કેન્દ્ર સરકારના રેલવેપ્રધાન તથા ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ અને ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને કારણે લાઇમલાઇટમાં આવી છે ઝોહો કૉર્પોરેશન.
સ્વદેશી ઝોહો
કેન્દ્ર સરકારના રેલવેપ્રધાન તથા ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ અને ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને કારણે લાઇમલાઇટમાં આવી છે ઝોહો કૉર્પોરેશન. તમામ સાઇઝની કંપનીઓ માટે ક્લાઉડ-બેઝ્ડ સૉફ્ટવેર અને વેબ-બેઝ્ડ ડિજિટલ ટૂલ્સ બનાવતી અને વેચતી આ કંપનીનું હેડક્વૉર્ટર તામિલનાડુના એક નાનકડા નગરમાં છે
એવું કહેવાય છે કે જનસામાન્યમાં રાષ્ટ્રભક્તિ કૂટી-કૂટીને ભરી જ હોય છે. બસ, એને પ્રદર્શિત કરવા માટે કોઈ એવા પથદર્શકની જરૂર છે જેથી જનતા સ્વમાનભેર પોતાનો રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી શકે. હમણાં કંઈક એવું જ થઈ રહ્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પોતાનું ટૅરિફ-ટ્રમ્પેટ જ્યારથી વગાડવાનું શરૂ કર્યું છે ત્યારથી વિશ્વભરમાં અમેરિકા પર થૂથૂ થઈ રહ્યું છે. કંઈક એમ કહો તો ચાલે કે પોતાને વિશ્વલીડર ગણાવતો એ દેશ હવે એની એ ઇમેજ અને ધાક ખોઈ રહ્યો છે, વિશ્વ પરની પોતાની પકડ ગુમાવી રહ્યો છે અને સામે દુશ્મન ઊભા કરી રહ્યો છે. એનું એક મુખ્ય કારણ એ કે કોઈ બીજો દેશ ઍડ્વાન્સ થાય, આગળ વધે કે વિશ્વમાં પોતાનો ડંકો વગાડે એ અમેરિકાથી સહન થતું નથી.
ADVERTISEMENT
આવું જ કંઈક ભારત સાથે થઈ રહ્યું છે. છેલ્લા એક દશક જેટલા સમય દરમિયાન ભારતે વૈશ્વિક કક્ષાએ પોતાની જે નવી ઓળખ ઊભી કરી છે, પોતાનો દબદબો વિશ્વફલક પર વધાર્યો છે એ અમેરિકાથી સહન નથી થઈ રહ્યું અને તેથી ભારતનાં બીજાં રાષ્ટ્રો સાથેના ગાઢ સબંધો અને ભારતની વૈશ્વિક માન્યતા એને પેટમાં દુખે છે. પહેલાં કહ્યું, ૨૫ ટકા ટૅરિફ લગાડીશું. ત્યાર બાદ કહ્યું, રશિયા પાસે ઑઇલ ખરીદો છો? તો ૨૫ ટકા બીજી વધારાની ટૅરિફ લગાડીશું. હવે ટ્રમ્પને મોટો વાંધો ત્યાં પડ્યો કે હું આટલોબધો બફાટ કરતો રહું છું છતાં ભારતના વડા પ્રધાન કશુંય રીઍક્ટ કેમ નથી કરતા? ઊલટાનું તે તો ચીન અને રશિયા જેવા દેશો સાથે મીટિંગ્સ કરીને સબંધો વધુ ગાઢ કરી રહ્યા છે. પરંતુ આખરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ સપ્ટેમ્બરે દેશને સંબોધતાં કહ્યું કે આપણે બીજા દેશો પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને વધુમાં વધુ ક્ષેત્રોમાં બને એટલા આત્મનિર્ભર થવું જોઈએ.
વડા પ્રધાનના આ સજેશનને માન આપતાં બીજા જ દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જનતા સામે એક ખૂબ સુંદરમજાનો વિકલ્પ રજૂ કર્યો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ મૂકી તેમણે જણાવ્યું કે વડા પ્રધાનની ‘સ્વદેશી અપનાવો’ની અપીલથી પ્રેરાઈને હું ઝોહો (ZOHO) પર શિફ્ટ થઈ રહ્યો છું. ‘I am moving to Zoho – our own Swadeshi platform for documents, spreadsheets and presentations.’ સાથે તેમણે ઉમેર્યું કે ઝોહોની કૅપેબિલિટીઝથી જબરદસ્ત ઇમ્પ્રેસ થયો છું. જ્યારે કોઈ કેન્દ્રીય પ્રધાન આવું નિવેદન કરે ત્યારે સ્વાભાવિક છે કે એ બનાવનારનું શૅર લોહી ચડી જાય. ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ અશ્વિની વૈષ્ણવની આ પોસ્ટ પર રીઍક્શન આપતાં કહ્યું કે અમે તમને ગૌરવ થાય એવું કામ કરી દેખાડીશું.
શું છે ઝોહોમાં?
ઝોહો મેઇલ્સ - નો સ્પૅમ, નો ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ. સૌથી મોટું સુખ તો આ થઈ ગયું. આ સિવાય તેમનું એક જબરદસ્ત ફીચર્સ છે ‘સ્ટ્રીમ’. તમે કોઈ પણ મેઇલ પર સીધી જ તમારી કમેન્ટ આપી શકો છો અને સાથે જ જે-તે મેઇલને સીધેસીધા જ તમારા ટાસ્કમાં પણ લઈ જઈ શકો જેથી તમારી આખીયે ટીમને આપોઆપ જાણ થઈ જાય કે કયું કામ ક્યારે કરવાનું છે.
ઝોહો વર્કડ્રાઇવ - જેનું બેઝિક કામ એ છે કે કોઈ પર્ટિક્યુલર કામ કે પ્રોજેક્ટ માટે અલગ-અલગ ડેટા ભેગા કરવામાં આવ્યા હોય કે બનાવવામાં આવ્યા હોય તો આ વર્કડ્રાઇવ એને એક જ જગ્યાએ સેવ કરે છે એટલું જ નહીં, માનો કે કામને લગતા ડેટા હોવાથી એ તમારે તમારી ટીમ સાથે શૅર કરવા હોય કે તેઓ જોઈ શકે એમ રાખવા હોય તો એ પણ રાખી શકાય છે. અને ધારો કે કોઈ એવા ડેટા કે વિગતો છે જે અંગત છે અને તમારે કોઈ સાથે શૅર નથી કરવા તો માત્ર એને એક ‘પર્સનલ’નો ટૅગ આપો એટલે એ તમારા અંગત ડેટામાં સેવ થઈ જશે.
ઝોહો રાઇટર - એક જ પ્રોજેક્ટ પર અલગ-અલગ વ્યક્તિ એકસાથે કામ કરી શકે એવું શક્ય છે? હા, ઝોહો દ્વારા શક્ય છે. માની લો કે ચાર મિત્રો મળી કોઈ એક સ્ક્રિપ્ટ લખી રહ્યા છે અને ચારેય એકબીજાના ઘરે એકમેકથી દૂર બેઠા હોય છતાં એ ચારેય એકસાથે એ સ્ક્રિપ્ટ પર એક જ ફાઇલમાં કામ કરતા હોય તો? આનો જવાબ ઝોહો પાસે છે.
ઝોહો શીટ - ડેટા મૅનેજ, ડેટા ઍનૅલાઇઝ, ડેટા ફીડ, ડેટા કલેક્શન. શૅરમાર્કેટ હોય કે કરિયાણાની દુકાન, હીરાબજારનું કામ હોય કે સોનીની દુકાન, અકાઉન્ટ્સ લખવાના હોય કે સ્ટૉકના પર્ચેઝ-સેલની વિગતો, સ્ટૉક ટેલી કરવાનો હોય કે માર્કેટના ડેટા... ઝોહો શીટ બધું કહેતાં બધું જ કરી આપે છે.
આ સિવાય વર્ડ, એક્સેલ અને પાવરપૉઇન્ટ જેવાં સામાન્ય ટૂલ્સ તો ખરાં જ અને સાથે ઝોહો શો, ઝોહો ક્લિક, ઝોહો મીટિંગ જેવાં કંઈકકેટલાંય બીજાં ટૂલ્સ છે જે માઇક્રોસૉફ્ટ અને ગૂગલ વર્કસ્પેસ જેવા ગ્લોબલ જાયન્ટ્સને પાછળ છોડી શકે છે. જોકે શ્રીધર વેમ્બુ કહે છે એમ આપણે ક્યારેય વિકલ્પ વિશે વિચારતા જ નથી અને એમાંય માઇક્રોસૉફ્ટ કે ગૂગલ સામે કોઈ સ્વદેશી ઑપ્શન હોઈ શકે એવું તો ક્યારેય નહીં
આ ઝોહો છે શું?
કમ્પ્યુટરના વિશ્વમાં એક નામ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ, MS ઑફિસ. સાવ સરળ ભાષામાં કહીએ તો આ ZOHO એ MS ઑફિસનો શ્રેષ્ઠ ભારતીય વિકલ્પ છે જે ભારતીયે જ બનાવ્યો છે.
ઝોહો શું છે? કોણ છે જન્મદાતા?
પ્રોફેશનલ લાઇફ હોય કે એજ્યુકેશનલ, MS (માઇક્રોસૉફ્ટ) ઑફિસે પોતાનું એકહથ્થુ શાસન એવું જમાવ્યું છે કે આપણે ક્યારેય એના વિકલ્પ વિશે વિચાર સુધ્ધાં નથી કર્યો, પરંતુ ભારત વિશ્વને એનો સચોટ વિકલ્પ જરૂર આપી શકે છે. ઝોહો એક મેડ ઇન ઇન્ડિયા ડિજિટલ ટૂલ છે જેના જન્મદાતા છે શ્રીધર વેમ્બુ.
શ્રીધર વેમ્બુ અને ટોની થૉમસ નામના બે ટૅલન્ટેડ ઇન્ડિયન માઇન્ડ્સ દ્વારા ઝોહો કૉર્પોરેશન નામની એક કંપની ૧૯૯૬ની સાલમાં સ્થાપવામાં આવી હતી. આ કંપનીનું હેડક્વૉર્ટર ચેન્નઈમાં છે. જ્યારે ટોની અને શ્રીધરે આ કંપની શરૂ કરી ત્યારે તો એ માત્ર એક SaaS કંપની તરીકે જ શરૂ કરી હતી. Saas એટલે સૉફ્ટવેર ઍઝ અ સર્વિસ, પરંતુ તેમનું આ માનસિક બાળક જેમ-જેમ મોટું થતું ગયું તેમ-તેમ તેમણે પોતાની કાબેલિયત વિકસાવવા માંડી અને આજે ઝોહો એક ગ્લોબલ ટેક્નૉલૉજી પ્લેયર બની ચૂકી છે. કંપનીએ હમણાં સુધીમાં ૮૦થી પણ વધુ ક્લાઉડ-બેઝ્ડ ઍપ્લિકેશન્સ બનાવી છે જેમાં ઈ-મેઇલ, કસ્ટમર રિલેશનશિપ મૅનેજમેન્ટ, HR, અકાઉન્ટિંગ, પ્રોજેક્ટ મૅનેજમેન્ટ જેવી કંઈકેટલીયે ઍપ્લિકેશન્સ સામેલ છે. હા, એ વાત સાચી કે ઝોહો અમેરિકા સાથે ઇન્કૉર્પોરેટેડ (સમ્મિલિત) છે પરંતુ તેમણે હંમેશાં મેડ ઇન ઇન્ડિયાના વિચારને પ્રાધાન્ય આપ્યું છે એટલું જ નહીં, ચેન્નઈમાં હેડક્વૉર્ટર હોય એવી આ કંપનીનું મુખ્ય ઑપરેશન ક્યાં આવ્યું છે ખબર છે? તામિલનાડુના રૂરલ એરિયાના એક નાનકડા શહેર તેન્કાસીમાં.
આજે ઝોહોની વાર્ષિક રેવન્યુ ૮૩૦૦ કરોડ રૂપિયા કરતાંય વધુ છે એટલું જ નહીં, વિશ્વના ટેક્નૉલૉજી હબ ગણાતા અમેરિકામાં પણ એણે પોતાનું આગવું સ્થાન હાંસલ કર્યું છે. હજી બીજો એક ચોંકાવનારો આંકડો રજૂ કરીએ? ૧૫૦ કરતાં વધુ દેશો અને ૧૦૦ મિલ્યન કરતાં વધુ યુઝર્સ. જી હા, આ છે ઝોહોનું વિસ્તરેલું બિઝનેસ નેટવર્ક. આ વિશ્વ કેટલું મોટું છે? ૧૯૫ દેશો જેટલું, તો એમાંથી ૧૫૦ કરતાં વધુ દેશોમાં તો ઝોહો પોતાનું સ્થાન, પોતાનો બિઝનેસ સ્થાપી ચૂક્યું છે. એ પણ ૧૦૦ મિલ્યન કરતાં વધુ યુઝર્સ સાથે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં નાનાં-નાનાં સ્ટાર્ટઅપથી લઈને ફૉર્ચ્યુન-૫૦૦ ગણાતી કંપનીઓ પણ ઝોહોની ઍપ્લિકેશન્સ વાપરી રહ્યાં છે. જે રીતે માઇક્રોસૉફ્ટ પોતાની ઑફિસ ઍપ્લિકેશન્સને MS ઑફિસ તરીકે ઓળખાવે છે એ જ રીતે ઝોહો પોતાની કોલૅબરેટેડ ઍપ્લિકેશન્સ અને ઑફિસ ટૂલ્સને ઝોહો વર્કપ્લેસ અને ઝોહો ઑફિસ સૂટ જેવાં પ્લૅટફૉર્મ્સ તરીકે રજૂ કરે છે.
એટલું તો હવે સરળતાથી સમજી શકાય એમ છે કે આ રીતે બહેતરીન વિકલ્પ ઉપલબ્ધ કરાવવાને કારણે ઝોહો સીધેસીધી ગ્લોબલ જાયન્ટ્સ માઇક્રોસૉફ્ટ ઑફિસ અને ગૂગલ વર્કસ્પેસ સાથે હરીફાઈમાં આવી ગઈ છે, પણ આવી કોઈ હરીફાઈથી હારી જાય કે ચિંતામાં મુકાય એ શ્રીધર થોડા? તે તો ઊલટાનું કહે છે કે અમે અમારી ઍપ્લિકેશન્સ અને પ્લૅટફૉર્મ્સ બનાવ્યાં જ છે સીધી હરીફાઈ માટે. તો આવી વાતો કરનારા જીનિયસ માઇન્ડ શ્રીધર વેમ્બુ છે કોણ?
કોણ છે શ્રીધર વેમ્બુ?
