ડિજિટલ યુગમાં મોબાઇલ અને સ્ક્રીનના વધતા ઉપયોગ વચ્ચે વાંચનની આદત ઘટી રહી છે. લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું સ્થાન નહીં, પરંતુ જ્ઞાન અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. બાળકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવા અને પુસ્તકો સાથેનો સંબંધ ફરી જીવંત બનાવવાનો સમય આવી ગયો છે.
સુપર્ણા ખમાર
૧૯૦૩ની પહેલી સપ્ટેમ્બરે એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રીઓ ઘરનો ઉંબરો નહોતી ઓળંગી શકતી એ જમાનામાં તેમને વાંચન માટે પ્રેરિત કરવા ગોવર્ધનરામ ત્રિપાઠી અને ભવાનીદાસ મોતીવાલાએ ચર્નીરોડમાં સિક્કાનગર ખાતે સ્ત્રીમંડળ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. જેમના ઘરમાં લાઇબ્રેરી હોય ત્યાં દીકરી પરણાવવામાં લોકો ગર્વ અનુભવતા. ગામમાં પુસ્તકાલય હોવું એ પ્રતિષ્ઠાની વાત ગણાતી. આજે કેટલાંય પુસ્તકાયલોને તાળાં લાગી ગયાં છે. આંગળીના વેઢે ગણી શકાય એટલાં પુસ્તકાયલો બચ્યાં છે જેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમે છે. વાંચનારો વર્ગ ઘટી જતાં પુસ્તકો ધૂળ ખાઈ રહ્યાં છે. આપણે ડિજિટલ ક્રાન્તિના એવા મોડ પર આવીને ઊભા છીએ જ્યાં આંગળીના ટેરવે આખી દુનિયા છે, પણ કમનસીબે આપણા હાથમાંથી પુસ્તકો સરકી રહ્યાં છે. PDF અને સ્ક્રીનરીડિંગના દોરમાં પુસ્તકોનો વાસ્તવિક સ્પર્શ ભુલાતો જાય છે. મોબાઇલના નોટિફિકેશન વચ્ચે કલાકો સુધી સ્ક્રોલિંગ કરવું સહેલું બની ગયું છે, પરંતુ શાંતિથી બેસીને કોઈ પુસ્તકનાં પાનાં ઉથલાવવાનું ધૈર્ય ગુમાવી દીધું છે.
લાઇબ્રેરી માત્ર પુસ્તકો ગોઠવવાની જગ્યા નથી; એ માનવસભ્યતાના વિચારો, અનુભવો અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે. આધુનિક અપાર્ટમેન્ટ્સ અને સોસાયટીઓમાં જિમ, સ્વિમિંગ-પૂલ અને ક્લબ-હાઉસ માટે જગ્યા ફાળવીએ છીએ પરંતુ જ્ઞાનના આ કેન્દ્રને ભૂલી જઈએ છીએ. લુપ્ત થતી વાંચન-સંસ્કૃતિને બચાવવાની આ આખરી તક છે. સમય આવી ગયો છે કે આપણે સ્ક્રીનની દુનિયામાંથી બહાર આવીને જ્ઞાનના અસલી ધામ એટલે કે આપણી લાઇબ્રેરીઓને ધૂળ ખાતી બચાવીએ. સ્ત્રીમંડળ આ દિશામાં ભગીરથ કાર્ય કરે છે. દરેક માતાને અમે અપીલ કરીએ છીએ કે તમારા સંતાનને સ્માર્ટફોનની આભાસી દુનિયામાંથી બહાર કાઢીને પુસ્તકોની દુનિયા સાથે પરિચય કરાવો. કમસે કમ અઠવાડિયામાં એક દિવસ આખો પરિવાર સાથે બેસીને કંઈક વાંચન કરે એવો નિયમ બનાવો. દરેકના ઘરમાં એક નાની લાઇબ્રેરી હોવી જોઈએ. રહેવાસી સોસાયટીઓમાં નાનું પુસ્તકાલય હશે તો સમાજનો ચહેરો બદલાઈ જશે. મોબાઇલ પર વાંચવાથી આંખોને થાક લાગે છે, જ્યારે પુસ્તકનો સ્પર્શ આપણને અદ્ભુત અનુભૂતિ અને એકાગ્રતા આપે છે. એક પુસ્તક માણસની વિચારશ્રેણીને ઘડે છે અને તેના વર્તનને વધુ સમૃદ્ધ બનાવે છે. જે ઘરમાં વાંચન પર ચર્ચાઓ થાય છે ત્યાં વૈચારિક ઉચ્ચતા આપોઆપ આવી જાય છે. સ્ત્રીમંડળની બહેનોને અમે લઘુ વાર્તાઓનો સંગ્રહ વાંચવા અને એ વાર્તાઓ પોતાના બાળકને સંભળાવવા પ્રોત્સાહિત કરીએ છીએ. આપણી આવનારી પેઢીને સ્ક્રીન-ઍડિક્ટ બનતી અટકાવવી હોય તો આસપાસની લાઇબ્રેરીઓને પુનર્જીવિત કરવી પડશે. નજીકની સ્થાનિક લાઇબ્રેરીના સભ્ય બનો. બાળકોને ડિજિટલ ગૅજેટ્સ આપવાને બદલે પુસ્તકો ભેટમાં આપો.
