અસાયલમ તેમને આપવામાં આવે છે જેમના પર તેમના દેશમાં તેમના રાજકીય વિચારો યા સામાજિક વિચારો ખાતર અસાધારણ જુલમ થતો હોય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રોજ સેંકડો ભારતીયો અમેરિકાની સરહદ પર પહોંચીને અસાયલમ માગે છે. અસાયલમ તેમને આપવામાં આવે છે જેમના પર તેમના દેશમાં તેમના રાજકીય વિચારો યા સામાજિક વિચારો ખાતર અસાધારણ જુલમ થતો હોય. આવી વ્યક્તિને અમેરિકા અસાયલમ આપે છે. અસાયલમ માગનારાઓની ઊલટતપાસ કરવામાં આવે છે અને ઇમિગ્રેશન ઑફિસરને યોગ્ય જણાય તો તેને અસાયલમ આપવામાં આવે છે અથવા વધુ ચકાસણી માટે ઇમિગ્રેશન જજ પાસે મોકલવામાં આવે છે. આવા લગભગ ૪૦૦૦ કોર્ટ-કેસ પેન્ડિંગ છે. અસાયલમની અરજી કોર્ટમાં જાય તો નિર્ણય આવતાં લાંબો સમય લાગે છે. ત્યાં સુધી જો યોગ્ય જણાય તો એવી વ્યક્તિને કામ કરવાની છૂટ આપવામાં આવે છે. તેને એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ આપવામાં આવે છે. અસાયલમ માગનારાઓને પાછા પોતાના દેશમાં જવાની જરૂરિયાત ઊભી થાય એવી કોઈ અર્જન્સી આવે તો તેઓ અમેરિકાની સરકાર પાસે અરજી કરીને પોતાની આ જરૂરિયાત દેખાડીને થોડા દિવસ માટે અમેરિકાની બહાર જવા માટે ટ્રાવેલ ડૉક્યુમેન્ટની માગણી કરી શકે છે. અસાયલમની અરજી કરી હોય અને પેન્ડિંગ હોય તથા તેમને અસાયલમ આપવામાં ન આવ્યું હોય એવા લોકો જો અમેરિકાની બહાર થોડા સમય માટે જવા ઇચ્છતા હોય તો તેમણે પરવાનગી લેવા ‘ટ્રાવેલ ડૉક્યુમેન્ટ’ મેળવવો ખૂબ જ જરૂરી છે. જો ટ્રાવેલ ડૉક્યુમેન્ટ લીધા વગર તેઓ અમેરિકા છોડીને બીજા કોઈ દેશમાં જશે તો ફરી પાછો તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. કેટલો સમય બહાર રહ્યા છે એ મુજબ તેમના પર ૩ યા ૧૦ વર્ષનો બૅન લાગી જશે. કદાચ કાયમનો બૅન પણ લાગે. પછી તેમણે ‘ઇમિગ્રન્ટ વેવર’ની અરજી કરવી પડશે. જો તમે અમેરિકામાં અસાયલમ માગ્યું હોય અને તમારી અરજી પેન્ડિંગ હોય એ સમય દરમ્યાન તમારે અમેરિકાની બહાર જવાની જરૂરિયાત ઊભી થાય તો તમારે અમેરિકાના ઇમિગ્રેશન ખાતાને અરજી કરીને ‘ટ્રાવેલ ડૉક્યુમેન્ટ’ મેળવવો જોઈએ. આવા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ હોય છતાં તમે જ્યારે પાછા અમેરિકામાં આવો છો ત્યારે તમે ખરેખર અસાયલમને લાયક છો કે નહીં એની ચકાસણી થાય છે. પછી જો યોગ્ય જણાય તો જ તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે છે. એટલે જો તમે અસાયલમની અરજી અમેરિકામાં કરી હોય તો એ તમારા હિતમાં છે કે અરજી પેન્ડિંગ હોય ત્યારે તમને અસાયલમ આપવામાં ન આવે ત્યાં સુધી અમેરિકા છોડીને બહાર જવું ન જોઈએ.


