Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પોતાના અજ્ઞાનનો ખ્યાલ આવે છે ત્યારે જ્ઞાની થવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે

પોતાના અજ્ઞાનનો ખ્યાલ આવે છે ત્યારે જ્ઞાની થવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે

Published : 08 April, 2026 09:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે કેટલા વિદ્વાનો કે બુદ્ધિવાદીઓ લાખો લોકોને પ્રેમાદર સહિત આકર્ષી શકે છે? એ લોકો એવી દલીલ કરે છે કે ‘ઘેટાંઓનાં ટોળાં હોય, સિંહનાં નહીં. લાખો લોકો ઉપદેશ સાંભળે તેથી સમાજમાં શો ફેર પડે છે?

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


ટીવીની ચૅનલો પર પૂજ્ય મોરારીબાપુને લાખો પ્રેક્ષકોએ જોયા-સાંભળ્યા હશે. તેમની વાણી, તેમનું જ્ઞાન, તેમનું નિર્દોષ હાસ્ય જનસમૂહને મંત્રમુગ્ધ કરે છે. લાખોની સંખ્યામાં લોકો તેમનાં પ્રવચનો સાંભળવા ઊમટે છે. તેમનો લોકપ્રિય ગ્રંથ ‘શ્રી મોરારીબાપુનું અમૃત રામાયણ’ દરેક રામભક્તના ઘરમાં હશે જ. કોઈ કરિશ્મા હશે તેમની વાણીનો, જ્ઞાનનો અને અનુભવનો કે લોકો તેમના શબ્દોને ઝીલે છે.

કથાના અંતિમ દિવસે પૂજ્ય બાપુ કહે છે, ‘હવે આપણે આવતી કાલે નહીં મળીએ. રામકથા અહીં વિરામ લે છે. સૌને રામ-રામ... જય સિયારામ... તમે મને પ્રેમ આપ્યો છે એ કદી ભુલાશે નહીં.’ આ સાભળીને શ્રોતાઓની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. લોકોની ચાહના અને પ્રેમ જોઈને બાપુની આંખમાંથી પણ અશ્રુધારા વહે છે. લોકોનો આટલો પ્રેમ અને ભક્તિ?
વ્યક્તિગત પ્રશંસા કરવા માટે આ લેખ નથી લખાઈ રહ્યો. પૂજ્ય બાપુની રામકથાઓમાં સતત ૧૨ વર્ષ સુધી તેમના ‘અમૃત રામાયણ’ ગ્રંથના પ્રસાર અને વેચાણ માટે ગામેગામ ફર્યો છું. જે. કૃષ્ણમૂર્તિ, ઓશો રજનીશજી, પૂજ્ય રમેશભાઈ ઓઝાનાં ભાગવત પરનાં પ્રવચનો પણ અનેક વાર સાંભળ્યાં છે. આવી મહાન વિભૂતિઓ વિશે આપણે ત્યાં બુદ્ધિવાદીઓ, કહેવાતા વિદ્વાનો, કેટલાક પત્રકારો વ્યંગબાણ છોડતા રહે છે અને પોતાની જાતને વધુ હોશિયાર માનતા હોય છે. જોકે તેઓ એ જાણતા નથી હોતા કે જે કથાકાર કે વિભૂતિ લાખો લોકોમાં આદરભર્યું સ્થાન ધરાવે છે તેમના વિશે કોઈ પુરાવાઓ વગર તુચ્છતાદર્શક કે અપમાનજનક બોલવું એ કથાકારનું તો અપમાન છે જ, તેમના લાખો ચાહકો અને ભક્તોનું પણ અપમાન છે.



