બજારમાં વીગનિઝમને લઈને ઘણા લોકો એવી ધારણા ધરાવે છે કે વીગન પ્રોડક્ટ્સ મોંઘી હોય છે અને એના સ્વાદ વિશે પણ સંશય વ્યક્ત કરે છે. મારા મતે આ ધારણા બદલવા માટે વીગન પ્રોડક્ટ્સને માસ માર્કેટ સુધી પહોંચાડવાની ખૂબ જરૂર છે.
હર્ષદ પારેખ
બજારમાં વીગનિઝમને લઈને ઘણા લોકો એવી ધારણા ધરાવે છે કે વીગન પ્રોડક્ટ્સ મોંઘી હોય છે અને એના સ્વાદ વિશે પણ સંશય વ્યક્ત કરે છે. મારા મતે આ ધારણા બદલવા માટે વીગન પ્રોડક્ટ્સને માસ માર્કેટ સુધી પહોંચાડવાની ખૂબ જરૂર છે. મને લાગે છે કે આ જ સૌથી વ્યવહારુ માર્ગ છે. બજારમાં જ્યારે આ પ્રોડક્ટ્સનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થશે ત્યારે એના ભાવ આપોઆપ ઘટશે. એક વાર ગ્રાહકોને પ્લાન્ટ-બેઝ્ડ ફૂડનો સ્વાદ અને ગુણવત્તા પસંદ આવી જાય પછી તેઓ એને પોતાના રોજિંદા આહારમાં પણ સ્થાન આપી શકે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં વીગનિઝમ અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે. ગ્રાહકો હવે પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ખોરાકની ગુણવત્તા વિશે વધુ સજાગ બન્યા છે. એના પરિણામે બજારમાં પ્લાન્ટ-બેઝ્ડ દૂધ, પનીર, દહીં અને અન્ય અનેક વિકલ્પો ઉપલબ્ધ થયા છે. જોકે મને લાગે છે કે આ ક્ષેત્રમાં વધુ વ્યાપક પરિવર્તન ત્યારે આવશે જ્યારે મોટી અને સ્થાપિત ફૂડ તેમ જ ડેરી કંપનીઓ પણ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં સક્રિય રીતે જોડાશે.
વિદેશોમાં પણ પ્લાન્ટ-બેઝ્ડ ફૂડની શરૂઆતના તબક્કામાં આવું જ જોવા મળ્યું હતું. પ્લાન્ટ-બેઝ્ડ ફૂડની ડિમાન્ડ વધતાં ઘણી મોટી ડેરી કંપનીઓએ પોતાની અલગ બ્રૅન્ડ્સ અથવા સબસિડિયરી દ્વારા આવી પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. આવી કંપનીઓ પાસે લાંબા ગાળાનું રોકાણ કરવાની ક્ષમતા હોય છે. તેઓ ગ્રાહકો સુધી નવી પ્રોડક્ટ્સ પહોંચાડવા, એનું માર્કેટિંગ કરવા અને લોકોને એનો અનુભવ કરાવવા માટે પૂરતાં સંસાધનો ધરાવે છે.
આજે લોકો પરંપરાગત ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તા અને એમાં થતી ભેળસેળ વિશે વધુ પ્રશ્નો પૂછવા લાગ્યા છે. સમયાંતરે દૂધ અને પનીરની ગુણવત્તા વિશે વિવિધ અહેવાલો અને કાર્યવાહી સામે આવતાં રહે છે જેને કારણે ગ્રાહકો વધુ સુરક્ષિત અને વિશ્વસનીય વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્લાન્ટ-બેઝ્ડ વિકલ્પ ઘણા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે.
આજે અનેક સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગસાહસિકો ઉત્તમ ગુણવત્તાની વીગન પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. તેમની પાસે ટેક્નૉલૉજી અને નવીનતા તો છે, પરંતુ મોટા પાયે માર્કેટિંગ અને વ્યાપક પહોંચ માટે જરૂરી સંસાધનો મર્યાદિત હોય છે. જેમ-જેમ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે એમ-એમ મોટી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં વધુ સક્રિય બનશે. એનાથી સ્પર્ધા વધશે, કિંમતો વધુ પરવડે એવી બનશે અને ગ્રાહકોને વધુ વિકલ્પો મળી શકશે. વીગનિઝમ માત્ર એક ટ્રેન્ડ નહીં, ભવિષ્યની વધુ જવાબદાર અને ટકાઉ જીવનશૈલી તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
હર્ષદ પારેખ
ADVERTISEMENT
હર્ષદ પારેખ વર્લ્ડ વીગન વિઝનના મુંબઈ ચૅપ્ટરના પ્રેસિડન્ટ છે. તેઓ છેલ્લાં ૩૬ વર્ષથી વીગન જીવનશૈલી ધરાવે છે અને પ્લાન્ટ-બેઝ્ડ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવા માટે સક્રિય રીતે કાર્યરત છે.
