ઘર હોય કે મંડપ દુંદાળા દેવની પધરામણી થાય ત્યારે લોકો મૂર્તિ સાથે ડેકોરેશનનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે. ડેકોરેશન આકર્ષક બનાવવા નવા-નવા આઇડિયા પણ મુંબઈગરા અજમાવતા રહે છે. આ વર્ષે ક્યાંક બાપ્પાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં બતાવાયા છે તો ક્યાંક વિઘ્નહર્તા પોલીસના વેષમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે. તેવામાં બોરીવલી પૂર્વમાં રહેતા મિતેશ રાઠોડ અને તેમના પરિવારે ઇન્સ્ટાગ્રામની થીમ સાથે સુંદર અને ડેકોરેશન કર્યું છે.
ડેકોરેશનમાં બાપ્પાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને જાણે બાપ્પાએ પોતાની તસવીર પોસ્ટ કરી હોય તે રીતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “ગણેશજી આપને અઢળક ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિ અર્પે.” તો ઉપર માતા-પિતા શંકર-પાર્વતી, ભાઈ કાર્તિકેય અને ઉંદરમામાએ સ્ટોરી પણ મૂકી છે. આ થીમ ખૂબ જ ચીવટતાપૂર્વક બનાવવામાં આવી છે સાથે જ ફૉન્ટ્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી તે આબેહૂબ ઇન્સ્ટાગ્રામના હોમપેજ જેવું જ દેખાય છે. સાથે જ આજુબાજુ બીજા સોશિયલ મીડિયાના આઇકન્સ પણ મૂકવામાં આવ્યા છે.
આ સંદર્ભે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં વ્યવસાયે ગ્રાફિક ડિઝાઇનર મિતેશ રાઠોડે જણાવ્યું કે “આજકાલ ઇન્સ્ટાગ્રામનું ચલણ વધ્યું છે. તેથી મેં વિચાર્યું કે જો બાપ્પાનું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તેવી થીમ બનાવવામાં આવે તો તે ખરેખર અદ્ભુત રહેશે. તે જ વિચાર સાથે મેં આ થીમ બનાવી હતી.”