અકાસા એરે ચોથી વર્ષગાંઠે ‘અકાસા એલિવેટ’ લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો. જાણો એલિવેટ પોઇન્ટ્સ, ટીયર, પ્રાયોરિટી સર્વિસ અને રેટ્રો ક્લેમના લાભ.
ફાઇલ તસવીર
ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન અકાસા એરે પોતાની સફળ કામગીરીના ચાર વર્ષ પૂર્ણ થવાની ઉત્સવમય ક્ષણે ‘અકાસા એલિવેટ’ (Akasa Elevate) નામના નવા લોયલ્ટી પ્રોગ્રામની જાહેરાત કરી છે. મુસાફરોની બદલાતી જરૂરિયાતો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલો આ પ્રોગ્રામ દરેક પ્રવાસને વધુ સંતોષકારક અને લાભદાયી બનાવવાનો દાવો કરે છે. ઓગસ્ટ 2022માં પોતાની પ્રથમ ઉડાન ભરનાર અકાસા એરે ભારતીય એવિએશન ક્ષેત્રે અનેક નવા વિક્રમો સર્જ્યા છે. એરલાઇન અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ (30 મિલિયન) થી વધુ મુસાફરોને સેવા આપી ચૂકી છે અને સૌથી ઝડપથી 40થી વધુ વિમાનોનો કાફલો તૈયાર કરનારી દેશની પ્રથમ એરલાઇન બની છે. હાલમાં અકાસા એર અમદાવાદ, મુંબઈ, દિલ્હી, નવી મુંબઈ, નોઈડા જેવા 29 સ્થાનિક સ્થળો અને દોહા, જેદ્દાહ, રિયાધ, અબુ ધાબી, કુવૈત, ફૂકેત અને હનોઈ સહિત 7 આંતરરાષ્ટ્રીય શહેરોને જોડે છે.
અકાસા એલિવેટની મુખ્ય વિશેષતાઓ:
ADVERTISEMENT
સરળ અને ઝડપી ટીયર પ્રોગ્રેશન: મુસાફરો તેમની ફ્લાઇટ અથવા ખર્ચના આધારે 4 અલગ-અલગ ટીયરમાં સરળતાથી આગળ વધી શકશે.
એલિવેટ પોઇન્ટ્સ અને ડાયરેક્ટ બુકિંગ રિવોર્ડ્સ: ફ્લાઇટ ટિકિટ તથા એન્સિલરી સેવાઓ (જેમ કે ભોજન અને બેગેજ) પર પોઇન્ટ્સ મળશે. સીધા બુકિંગ પર વિશેષ પોઇન્ટ્સ ઓફર કરવામાં આવ્યા છે.
અનલિમિટેડ પ્રાયોરિટી સર્વિસિસ: મેમ્બરશિપ સ્તર વધવાની સાથે ગ્રાહકોને એરપોર્ટ પર અનલિમિટેડ પ્રાયોરિટી સેવાઓ અને વિશેષ લાભ મળશે.
મૂલ્યવર્ધિત સુવિધાઓ: માત્ર ભવિષ્યના રેડમ્પશન જ નહીં, પરંતુ પસંદગીની સીટ, સામાનની છૂટછાટ, ફ્લેક્સિબિલિટી અને ઝડપી પ્રક્રિયા જેવા ત્વરિત ફાયદા.
પ્રીમિયમ ગ્રાહકો માટે ખાસ સંભાળ: પ્રીમિયમ સભ્યોને ડેડિકેટેડ કસ્ટમર સપોર્ટ અને વિશેષ એરપોર્ટ અનુભવ આપવામાં આવશે.
જૂની ફ્લાઇટ માટે રેટ્રો ક્લેમ (Retro Claim) સુવિધા: એરલાઇને મુસાફરો માટે ખાસ ઓફર જાહેર કરી છે કે 1 એપ્રિલ, 2026 પછી અકાસા એરમાં પ્રવાસ કરનારા મુસાફરો પણ અકાસા એલિવેટમાં જોડાઈને તેમની અગાઉની ફ્લાઇટ માટે રેટ્રો ક્લેમ કરીને `એલિવેટ પોઇન્ટ્સ` મેળવી શકશે.
ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ભવિષ્યનું આયોજન
લૉન્ચ પ્રસંગે વાત કરતા અકાસા એરના સ્થાપક અને સીઈઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે, "અમે અકાસા એરના ચાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે અમારા પર વિશ્વાસ મૂકનારા કરોડો મુસાફરોનો આભાર માનીએ છીએ. ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલો અકાસા એલિવેટ પ્રોગ્રામ પ્રથમ પ્રવાસથી જ લાભ આપવાનું શરૂ કરે છે. પાંચમા વર્ષમાં પ્રવેશતાની સાથે અમારું લક્ષ્ય શિસ્તબદ્ધ વૃદ્ધિ, કામગીરીમાં ઉત્કૃષ્ટતા અને પર્યાવરણને અનુકૂળ પ્રવાસ સેવાઓ પૂરી પાડવાનું રહેશે." નોંધનીય છે કે અકાસા એરે 226 બોઇંગ 737 MAX વિમાનોનો ઓર્ડર આપેલો છે, જે અત્યાધુનિક LEAP-1B એન્જિન સાથે આવે છે અને 40% ઓછો અવાજ તથા ઓછા કાર્બન ઉત્સર્જન સાથે પર્યાવરણને સુસંગત કામગીરી સુનિશ્ચિત કરે છે.
