Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાગૃત નાગરિક તરીકે અખબાર વાંચવાની આદત કેળવવી જોઈએ

જાગૃત નાગરિક તરીકે અખબાર વાંચવાની આદત કેળવવી જોઈએ

Published : 19 February, 2026 12:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવારનવાર ન્યુઝપેપરમાં વિવિધ પ્રકારનાં સ્કૅમ્સ વિશે જાણકારી આપવામાં આવે છે જેમાંથી ત્રણ સ્કૅમ છેલ્લા એક મહિનામાં મારી સાથે થતાં-થતાં રહી ગયાં.

હિરેન હરિયા મુલુંડની એન્જિનિયરિંગ ફર્મમાં મૅનેજર તરીકે કાર્યરત છે

What’s On My Mind?

હિરેન હરિયા મુલુંડની એન્જિનિયરિંગ ફર્મમાં મૅનેજર તરીકે કાર્યરત છે


વર્તમાન સમયમાં ટેક્નૉલૉજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ એ જોખમી પણ સાબિત થઈ રહી છે. અત્યારે સ્કૅમર્સ લોકોની મહેનતની કમાણી હડપવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. પરંતુ જો તમે નિયમિત સમાચારપત્રો વાંચવાની આદત રાખો છો તો તમે આ સ્કૅમર્સની જાળમાંથી આબાદ બચી શકો છો. અવારનવાર ન્યુઝપેપરમાં વિવિધ પ્રકારનાં સ્કૅમ્સ વિશે જાણકારી આપવામાં આવે છે જેમાંથી ત્રણ સ્કૅમ છેલ્લા એક મહિનામાં મારી સાથે થતાં-થતાં રહી ગયાં.

મુંબઈના દાદર જેવાં ગીચ સ્ટેશનો પર સ્કૅમર્સ સક્રિય છે. તેઓ અંધારાનો કે ભીડનો લાભ લઈને ૫૦૦ રૂપિયાની અસલી નોટ સામે ૨૦૦ રૂપિયાની નકલી નોટો પધરાવી દેવાની ફિરાકમાં હોય છે. સમાચારપત્રમાં આ સ્કૅમ વિશે પહેલેથી વાંચેલું હોવાથી હું અને મારાં પત્ની આ છેતરપિંડીનો શિકાર બનતાં બચી ગયાં હતાં. સોશ્યલ મીડિયા કે વૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી આવતી લિન્ક કે ફાઇલ તમારા બૅન્ક-અકાઉન્ટને ખાલી કરી શકે છે. સતત ન્યુઝમાં આવતી ચેતવણીઓને કારણે ઘણા લોકો હવે .apk ફાઇલ્સ ડાઉનલોડ કરતાં અટક્યા છે. આ વસ્તુની માહિતી હોવાથી હું તો બચ્યો અને સાથે મેં મારા મિત્રોને આવા સ્કૅમમાંથી ઉગાર્યા છે.



તમારું વીજળીનું બિલ અપડેટ નથી થયું, આજે રાત્રે કનેક્શન કાપી નાખવામાં આવશે, આવા ધમકીભર્યા ફોન-કૉલ્સ અત્યારે સામાન્ય બન્યા છે. સ્કૅમર્સ સરકારી વિભાગના અધિકારી બનીને વાત કરે છે અને પેમેન્ટ કરવા માટે લિન્ક મોકલે છે. જો તમે સમાચારપત્રના માધ્યમથી જાણતા હો કે સરકાર ક્યારેય આવા કૉલ નથી કરતી તો તમે સુરક્ષિત છો. તાજેતરમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં ઑફિસના કર્મચારીઓને ખોટા વિડિયો-કૉલ અથવા AI જનરેટેડ અવાજથી ડરાવીને કે લાલચ આપીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાય છે. સદ્નસીબે સમયસર પોલીસને જાણ કરવાથી અને સાથી કર્મચારીની સતર્કતાથી મોટી રકમ લૂંટાતાં બચી ગઈ હતી.


સાઇબર ક્રાઇમ અને પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ઘણી વાર છેતરપિંડી થયા પછી ફરિયાદ કરવા છતાં ટેક્નિકલ કારણોસર ગુમાવેલાં નાણાં પાછાં મેળવવાં મુશ્કેલ બને છે. તેથી સાવચેતી અને સલામતીના મંત્રને અનુસરવો અનિવાર્ય છે. રોજિંદા જીવનમાં બનતી આવી ઘટનાઓથી બચવાનો સૌથી સરળ અને સચોટ ઉપાય છે, દૈનિક સમાચારપત્ર વાંચવાની આદત.

ન્યુઝપેપર તમને માત્ર દુનિયાની જ નહીં, તમારી આસપાસ રચાતાં ગુનાખોરીનાં ષડયંત્રોથી પણ માહિતગાર રાખે છે. પોતે અપડેટ રહો અને તમારા પરિવાર તથા મિત્રોને પણ જાણકારી આપીને તેમની મહેનતની કમાણી બચાવી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK