ભારતીય શેર બજારમાં છેલ્લા એક વર્ષમાં ૨.૪૫ કરોડ રોકાણકારો આવ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સે ઊંચાઈના નવા શિખરો સાથે પ્રથમ વાર ૬૦,૦૦૦ની સપાટી આંબી ગયો છે. આજે સવારે માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સે આ ઇતિહાસ રચ્યો હતો. ગઇકાલે સેન્સેક્સ ૫૯,૮૮૫.૩૬ પર બંધ આવ્યો હતો અને આજે 60,૧૫૮.૭૬ ના રેકોર્ડ બ્રેકિંગ હાઇ સાથે ખૂલ્યો હતો.એનએસઈનો ઇન્ડેક્સ નિફ્ટી 50 પ્રથમ વખત 17900ને પાર ગયો હતો.
સેન્સેક્સના ૩૦ શેરની વાત કરીએ તો ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એલએન્ડટી, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા ઉપર રહ્યા હતા. ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ), બજાજ ફાઇનાન્સ, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એમ એન્ડ એમ પણ ટોચ પર હતા. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી મીડિયા અને નિફ્ટી મેટલને બાદ કરતા તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઉપર હતા. બેંક નિફ્ટી લગભગ અડધો ટકો વધીને 37,940 પર કારોબાર કરી રહ્યો છે.
ADVERTISEMENT
સાનસેરા એન્જિનિયરિંગ શેરોએ શુક્રવાર, 24 સપ્ટેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જોમાં મજબૂત શરૂઆત કરી હતી. 744 રૂપિયા પ્રતિ શેરના IPO ભાવથી 9 ટકાની તેજી સાથે આ શેર રૂ. 811.35 પર લિસ્ટ થયો હતો. 14-16 સપ્ટેમ્બર દરમિયાન ખોલવામાં આવેલા 1,283 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂને 11.47 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય શેર બજારમાં છેલ્લા એક વર્ષમાં ૨.૪૫ કરોડ રોકાણકારો આવ્યા છે. નાના રોકાણકારો સ્મોલ અને મિડકેપમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જેને પગલે છેલ્લા એક વર્ષમાં એકંદરે બજાર સતત નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે.
સેન્સેક્સના 52 વીક લૉની વાત કરીએ તો તે 36,495.98 છે. આજે કારોબાર દરમિયાન બીએસઈ ઈન્ડેક્સે 60,333.00 અંક સાથે નવો 52 વીક હાઇ બનાવ્યો છે.

