Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોંઘવારી સામે લડી શકે એવાં બે શસ્ત્રો છે બચત અને કરકસર

મોંઘવારી સામે લડી શકે એવાં બે શસ્ત્રો છે બચત અને કરકસર

Published : 21 May, 2026 01:07 PM | IST | Mumbai
Jayesh Chitalia

બાય ધ વે, વડા પ્રધાનની કે સરકારની ટીકા કરવી સહેલી છે પણ હકીકતનો સ્વીકાર અને સામનો કરવો અઘરો છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


ગયા સપ્તાહમાં વડા પ્રધાને વિશ્વની અને દેશની વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ સંકેતોને ધ્યાનમાં રાખીને વધુ એક સ્પષ્ટ વાત કરી. તેમણે ફરી વાર એક વિરાટ (દેશના) પરિવારના વડીલ તરીકે કહ્યું કે હાલ કરકસર કરવાનો સમય છે. તાજેતરના દિવસોમાં વૈશ્વિક સંજોગોને લીધે સર્જાયેલા માહોલમાં તેઓ સતત ચેતવણીના સૂરમાં દેશની પ્રજાને વિવિધ સલાહ આપી રહ્યા છે. જોકે તેમની આ મામલે ટીકા કરતાં ઘણા લોકો કહે છે કે આ બધું હવે કહો છો તો પહેલાં કેમ ન કહ્યું? સરકારે કે તેમના પ્રધાનોએ કેમ આ બધાં પાલન ન કર્યાં? હા ભાઈ, એટલું તો બધા સમજે છે કે ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે વળી કોણ આવાં સંવેદનશીલ સ્ટેટમેન્ટ્સ કરે? લોકો એમ પણ દલીલ કરે છે કે મોદી સરકાર આવી ત્યારથી કહેતી રહી છે કે મિનિમમ ગવર્નમેન્ટ ઍન્ડ મૅક્સિમમ ગવર્નન્સ. જોકે એનો અમલ કેટલો અને કેવો થયો? અફકોર્સ, કોઈની પણ સરકાર હોય, વાજબી અને તંદુરસ્ત ટીકા થવી પણ જોઈએ.

બાય ધ વે, વડા પ્રધાનની કે સરકારની ટીકા કરવી સહેલી છે પણ હકીકતનો સ્વીકાર અને સામનો કરવો અઘરો છે. હાલ વાત છે કરકસરની અને બચતની તો જેનું પાલન તો વડા પ્રધાન કે સરકાર ન કહે તો પણ કરવું પડે એવો સમય આવ્યો છે. સરકારની આ અપીલ માત્ર પ્રજાને નથી, તમામ સરકારી તંત્રોને છે. કોણ કેવા નક્કર દાખલા બેસાડે છે એ સમય કહી દેશે. પ્રધાનો અને સરકારી અધિકારીઓએ માત્ર ફોટો પડાવીને કરકસરના દાખલા આપવાથી ચાલે નહીં. ખરેખર તો એનો પ્રામાણિક અને નક્કર અમલ સરકાર તરફથી જ થવો જોઈએ.



સેવિંગ અને સ્પેન્ડિંગ ઇકૉનૉમી


મોટા ભાગના લોકોની માનસિકતા છેલ્લા કેટલાક સમયથી એવી થતી ગઈ છે કે વાપરો અને જલસા કરો, આવતી કાલ કોણે જોઈ છે? લોકોનું અર્થતંત્ર બજારલક્ષી અને ખર્ચલક્ષી બનતું ગયું છે. આપણે સેવિંગ ઇકૉનૉમીના સ્થાને સ્પેન્ડિંગ ઇકૉનૉમી તરફ વધુ જવા લાગ્યા છીએ. આ બાબત પોતાના માટે અને આવનારી પેઢી માટે પણ જોખમ બની શકે. અમેરિકા જેવો પાવરફુલ દેશ પણ સ્પેન્ડિંગ ઇકૉનૉમીનો કેવો શિકાર છે એ તો એ જ જાણે અને એની પ્રજા જાણે.

ખેર, ભારત મૂળભૂત રીતે ખેતીપ્રધાન દેશની જેમ બચતપ્રધાન દેશ રહ્યો છે. જોકે એમાં પરિવર્તન થવા લાગ્યાં છે. નવી જનરેશન કહો કે જેન-ઝી કે આલ્ફા કહો, જેઓ બચત કરતાં ખર્ચની માનસિકતામાં-લાઇફસ્ટાઇલમાં વધુ માને છે. આ બધા વચ્ચે આવા ક્રાઇસિસના સંજોગો અને અનુભવો ઘણું શીખવવા આવે છે. વર્તમાન સંજોગો ફરી વાર બચત અને કરકસરનું મહત્ત્વ સમજાવવા આવ્યા હોવાનું માનવું પડે.


