મુંબઈના જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર તેમ જ પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળો હાલ બોરિવલીના સાઈબાબા નગરમાં ચાલી રહ્યો છે. એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં વિવિધ વિષયોનાં પુસ્તકોની ગોઠવણી કરવામાં આવેલ છે, જેનો મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ લાભ લઈ રહ્યા છે. સ્વાદિષ્ટ વાનગી ઉપર ટોપિંગ હોય એમ આ પુસ્તક મેળા સાથે કેટલીક રસપ્રદ ગોષ્ઠિઓનું પણ આયોજન થઈ રહ્યું છે.
બોરિવલીના દૈવી ઈટરનીટીમાં યોજાયેલ આ બૂકફેરમાં હવે બુધવારે સાંજે 'નિબંધના ભાવવિશ્વમાં' નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે. દાયકાઓ બાદ મઘઈ પાનની જોડી જેવા પુસ્તકમેળા અને સાહિત્યગોષ્ઠિનું સાયુજ્ય મુંબઈના સાહિત્યના ભાવકોને જોવા મળી રહ્યું છે એમ કહી શકાય. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા ભવ્ય પુસ્તકમેળામાં બુધવાર એટલે કે છઠ્ઠી મેની સાંજે સાડા સાત વાગ્યે કવિ-નિબંધકાર સંદીપ ભાટિયા નિબંધો વિશે વાત કરવાના છે. તેમની સાથે મુંબઈનાં જાણીતા લેખિકા નીલા સંઘવી તેમ જ સ્મિતા શુક્લ છેલ્લા કેટલાક દાયકાના ઉત્તમ નિબંધોના અંશનું વાચિકમ પ્રસ્તુત કરશે.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કવિ-લેખક-એન્કર સંજય પંડ્યા કરી રહ્યા છે. સમગ્ર આયોજનની વહીવટી વ્યવસ્થા આયોજક ટ્રસ્ટ વતી દર્શના વોરા સંભાળી રહ્યાં છે. સંજય પંડ્યા જણાવે છે કે અહીં એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં સરસ રીતે પુસ્તકોની ગોઠવણી થઈ છે અને વાચકો ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકાશકોનાં વાર્તાસંગ્રહ, નવલકથા, બાળ સાહિત્ય, કવિતા તથા અન્ય વિષયોનાં પુસ્તકો ખરીદી રહ્યાં છે. છઠ્ઠી મેની સાંજે પુસ્તકો ખરીદવા પહોંચી જજો અને સાડા સાત વાગે આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપશો.
આબાલવૃદ્ધ સહુને આકર્ષે એવા આ સ્થળનું સરનામું પણ નોંધી લેશો- દૈવી ઇટરનિટી, એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમ. ભાવકોને સમયસર પહોંચી જવા આયોજકો દ્વારા નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
