રેટ-કટના વધતા ચાન્સિસ, ટ્રેડ-વૉર અને રશિયા-યુક્રેન યુદ્ધ લંબાવાની શક્યતાએ સોનામાં નવી તેજી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકા-યુરોપ વચ્ચે નવેસરથી ટ્રેડ-વૉર ચાલુ થતાં અને અમેરિકાનું કન્ઝ્યુમર તથા પ્રોડ્યુસર્સ બન્ને ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઘટતાં રેટ-કટના ચાન્સ વધવાથી તેમ જ રશિયા-યુક્રેન યુદ્ધ વધુ લંબાવાની શક્યતાએ સોનામાં નવેસરથી તેજી થતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૩૦૦૦ ડૉલરની ઐતિહાસિક સપાટીને પાર કરીને ૩૦૦૪.૯૦ ડૉલર સુધી વધ્યું હતું. ૨૦૨૫માં વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૨મી વખત નવી ટોચે પહોંચ્યું હતું. સોનાની રાહે ચાંદી પણ સતત વધતી રહીને વર્લ્ડ માર્કેટમાં ૩૪.૧૮ ડૉલર સુધી વધી હતી.
ભારતીય માર્કેટ ધુળેટીને કારણે બંધ હોવાથી સ્પૉટ ભાવનું સાચું ઇન્ડિકેશન આગામી સપ્તાહે મળશે, પણ લોકલ માર્કેટમાં સોનાના વાયદા અડધોથી પોણો ટકો વધ્યા હતા. MCX ગોલ્ડ વાયદો સાંજે ૪૯૦ રૂપિયા વધીને ૮૮,૧૮૦ રૂપિયાએ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૨.૮ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ત્રણ ટકા હતું અને માર્કેટની ધારણા ૨.૯ ટકાની હતી. સતત ચાર મહિના ઇન્ફ્લેશન વધ્યા બાદ ફેબ્રુઆરીમાં ધારણા કરતાં વધુ ઘટ્યું હતું. કોર ઇન્ફ્લેશન પણ ઘટીને ૪૬ મહિનાની નીચી સપાટીએ ૩.૧ ટકા રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૩.૨ ટકાની હતી અને જાન્યુઆરીમાં ૩.૩ ટકા રહ્યું હતું. કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના ઘટાડાની સાથે પ્રોડ્યુસર્સ હેડલાઇન ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૨ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૩.૭ ટકા હતું અને માર્કેટની ધારણા ૩.૩ ટકાની હતી, જ્યારે કોર પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન પણ ઘટીને ૩.૪ ટકા રહ્યું હતું
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ-વૉરનું ટેન્શન વધતાં ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે દિવસે વધીને ૧૦૪.૦૯ સુધી વધ્યો હતો, પણ આ વધારો લાંબો ટક્યો નહોતો, કારણ કે કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર્સ બન્ને ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ ઘટતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૩.૫૭ પૉઇન્ટ સુધી ઘટ્યો હતો.
અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ માર્ચના પ્રથમ સપ્તાહમાં બે હજાર ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ ૨.૨૦ લાખે પહોંચ્યા હતા અને માર્કેટની ૨.૨૫ લાખની ધારણા કરતાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ઓછા રહ્યા હતા.
અમેરિકાની બજેટ ડેફિસિટ ફેબ્રુઆરીમાં વધીને ૩૦૭ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૨૯૬.૨ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૩૦૩.૨ અબજ ડૉલરની હતી. અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૭ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે છ બેસિસ પૉઇન્ટ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૬.૬૭ ટકા રહ્યા હતા જે સતત છઠ્ઠે સપ્તાહે ઘટ્યા હતા. એક વર્ષ અગાઉ મૉર્ગેજ રેટ ૬.૮૪ ટકા હતા.
બ્રિટનનો ગ્રોથરેટ જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટ્યો હતો જે ડિસેમ્બરમાં ૦.૪ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારાની હતી. બ્રિટનની ઇકૉનૉમી ફરી રિસેશન તરફ જઈ રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોમાંથી આયાત થતી તમામ આલ્કોહોલિક પ્રોડક્ટ પર ૨૦૦ ટકા ટૅરિફવધારો ૨ એપ્રિલથી લાદવાનો આદેશ આપ્યો હતો. યુરોપિયન યુનિયન દ્વારા અમેરિકાથી આયાત થતી વ્હિસ્કી અને અન્ય ચીજો પર ૫૦ ટકા ટૅરિફવધારો ૨ એપ્રિલથી લાગુ કરતાં ટ્રમ્પે ચાર ગણો ટૅરિફવધારો નાખી દીધો હતો. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાબતે અમેરિકાએ યુક્રેન સાથે કરેલી ૩૦ દિવસના યુદ્ધ-વિરામની સમજૂતીને રશિયાએ માનવાનો ઇનકાર કરી દીધો હતો જેને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ ફરી ખોરંભે પડી હતી. આમ, સોનાની તેજીને અમેરિકન ઇન્ફ્લેશન ઘટતાં રેટ-કટના ચાન્સિસનો વધારો, ટ્રેડ-વૉરની ક્રાઇસિસ અને યુદ્ધના જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળતાં સોનામાં ફરી તેજીની આગેકૂચ ચાલુ થઈ હતી. અમેરિકા અને યુરોપ વચ્ચે શરૂ થયેલી ટ્રેડ-વૉર આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની ધારણાથી સોના-ચાંદીમાં ફરી તેજી આગળ વધે એવા સંકેતો મળી રહ્યા છે.