મોંઘવારી વધવાનાં મોંઘાં પરિબળો

હાલ તો જોખમી અને અનિશ્ચિતતાનો સમય આવતાં મોંઘવારી વધે એવાં સંખ્યાબંધ નક્કર પરિબળો આકાર પામ્યાં છે જે હજી વધી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને ગૅસના ભાવ વધતા ગયા છે. એની અછત પરિસ્થિતિ ઑર બગાડી શકે. સરકારે લૉકડાઉન જાહેર કર્યું નથી, પરંતુ લોકો બહાર વધુ ન નીકળે એવા પરોક્ષ પ્રયાસ અને ઇશારા કરીને પેટ્રોલ, ડીઝલ, ગૅસની બચતનો માર્ગ કાઢ્યો છે. વિવિધ રાજ્ય સરકાર પોતાની રીતે પણ આના વપરાશ પર અંકુશ લાવવાનાં પગલાં ભરી રહી છે. રાઉન્ડ-રાઉન્ડ મેં બોલે તો આ તમામ પ્રયાસોમાં વિદેશી હૂંડિયામણ બચાવવાનું લક્ષ્ય છે, પણ એને લીધે અમુક મહિનાઓ માટે અનેક પ્રકારના નાના-મોટા વેપારધંધા મંદા યા બંધ પડશે. એને પરિણામે રોજગારનું સર્જન અટકશે અને સ્વરોજગારની તકો ઘટતી જશે. હાથમાંની નોકરીઓ પણ લોકોએ ગુમાવવી પડી શકે.

કરકસર પણ એક બચત ગણાય

આવક ઘટે કે બંધ થાય તો ખર્ચ કઈ રીતે થાય અને કેટલો થાય? આવક અને ખર્ચની આવી અસમતુલામાં કરકસર એ જ ઉપાય છે. સમજવાની વાત એ છે કે કરકસરમાં ખર્ચ પર કાપ મુકાય, પરંતુ બચત પર કાપ મૂકવાનું સલાહભર્યું નહીં. ભાવિ સંજોગોને લક્ષ્યમાં રાખીને સામાન્ય માનવીએ બચત કે કરકસર તો પેટે પાટા બાંધીને પણ કરવી જોઈશે. જો યુદ્ધનો સંઘર્ષ ચાલુ રહ્યો તો આવનારો બૂરો સમય વધુ બૂરો બનશે અને એ માટે પણ કરકસર જરૂરી થશે. ખર્ચ પર મુકાયેલો કાપ પણ એક અર્થમાં બચત બનશે. જેમની પાસે વીતેલા સમયની સારી બચત હશે તેમને થોડી રાહત રહેશે. એના પરથી વિચારી લેવું જોઈએ કે બચતનું મહત્ત્વ ક્યારે અને શા માટે હોય છે.

શેના વિના ચાલી શકશે?

આપણને ભોજન વિના ચાલી શકે? શિક્ષણના ખર્ચ વિના ચાલશે? માંદગીના ઇલાજ વિના ચાલી શકશે? આ ઉપરાંત નવા યુગના અનેકવિધ ખર્ચ વિના કેટલું ચાલી શકશે? વિચારવાનું અને આયોજન કરવાનું દરેક વ્યક્તિ-પરિવારના હાથમાં રહેશે. દરેક પરિવારે સાથે બેસીને કરકસર અને બચતનું આયોજન કરવું જોઈશે. સરકાર મોડી જાગી, સમયસર પગલાં લીધાં નહીં, સરકારે પોતાના ખર્ચ ઘટાડ્યા નહીં એવા વિવાદ કે દલીલ ઊભી કરવાથી આપણી વ્યક્તિગત સમસ્યા સૉલ્વ થશે નહીં. દરેક ક્રાઇસિસ કહીને આવતી નથી. અહીં થોડુંઘણું કહીને આવી છે. અત્યારની લડાઈ માત્ર જમીન કે સત્તાની નથી બલ્કે આર્થિક તાકાત આપી શકે એવી સંપત્તિની છે.

આપણે કોવિડનો-લૉકડાઉનનો કપરો સમય પસાર કર્યો છે. અત્યારનો તબક્કો કામચલાઉ છે. આ પણ પસાર થઈ જશે. દરેક મોટી સમસ્યા મોટા સંદેશ અને બોધ આપતી હોય છે. આ બોધ સરકારે અને પ્રજાએ લેવો રહ્યો.

છેલ્લે આ એક ધારદાર સત્ય સમજી લેવાની જરૂર છે : પૈસાની એક સ્પષ્ટ ભાષા છે કે આજે તમે મને બચાવશો તો આવતી કાલે હું તમને બચાવીશ!

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 01:07 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK