો ખેંચી લઈને એના આધારે તરવાના મિથ્યા પ્રયત્નો કરે એવું વરવું ચિત્ર દેખાય છે.
આ તો એક તદ્દન નાની વાત હતી પરંતુ રાજકારણમાં, વિશેષ કરીને જે વ્યક્તિઓ સરકારી તંત્રમાં, પ્રધાનપદે છે કે કોઈ મોટા હોદ્દા પર છે તેમના પર ઘણી વાર આરોપ મૂકવામાં આવે છે કે તેઓ તેમના હાથ નીચેના માણસો પર દોષો ઢોળી તેમને દોષિત ઠરાવતા રહે છે. બીજાને દોષિત ઠરાવવાની આ રમત ઘણી સંસ્થાઓમાં, મોટી કંપનીઓમાં પણ ચાલતી જ રહે છે. પણ બીજી રીતે વિચારીએ તો મોટા તંત્રમાં હજારો લોકો કામ કરતા હોય એમાં સૌથી મોટો હોદ્દો ધરાવનારને આ બધાનાં રોજબરોજનાં કામો, ભૂલો વગેરેની ક્યાંથી ખબર પડે? તંત્રની વ્યવસ્થા તો વર્ષોથી ગોઠવાયેલી હોય છે અને દોષ કે અવ્યવસ્થાની જાણ થતાં પણ સમય લાગતો હોય છે. દા. ત. રેલવેનું તંત્ર. આવડા મોટા દેશમાં કેટલાય માઇલો સુધી પાટાઓ નખાયેલા છે. અસંખ્ય સ્ટેશનો છે, અનેક ફાટકો છે. આમાં ક્યાંક કંઈક ગેરવ્યવસ્થા થઈ, અકસ્માત થયો, જાનહાનિ થાય ત્યારે હોહા મચી જાય છે. રેલવે પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દે છે. જવાહરલાલ નેહરુના પ્રધાનમંળમાં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી  રેલવેપ્રધાન હતા ત્યારે આવો એક ગંભીર અકસ્માત થયો હતો. શાસ્ત્રીજીએ તંત્રના વડા તરીકે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું. જવાહરલાલ નેહરુએ રાજીનામું સ્વીકાર્યું નહીં એમ કહીને કે ‘આમાં તમારો કોઈ દોષ નથી.’
તહલકા પ્રકરણમાં સંરક્ષણ ખાતાના ઉચ્ચ અધિકારીઓના દુરાચાર-ભ્રષ્ટાચાર- શિથિલાચારના આક્ષેપો કરવામાં આવ્યા અને સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસે રાજીનામું આપ્યું કે આપવું પડ્યું. એમાં તપાસ માટે કમિશન નિમાયું અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ફરી જ્યૉર્જ ફર્નાન્ડિસને સંરક્ષણ પ્રધાન બનાવ્યા. તેમણે પણ પોતાના સંરક્ષણ પ્રધાનનો બચાવ કર્યો કે કમિશન પાસે ફર્નાન્ડિસ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ થયા નથી.
વિરોધપક્ષોને આવા પ્રસંગે કાગારોળ મચાવવાની મજા પડતી હોય છે. જે લોકો કંઈ રચનાત્મક કાર્ય કરી શકતા નથી તેઓ આવા અનફૉર્ચ્યુનેટ પ્રસંગોની જાણે રાહ જોતા હોય છે અને એની આંચ ઉપર (અગ્નિ ઉપર) પોતાની ભાખરી શેકી લેવા તત્પર હોય છે. 
કોણ કેટલું દોષિત છે એ નિશ્ચિત થતાં, એનો નિર્ણય આવતાં તો સમય લાગે છે. સંજોગોની સગડી પર પોતાની ખીચડી પકાવી લેવા ઘણા નીકળી આવે છે.
