Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પાએ દીકરાને વિડિયો-કૉલ કરીને કહ્યું, મેં તારી મમ્મીને મારી નાખી છે

પપ્પાએ દીકરાને વિડિયો-કૉલ કરીને કહ્યું, મેં તારી મમ્મીને મારી નાખી છે

Published : 15 March, 2026 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધારાવી કોલીવાડામાં ગુજરાતી પરિવારના ઘરેલુ વિવાદે લીધો કરુણ વળાંક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધારાવી કોલીવાડામાં ગુરુ દત્ત જિમ નજીક જાંબા પાસ્કલ ચાલમાં રહેતા ૫૮ વર્ષના અમૃત સોલંકીએ ઘરેલુ વિવાદના કારણે રોષે ભરાઈને શુક્રવારે બપોરે પોતાની પત્ની સૂરજબહેનનું ગળું દબાવીને અને બૉટલથી માથા પર હુમલો કરીને હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે ધારાવી પોલીસે હત્યાના આરોપમાં અમૃત સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમૃત અને સૂરજબહેનનો મુલુંડમાં રહેતો પુત્ર શિવરાજ શુક્રવારે બપોરે ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. તેણે દરવાજો ખખડાવ્યો છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યાર બાદ તેણે પોતાના પિતાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અંદરથી અમૃતભાઈએ વૉટ્સઍપ વિડિયો-કૉલ કરવા કહ્યું. શિવરાજે વિડિયો-કૉલ કર્યો ત્યારે અમૃતભાઈએ અંદર સૂરજબહેનની હત્યા કરી હોવાનું વિડિયો-કૉલમાં બતાવ્યું અને પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનું જણાવ્યું. જોકે પોલીસ અને સ્થાનિક નાગરિકોની ઝડપી કાર્યવાહીથી અમૃતભાઈને રોકી દેવામાં આવ્યા હતા. સોલંકી પરિવારે અમૃતભાઈની માનસિક હાલત યોગ્ય ન હોવાનો દાવો કર્યો છે.

શિવરાજ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે ધારાવીમાં રહેતા મારા એક સંબંધીનું અવસાન થયું હોવાથી અંતિમવિધિમાં હાજર રહેવા બપોરે ત્રણ વાગ્યે મુલુંડથી ધારાવી કોલીવાડા ખાતેના ઘરે હું પહોંચ્યો હતો. એ સમયે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજો ખખડાવ્યો છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. તેથી મેં પપ્પાના મોબાઇલ પર ફોન કર્યો ત્યારે અંદરથી ફોનની રિંગ સંભળાઈ હતી. થોડા સમય પછી પપ્પાએ ફોન ઉપાડ્યો અને વિડિયો-કૉલ ઉપાડવા કહી ફોન કાપી દીધો હતો. ત્યાર બાદ વૉટ્સઍપ પર આવેલા વિડિયો-કૉલમાં પિતાના માથા અને કપડાં પર લોહી લાગેલું દેખાતું હતું. વિડિયોમાં પિતાએ કહ્યું કે ‘તારી મમ્મીને ઓઢણીથી ગળું દબાવી અને બૉટલથી માથા પર મારીને મારી નાખી છે.’ અને ઘરનું દૃશ્ય બતાવતાં મમ્મી બેભાન હાલતમાં લોહીથી લથપથ પડેલી દેખાતી હતી તથા ઘરમાં સામાન પણ અસ્તવ્યસ્ત પડેલો હતો. આ જોઈ મેં પાડોશીઓને ભેગા કર્યા હતા. ત્યાર બાદ મેં પોલીસને ફોન કરીને જાણ કરી હતી. થોડા જ સમયમાં પોલીસે સ્થળ પર આવીને દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈ તપાસ કરતાં મમ્મી મૃત હાલતમાં ઘરમાં મળી આવી હતી. મારા પપ્પાની માનસિક હાલત ખરાબ છે અને તેમનો ઇલાજ પણ ચાલી રહ્યો છે.’



પોલીસે શું કહ્યું?


ધારાવી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ બીડકરે મિડ-ડેને કહ્યું હતું કે ‘હત્યાના આરોપમાં અમે અમૃત સોલંકીની ધરપકડ કરી છે. તેણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વખતથી તેની પત્ની તેના ચાર પુત્રોનો તમામ વાતે સાથ આપતી હતી, જેના કારણે બન્ને વચ્ચે અનેક વાર વિવાદો થતા હતા. આ વિવાદ પાછો શુક્રવારે વધ્યો હતો, જેના કારણે તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત અમારી પાસે આપી છે. આ કેસમાં તેના પુત્રોએ અમૃતભાઈની માનસિક હાલત ખરાબ હોવાનો દાવો કર્યો છે, જેના રિપોર્ટ મગાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK