હાલમાં આ સેવા સ્પારના ૧૦૦ સ્ટોર્સમાં શરૂ થઈ ગઈ છે અને આગામી મહિનાઓમાં બાકીના સ્ટોર્સમાં પણ આપવાની યોજના છે.
પ્રતીકાત્મક તસવીર
સ્વિટ્ઝરલૅન્ડની જાણીતી ગ્રોસરી ચેઇન - સ્પાર હવે પોતાના સ્ટોર્સમાં ક્રિપ્ટોકરન્સી અને સ્ટેબલકૉઇનથી પેમેન્ટ સ્વીકારવાની સુવિધા આપવાની છે. કંપનીએ આ સુવિધા આપવા માટે બાઇનૅન્સ પે અને સ્વિસ ફિનટેક ફર્મ ડીએફએક્સ.સ્વિસ સાથે સહયોગ સાધ્યો છે, જેથી ગ્રાહકો ૧૦૦થી વધુ પ્રકારની ક્રિપ્ટોકરન્સી અને સ્ટેબલકૉઇન વડે બિલ ચૂકવી શકે.
હાલમાં આ સેવા સ્પારના ૧૦૦ સ્ટોર્સમાં શરૂ થઈ ગઈ છે અને આગામી મહિનાઓમાં બાકીના સ્ટોર્સમાં પણ આપવાની યોજના છે. જોકે સમગ્ર સ્વિટ્ઝરલૅન્ડમાં ક્યારે સંપૂર્ણપણે લાગુ પડશે એનો ચોક્કસ સમય નક્કી થયો નથી.
ADVERTISEMENT
સ્વિટ્ઝરલૅન્ડના રીટેલ ક્ષેત્રમાં દેશવ્યાપી સ્તરે ક્રિપ્ટોકરન્સી વડે પેમેન્ટ શરૂ કરવાનો પહેલો કિસ્સો છે. સ્પાર જેવી મોટી કંપનીઓ ક્રિપ્ટો સ્વીકારશે તો સામાન્ય લોકોમાં પણ ક્રિપ્ટો પેમેન્ટ પ્રત્યે વિશ્વાસ વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દરમ્યાન બિટકૉઇનમાં ગુરુવારે એકસામટો મોટો વધારો થઈને કૉઇન નવી ટોચે પહોંચ્યા બાદ ફરીથી ઘટ્યો હતો. આમ ૨૪ કલાકના સમયગાળામાં બિટકૉઇન ૧,૧૮,૦૦૦ ડૉલરથી લઈને ૧,૨૪,૦૦૦ ડૉલર સુધી પહોંચી ગયો હતો અને ભાવ ૧,૧૮,૬૭૭ ડૉલર ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં પણ ૩.૭૪ ટકાનો ઘટાડો થઈને ભાવ ૪૫૪૦ ડૉલર ચાલી રહ્યો છે. એક્સઆરપીમાં ૫.૪૩ ટકાનો ઘટાડો થતાં ભાવ ૩.૧૧ ડૉલર થયો હતો. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૧૧ ટકાના ઘટાડા સાથે૪.૦૨ ટ્રિલ્યન ડૉલર થયું હતું.

