Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજની પેઢીને હવે પરિવારની મહત્તા સમજાવવી ખૂબ જરૂરી

આજની પેઢીને હવે પરિવારની મહત્તા સમજાવવી ખૂબ જરૂરી

Published : 19 August, 2026 05:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે વધતા મતભેદો અને તૂટતા પરિવારો પાછળ આપસી સમજણ, બાંધછોડ અને ઍડ્જસ્ટમેન્ટના અભાવને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂરિયાત પણ સમજાવવામાં આવી છે.

તરલા જયંત છેડા

તરલા જયંત છેડા


તૂટતા પરિવારોને બચાવવાના ધ્યેય સાથે ૨૦૦૪માં અમે કેન્દ્રીય મધ્યસ્થી સમિતિની સમાજના ધોરણે શરૂઆત કરી ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે જમીન-આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. સૌથી પહેલાં તો પરિવારના આપસી મતભેદોને લગતા કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે અને બીજું, મધ્યસ્થી સમિતિ તરીકે અમારા પ્રયાસોનું પરિણામ દિવસે-દિવસે બદતર થતું જાય છે. તમને શું કહું? અત્યારે અમારી પાસે ૫૫૦ કપલની ફાઇલ છે જેમને ત્યાં કોઈ ને કોઈ ડોમેસ્ટિક પ્રૉબ્લેમ છે અને તેમનું લગ્નજીવન ડામાડોળ છે. આજથી ૧૦ વર્ષ પહેલાં સુધી સ્થિતિ એ હતી કે લગ્નમાં સમસ્યા થાય અને સમાજના અગ્રણીઓ મધ્યસ્થી માટે વચ્ચે પડે તો દસમાંથી ૮ કિસ્સામાં સફળતા મળી જતી હતી. આજે ઊંધું છે. દસમાંથી આઠમાં અમે એ પરિવારને બચાવવામાં નાકામ નીવડી રહ્યા છીએ.
અહીં ભૂલ કોની છે એ સમજવાનો કોઈ અર્થ નથી, કારણ કે કેટલાક કિસ્સાઓમાં પરિવારે બદલવાની જરૂર હોય છે, કેટલાક કિસ્સામાં યુવકની પોતાની ભૂલ હોય છે તો કેટલાક કિસ્સામાં વહુની જ મનમાની હોય છે. સંબંધો તૂટે છે એમાં જે મુખ્ય કારણ અમને દેખાઈ રહ્યું છે એ છે આપસી સમજણનો અભાવ, એકબીજાને સમજવાની અને એકબીજા સાથે જતું કરીને જીવવાની ઇચ્છાશક્તિનો અભાવ. બધું કરીશું પણ ઍડ્જસ્ટમેન્ટ નહીં કરીએ, કારણ કે એમાં ઈગો વચ્ચે આવે છે. તમે જ કહો કે ઍડ્જસ્ટમેન્ટ વિના દુનિયામાં એક પણ સંબંધ સંભવ નથી તો પછી સતત જીવનભરના સાથ તરીકે જોવાતા પતિ-પત્નીના સંબંધને ઍડ્જસ્ટમેન્ટ વિના કેમ ટકાવી શકાય? તમે આજે જ્યાં કામ કરો છો એ નોકરીના સ્થળે ઍડ્જસ્ટમેન્ટ કરો છો, મિત્ર સાથે ઍડ્જસ્ટમેન્ટ કરો છો, તમારા આડોશી-પાડોશીને ત્યાં જરૂર પડે ઍડ્જસ્ટમેન્ટ કરો છો પણ કપલ તરીકે એકબીજા સાથે ઍડ્જસ્ટમેન્ટ નહીં કરો તો સંબંધ કેવી રીતે ટકશે? ખરેખર સમાજવ્યવસ્થા માટે આજના યુવા વર્ગમાં વિકસી રહેલી આ માનસિકતા ડરાવનારી છે. 
હવેનાં મા-બાપ બાળપણથી જ સંસ્કારોમાં ઍડ્જસ્ટમેન્ટની રોપણી કરે એ ખૂબ જરૂરી છે, કારણ કે પરિવાર તોડીને ઘરે પાછી આવતી તમારી દીકરી કે પરિવાર તોડવા માટે તત્પર તમારો દીકરો આખરે પસ્તાશે. આપણને પાર્ટનરની જરૂર છે જ. કોઈક કેસમાં જેન્યુઇન કારણો હોય અને છૂટાછેડા જ ઉપાય હોય એ બની શકે, પણ આજે દર ત્રીજું કપલ લગ્નના થોડાક મહિનાઓમાં અમારી વચ્ચે નહીં બને એમ કહીને જુદા પડવાનો ઢંઢોરો પીટી રહ્યું છે જે યોગ્ય નથી. પરિવારનું મૂલ્ય તમારા વ્યક્તિગત હિત માટે પણ મહત્ત્વનું છે. તમે તમારા ઈગો કે થોડીક બાંધછોડ નહીં કરવાની જીદ સાથે સંબંધને તોડી નાખો એ યોગ્ય નથી. મેં ૩ પેઢી જોઈ છે જેમાં એક સમયે દીકરીઓને ભણાવાતી નહોતી. એ પછી માત્ર પ્રારંભિક શિક્ષણ અપાતું અને આજે દીકરીઓ દીકરા કરતાં પણ ભણવામાં અને કારકિર્દીમાં આગળ નીકળી ગઈ છે. આ વિકાસ સારો જ છે અને એ થવો જ જોઈએ. જોકે ભણેલી-ગણેલી દીકરી એ પછી સંપૂર્ણ વ્યવસ્થાને ઊથલાવી મારે જે પોતાના જ હિતમાં હોય તો એ ભણતર એળે ગયું એવું કહેવામાં પણ સંકોચ નથી થતો. આ જ વાત દીકરાને પણ લાગું પડે છે. હવે જાગવાનું મા-બાપે છે કે તેઓ કઈ રીતે પોતાનાં સંતાનોમાં સંસ્કાર-રોપણ કરી રહ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK