રોજિંદી દિનચર્યામાં નાની-નાની વાતોનો સમન્વય કરીને નાનો પણ મક્કમ બદલાવ કરવા માટે દિલથી પ્રયત્નશીલ છે.
પ્રતીકાત્મક તસવીર
આજે વિશ્વ પર્યાવરણ દિવસે કુદરતી સંસાધનોને બચાવવા માટે જોરશોરથી બહુ વાતો થશે, પણ આ મોટી વાતો જો અમલમાં નહીં આવે તો એનો કોઈ અર્થ નથી. આજે આપણે એવા મુંબઈગરાઓને મળીએ જેમના માટે બારેમાસ પર્યાવરણ દિવસ છે. તેઓ કુદરતને બચાવવા માટે બહુ મોટાં કાર્યો નથી કરતાં, પરંતુ રોજિંદી દિનચર્યામાં નાની-નાની વાતોનો સમન્વય કરીને નાનો પણ મક્કમ બદલાવ કરવા માટે દિલથી પ્રયત્નશીલ છે. તેમની નાની-નાની વાતોમાંથી પ્રેરણા લઈને તમને પણ પર્યાવરણને બચાવવાની મુહિમમાં જોડાવાનું મન થઈ જશે એ નક્કી !
સવારે ઊઠીને બ્રશ કરતી વખતે કે ફેસવૉશ કરતી વખતે નળ સતત ચાલુ રાખવો, ફૂડ-ઍપ્સ પરથી ઘરે ખાવાનું ઑર્ડર કરતી વખતે ડોન્ટ સેન્ડ કટલરીના ઑપ્શન પર ક્લિક કરવાનું ભૂલી જવું, માર્કેટ જતી વખતે સાથે કાપડની થેલી ન લઈ જવી, મોબાઇલ ચાર્જ થયા પછી પણ ચાર્જરની સ્વિચ ચાલુ જ રાખી મૂકવી, સૂકો અને ભીનો કચરો એક જ ડબ્બામાં નાખી દેવો આ બધી એવી આદતો છે જે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એની આપણે ખબર છે છતાં આપણા કન્વીનિયન્સ માટે આપણે આ આદત બદલી શકતા નથી. જોકે આપણી વચ્ચે જ રહેતા કેટલાક મુંબઈગરા એવા પણ છે જેઓ આ બહાનાબાજીમાંથી બહાર નીકળ્યા છે. તેઓ કોઈ મોટા પર્યાવરણવાદી નથી પણ આપણી જેમ જ રોજની દોડધામ વચ્ચે જીવતા સામાન્ય લોકો છે. બસ, ફરક એટલો છે કે તેમણે પોતાના ઘરથી જ નાની-નાની આદતો બદલવાની શરૂઆત કરી છે. ચાલો, આજે મુંબઈના એવા જ થોડા લોકોને મળીએ અને જાણીએ કે તેઓ રોજના જીવનમાં કેવી રીતે આ નાની કોશિશ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કોઈ વસ્તુ નકામી નથી, બધી વસ્તુનો ઉપયોગ ધારીએ તો કરી શકીએ : નિશા મઝમુદાર
ગામદેવીમાં રહેતાં નિશા મઝમુદાર તેમની દીકરી તોરલ સાથે મળીને છેલ્લાં આઠેક વર્ષથી પ્લાસ્ટિક રીસાઇકલ કરવાનું કામ કરે છે. અત્યારે તેઓ પ્રોજેક્ટ મુંબઈ સાથે મળીને પ્લાસ્ટિક રીસાઇક્લિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું અને મારી દીકરી બન્ને પહેલેથી જ પર્યાવરણ પ્રત્યે જાગરૂક છીએ. શરૂઆતમાં અમે બીચ ક્લીનિંગ ડ્રાઇવમાં પણ જતાં. એ પછી અમને વિચાર આવ્યો કે એવું શું કરી શકાય જેથી લોકોના ઘરમાંથી કચરો સીધો રીસાઇક્લિંગ માટે જતો રહે. અમે શોધવાનું શરૂ કર્યું કે કોણ-કોણ પ્લાસ્ટિક રીસાઇકલ કરે છે. કચરો કઈ રીતે એકઠો કરવો, એને પ્લાન્ટ સુધી ટ્રાન્સપોર્ટ કરીને કઈ રીતે રીસાઇકલ કરવો એ આખી સિસ્ટમ બનાવવા પર અમે કામ કર્યું. શરૂઆત બહુ નાના લેવલથી કરેલી, પણ પછી માઉથ પબ્લિસિટી થઈ અને લોકોને અમારા કામ વિશે ખબર પડી એટલે લોકો પોતે પ્લાસ્ટિક જમા કરીને રીસાઇક્લિંગ માટે આપતા થયા. અત્યારે અમારા ગામદેવી, તાડદેવ, અલ્ટમાઉન્ટ રોડ અને વિલે પાર્લેમાં પિક-અપ પૉઇન્ટ્સ છે. દર ૧૫ દિવસે શનિવારે પ્રોજેક્ટ મુંબઈ તરફથી ટ્રક આવે છે જે પ્લાસ્ટિક વેસ્ટ રીસાઇક્લિંગ માટે લઈ જાય છે. ટ્રક શનિવારે વેસ્ટ કલેક્ટ કરવા આવવાની હોય એના એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે રાત્રે જ લોકો અમારા લોકેશન પર પ્લાસ્ટિકનો કચરો જમા કરી જાય છે. અમે દર ૧૫ દિવસે ૬૦-૭૦ કિલો પ્લાસ્ટિક રીસાઇક્લિંગ માટે મોકલીએ છીએ. એ સિવાય અમે કપડાં, રમકડાં, બુક્સ, વાસણ અને ફર્નિચર જેવી વસ્તુઓ પણ કલેક્ટ કરીએ છીએ અને સ્કૂલો, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જ્યાંથી પણ રિક્વાયરમેન્ટ આવે ત્યાં આપી આવીએ છીએ. ઘરના સ્તરે પણ અમે શક્ય હોય એટલી ઇકો-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલ અપનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ઘરમાં બાયો-એન્ઝાઇમબેઝ્ડ હોમ-ક્લીનર્સ જ વાપરું છું. મારી દીકરી બહારના કેમિકલવાળા માસ્ક ખરીદવાને બદલે ઘરે જ નૅચરલ માસ્ક અને સ્ક્રબ બનાવીને એનો ઉપયોગ કરે છે. અમે દૈનિક જીવનમાં શક્ય એટલો એવો પ્રયત્ન કરીએ છીએ કે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ ઘટાડી શકાય જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.’
લોકો માટે પર્યાવરણ બચાવવા કરતાં પોતાની સુવિધા વધુ મહત્ત્વની છે : પ્રિયલ સોની
બોરીવલીમાં રહેતી ૨૭ વર્ષની પ્રિયલ સોની વ્યવસાયે ઇકો-ટૂરિઝમ કંપનીમાં નેચર ઇવેન્ટ ક્યુરેટર તરીકે કામ કરે છે. કુદરત સાથે પ્રોફેશનલી જોડાયેલી હોવાથી તે પર્યાવરણને લઈને વધુ સજાગ છે. પ્રિયલ તેની મમ્મી મીનલબહેન સાથે મળીને શક્ય હોય એટલી સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ અપનાવવાનો પ્રયત્ન કરે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘અમારી સોસાયટીમાં કમ્પોસ્ટિંગની વર્કશૉપ થયેલી. એ પછી મેં અને મમ્મીએ મળીને ઘરે જ કમ્પોસ્ટિંગ કરવાની શરૂઆત કરેલી. જે વેસ્ટ આપણે ક્રીએટ કરીએ છીએ એ જો પાછો માટીમાં ભળી જાય તો એનાથી સારું શું? આમાં કંઈ ખાસ એક્સ્ટ્રા મહેનત નથી હોતી. ઘણી વાર કિચન-વેસ્ટ વધારે હોય તો હું એને મિક્સરમાં બ્લેન્ડ કરીને કમ્પોસ્ટના ડબ્બામાં નાખું છું. આનાથી કમ્પોસ્ટિંગ સુપરફાસ્ટ થાય છે અને ડબ્બો પણ જલદી ભરાતો નથી. જે ખાતર બને એ અમે અમારા ઘરના છોડમાં, સોસાયટીના ગાર્ડનમાં કે મિત્રોને આપી દઈએ છીએ. મેં જોયું છે કે લોકો ઉત્સાહમાં કમ્પોસ્ટિંગ શરૂ તો કરે છે, પણ લાંબો સમય ટકાવી શકતા નથી. શરૂઆતમાં ડબ્બામાં પાણી વધી જાય, કીડા પડે કે દુર્ગંધ આવે એટલે લોકો કંટાળી જાય છે; પણ જો તમે થોડી ધીરજ રાખો તો ગણિત સમજાઈ જાય છે કે હવે પાણી વધી ગયું છે તો થોડું કોકોપીટ ઉમેરવું પડશે. અમારી સોસાયટીમાં પણ સૂકો-ભીનો કચરો અલગ લેવાય છે એટલે ડ્રાય વેસ્ટ જેમ કે દૂધની કોથળી કે શૅમ્પૂની બૉટલ્સ હોય એ બધું અમે ધોઈ-સૂકવીને રીસાઇક્લિંગ માટે આપી દઈએ છીએ. આપણે ઘરમાં વાસણ સાફ કરવાનું જે લિક્વિડ, હૅન્ડવૉશ કે ફિનાઇલ વાપરીએ છીએ એ બધું જ બજારમાં પ્લાસ્ટિકની બૉટલોમાં મળે છે. બૉટલ ખાલી થાય એટલે એ પ્લાસ્ટિક સીધું કચરામાં જાય છે. આ પ્લાસ્ટિક-વેસ્ટ રોકવા માટે અમે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. અમે આ બધાં ક્લીનર્સ બૉટલને બદલે પાઉડર ફૉર્મમાં મગાવીએ છીએ, જેનું પૅકિંગ પ્લાસ્ટિકનું નહીં પણ પેપરનું હોય છે. ઘરમાં લાવીને બસ આ પાઉડરને પાણીમાં મિક્સ કરવાનો હોય છે એટલે વાપરવા માટેનું લિક્વિડ ક્લીનર ઘરે જ તૈયાર થઈ જાય છે. હું ગમે ત્યાં બહાર જાઉં, મારી પોતાની પાણીની બૉટલ હંમેશાં સાથે જ રાખું છું. હા, બૅગમાં એનું વજન ઊંચકવું પડે છે. જોકે લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ૧૦-૨૦ રૂપિયામાં પાણીની બૉટલ બહાર મળી જ જશેને, શું કામ વજન ઉપાડવું? હું મુંબઈની બહાર ટ્રાવેલિંગ કરું ત્યારે કટલરી (ચમચી-કાંટા) પણ મારી સાથે રાખું છું. મોટા ભાગે ટ્રેનમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ જ અપાતી હોય છે. લોકો એવું વિચારીને બેસી રહે છે કે આપણે શું કામ સાથે રાખવી, સામેવાળો ચમચી તો આપવાનો જ છેને. દુખની વાત એ છે કે લોકો માટે એન્વાયર્નમેન્ટ સેવ કરવા કરતાં પોતાની સુવિધા વધુ ઇમ્પોર્ટન્ટ છે.’
જરૂરિયાતો ઘટાડો તો આપોઆપ પર્યાવરણને ફાયદો પહોંચે : રાજેશ કોઠારી
હું મિનિમલિઝમમાં માનું છું. સગવડો બધી રાખો, પણ એનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરો એમ જણાવતાં કમ્પ્યુટર સૉફ્ટવેરનો બિઝનસ ધરાવતા ઘાટકોપરમાં રહેતા ૬૫ વર્ષના રાજેશ કોઠારી કહે છે, ‘છેલ્લાં ૧૮ વર્ષથી હું મારા ઘરે કમ્પોસ્ટિંગ કરું છે. મને ગાર્ડનિંગનો ઘણો શોખ છે. મારી એવી વિચારસરણી છે કે ગમે એમ કરીને કચરો ઓછો ઉત્પન્ન થાય, જેથી કચરો ઘરની બહાર જતો બચે અને કૂંડાના છોડ માટે ઉત્તમ ખાતર બની જાય. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અમે નવું ઘર લીધું હતું અને ફર્નિચરના કામકાજ બાદ ફેવિકૉલનો એક મોટો ખાલી ડબ્બો નીકળ્યો હતો. એને ફેંકી દેવાને બદલે મેં એમાં જ કમ્પોસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં હું સિંગલ બિનમાં કમ્પોસ્ટિંગ કરતો હતો, પણ હવે બે ટિન વાપરીને પ્રૉપર સિસ્ટમથી કરું છે. એમાં એક ટિનમાં રોજનો કચરો જમા થાય છે અને બીજામાં કમ્પોસ્ટ બને છે. એક ટિન આખું ભરાઈ જાય એટલે એને ૪૫ દિવસ સુધી પ્રોસેસ થવા માટે બાજુમાં મૂકી રાખું છે. મારો ૩ બેડરૂમનો ફ્લૅટ છે અને બધી જ રૂમમાં AC છે. એમ છતાં અમે બધી વસ્તુઓ એટલી સમજી-વિચારીને વાપરીએ છીએ કે ઉનાળામાં પણ અમારું મહિનાનું લાઇટબિલ માંડ ત્રણથી ૪ હજાર રૂપિયાની વચ્ચે જ આવે છે, જ્યારે બાકીના દિવસોમાં તો આ બિલ માત્ર દોઢથી બે હજાર રૂપિયા જેટલું જ આવે છે. સાદાઈથી જીવવું એ અમારી લાઇફસ્ટાઇલમાં જ વણાઈ ગયું છે. અમે બને ત્યાં સુધી શાવરનો ઉપયોગ નથી કરતા. બાલદીમાં પાણી લઈને નાહીએ છીએ. અમારા ઘરે ક્યારેય કોઈ ઑનલાઇન પાર્સલ આવતું નથી. જે જોઈએ એ જાતે બજારમાં જઈને જરૂરિયાત પૂરતું ખરીદી આવીએ છીએ. અમારે કપડાંની ખરીદી પણ બહુ ઓછી હોય. એવું નહીં કે કબાટમાં કપડાંના ઢગલેઢગલા પડ્યા હોય. રસોઈ પણ એ જ રીતે બનાવીએ કે એ પતી જ જાય અનેઅન્નનો વેડફાટ ન થાય. જરૂરિયાતોને જેમ બને એમ ઓછી કરો, એને ક્યારેય બેફામ વધારશો નહીં. આજે ભૌતિક ચીજવસ્તુઓ અને ઑનલાઇન ઑપ્શન્સનો ઢગલો ભલે વધુ ને વધુ થતો જાય; એમાંથી મળતો વાસ્તવિક સંતોષ, શાંતિ અને પર્યાવરણની સુરક્ષા એટલી જ ઓછી થતી જાય છે.’ પર્યાવરણ બચાવવા માટે હંમેશાં મોટાં આંદોલનો કે ભારે ખર્ચ જરૂરી નથી. મુંબઈના આ લોકો બતાવે છે કે રોજિંદા જીવનની નાની-નાની આદતોમાં ફેરફાર કરીને પણ આપણે પ્રકૃતિ પરનો ભાર ઘટાડી શકીએ છીએ. પ્રશ્ન માત્ર એટલો છે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા તૈયાર છીએ કે નહીં.
નવી પેઢી માટે સસ્ટેનેબિલિટી જૂની પેઢી માટે સહજ લાઇફસ્ટાઇલ હતી: ડિમ્પલ પારેખ
ઘરના રસોડામાંથી જ પર્યાવરણ અને બજેટ બન્નેને મૅનેજ કરતાં મલાડમાં રહેતાં ૩૫ વર્ષનાં ગૃહિણી ડિમ્પલ પારેખ કહે છે, ‘રોજ ઘરમાં જે લીંબુ વપરાય છે એનાં છોતરાંને હું કચરામાં ફેંકવાને બદલે એક વાટકાની અંદર ભેગાં કરીને ફ્રિજમાં રાખતી જાઉં છું. અંદાજે ૧૫-૨૦ દિવસમાં જેટલાં પણ લીંબુનાં છોતરાં ભેગાં થાય એને હું એક વાસણમાં પાણી નાખીને ૨૦ મિનિટ સુધી બરાબર ઉકાળી લઉં છું. એમાં હું બે ટેબલસ્પૂન વિનેગર અને બે ટેબલસ્પૂન બેકિંગ સોડા ઍડ કરું છું. પાણી એકદમ ઠંડું થાય એટલે એને ગાળીને બૉટલમાં ભરી લઉં છું. સામાન્ય રીતે આવા હોમમેડ નૅચરલ ક્લીનરમાં ફીણ નથી થતું, પણ આપણા મગજની એક સાઇકોલૉજી છે કે વાસણ કે કિચનનું પ્લૅટફૉર્મ સાફ કરતી વખતે જો ફીણ ન વળે તો આપણને ક્લીનિંગનું સૅટિસ્ફૅક્શન નથી મળતું. આના ઉપાય તરીકે હું એક સ્માર્ટ ટ્રિક વાપરું છું. લીંબુના આ ગાળેલા પાણીમાં હું બજારમાંથી મળતું ૧૦૦ મિલીલીટર જેટલું ડિશવૉશ લિક્વિડનું નાનું પાઉચ ઍડ કરી દઉં છું. એટલે ઘરમાં જ પાંચ લીટર ફર્સ્ટ ક્લાસ લિક્વિડ ક્લીનર બની જાય છે. આ ઉપરાંત કિચનમાંથી નીકળતાં કાંદાનાં છોતરાં કે કેળાની છાલને પણ હું મિક્સરમાં સરસ પીસી નાખું છું. હું ઘરમાં કોઈ કમ્પોસ્ટનો ડબ્બો રાખીને ખાતર નથી બનાવતી, પણ આ પીસેલા કચરાને સીધો જ અમારી સોસાયટીના ગાર્ડનની માટીમાં જઈને નાખી દઉં છું. માટીમાં ભળ્યા પછી એ પ્રકૃતિની રીતે જ જાતે-જાતે પોતાનું કામ કરવાનું ચાલુ કરી દે છે અને છોડને પોષણ મળી રહે છે. આ સિવાય ઘરમાં જૂનાં કપડાં હોય જે થોડાં ઘસાઈ ગયાં હોય તો એને ફેંકી દેવાને બદલે એમાંથી કપડાની થેલી, ઓશીકાનાં કવર, પાથરણ કે ગોદડી બનાવી લઉં છું. આ બધી વસ્તુઓ હું મારી મમ્મીને જોઈ-જોઈને શીખી છું. આપણે સસ્ટેનેબિલિટીની વાત કરીએ છીએ, પણ આ બધી વસ્તુઓ એવી છે જે ઓલ્ડ જનરેશન વર્ષોથી કરતી આવી છે. એમાં કંઈ નવું નથી. પર્યાવરણ સાચવવાની કે વસ્તુઓ રીયુઝ કરવાની બાબતમાં તો મારી મમ્મી મારાથી પણ બે ડગલાં આગળ હતાં. તે ઘરમાં જાંબુના ઠળિયા પણ ન મૂકે! ડાયાબિટીઝમાં કામ આવશે એમ વિચારીને જાંબુના એ ઠળિયાનો સરસ મુખવાસ બનાવી નાખતાં. મારે ૩ વર્ષની દીકરી જિયારા છે. અમે તેને પણ અત્યારથી જ પાણી અને વીજળીનો જાળવીને ઉપયોગ કેમ કરવો એ શીખવીએ છીએ. તેને બરાબર ખબર છે કે બાથરૂમમાંથી બહાર આવીને સૌથી પહેલાં લાઇટ બંધ કરવાની છે અને પાણીનો બગાડ નથી કરવાનો. મારો એવો સ્પષ્ટ મત છે કે આ બધી વસ્તુઓ જો બાળકોને નાનપણથી જ શીખવવામાં આવે તો એ કોઈ નવો નિયમ નથી લાગતો, તેમની રોજની આદત જ બની જાય છે.’
