સૌથી પહેલાં ઇન્શ્યૉરન્સ, બીજા નંબરે સેવિંગ્સ અકાઉન્ટમાં બે મહિના ઘર ચાલી શકે એટલી રકમ અને પછી ફિક્સ્ડ ડિપોઝિટ જેમાં કમ સે કમ ૬ મહિનાનો ખર્ચ ભેગો થયેલો હોય જેમાં તમારો ઘરખર્ચ અને લોનના EMI પણ આવી જાય. આ બધું ત્યારે જ શક્ય છે.
જનક વાઘાણી
ખાઓ, પીઓ અને એશ કરો એ આજની પેઢીનો મંત્ર છે. પૈસા નથી તો ક્રેડિટ કાર્ડ લો. ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા વધુ એક ક્રેડિટ કાર્ડ અને એમ જ પૈસાનું રોલિંગ કરીને ઉધારી વધારવાની, પરંતુ લાઇફસ્ટાઇલમાં કોઈ જ બાંધછોડ નહીં કરવાની. જલસાથી જીવવાનું અને આવતી કાલની ચિંતા નહીં કરવાની, કારણ કે કાલ કોણે જોઈ છે. આમ જુઓ તો સાંભળવામાં આજની પેઢીની આ વાતો આકર્ષક લાગે છે. આજનું આજે અને કાલનું કાલે એ બાબત લૉજિકલ લાગે છે, પણ પ્રૅક્ટિકલ નથી. વર્તમાનમાં જ જીવવું જોઈએ, પણ ભવિષ્યનું કોઈ પ્લાનિંગ જ ન કરવું એ યોગ્ય નથી. એમાં કોઈ ઊંડાણ નથી. તમે ભવિષ્યમાં કંઈ પણ આવશે તો હોંશે -હોંશે સહી લેશું એ ખેલદીલી સાથે આ નથી વિચાર્યું જેમ કોઈ સંન્યાસી વિચારે છે. ભવિષ્યનો ભય ન હોય અને વર્તમાનમાં જીવવાની વાત કરો ત્યારે એમાં અધ્યાત્મ છે, પરંતુ તમે માત્ર આજની ઇચ્છાપૂર્તિ માટે આવી ફિલોસોફી રાખો એ ગાંડપણ છે. આજની પેઢીમાં આ મૂર્ખામી વ્યાપક બનતી જાય છે. તેઓ ઔચિત્યના ભેદને સમજી નથી શકતા.
તમે જો વેપારી છો તો તમારું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ જુદું હોવું જોઈએ. તમે જો નોકરિયાત છો તો તમારું પ્લાનિંગ જુદું હોય. તમે જો મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા હો તો ખર્ચની બાબતમાં તમારો વ્યવહાર જુદો હોવો જોઈએ. તમે સરકારી કર્મચારી છો તો તમારું આર્થિક દૃષ્ટિએ ફ્યુચર પ્લાનિંગ જુદું હોય. બિઝનેસમૅન માટે અમુક ખર્ચ અનિવાર્ય હોય છે. સરકારી કર્મચારી પાસે પેન્શનનો ઑપ્શન છે અને સરકાર તેમને મોંઘવારી ભથ્થું પણ આપે છે, પરંતુ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા નોકરિયાત પાસે ભવિષ્યનું પ્લાનિંગ અત્યંત અનિવાર્ય છે. આજના સમયમાં જ્યારે લે-ઑફ સામાન્ય બનતા જાય છે અને અનિશ્ચિતતાઓની ભરમાર છે ત્યારે નોકરી છૂટે એ પછીયે તમે ૬ મહિના સર્વાઇવ કરી શકો એવું પ્લાનિંગ હોવું જોઈએ. તમારું આકસ્મિક નિધન થાય તો પરિવાર ઘર વિનાનો ન થાય એવું પ્લાનિંગ હોવું જોઈએ. સૌથી પહેલાં ઇન્શ્યૉરન્સ, બીજા નંબરે સેવિંગ્સ અકાઉન્ટમાં બે મહિના ઘર ચાલી શકે એટલી રકમ અને પછી ફિક્સ્ડ ડિપોઝિટ જેમાં કમ સે કમ ૬ મહિનાનો ખર્ચ ભેગો થયેલો હોય જેમાં તમારો ઘરખર્ચ અને લોનના EMI પણ આવી જાય. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી જરૂરિયાતો ઘટાડેલી હોય. તમે ઓછામાં ચલાવી શકતા હો. આજની પેઢીમાં આ ટેવ નથી. એને બધું જ જોઈએ છે, જે એના પતનનું કારણ બની શકે છે. તમે બચત જેટલી વધારશો એટલું તમારું ભવિષ્ય બચશે. દિવાળી પછી શરૂ થયેલા નવા વર્ષમાં આ વાત સમજાઈ જાય તો સારું.
ADVERTISEMENT
ટૅક્સેશનને લગતા જુદા-જુદા વિષયમાં પાંચથી છ પુસ્તકો લખી ચૂકેલા સિનિયર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જનક વાઘાણી GST એક્સપર્ટ પણ છે.
- જનક વાઘાણી