આજે કેટલા વિદ્વાનો કે બુદ્ધિવાદીઓ લાખો લોકોને પ્રેમાદર સહિત આકર્ષી શકે છે? એ લોકો એવી દલીલ કરે છે કે ‘ઘેટાંઓનાં ટોળાં હોય, સિંહનાં નહીં. લાખો લોકો ઉપદેશ સાંભળે તેથી સમાજમાં શો ફેર પડે છે? માત્ર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે વગેરે...’ એમ તો સાહિત્યકારોમાં અને સમાજમાં પણ ક્યાં ‘કંઠી’ બાંધેલા અંધભક્તો નથી હોતા? તેમને તેમના ગુરુ કે નેતા સિવાય ક્યાં કોઈ દેખાય છે? મહત્ત્વની વાત બીજી છે જે આ લેખ દ્વારા કરવી છે. આજે સમાજની જે દશા કે અવદશા દેખાય છે એમાં કોઈકે તો નીતિની, શ્રદ્ધાની, ભક્તિની મશાલ પ્રગટાવવી પડશે, અંધકારમાં જ્યોત જલાવવી પડશે. છેલ્લાં ૫૦ વર્ષમાં આજની શિક્ષણપદ્ધતિએ જે લાખો સ્નાતકોને ડિગ્રીઓ આપીને તૈયાર કર્યા છે તેમણે સમાજનું કેવું ઘડતર કર્યું? રાષ્ટ્ર પ્રત્યે કેટલો પ્રેમ, ભક્તિ કે દેશદાઝ દર્શાવ્યાં? નીતિમત્તા કે ચારિય-નિર્માણનું શિક્ષણ આપવામાં આપણી શિક્ષણપદ્ધતિનું પ્રદાન કેટલું? અરે, આ ડિગ્રીઓ ધરાવનારા ઑફિસરોએ અને વાઇટ કૉલરવાળાઓએ પોતાનું જ જીવન કેવું ઘડ્યું? દરરોજ વર્તમાનપત્રોમાં અને ટીવીમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્રોના સમાચાર વાંચવા મળે છે. જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય છે એ કોઈ અશિક્ષિત માણસોની બુદ્ધિનું પરિણામ નથી હોતું. મહાબુદ્ધિશાળી લોકો જ આવા આર્થિક અને સામાજિક ગુનાઓનું આયોજન કરતા રહેતા હોય છે અને બૅન્કો, સરકારી કે અર્ધસરકારી કચેરીઓ દ્વારા એને અમલમાં મૂકતા હોય છે. આ બધી શિક્ષિતોની સેના છે. જે લોકો અશિક્ષિતો છે કે શિક્ષિત બેકારો છે તેઓ અપરાધની દુનિયા તરફ વળે છે. પછી આવા અપરાધોની તપાસ કરવા માટે કમિશનો નિમાય, ઇન્ક્વાયરી કમિટીઓ નિમાય અને એના અહેવાલો આવતાં વર્ષો વીતી જાય. આ બધી ભ્રષ્ટાચારી જમાતને સંસ્કાર, નીતિનિયમો, દેશપ્રેમ સાથે કશું જ લાગતુંવળગતું નથી. રોગને મૂળમાંથી દૂર કરવાની કોઈને પડી નથી. આ પરિસ્થિતિમાં જ્યાં વિદ્યાપીઠો અને વિદ્યાલયો સરિયામ નિષ્ફળ ગયાં છે; જ્યાં સાહિત્યકારો અને પત્રકારો પોતાના ગમા-અણગમાને વાચકો પર ઠોકી બેસાડવા પ્રયત્નશીલ હોય; જ્યાં રાજકારણ મૂલ્યહીન, બેજવાબદાર અને વિશ્વાસને લાયક જ ન હોય ત્યાં પ્રજાના સંસ્કાર, ચારિયઘડતર, ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત મૂલ્યોની રખેવાળી કોઈકે તો કરવી જ પડશે.


સમાજના મોટા ભાગના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નીતિમૂલ્યોનો પ્રસાર આવા કથાકારોનાં પ્રવચનો દ્વારા થતો રહે છે. કલાકો સુધી સંસ્કાર-સિંચન કરતાં પ્રવચનોમાં લોકોને ઓતપ્રોત કરી દેવા એ કંઈ નાનું કામ નથી. શિક્ષિતો પણ પોતાના ગુરુ શોધી લે છે. જે. કૃષ્ણમૂર્તિ, કબીર, અખો અને અનુભવાનંદજી જેવા ચિંતકો ‘ગુરુ થા તારો તું જ’ની ફિલોસૉફી સમજાવતા રહેતા. હું કોઈ કથાકાર કે ઉપદેશક કે ગુરુની વકીલાત કરવા આ નથી લખી રહ્યો. હું તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ નથી કરતો પણ આદરસહ વંદન અવશ્ય કરું છું. પૂજ્ય મોરારીબાપુ કે પૂજ્ય રમેશભાઈ ઓઝા જેવા કથાકારો પોતે કોઈ સંપૂર્ણ માનવ કે મહાપુરુષ હોવાનો દાવો ક્યારેય નથી કરતા. એક કવિ કે લેખક, એક નિષ્ઠાવાન પત્રકાર જેમ આદરપાત્ર છે એ જ રીતે આ કથાકારો, ઉપદેશકો અને ચિંતકો પણ આદરપાત્ર છે. સમાજમાં સૌનું પોતપોતાનું સ્થાન છે.

કોઈનું સ્તર કે કક્ષા નક્કી કરનાર પહેલાં પોતાની કક્ષા કે સ્તરને જોઈ લે. ઉપનિષદના એક વાક્યને સર્વત્ર વારંવાર ટાંકવામાં આવે છે : ‘સર્વ દિશાઓમાંથી અમને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.’ તો આ પણ એક દિશા છે. સાચો જ્ઞાની મનુષ્ય તો નમ્ર, વિવેકી, સંસ્કારી, શિષ્ટાચાર અને વિનયી વાણીમાં માનતો અને રાચતો હોય છે. જ્યારે માણસને પોતાના અસીમ અજ્ઞાનનો ખ્યાલ આવે છે, અહેસાસ થાય છે ત્યારે તેની જ્ઞાન મેળવવાની, જ્ઞાની થવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે.


પ્રખ્યાત ચિંતક સૉક્રેટિસે કહ્યું હતું, ‘હું કશું જ જાણતો નથી એટલું હું જાણું છું. હા, એટલા પૂરતો હું ડાહ્યો ખરો.’

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK