Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સોના-ચાંદીમાં ટ્રમ્પ-ફૅક્ટર ઉપરાંત અનેક નવાં તેજીનાં કારણો ઉમેરાયાં

સોના-ચાંદીમાં ટ્રમ્પ-ફૅક્ટર ઉપરાંત અનેક નવાં તેજીનાં કારણો ઉમેરાયાં

Published : 10 February, 2025 07:26 AM | Modified : 13 February, 2025 07:08 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચીને ઇન્શ્યૉરન્સ કંપનીઓને એક ટકો ફન્ડ સોનાની ખરીદીમાં વાપરવાની છૂટ આપતાં ૫૦૦ ટન સોનું ખરીદાવાની શક્યતા : વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૨૪માં સતત ત્રીજે વર્ષે ૧૦૦૦ ટન કરતાં વધુ સોનું ખરીદ્યું, ચાઇનીઝ બૅન્કની ખરીદી આગળ ધપી

સોના-ચાંદીની ફાઈલતસવીર

કૉમોડિટી વૉચ

સોના-ચાંદીની ફાઈલતસવીર


ડોનલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી ટૅરિફ-વૉરનો આરંભ થતાં સોના-ચાંદી રૉકેટગતિએ ઊછળવાનાં ચાલુ થયાં છે. મેક્સિકો, કૅનેડા, ચીનથી આયાત થતી ચીજો પર ટૅરિફ વધાર્યા બાદ હવે ટ્રમ્પ અમેરિકામાં જે દેશોથી ચીજવસ્તુઓ આયાત થઈ રહી છે એ દરેક દેશો પર ટૅરિફવધારો ઝીંકશે એવી જાહેરાત કરી છે. ટૅરિફ-વૉર ઉપરાંત ટ્રમ્પના ઊંબાડિયા અને ગાઝાને રિસૉર્ટ સિટી બનાવવા જેવી વિચિત્ર જાહેરાતોની હારમાળાથી પણ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી રહી છે. ટૅરિફ-વૉરને કારણે ઇન્ફલેશન સતત વધતું રહેવાની ધારણાએ સોનાના ઇન્ફ્લેશનના વધારા સામે હેજિંગ ડિમાન્ડ સતત વધી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પની જીત થઈ ત્યારે ભારતમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામનો ૭૬,૭૮૦ રૂપિયા હતો એ ટ્રમ્પની શપથવિધિ સુધીમાં વધીને ૭૯,૨૩૯ રૂપિયા થયો હતો, પણ ટ્રમ્પની શપથવિધિ બાદ જાણે કે ટ્રિગર દબાયું હોવાથી એ રીતે સોનાનો ભાવ માત્ર ત્રણ સપ્તાહમાં ૭૯,૨૩૯ રૂપિયાથી વધીને ૮૪,૨૯૯ રૂપિયા થયો છે. માત્ર ત્રણ સપ્તાહમાં ભારતીય માર્કેટમાં સોનું ૫૦૬૦ રૂપિયા ઊછળ્યું છે. સોનાની સાથે ચાંદી પણ માત્ર ત્રણ સપ્તાહમાં ૯૦,૨૦૦ રૂપિયાથી વધીને ૯૫,૩૯૧ રૂપિયાએ એટલે કે ૫૧૯૧ રૂપિયા વધી હતી. સોના-ચાંદીની તેજીમાં આટલું ઓછું હોય એમ નવાં કારણો ઉમેરાયાં છે જેને કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીમાં નવી તેજીનો તખ્તો ગોઠવાઈ શકે છે.


જિયોપૉલિટિકલ ટેન્શનમાં સતત વધારો



ડોનલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ઇઝરાયલ-ગાઝા, રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-લેબૅનન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની આશા જગાવી હતી, પણ ટ્રમ્પની શપથવિધિ બાદનાં ત્રણ સપ્તાહ બાદ પણ ટેન્શન ઘટવાને બદલે વધી રહ્યું છે. ખાસ કરીને ગાઝામાં યુદ્ધ-સમાપ્તિની જાહેરાત બાદ પણ ટેન્શન વધી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાને બૅલાસ્ટિક, હાઇપરસોનિક અને ઍડ્વાન્સ ક્રૂડ મિસાઇલના અટૅકથી બચાવવાની બુલેટપ્રૂફ ટેક્નૉલૉજી આગામી ૬૦ દિવસમાં તૈયાર કરવાનો એ​ક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યા બાદ ચીને મિલિટરી તાકાત વધારવા બીજિંગ નજીક ૫૦ હજાર એકરમાં મિલિટરી કૉમ્પ્લેક્સ તૈયાર કર્યો છે જે અમેરિકાના પેન્ટાગૉન કરતાં ૧૦ ગણો વધુ શક્તિશાળી છે. આ મિલિટરી કૉમ્પ્લેક્સમાં અતિ આધુનિક ન્યુ​ક્લિયર શસ્ત્રો તૈયાર કરાયાં છે. ચીનમાં તૈયાર થતો મિલિટરી કૉમ્પ્લેક્સ એક્સપર્ટના મતે વિશ્વનું સૌથી મોટું અને અતિ આધુનિક મિલિટરી કમાન્ડર સેન્ટર બનશે, જેમાં અન્ડરગ્રાઉન્ડ બન્કરો અને કૅનલો બનાવવામાં આવ્યાં છે. અમેરિકાના ૬૦ દિવસના સ્ટારવૉર જેવા પ્રોજેક્ટની સામે ચીનનો પ્રોજેક્ટ ઑલમોસ્ટ તૈયાર છે. આમ વર્લ્ડમાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. જેનાથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ સતત વધતી રહેશે.


સોનામાં વધુ તેજીનાં બે ચાઇનીઝ ફૅક્ટર

ચીન વર્લ્ડમાં સોના અને ચાંદીનું સૌથી મોટું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર છે આથી સોના અને ચાંદીની માર્કેટમાં ચીનના નવા ડેવલપમેન્ટની હંમેશાં મોટી અસર જોવા મળે છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીએ ઇન્શ્યૉરન્સ કંપનીઓને તેમની કુલ ઍસેટમાંથી એક ટકા ઍસેટનું ગોલ્ડ ખરીદવાની છૂટ આપી છે. ચીનની ઇન્શ્યૉન્સ કંપનીઓ પાસે ૪.૩ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરનું ફન્ડ છે એનો એક ટકો એટલે ૪૩ અબજ ડૉલરની ઍસેટ દ્વારા જો ગોલ્ડ ખરીદાય તો ૫૦૦ ટન સોનાની ખરીદી થઈ શકે છે. આટલી મોટી ખરીદી જો થાય તો સોનામાં મોટી તેજીનું કારણ ઉમેરાઈ શકે છે. બીજી તરફ જાન્યુઆરી મહિનામાં સતત ત્રીજે મહિને ચાઇનીઝ સેન્ટ્રલ બૅન્કે સોનાની ખરીદી કરી હતી. ચીને ૨૦૨૪ના આરંભથી સોનાની ખરીદી આક્રમક સ્વરૂપે ચાલુ કર્યા બાદ એકાએક મે મહિનાથી સોનાની ખરીદી બંધ કરી દીધી હતી જે ઑક્ટોબર સુધી બંધ રાખ્યા બાદ નવેમ્બરમાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પાંચ ટન, ડિસેમ્બરમાં ૧૦ ટન અને હવે જાન્યુઆરીમાં પાંચ ટન સોનાની ખરીદી કર્યાનું જાહેર થયું હતું. વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીમાં ચીન અને ભારતની ખરીદી હંમેશાં અગત્યની રહે છે, કારણ કે વિશ્વમાં સોનાની કુલ ડિમાન્ડમાંથી ૫૦ ટકા ડિમાન્ડ માત્ર બે દેશો ભારત અને ચીનની છે.


વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો તેજીમય રિપોર્ટ 

વર્લ્ડ ગોલ્ડ કાઉ​ન્સિલે તાજેતરમાં ૨૦૨૪માં સોનાનું પ્રોડક્શન અને ડિમાન્ડ વિશેનો વિસ્તૃત રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં ૨૦૨૪માં સોનાની કુલ ડિમાન્ડ એક ટકો વધીને ૪૫૫૩ ટન બતાવી હતી જે ૨૦૨૩માં ૪૪૯૨.૫ ટન રહી હતી. સૌથી વધુ સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં પચીસ ટકાનો ઉછાળો થયો હતો. ૨૦૨૪માં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધીને ૧૧૭૯.૫ ટને પહોંચી હતી જે ૨૦૨૩માં ૯૪૫.૫ ટન હતી. ટેક્નૉલૉજી સેક્ટરમાં પણ સોનાની ડિમાન્ડ સાત ટકા વધી હતી, જ્યારે વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૨માં પંચાવન ટકા વધ્યા બાદ ૨૦૨૪માં સતત ત્રીજે વર્ષે વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ ૧૦૦૦ ટનથી વધુ સોનાની ખરીદી કરી હતી, જેમાં ભારત અને ચીન અગ્રેસર રહ્યા હતા. ભારતમાં સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૨૯ ટકા વધીને ૨૦૨૪માં ૨૩૯.૪ ટન અને ચીનની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૨૦ ટકા વધીને ૨૦૨૪માં ૩૩૬.૨ ટન રહી હતી. ઇલેક્ટ્રૉનિક્સ સેક્ટરમાં સોનાની ડિમાન્ડ નવ ટકા વધીને ૨૭૦.૬ ટન રહી હતી. આમ સોનાની ડિમાન્ડમાં ૨૦૨૪માં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં ભારત-ચીનની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડનો સિંહફાળો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉ​ન્સિલના રિપોર્ટ અનુસાર અનેક દેશોની પૉલિટિકલ સિચુએશન દિવસે-દિવસે ખરાબ બની રહી હોવાથી અને યુદ્ધનો માહોલ વધતો હોવાથી સેન્ટ્રલ બૅન્કોની ખરીદી આગામી વર્ષોમાં સતત વધતી રહેશે. ૨૦૨૧ સુધી વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ઍવરેજ ૪૦૦થી ૬૦૦ ટન હતી જે એકાએક ૨૦૨૨થી વધીને ૧૧૦૦ ટનની આસપાસ પહોંચ્યા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી ૧૦૦૦ ટન ઉપરાંત થવા લાગી છે. ભારત, ચીન, પોલૅન્ડ, ટર્કી, અઝરબૈજાન, ક્રેઝ રિપબ્લિક, ઇરાક, હંગેરી, ઉઝબેકિસ્તાન, ઘાના, કતાર, સેરેબિયા, જ્યૉર્જિયા, ઓમાન, રશિયા અને ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બૅન્કો ૨૦૨૪માં નેટબાયર રહી હોવાથી ૨૦૨૫માં પણ સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો ટ્રેન્ડ હાલની ગતિએ જ આગળ વધવાની ધારણા છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2025 07:08 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK