કૌશલ્યની સાથે ડિજિટલ સાક્ષરતા બહુ મોટું હથિયાર છે. ગૃહઉદ્યોગ શરૂ કરનારી મહિલા જો સ્માર્ટફોન, ડિજિટલ પેમેન્ટ અને ઑનલાઇન માર્કેટિંગનાં બેઝિક ટૂલ્સ શીખી લે તો એનો વ્યાપ સીમિત ભૌગોલિક સરહદો ઓળંગીને ખૂબ મોટો થઈ શકે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે જ્યારે દેશના આર્થિક અને સામાજિક વિકાસની ચર્ચાઓ થાય છે ત્યાં કેટલીક ગૃહિણીઓ હજુ પણ આર્થિક મુખ્ય પ્રવાહથી અલિપ્ત જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રી ઘર સંભાળે એટલે તેની કુશળતા માત્ર ઘરના ચૂલાચોકા પૂરતી સીમિત માની લેવામાં આવે છે; પરંતુ બદલાતા સમયની માગ છે કે સમાજના સ્તરે ગૃહિણીઓ માટે આર્થિક આત્મનિર્ભરતા, ડિજિટલ સાક્ષરતા અને સ્કિલ-ડેવલપમેન્ટને એક શોખ તરીકે નહીં પણ અનિવાર્ય સામાજિક જરૂરિયાત તરીકે જોવામાં આવે.
આપણી આસપાસ એવી અનેક મહિલાઓ છે જેમનામાં અદ્ભુત કળા અને કૌશલ્ય છુપાયેલાં છે. કોઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં નિપુણ છે તો કોઈ સિલાઈ, બ્યુટી, આર્ટ કે હસ્તકલામાં માહિર છે. જોકે યોગ્ય ટ્રેઇનિંગ અને માર્કેટિંગના અભાવે આ કૌશલ્ય ઘરની દીવાલોની બહાર નીકળી શકતું નથી. જ્યારે આ પરંપરાગત આવડતને પ્રોફેશનલ સ્કિલ-ડેવલપમેન્ટનો સ્પર્શ મળે છે ત્યારે એ એક સક્ષમ લઘુઉદ્યોગમાં પરિવર્તિત થઈ શકે છે.
કૌશલ્યની સાથે ડિજિટલ સાક્ષરતા બહુ મોટું હથિયાર છે. ગૃહઉદ્યોગ શરૂ કરનારી મહિલા જો સ્માર્ટફોન, ડિજિટલ પેમેન્ટ અને ઑનલાઇન માર્કેટિંગનાં બેઝિક ટૂલ્સ શીખી લે તો એનો વ્યાપ સીમિત ભૌગોલિક સરહદો ઓળંગીને ખૂબ મોટો થઈ શકે છે. ડિજિટલ સાક્ષરતા માત્ર બિઝનેસ માટે જ નહીં, રોજિંદા જીવનમાં ઑનલાઇન ફ્રૉડ અને સાઇબર ક્રાઇમથી બચવા માટે પણ ગૃહિણીઓ માટે કવચ સમાન છે. બાળકની ઑનલાઇન ફી ભરવાથી લઈને બૅન્કિંગ-વ્યવહારો જાતે સંભાળવા સુધી તે સક્ષમ થશે. આના માટે સમાજના સ્તરે વર્કશૉપ્સનું આયોજન થવું જોઈએ જે આ બધું શીખવાડે.
સામાજિક અને આર્થિક દૃષ્ટિએ આ પરિવર્તન અત્યંત મહત્ત્વનું છે. અર્થશાસ્ત્રનો નિયમ કહે છે કે જ્યારે કોઈ પુરુષ કમાય છે ત્યારે તે વ્યક્તિગત આર્થિક વૃદ્ધિ હોઈ શકે છે, પરંતુ જ્યારે ઘરની એક ગૃહિણી આર્થિક રીતે પગભર થાય છે ત્યારે તે આવક સીધી જ પરિવારના સ્વાસ્થ્ય, પોષણ અને બાળકોના ઉચ્ચ શિક્ષણ પાછળ રોકાય છે. પરિણામે આખું કુટુંબ અને ક્રમશઃ આખો સમાજ પ્રગતિના પંથે આગળ વધે છે. ગૃહિણીઓનાં સમય અને શક્તિને માત્ર ચીલાચાલુ ઘરેલુ કામો પૂરતાં સીમિત રાખવાને બદલે તેમને નવી ટેક્નૉલૉજી અને પ્રોફેશનલ સ્કિલ્સ શીખવા માટે પ્લૅટફૉર્મ પૂરું પાડવું જોઈએ.
સ્થાનિક સ્તરે થતા આવા નાના પ્રયાસો જ ભવિષ્યનાં મોટાં આર્થિક પરિવર્તનનો પાયો નાખે છે. જ્યારે સમાજ, સ્થાનિક સંસ્થાઓ અને પરિવારો સાથે મળીને ગૃહિણીઓને આ નવું આકાશ પૂરું પાડશે ત્યારે માત્ર એક સ્ત્રી નહીં પરંતુ સમગ્ર સામાજિક માળખું સશક્ત બનશે. ગૃહિણીઓનું આ સશક્તીકરણ ચાર દીવાલોની મર્યાદાઓ તોડીને દેશના વિકાસદરમાં પણ સિંહફાળો આપી શકે છે.
- માયા કોઠારી