કોઈ ગામડાના ખેતરની કોરે-કોરે ફ્રેન્ચ દાઢીવાળી કોઈ સાવ સામાન્ય દેખાતી વ્યક્તિને સાઇકલ પર ફરતી જુઓ અને ધારો કે તેમને પૂછી બેસો કે તમે કોણ છો અને જવાબમાં તે કહે કે ‘હું શ્રીધર વેમ્બુ’ તો વાત માની લેજો. એક સક્સેસફુલ બિઝનેસમૅન અને કરોડપતિ માણસ હોવા છતાં સાવ સામાન્ય પહેરવેશ સાથે સાવ સામાન્ય વ્યક્તિ તરીકે જીવતા શ્રીધર એક એવી સક્સેસફુલ કંપનીના માલિક છે કે જેની કંપની કામ તો કરે છે ભારતનાં નાનાં-નાનાં ગામડાંઓમાંથી, પરંતુ માઇક્રોસૉફ્ટ અને ગૂગલ જેવી ટેક જાયન્ટ્સને હંફાવે છે.
મળસ્કે ૪ વાગ્યાથી પોતાના દિવસની શરૂઆત કરતા શ્રીધર જાગતાંની સાથે ગામમાં લટાર મારવા નીકળી પડે છે. ક્યારેક ગામના તળાવમાં તરતા તો ક્યારેક ખેતી કરતા જોવા મળતા શ્રીધર વાસ્તવમાં દેશના ધનિકોની યાદીમાં મોખરાની હરોળમાં આવતી વ્યક્તિ છે એટલું જ નહીં, ૨૦૨૧માં તેમને દેશના ચોથા ક્રમાંકના હાઇએસ્ટ સિટિઝન અવૉર્ડ પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ફૉર્બ્સની યાદી પ્રમાણે આ સાવ સામાન્ય દેખાતી વ્યક્તિ આજે ૨૫,૦૦૦ કરોડ કરતાંય વધુની નેટવર્થ ધરાવતી દેશના પંચાવનમા ક્રમાંકની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ છે.
શ્રીધર વેમ્બુ
કૅલિફૉર્નિયામાં સ્થિત ક્વૉલ્કૉમ કંપનીથી પોતાની પ્રોફેશનલ લાઇફ શરૂ કરનારા વેમ્બુની એ નોકરી દરમિયાન મુલાકાત થાય છે ટોની થૉમસ નામના એક બીજા જિનીયસ સાથે. ટોની એ સમયે ન્યુ જર્સીમાં પોતાની એક હાઇટેક પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા હતા. ટોની થૉમસ સાથે સંબંધ ગાઢ બનતો ગયો અને શ્રીધરે તેની મુલાકાત પોતાના બે ભાઈઓ સાથે પણ કરાવી. શ્રીધર અને તેના બે ભાઈઓ સહિત ટોની ભેગા મળી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર કામ કરતા રહ્યા અને ત્યાં તો અચાનક એક દિવસ શ્રીધરે પોતાની ક્વૉલ્કૉમ કંપનીની નોકરી છોડી દીધી. થોડાઘણા પૈસા બચાવ્યા હતા એ બધા લઈને તેઓ પહોંચી ગયા સિલિકૉન વૅલી. એવામાં બન્યું એવું કે એ સમય દરમિયાન લાસ વેગસમાં વેગસ ટ્રેડ શો ચાલી રહ્યો હતો જેમાં ટોની થૉમસ પણ આવ્યા હતા. ફરી એક વાર બન્ને મિત્રોની મુલાકાત થઈ અને ટોનીએ શ્રીધરને પોતાની મૂંઝવણ જણાવતાં કહ્યું કે મારે મારું પ્રોટોકૉલ સૉફ્ટવેર આ ટ્રેડ શોમાં વેચવું છે પરંતુ કોઈ કેપેબલ સેલ્સમૅન મળી જ નથી રહ્યો.
શ્રીધર વેમ્બુએ તરત જઈને એક વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું જેમાં લખ્યું હતું VP Marketing અને આ રીતે ટોની થૉમસની કંપની ઍડવેન્ટનેટના સેલ્સમૅન તરીકે માર્કેટમાં ઊતરી પડ્યા. મહેનતમાં ક્યારેય કોઈ કસર છોડવાની તો વેમ્બુની આદત હતી જ નહીં. તેમણે દિવસ-રાત આ કંપની માટે લોહી-પાણી એક કરીને કામ કરવા માંડ્યું.
શ્રીધર આ સમય દરમિયાન જેટલું પણ કમાતા એ બધું જ પોતાની પાસે નહીં મૂકતાં તેમણે એ ફન્ડ ફરી કંપનીમાં જ ઇન્વેસ્ટ કરવા માંડ્યું. અને આ રીતે શરૂઆત થઈ પોતાની ઝોહો કંપનીની. ૧૯૯૫ની સાલ આવતા સુધીમાં તો તેમણે ટોની થૉમસની કંપની ઍડવેન્ટનેટ સાથે ઝોહોનું મર્જર કર્યું અને બન્ને પાર્ટનરની નવી કંપની અસ્તિત્વમાં આવી ઝોહો. મહેનત અને લગન એટલી જબરદસ્ત હતી કે માત્ર બે જ વર્ષમાં એટલે કે ૧૯૯૭માં તો શ્રીધર વેમ્બુએ કંપનીનું સેલ્સ ૩.૫ હજાર કરોડ સુધી પહોંચાડી દીધું. બિઝનેસની સૂઝબૂઝ વેમ્બુમાં એવી જબરદસ્ત હતી કે તેમણે પોતાની કંપનીની સેલ્સ ટીમ તો અમેરિકામાં જ રાખી પરંતુ R&D ડિપાર્ટમેન્ટ ભારતમાં રાખ્યો. ૧૯૯૭ની સાલમાં ૩.૫ હજાર કરોડનું સેલ અને ૧૯૯૮ આવતા સુધીમાં તો ઝોહો ૧ મિલ્યન ડૉલરની રેવન્યુ કરતી કંપની બની ગઈ અને ૨૦૦૦ની સાલ આવતામાં આ આંકડો વધીને ૧૦ મિલ્યન સુધી પહોંચાડી દેખાડ્યો. બસ, આ એ સમય હતો જ્યારે શ્રીધર વેમ્બુ કંપનીના CEO તરીકે આરૂઢ થયા અને આખીયે કંપનીની કમાન હવે તેમના હાથમાં આવી ગઈ.
શુભ આશય અને અમલીકરણ
શ્રીધર વેમ્બુ એક એવા ભારતીય છે જેને બીજા કરોડો ભારતીયની જેમ જ દેશમાં પ્રવર્તી રહેલી ગરીબી અને બેરોજગારી વિશે ચિંતા છે. બસ, ફરક માત્ર એટલો છે કે બાકીના કરોડો ભારતીય માત્ર ચિંતા વ્યક્ત કરીને બેઠા રહે છે અને શ્રીધર જેવા કેટલાક પારસમણિઓ ગરીબી-બેરોજગારી જેવા લોઢાને સ્પર્શી સોનું બનાવવાના પ્રયત્નોમાં મંડી પડે છે. આ પારસમણિ એટલે જ ઝોહો!
શ્રીધરે નક્કી કર્યું કે ભારતના ગ્રામીણ વિસ્તારોનું ડેવલપમેન્ટ કરવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે ભણતર અને રોજગારીની તકો. શરૂઆત થઈ તામિલનાડુના તેન્કાસી જિલ્લાના મથલમપરાઈથી, જ્યાં તેમણે ઝોહોનું સૉફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કર્યું. ત્યાર બાદ શરૂ થયું એક એવું અભિયાન જે તેમને અને તેમની કંપનીને પણ ભવિષ્યમાં ખૂબ કામમાં આવવાનું હતું. રૂરલ ડેવલપમેન્ટમાં સૌથી મોટો ભાગ ભજવી શકે એ પરિબળ એટલે શિક્ષણ. મૂળભૂત શિક્ષણ નહીં, સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન. શ્રીધરે વેમ્બુએ ઝોહો સ્કૂલની શરૂઆત કરી. જાતિ-ગામ-શહેર કે આર્થિક પરિસ્થિતિ જેવા કોઈ પણ પરિબળને મહત્ત્વ ન આપીને અને દરેકને એકસરખી તક અને એકસરખું ભણતર મળી રહે એની કાળજી લઈને શરૂ કર્યું એક ઇન્સ્ટિટ્યુશન.
બે વર્ષના તેમના આ સ્કૂલી અભ્યાસક્રમમાં સામાજિક કે આર્થિક બંધનો વિદ્યાર્થીઓને રોકતા નથી. દરેક જાતિનો, કોઈ પણ આર્થિક પરિસ્થિતિનો વિદ્યાર્થી અહીં બે વર્ષનો અભ્યાસક્રમ ભણી શકે છે જેમાં તેમને સૉફ્ટવેર ડેવલપમેન્ટની થિયરેટિકલ અને પ્રૅક્ટિકલ બન્ને પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવે છે, ભણાવવામાં આવે છે. આ પ્રોગ્રામની સફળતાની સૌથી મોટી સાબિતી એ છે કે ઝોહો સ્કૂલમાંથી પાસઆઉટ થઈને નીકળતા બૅચમાંથી મોટા ભાગના સ્ટુડન્ટ્સ ઝોહો કંપનીમાં જ રીક્રૂટ થતા હોય છે. પરિણામસ્વરૂપ ઝોહોની કુલ વર્કફોર્સના લગભગ ૧૫ ટકા રિક્રૂટ્સ ઝોહો સ્કૂલના વિદ્યાર્થીઓ છે.
આર્થિક ફાયદો
ઝોહો સ્કૂલ શરૂ કરવા પાછળ સામાજિક ડેવલપમેન્ટનો એક નેક ઇરાદો તો હતો જ; પરંતુ આ સોશ્યલ સર્વિસનો એક મોટો ફાયદો એ થયો કે જ્યાં બીજી કંપનીઓ બહારથી ભણીને આવેલા એક્સપર્ટ્સ, સૉફ્ટવેર ડેવલપર્સ કે એન્જિનિર્સ ઊંચા પગારે હાયર કરે છે ત્યાં જ ઝોહો પોતાની સ્કૂલમાં ભણેલા એક્સપર્ટ્સ, પોતાની જ કંપનીમાં નોકરીએ લઈ લે છે; જેને કારણે કંપનીનું ફાઇનૅન્શિયલ બર્ડન અને જવાબદારી તો ઘટે જ છે અને સાથે કર્મચારીઓમાં ગૌરવ અને વફાદારીની લાગણી પણ જન્મે છે.
ત્યાર બાદ ઝોહો એ રીતે પણ અલગ તરી આવતી સૉફ્ટવેર કંપની છે જે પ્રોડક્ટ-બેઝ્ડ મૉડલ્સ પર કામ કરે છે જેને કારણે કંપનીની સ્કેલેબિલિટી વધી જાય છે. ઝોહોએ બિઝનેસ-ટૅક્ટિક્સ તરીકે પણ એ જ નક્કી કર્યું કે શરૂઆત નાના ક્લાયન્ટ્સ અને નાના પ્રોજેક્ટ્સથી કરવામાં આવે. ધીરે-ધીરે આ સફર એટલી કારગત સાબિત થઈ કે આજે ઝોહોના ક્લાયન્ટ-લિસ્ટમાં માત્ર ભારતની મોટી-મોટી કંપનીઓ નથી, વિશ્વની અનેક મોટી કંપનીઓ છે.
ત્રીજી સૌથી મોટી સફળતા વેમ્બુની ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીમાં છુપાયેલી છે. શ્રીધર વેમ્બુએ શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે બીજાં બધાં સ્ટાર્ટઅપની જેમ તે કોઈ બહારના વેન્ચર કૅપિટલિસ્ટ પાસે ફન્ડિંગ નહીં મેળવે. તેમનો આ નિર્ણય એટલો દૂરંદેશીભર્યો હતો કે એને કારણે ઝોહો આટલાં વર્ષે પણ અનેક માલિકોની માલિકી હેઠળની પ્રાઇવેટ લિમિટેડ કંપની નહીં બનતાં એક ફૅમિલી-બિઝનેસ પ્રકારનું સાહસ બની રહી છે. અર્થાત્ કોઈ પણ બાબત માટે બીજાની મરજી કે નિર્ણયો પર આધાર નહીં રાખતાં દરેક નિર્ણય પોતાને જ કરવાની આઝાદી. ઝોહોનો માલિકીહક પોતાના જ પરિવારમાં એ રીતે જળવાઈ રહ્યો છે કે આજે ઝોહોના શૅરહોલ્ડર્સનાં નામોની યાદી તપાસીએ તો સૌથી મોટા હોલ્ડર તરીકે વેમ્બુની બહેન રાધા વેમ્બુનું નામ જોવા મળે છે.
ઝોહો આખિર ક્યા બલા હૈ?
ઝોહો વર્કપ્લેસ, એક એવું સ્વીટ અથવા ઑફિસ-ટૂલ જ્યાં ટીમ-કોલૅબરેશન અને ટીમ-કમ્યુનિકેશન બન્ને એકસાથે થઈ શકે છે. એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. ધારો કે ચાર મિત્રો કે ઑફિસ-કલીગ્સ કોઈ એક જ પ્રોજેક્ટ પર એકસાથે કામ કરી રહ્યા છે. આ ચારેય મિત્રો કઈ રીતે એકસાથે કમ્યુનિકેટ કરશે? કઈ રીતે ચૅટ કરશે? આ એક મૂંઝવી નાખનારો પ્રશ્ન છે. તરત સૂઝતો વિકલ્પ એ છે કે ફોન પર વાત કરતા જાય અથવા વૉટ્સઍપ પર ચૅટ કરતા જાય અને સાથે લૅપટૉપ કે ડેસ્કટૉપ પર કામ કરતા જાય. જોકે ઝોહો પાસે એ સૉલ્યુશન છે કે તમે પ્રોજેક્ટ પર કામ કરતાં-કરતાં ત્યાં એ જ સ્ક્રીન પર વાત કરી શકો, કામ કરી શકો, અપડેટ્સ કરી શકો, કોઈ એક વ્યક્તિ કંઈક કામ કરી રહી હોય તો એ તમે મૉનિટર પણ કરી શકો. પોતાનાં સજેશન્સ પણ આપી શકો.
ઝોહો મેઇલ્સ, ઝોહો શીટ્સ કે ઝોહો કનેક્ટ્સ જેવા અનેક વિકલ્પો સહિત સૌથી મોટી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝોહો એના યુઝર્સના કોઈ પણ ડેટા કે વિગતો ક્યાંય વેચતી નથી કે શૅર કરતી નથી. અર્થાત્ આજના સમયમાં સૌથી વધુ સિક્યૉર્ડ પ્લૅટફૉર્મ કે ઍપ્લિકેશન કોઈ હોય તો એ ઝોહો છે. આપણે બધા જ જાણીએ છીએ કે આજના જમાનામાં સૌથી મોટો કોઈ બિઝનેસ હોય તો એ ડેટાનો છે. તમારી ટેલિફોન ઑપરેટર કંપનીથી લઈને ફેસબુક, ઇન્સ્ટા, ગૂગલ, માઇક્રોસૉફ્ટ બધા જ એના ગ્રાહકોના ડેટા બીજાને વેચતા હોય છે. અરે ડૉમિનોઝથી લઈને સ્વિગી, ઝોમાટો કે તમારી બૅન્ક સુધ્ધાં તમારી વિગતો ઊંચા ભાવે વેચીને પૈસા કમાતી હોય છે.