 આમ લખવાનો અર્થ એવો નથી કે દોષો શોધવા જ નહીં કે ગુનેગારને છાવરવો કે છટકી જવા દેવો; પરંતુ જ્યાં ભૂલ, દોષ કે ગુનો પોતે ખુદ આચર્યો નથી ત્યાં સંજોગોનો સહારો લઈ કોઈના અપરાધની સજા અન્ય કોઈને માથે ઠોકી બેસાડવી એ શું સરાસર અન્યાય નથી?
આવું તો ઘણી જગ્યાએ બનતું હશે. જવાબદાર છટકી જતો હશે અને બેજવાબદાર દંડાઈ જતો હશે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં સ્વરક્ષણ કરતી સ્ત્રીઓને ખોટી રીતે આજીવન કેદની સજા થઈ હોવાના અનેક કિસ્સાઓ ‘બંદિની’ પુસ્તકમાં (લેખક પ્રીતિ કોઠી) રજૂ કરવામાં આવ્યા છે.
પ્રખ્યાત નવલકથા `ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ`ની કથાવસ્તુ થોડી જુદી છે. એક કેદી દીર્ઘકાળની લગભગ આજીવન કેદની સજા ભોગવીને જેલમાંથી છૂટે છે. એક રેન-બસેરા જેવી વીશીમાં રાતવાસો કરે છે. ત્યાં એક તેના જેટલી જ ઉંમરના જૈફ માણસને પોતાની આપવીતી કહે છે. એક ખૂનકેસમાં તેને લાંબી સજા થઈ હતી. એ ખૂન તેણે કર્યું નહોતું, પરંતુ ખૂની તેને સંડોવી શકાય એવી યુક્તિ કરીને છટકી ગયો અને આ નિર્દોષ માણસ સાંયોગિક પુરાવા તેની વિરુદ્ધ જતાં જેલની સજા પામ્યો. તેની આખી જિંદગી વ્યર્થ ગઈ. કોઈ બદમાશે તેની જિંદગી બગાડી, ઈશ્વર તેને કદી માફ નહીં કરે. પેલો નિર્દોષ માણસ એક અજાણ્યાને આવી વાતો કરતો હતો. સાંભનળનાર માણસના દિલમાં આ નિર્દોષ માણસની આપવીતી સાંભળીને હલચલ મચી જાય છે. તેનું હૃદય મીણની જેમ પીગળે છે. એ જ સાચો ખૂની હતો જેણે વર્ષો પહેલાં આ ધર્મશાળામાં ખૂની ખંજર આ નિર્દોષ માણસની પથારીમાં સંતાડી દીધેલું અને પોતે ફરાર થઈ ગયેલો.
આ વાર્તા જેવી યાદ છે એવી લખી છે, પરંતુ મૂળ વાત એ છે કે જેનો કોઈ વાંકગુનો નથી, જેનો સ્વયં કોઈ દોષ નથી તેવા ભલા નિર્દોષ માણસો, દુષ્ટ માણસોની ચાલાકીથી કેવા દંડાઈ જતા હોય છે.
કોઈનો ન્યાય કરવાવાળા આપણે કોણ?
ભૂલ તો કોણ નથી કરતું? બીજાઓની નાની કે મોટી ભૂલો શોધતા રહેવાની કેટલાક માણસોની `હૉબી` હોય છે. તો કેટલાકનો તો એ વ્યવસાય જ હોય છે.
પોતાનાથી કોઈ સારું કામ ન થઈ શકે તેવા લોકો અન્યની લાંબી લીટી ભૂંસવાના દુષ્ટ પણ વ્યર્થ પ્રયત્નો કરતા રહે છે.
માણસ કોઈનું ભલું ન કરી શકે તો વાંધો નહીં પણ કોઈનું બગાડવા માટે આટલો તત્પર શા માટે રહેતો હશે? કોઈ મનોવૈજ્ઞાનિક રહસ્ય તેમના ઘડતરમાં રહેલું હશે જે આવી હીન પ્રવૃત્તિઓ કરવા મજબૂર કરતું હશે? ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં ‘હે ઈશ્વર, તું તેમને માફ કરજે કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 05:00 PM IST | Mumbai | Hemant Thakkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK