ઇરડા તરફથી વીમા કંપનીઓના ખર્ચા પર લગામની કવાયતમાં સંખ્યાબંધ વીમા કંપનીઓના શૅર તૂટ્યા, પૉલિસી બાઝાર એક દિવસમાં ૩૬ ટકા કે ૬૮૦ રૂપિયા લથડી સવાબે વર્ષના તળિયે
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ ખાતે ૩૦માંથી એક પણ શૅર ન વધ્યો, નિફ્ટીમાં ૫૦માંથી ૪૮ શૅર ડાઉન ઃ ઇરડા તરફથી વીમા કંપનીઓના ખર્ચા પર લગામની કવાયતમાં સંખ્યાબંધ વીમા કંપનીઓના શૅર તૂટ્યા, પૉલિસી બાઝાર એક દિવસમાં ૩૬ ટકા કે ૬૮૦ રૂપિયા લથડી સવાબે વર્ષના તળિયે ઃ રિલાયન્સ સવાબે ટકા ખરડાઈ દોઢ વર્ષના તો હિન્દુસ્તાન યુનિલીવર ૭ વર્ષના તળિયે, મારુતિમાં ૧૭ માસનું બૉટમ ઃ IT બેન્ચમાર્ક સતત પાંચમા દિવસે માઇનસ, બૅન્ક નિફ્ટી તમામ શૅરના ઘટાડામાં બે ટકા કે ૧૧૧૦ પૉઇન્ટ ડૂલ ઃ ડૉલર સામે રૂપિયો ફરી ૯૬ થવાની તૈયારીમાં
ટ્રમ્પની શાંતિ વાર્તાની વાર્તાઓમાં ૯૮ ડૉલરે આવી ગયેલું ક્રૂડ ફરી પાછું ઝડપથી વધવા માંડ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૬ ડૉલર વાટવી હાલ ૧૦૪ ડૉલર ઉપર ચાલે છે. ડૉલર સામે રૂપિયો ઘટીને ૯૬ની નજીક, ૯૫.૯૭ થઈ બાવીસ પૈસાની નરમાઈમાં ૯૫.૯૬ના લેવલે દેખાયો છે. એશિયા ખાતે લાંબા વેકેશન બાદ ખુલેલું જૅપનીઝ માર્કેટ ગઈ કાલે ૦.૯ ટકા વધ્યું છે. સાઉથ કોરિયા રજામાં હતું, બાકી બધું ઘટ્યું છે જેમાં ચાઇના તથા ઇન્ડોનેશિયા સવા ટકા નજીક તો સિંગાપોર અને થાઇલૅન્ડ અડધો ટકો ઘટી મોખરે હતા. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ નરમ હતું. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૭૨,૪૯૧ વટાવી રનિંગમાં ૧૫૭૦ પૉઇન્ટ બગડી ૧,૭૦,૬૬૩ જોવાયું છે.
આ માહોલમાં ગઈ કાલે ભારતીય શૅરબજાર સૌથી વધુ ખરડાયું છે. સેન્સેક્સ ૧.૭ ટકા કે ૧૨૪૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧.૬ ટકા કે ૩૮૪ પૉઇન્ટ ડૂલ થયો છે. માર્કેટ ૬થી સાડાછ માસના તળિયે આવી ગયું છે. સેન્સેક્સ ગુરુવારે આગલા બંધથી ૫૫૬ પૉઇન્ટ માઇનસ, ૭૪,૨૭૨ ખૂલી છેવટે ૭૩,૫૮૦ તથા નિફ્ટી ૨૩,૦૬૩ બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં ૭૪,૩૬૨ અને નીચામાં ૭૩,૫૬૪ થયો હતો. કસીનો સેશનના આરંભપૂર્વે સેન્સેક્સ ૭૩,૭૨૦ તથા નિફ્ટી ૨૩,૦૬૩ હતો. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૯૪૩ શૅર સામે ૨૫૮૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૬૫ લાખ કરોડ ઘટી ૪૮૦.૮૯ લાખ કરોડ રહ્યું છે. NSEનું લિસ્ટિંગ ના થયું હોત તો માર્કેટકૅપ આનાથી ૪.૫ લાખ કરોડ ઓછું હોત. બન્ને બજારના તમામ સેક્ટોરલ લાલ થયા છે. સેન્સેક્સના ૨૯ શૅર ઘટ્યા છે, NTPC ૬૦ પૈસા પ્લસ હતી, બાકીના ૪૮ શૅર ઘટ્યા છે. IT બેન્ચમાર્ક પાંચમા દિવસની નબળાઈમાં વધુ પોણો ટકો સાફ થયો છે. વીમા કંપનીઓના શૅરમાં મસમોટાં ગાબડાં સાથે ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૨.૩ ટકા, બૅન્ક નિફ્ટી બે ટકા ડૂલ થયો છે. ઇરડા તરફથી વીમા કંપનીઓના ખર્ચા પર અંકુશ મૂકવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. એનો મૂળ આશય બિઝનેસ વધારવા (એટલે કે બકરા ફસાવવા) વીમા કંપનીઓ આડેધડ કમિશનો આપે છે, ડિસ્ટ્રિબ્યુશન પેટે ખર્ચ વધારે છે એના પર લગામ કસવાનો છે. આ પ્રસ્તાવ કાયદો બને તો ઘણી બધી વીમા કંપનીઓની હાલત બગડશે. આથી ગઈ કાલે પૉલિસી બાઝારવાળી પીબી ફિનટેક ૩૬ ટકા કે ૬૮૦ રૂપિયાના કડાકામાં સવાબે વર્ષના તળિયે ૧૨૧૦ બંધ થઈ છે. ટર્ટલમીન્ટ ફિનટેક ૨૦ ટકા તૂટી ૧૦૯ના તળિયે ગઈ છે. આ સિવાય મૅક્સ ફાઇનૅન્શિયલ સર્વિસિસ પોણાદસ ટકા, લાર્સન ફાઇનૅન્સ નવેક ટકા, HDFC લાઇફ ૬.૧ ટકા, પિરામલ ફાઇનૅન્સ પોણાછ ટકા, બજાજ ફાઇનૅન્સ સાડાપાંચ ટકા, ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ ૫.૪ ટકા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા, નિવાબુપા પાંચ ટકા ડૂલ થઈ છે. ઇરડાના પ્રસ્તાવથી જેને કશી માઠી અસર નથી થવાની એ LIC માત્ર ૦.૩ ટકા ઘટી છે. SBI લાઇફ ફ્લૅટ રહી છે.
મેઇન બેન્ચમાર્ક ખાતે ઘટવામાં બજાજ ફાઇનૅન્સ સાડાપાંચ ટકા, ઍક્સિસ બૅન્ક ૪.૭ ટકા, બજાજ ફિનસર્વ ૪ ટકા, HDFC લાઇફ નિફ્ટી ખાતે ૬.૨ ટકા, ઇન્ડિગો પોણાત્રણ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસ ૩ ટકા, નેસ્લે ૨.૬ ટકા, ટ્રેન્ટ પોણાત્રણ ટકા, મહિન્દ્ર ૨.૩ ટકા મોખરે હતી. હેવી વેઇટ રિલાયન્સ બમણા વૉલ્યુમે ૧૨૧૯ની દોઢ વર્ષની નવી બૉટમ બતાવી સવાબે ટકા બગડી ત્યાં જ બંધ થતાં બજારને ૧૫૭ પૉઇન્ટ માર પડ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૨૫ની ૭ વર્ષની બૉટમ દેખાડી એકાદ ટકો ઘટી ૧૯૩૩ હતી. મારુતિ સુઝુકી ૧૧,૯૭૫નું ૧૭ માસનું તળિયું દેખાડી દોઢ ટકો ઘટી ૧૨,૦૧૩ તો તાતા કન્ઝ્યુમર નિફ્ટીમાં ૯૮૩નું દોઢ વર્ષનું બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૯૮૬ થઈ છે. લાર્સન, ભારતી ઍરટેલ, એશિયન પેઇન્ટ્સ બેથી સવાબે ટકા ડાઉન થઈ છે.
ADVERTISEMENT
આજે નવાં ૯ ભરણાં ખૂલશે, રોકાણ માટે IPOના આશિકોને એકસાથે ૨૩ વિકલ્પ મળશે
આજે, પચીસમી ને શુક્રવારે પ્રાઇમરી માર્કેટમાં જબરી ધમાધમી છે. મઝાની વાત એ છે કે આજે નવાં ૯ ભરણાં ખૂલવાનાં છે. ૯ ભરણાં બંધ થવાનાં છે તથા પાંચ ઇશ્યુ ચાલુ છે. મતલબ કે IPOમાં રોકાણ માટે આજે રસિયાઓને એકસાથે પૂરા ૨૩ વિકલ્પ ઉપલબ્ધ રહેવાના છે. દાયકાઓ પછીની કદાચ આ પ્રથમ ઘટના હશે.
આજે મેઇન બોર્ડમાં ૪ ઇશ્યુ છે જેમાંથી મુંબઈના સાયન-ઈસ્ટ ખાતેની રણવલ એન્ટરપ્રાઇઝીસનો છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ રિયલ્ટી ડેવલપર્સ કંપની બેના શૅરદીઠ ૩૦૫ની અપરબેન્ડમાં ૫૦૦ કરોડનો ઇશ્યુ કરશે. કંપનીએ ગત વર્ષે ૭૬ ટકા વધારામાં ૧૮૫૧ કરોડની આવક ઉપર ૨૩૪ ટકા વૃદ્ધિદરથી ૧૮૭ કરોડ નજીકનો નેટ નફો બતાવી દીધો છે. બે વર્ષ પહેલાં કંપનીની આવક ૨૪૩૭ કરોડ નજીક હોવા છતાં ત્યારે નફો ૯૪ કરોડ નજીકનો નેટ નફો બતાવી દીધો છે. દેવું બે વર્ષમાં ૧૭૮૩ કરોડથી વધી ૨૯૦૯ કરોડ થઈ ગયું છે. કંપની ૨૪.૩ના પીઇથી IPO કરી રહી છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૩ ચાલે છે. બીજી કંપની નવી દિલ્હીની ઓરિયેન્ટ કેબલ્સ ઇન્ડિયા એકના શૅરદીઠ ૨૭૨ના ભાવે કુલ ૫૫૨ કરોડનું ભરણું કરશે. એમાંથી OFS પેટેના ૨૩૨ કરોડ પ્રમોટર્સ ઘરભેગા કરશે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની નેટવર્કિંગ કેબલ્સ તથા પેસિવ નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૪૨ ટકા વધારામાં ૧૧૮૧ કરોડની આવક ઉપર નામપૂરતા વધારામાં ૫૩૫૬ લાખ નફો કર્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૪૯૧ કરોડની આવક ઉપર ૩૨૭૮ લાખ નફો બતાવ્યો છે. દેવું વધતું રહી ૨૫૮ કરોડ વટાવી ગયું છે. પ્રીમિયમ ૫૦નું છે. ત્રીજી કંપની નવી દિલ્હીની જ છે. ૨૦૦૭માં સ્થપાયેલી સતત ખોટ કરતી સ્નેપડીલ ફેમ એઇસવેક્ટર એકના શૅરદીઠ ૩૨ની અપરબેન્ડમાં ૪૨૦ કરોડનો ઇશ્યુ કરશે. એમાં OFS ૧૩૩ કરોડની છે જેમાંથી ૮૮ કરોડ પ્રમોટર્સ લઈ જશે. ઍસેટ લાઇટ ડિજિટલ કૉમર્સ ઇકો-સિસ્ટમમાં સબસિડિયરીઝ મારફત કામકાજ કરતી હોવાનો દાવો કરતી આ કંપનીએ ગત વર્ષે ૩૨ ટકા વધારામાં ૫૩૮ કરોડની આવક મેળવી છે, ખોટ ૧૨૬ કરોડથી ઘટીને ૪૫ કરોડ ઉપર રહી છે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ઇશ્યુમાંથી ૧૩૨ કરોડ બિઝનેસ પ્રમોશન અને માર્કેટિંગમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. ચોથી કંપની અમદાવાદની જર્મન ગ્રીન સ્ટીલ ઍન્ડ પાવર ૧૦ના શૅરદીઠ ૧૩૯ની અપરબેન્ડમાં ૩૦૫ કરોડનો ઇશ્યુ આજે લાવશે. એમાંથી પ્રમોટર્સ OFS દ્વારા ૧૪ કરોડ લઈ જશે. ૨૦૦૮માં સ્થપાયેલી જર્મન TMT બ્રૅન્ડથી TMX બાર્સ બનાવે છે. ગત વર્ષે ૧૧ ટકા વધારામાં ૧૬૮૫ કરોડની આવક ઉપર ૩૩ ટકા વધારામાં ૮૦ કરોડ જેવો નફો બતાવ્યો છે. દેવું ૩૩૪ કરોડ છે. ઇશ્યુમાંથી ૨૨૬ કરોડ વિન્ડ તેમ જ સોલર પ્લાન્ટ નાખવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૨૭નું છે.
SME સેગમેન્ટમાં પણ આજે પાંચ નવાં ભરણાં છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની સાંઈ ઊર્જા ઇન્ડોવેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૧૧૩ની અપરબેન્ડમાં ૨૫ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. મૂળ આ ઇશ્યુ ગત બુધવારે ખૂલવાનો હતો પણ છેલ્લી ઘડીએ તારીખ બદલી નાખવામાં આવી હતી. ઇશ્યુમાંથી OFS પેટે ૪૨૮ લાખ પ્રમોટર્સ લઈ જશે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની વિવિધ ઔદ્યોગિક પ્લાન્ટોને મેઇન્ટેનન્સ, ઑપરેશન તેમ જ અન્ય સપોર્ટ સર્વિસિસ પૂરા પાડે છે. ગત વર્ષે ૩૦ ટકા વધારામાં ૮૫૬૪ લાખ આવક ઉપર ૩૪ ટકા વધારામાં ૪૧૯ લાખ નફો કર્યો છે. દેવું ૭૧૮ લાખ છે. બીજી કંપની હરિયાણાના પંચકુલાની હિમાલયન સોલર ૧૦ના શૅરદીઠ ૧૦૩ની અપરબેન્ડમાં ૬૮ કરોડનો NSE SME IPO કરવાની છે. એમાંથી ૭૩૫ લાખ OFS મારફત પ્રમોટર્સ ઘરભેગા કરશે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની સોલર એનર્જી પ્રોજેક્ટ્સ માટે ટર્નકી ધોરણે ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ પૂરી પાડે છે. ગત વર્ષે ૨૦ ટકા વધારામાં ૧૭૨ કરોડ જેવી આવક ઉપર ૨૬ ટકા વૃદ્ધિદરથી ૨૦૬૭ લાખ નફો કર્યો છે. ઇશ્યુમાં QIB પોર્શન માત્ર ૨૦ ટકા છે. રીટેલ પોર્શન ૫૦ ટકા રખાયો છે. દેવું ૩૬ કરોડનું છે. ભરણામાંથી ૨૯૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં, ૧૨૯૮ લાખ કેપેક્સમાં તથા ૨૧૨ લાખ દેવાની ચુકવણીમાં વપરાશે. ત્રીજી કંપની જયપુરની દુદાણી રીટેલ ૧૦ના શૅરદીઠ ૨૯ના ભાવથી ૧૧ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. QIB પોર્શન ઝીરો છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ઍપેરલ ઍન્ડ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં છે. મુખ્યત્વે મહિલાઓ માટે ઍથનિક તેમ જ ફૅશનવેર બનાવે છે, આઉટસોર્સ કરી વેચે છે. ગત વર્ષે ૩ ટકા વધારામાં ૨૪૫૯ લાખ આવક ઉપર ૭ ટકા વૃદ્ધિદરથી ૧૯૦ લાખ નફો કર્યો છે. આવક ૩ વર્ષથી સ્થગિત છે. બે વર્ષ પૂર્વે ૨૫૧૩ લાખની આવક ઉપર ૯૯ લાખ નફો હતો. દેવું ૪૮૨ લાખ છે. ચોથી કંપની કલકત્તાની બેન્ચ માર્ક ઇન્ફોટેક સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૧૦ના ભાવથી ૪૨ કરોડનો NSE SME IPO આજે લાવશે. એમાંથી OFS મારફત ૫૦૪ લાખ પ્રમોટર્સ લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની IT તેમ જ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરે છે. ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૬૪ કરોડ આવક ઉપર ૭૫ ટકા વધારામાં ૧૦૨૨ લાખ નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૩૪૭૬ લાખ અને નફો ૧૪૮ લાખ હતો. ઇશ્યુના ૩૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં હાલ સાંઈ ઊર્જામાં ઝીરો, હિમાલયનમાં ઝીરો, દુદાણીમાં ઝીરો અને બેન્ચમાર્કમાં ૧૨નું પ્રીમિયમ છે. મૂળ તો શુક્રવારે ૪ SME IPO હતાં, પરંતુ સિલ્વાસાની શ્રી TNB પૉલિમર્સ છેલ્લા સમયે મેદાનમાં ઊતરતાં સંખ્યા વધી પાંચની થઈ છે. આ કંપની ૧૦ના શૅરદીઠ બાવનની અપરબેન્ડમાં ૩૧ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની વિવિધ પૉલિમર્સની બહુ ઉપયોગી પાઇપિંગ સિસ્ટમ્સ બનાવે છે. ગત વર્ષે ૧૩ ટકા વધારામાં ૧૯૮ કરોડ આવક ઉપર ૨૪ ટકા વધારામાં ૭૧૩ લાખ નફો કર્યો છે. આગલા વર્ષે ૩૮૫૦ લાખ દેવું હતું એ છેલ્લે કેટલું છે એ વિશે કંપની મૌન છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થયું છે.
સ્પેક્ટ્રા ટેક્નૉલૉજીમાં ૧૦૦ ટકા તો NSEમાં પોણાબે ટકા લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે ૪ કંપનીનાં IPOનું લિસ્ટિંગ થયું છે. બધાની નજર જેની ઉપર હતી એ હાઈ પ્રોફાઇલ NSE લિમિટેડ એકના શૅરદીઠ ૧૭૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૨૮૫થી શરૂ થઈ વળતા દિવસે ૩૧૦ થયા પછી ક્રમશઃ ઘટતું રહી નીચામાં ૪૮ થયા પછી છેલ્લે ચાલતા ૪૦ના પ્રીમિયમ સામે ૧૮૦૦ ખૂલી ઉપરમાં ૧૮૭૮ અને નીચામાં ૧૮૦૦ થઈને ૧૮૧૭ બંધ રહેતાં ૧.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કંપનીનું માર્કેટકૅપ ૪,૪૯,૭૦૭ કરોડ નોંધાયું છે. કુલ ૨૨,૫૬૨ કરોડનો આ ઇશ્યુ QIBમાં ૧૨.૭ ગણો, HNIમાં સાડાછ ગણો તથા રીટેલમાં ૧.૪ ગણો એમ કુલ ૫.૭ ગણો ભરાયો હતો. ભિલવાડાની સોના સિલેક્શન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ૮થી શરૂ થઈ ઝીરો થયેલા પ્રીમિયમ સામે ૧૦૨ ખૂલી ૧૦૭ બંધ થતાં ૮.૨ ટકા, બૅન્ગલોર રુરલની સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૭થી શરૂ થઈ ક્રમશઃ વધી ઉપર ૭૭ થયા બાદ છેલ્લે બોલાતા ૮૧ના પ્રીમિયમ સામે NSEમાં ૨૨૪ ખૂલી ૨૩૫ બંધ આવતાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન તેમ જ અમદાવાદની ખેડિયા ઑટોકોમ્પ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ નીચામાં ૩ થયા બાદ છેલ્લે ચાલતા ૩ના પ્રીમિયમ સામે NSEમાં ૧૦૫ ખૂલી ૧૦૩ બંધ થતાં બે ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે, શુક્રવારે બરોડાની ઍક્ઝિઓમ ગૅસ એન્જિનિયરિંગનું લિસ્ટિંગ છે એમાં પ્રીમિયમ નથી.
દરમ્યાન આગલા દિવસે સવાસત્તર ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૯૮ ઉપર બંધ થયેલી હીરો મોટર્સ ગઈ કાલે ૧૧૮ની નવી ટૉપ બનાવીને ૨૦ ટકા ઊછળી ૧૧૮ થઈ છે. જ્યારે પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે ૩૭.૬ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૮ બંધ થયેલી જિંદલ સુપ્રીમ ગઈ કાલે ૧૩૪ ઉપની ટૉપ નોંધાવી ૫ ટકા ઉપલી સર્કિટે ત્યાં જ રહી છે. કોલ્હાપુરની એસ.એસ. રીટેલ જે આગલા દિવસે ૮૦.૫ ટકા કે શૅરદીઠ ૩૪૧ના તગડા લિસ્ટિંગ ગેઇનમાં ૭૬૫ ઉપર બંધ થઈ હતી એ ગઈ કાલે ૮૮૮ના શિખરે જઈને સવાચાર ટકા વધી ૭૯૭ બંધ આવી છે.
મની વ્યુનો IPO પ્રથમ દિવસે પાર, એલિવેટમાં પ્રીમિયમ ગગડી બે થયું
ગઈ કાલે પ્રથમ દિવસે મેઇન બોર્ડમાં મની વ્યુનો એકના શૅરદીઠ ૩૪ના ભાવનો ૧૦૯૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ સવા ગણો તથા એ-વન સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૦૫ના ભાવનો ૪૦૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ ૫૦ ટકા ભરાયો છે. SME કંપની રૂપા સ્ક્રીનનો ૧૦ના શૅરદીઠ ૬૪ના ભાવનો ૧૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં પોણાબે ગણા સહિત કુલ ૯૦ ટકા, પેશ્વા વ્હીટનો ૧૦ના શૅરદીઠ ૧૦૧ના ભાવનો ૫૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ટકા સહિત કુલ ૧.૪ ગણો તથા ગ્રીન એશિયા ઇમ્પેક્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૬૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ટકા સહિત કુલ એકાદ ટકો ભરાયો છે. હાલમાં મની વ્યુમાં ૧૨, એ-વન સ્ટીલ્સમાં ૫૫, રૂપા સ્ક્રીનમાં ૨૯, પેશ્વામાં ઝીરો અને ગ્રીન એશિયામાં ઝીરો પ્રીમિયમ છે.
બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં એલિવેટ કૅમ્પાસિસનો ૨૧૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૨૫ ટકા, આર્મી ઇન્ફો ટેકનો ૩૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૧.૨ ગણો, સ્વસ્તિકા ઇન્ફ્રાનો ૧૬૧ કરોડનો IPO કુલ ૧.૬ ગણો તથા એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૧૫૧ કરોડ જેવો ઇશ્યુ કુલ ૧૫ ગણો ભરાયો છે. હાલ એડ્રોઇટમાં ૩૫, એલિવેટમાં બેનું, સ્વસ્તિકામાં ૮નું અને આર્મીમાં ૨૦ પ્રીમિયમ છે. SME સેગમેન્ટમાં લિક્વિડ ડિજિટલનો ઇશ્યુ સવા ગણો, પૂજા લૉજિસ્ટિક્સનો ઇશ્યુ ૪૪ ટકા, કોર ઇન્ટિગ્રા કન્સલ્ટિંગનો ઇશ્યુ ૩૪ ટકા, એસ.કે. ઑફ્ફસેટનો ઇશ્યુ ૨૪ ટકા તથા યુનિટેક ફાઇબરનો ઇશ્યુ ૯ ટકા કુલ બીજા દિવસે ભરાયો છે.
ગઈ કાલે આખરી દિવસે મેઇન બોર્ડમાં વરમોરા ગ્રેનિટોનો બેના શૅરદીઠ ૧૪૮ના ભાવનો ૭૦૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૬ ટકા સહિત કુલ દોઢ ગણો ભરાયો છે. હાલ પ્રીમિયમ ઝીરો છે. SME કંપની હિમાલયન ન્યુટ્રાવેદિક્સના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૨૬ કરોડનો ઇશ્યુ કુલ પોણાબે ગણો તથા આનંદ સિમલેસનો શૅરદીઠ ૭૭ના ભાવનો ૨૫ કરોડનો ઇશ્યુ કુલ ૧.૩ ગણો ભરાઈ પૂરો થયો છે.
