પ્રેડિક્ટેબલ વાર્તા છતાં, જો તમને સ્ક્રીન પર સિદ્ધાર્થ રાંદેરિયાને જોવા ગમતા હોય તો આ ફિલ્મ તમારે ચોક્કસ જોવી જોઈએ. આ એક સંપૂર્ણ રીતે પારિવારિક ફિલ્મ છે, ટાઈમપાસ મૂવી છે, આખા અઠવાડિયાનો જો થાક વર્તાયો હોય અને હળવા થવું હોય તો આ ફિલ્મ જોવા જવું જોઈએ.
બચુની બેનપણી
ફિલ્મ: બચુની બેનપણી
કાસ્ટ: સિદ્ધાર્થ રાંદેરિયા, રત્ના પાઠક શાહ, દેવર્ષિ શાહ, યુક્તિ રાંદેરિયા, પ્રિન્સી લિંબડિયા, જાનવી ચૌહાણ અને ગોપી દેસાઈ
ADVERTISEMENT
લેખક, દિગ્દર્શક: વિપુલ મહેતા
પ્રૉડ્યૂસર: રશ્મિન મજેઠિયા
મ્યૂઝિક: સિદ્ધાર્થ અમિત ભાવસાર
લિરિસિસ્ટ: ભાર્ગવ પુરોહિત
સિનેમેટોગ્રાફી: પ્રતીક પરમાર
રેટિંગ: 2.5
પ્લસ પૉઈન્ટ્સ: સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, કૉમિક ટાઈમિંગ, મ્યૂઝિક
માઈનસ પૉઈન્ટ્સ: પ્રેડિક્ટેબલ સ્ટોરી, લંબાઈ, સ્ટોરી ઓછી અને ટૂરિઝ્મ વધારે
ફિલ્મ (Bachu ni Benpani)ની વાર્તા: ફિલ્મની શરૂઆત સિદ્ધાર્થ રાંદેરિયાથી થાય છે. બચુ બાપોધરા (સિદ્ધાર્થ રાંદેરિયા) એક એવું પાત્ર જેને સતત કોઇક ને કોઇક બીમારીથી મરી જવાનો ભય છે અને ખૂબ જ કંજૂસ માણસ છે. આ આખી ફિલ્મમાં બચુ બાપોધરાનો એક માત્ર જીવન મંત્ર છે કે મફતની કોઈ વસ્તુ છોડવી નહીં અને પૈસા કોઈ કાળે ખર્ચવા નહીં.
બચુ બાપોધરાનો બે દીકરા છે એમાંથી મોટો દીકરો પરણેલો છે, વહુ ગર્ભવતી છે. નાનો દીકરો પંજાબી છોકરીને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે પણ બચુલાલ માનવા તૈયાર નથી. બચુલાલને એક બહેન છે ચંદ્રિકા, જે કુંવારી હોવા છતાં બચુલાલના કંજૂસ સ્વભાવને કારણે અલગથી ભાડાંના ઘરમાં રહે છે. બચુલાલ કેટલા મફતખોર છે તે દર્શાવવા માટે ફિલ્મમાં જે દ્રષ્ટાંતો બતાવવામાં આવ્યા છે તે ચોક્કસ રીતે દર્શકો સુધી પહોંચે છે. બૅંગકોક વિશે ગુજરાતીઓની જે માનસિકતા છે તેને કારણે ત્યાં દીકરાને પણ જવા ન દેનારા બચુલાલ પોતે ત્યાં જવા માની જાય છે, ચારધામ જવાનું બહાનું કાઢે છે અને દરેક તૈયારીઓ સાથે ઍરપૉર્ટ પહોંચે છે.
અહીં થાય છે રત્ના પાઠક શાહ એટલે કે સુમન ગૌરી નાગરની એન્ટ્રી. અત્યાર સુધી જે આખી ફિલ્મમાં માત્ર અને માત્ર સિદ્ધાર્થ રાંદેરિયાના ખભે ફિલ્મને આગળ ધપાવવાનો દારોમદાર હતો તે હવે ધીમે ધીમે રત્ના પાઠક શાહ સાથે વહેંચાઈ જાય છે. ફિલ્મની વાર્તા તો મૂળ એ જ છે કે બચુલાલ પોતે પોતાની સગી બહેન માટે પણ પૈસા ન ખર્ચનાર વ્યક્તિ કઈ રીતે કોઈ અજાણી વ્યક્તિના હૉસ્પિટલનો ખર્ચ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. રત્ના પાઠક શાહ એટલે સુમન ગૌરી બચુમાં રહેલો ભય, બૅંગ્કોકની અનેક એડ્વેન્ચરસ એક્ટિવિટી દ્વારા દૂર કરાવે છે, સતત મોતના ડરમાં રહેતા માણસને જીવન સાથે જોડીને મોતનો ભય પણ પમાડવામાં સફળ રહ્યાં છે. પણ ફિલ્મ તમે જોશો તો તમને એવો પ્રશ્ન તો ચોક્કસ થશે કે એવી તો કઈ ઘટના હતી જેને કારણે બચુમાં આ હ્રદયપરિવર્તન આવ્યું.
ફિલ્મમાં પિતા પુત્રના સંબંધોના સીન્સ છે ત્યાં ચાલ જીવી લઈએને કેમ ભૂલી જવાય. ચાલ જીવી લઈએમાં જ્યાં જીવવાનું શીખવતાં બાપનું પાત્ર સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવ્યું હતું તે જ હવે તેમણે જીવતાં શીખવાનું હતું અને તેને માટે દીકરો વિકી એટલે કે દેવર્ષિ આ ફિલ્મમાં સુમન ગૌરીની મદદથી શીખવાડી શક્યો છે.
પર્ફૉર્મન્સ: ફિલ્મમાં રત્ના પાઠક શાહ અને સિદ્ધાર્થ રાંદેરિયા હોય ત્યારે તેમની એક્ટિંગને આંકવાની જ ન હોય તેમ છતાં ક્યાંક રત્ના પાઠક શાહમાં સારાભાઈ વર્સિસ સારાભાઈના માયા સારાભાઈની ઝલક જોવા મળે છે, સિદ્ધાર્થ રાંદેરિયા પોતાના દરેક ડાયલૉગથી લોકોને જકડી રાખવાના પ્રયાસમાં સફળ નીવડ્યા છે. ફિલ્મમાં યુક્તિ રાંદેરિયા અને દેવર્ષિ શાહે પણ સારું યોગદાન આપ્યું હોવા છતાં દેવર્ષિ પંજાબી પાત્ર દલજિત તરીકે વધારે સારો લાગે છે અને ત્યાં યુક્તિને પંજાબી પાત્ર ન આપ્યું હોત તો પણ તે એટલી સારી લાગી હોત. જોકે જાનવી ચૌહાણ, પ્રિન્સ લિંબાડિયા અને ગોપી દેસાઈને જે પ્રમાણે સ્ક્રીનટાઈમ આપવામાં આવ્યો છે તેમાં તેમણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.
સ્ક્રિપ્ટ અને દિગ્દર્શન: ફિલ્મની સ્ટોરીમાં જે મેસેજ છે તે દર્શકો સુધી પહોંચે છે, દિગ્દર્શન અને લેખનમાં જે બૅંગ્કોક દર્શન કરાવવામાં આવ્યું છે તેનાથી દર્શકોના મનમાં એક વાર તો એવો પ્રશ્ન આવી જ જાય કે શું આ બૅંગ્કોક વિશે લોકોની માન્યતા બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ફિલ્મમાં એક ડાયલૉગ ખૂબ જ સરસ છે, "જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય જ, એ આપણાં ઉપર છે કે આપણે ગામ જોવું છે કે ઉકરડો?" આની સાથે જ હૉસ્પિટલનો ખર્ચ ન ઉપાડી શકવાથી મૃત્યુ પામેલી પત્નીનો ભય અને તેને કારણે બદલાયેલુ બચુલાલનું જીવન... આ ફિલ્મ દ્વારા આપવામાં આવેલો સંદેશ સો ટકા સારો હોવા છતાં જો તમારે મેસેજ આપવો પડતો હોય તો એનો અર્થ છે કે તમે ક્યાંક કાચા પડી રહ્યા છો. ફિલ્મમાં કૉમેડીની સાથે ક્યાંક ઇમોશનલ સીન્સ પણ છે જે તમને જોવાનો આનંદ આપી શકે છે.
મ્યૂઝિક: ફિલ્મના સંગીતની વાત કરીએ તો તમને યાદ રહી જાય તેવું ન હોવા છતાં ફિલ્મની ગતિને આગળ લઈ જવામાં ક્યાંય ખલેલ પાડતું નથી. ફિલ્મના ગીતો વિશે કહી શકાય કે ગીતો સારા છે પણ તમારી જીભે ચડે એવા નથી.
સિનેમેટોગ્રાફી: ફિલ્મના પ્લસ પૉઈન્ટ્સમાં સિનેમેટોગ્રાફીને સૌથી વધારે માર્ક આપવા જોઈએ. ફિલ્મમાં બૅંગ્કોકના જે દ્રશ્યો, ત્યાંની એક્ટિવિટીઝ બતાવવામાં આવી છે સિનેમેટોગ્રાફી ખૂબ જ ચોક્કસ રીતે પર્ફેક્ટ કરવામાં આવી છે.
પ્લસ પૉઈન્ટ્સ: સિદ્ધાર્થ રાંદેરિયાના વન લાઈનર અને કૉમિક સીન્સ તમને હસાવશે, રત્ના પાઠકની એક્ટિંગ સાથે બચુની બેનપણી કેવી રીતે ખરાં અર્થમાં તેની બેનપણી બની છે તે ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરીમાં બચુની વાર્તાની સમાંતર ચાલતી વિકી અને જસ્સીની લવસ્ટોરી, બૅંગકોક પટાયામાં લોકેશનની પસંદગી, સુંદર બીચ, ત્યાંની લોકલ સંસ્કૃતિ, સ્પૉર્ટ્સ એડ્વેન્ચર તમારું આકર્ષણ બની શકે છે.
માઈનસ પૉઈન્ટ: ફિલ્મમાં યુક્તિ રાંદેરિયા જસ્સીના રોલમાં પંજાબી નથી લાગતી, તેને પંજાબી બતાવવાની ખાસ જરૂરિયાત નહોતી. બૅંગ્કોકમાં હોટેલનો એક એવો સીન આવે છે જ્યાં સુમન ગૌરી બાથરૂમમાં બેડશીટ ઓઢીને બેઠાં છે, ત્યાં તેમની એક્ટિંગમાં અને તેમના રડવાના અવાજમાં ખૂબ જ મોટો ફરક છે. આટલી મોટી ફિલ્મમાં ડબિંગનો અવાજ... અને એ પણ સરળતાંથી સમજાઈ જાય. એવી ભૂલ કઈ રીતે રહી જાય? 2 કલાક 9 મિનિટની ફિલ્મમાં લગભગ પોણા બે કલાક સુધી પટાયા, બૅંગ્કોક દેખાય છે.
ફિલ્મ જોવી કે નહીં: ફિલ્મની વાર્તા ભલે પ્રેડિક્ટેબલ છે, પણ જો તમને સ્ક્રીન પર સિદ્ધાર્થ રાંદેરિયાને જોવા ગમતા હોય તો આ ફિલ્મ તમારે ચોક્કસ જોવી જોઈએ. આ એક સંપૂર્ણ રીતે પારિવારિક ફિલ્મ છે, ટાઈમપાસ મૂવી છે, આખા અઠવાડિયાનો જો થાક વર્તાયો હોય અને હળવા થવું હોય તો આ ફિલ્મ જોવા એક વાર તો જઈ જ શકાય.

