Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટબ્રેડ્થમાં નબળાઈ સાથે બજારમાં ઘટાડાની આગેકૂચ, IT વધુ બગડ્યું

માર્કેટબ્રેડ્થમાં નબળાઈ સાથે બજારમાં ઘટાડાની આગેકૂચ, IT વધુ બગડ્યું

Published : 30 September, 2026 10:27 AM | IST | Mumbai
Anil Patel

ઇન્ફોસિસ અને વિપ્રોમાં ૬-૬ વર્ષની નવી નીચી સપાટી : હિન્દુસ્તાન યુનિલીવર સવાસાત વર્ષના તળિયે: રિલાયન્સમાં ૩૪ મહિનાની તો જિયો ફાઇનૅન્શિયલમાં ૧૯ મહિનાની બૉટમ : ઓલા ઇલેક્ટ્રિકમાં ૨૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે HSBCનો બેરિશ-વ્યુ : પૉલિસી બાઝાર ‘એ’ ગ્રુપમાં ટૉપ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


જ્યારથી સરકારે ૮.૨ ટકાનો ટનાટન GDP ગ્રોથ રેટ જાહેર કર્યો છે ત્યારથી બજાર બરાબર બગડવા માંડ્યું છે. બજારની હાલની ખરાબી માટે કેવળ વૈશ્વિક પરિબળ કારણભૂત નથી. ખાટલે મોટી ખોડ નવી દિલ્હીમાં છે. દેશ અને દેશના આર્થિક કારભાર બહુધા પી.આર. ઇવેન્ટના કારસ્તાનમાં ફેરવાઈ ગયો છે. આર્થિક વિકાસના ઊજળા આંકડાનો સઘળો ઉજાસ સરકારી પ્રધાનો, પૉલિટિશ્યન્સ, અમલદારો અને અગ્રણી વગદાર ઉદ્યોગપતિઓની મહોલાતોમાં જ સમેટાઈ ગયો છે. લોકોની હાડમારી દિવસે-દિવસે વધી છે. આર્થિક ફન્ડામેન્ટલ્સનો જબરો લુણો લાગ્યો છે.

સરકાર જ્યાં સુધી એની નીતિ-રીતિ અને નિયત નહીં બદલે ત્યાં સુધી બજાર હવે ચાલવાનું નથી. આગલા દિવસના ૧૧૨૪ પૉઇન્ટના ધબડકા પછી સેન્સેક્સ મંગળવારે ૧૩૮ પૉઇન્ટ નરમ, ૭૨,૬૩૪ નીચે ખૂલી છેવટે ૨૪૩ પૉઇન્ટ જેવા ઘટાડે ૭૨,૫૨૯ તથા નિફ્ટી ૬૪ પૉઇન્ટના ઘટાડે ૨૨,૭૧૬ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૭૨,૦૬૪ અને ઉપરમાં ૭૨,૬૮૫ નજીક ગયો હતો. કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૨,૪૫૧ અને નિફ્ટી ૨૨,૬૮૪ હતો. કસીનો સેશનમાં નિફ્ટી એક તબક્કે નીચામાં ૨૨,૨૫૨ જોવાયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૫૨૯ શૅર સામે ૨૦૩૮ ઘટ્યા છે. માર્કેટકૅપ ૧.૮૬ લાખ કરોડ ઘટી ૪૭૨.૫૦ લાખ કરોડ રહ્યું છે. અદાણી પોર્ટ્સ ૪.૪ ટકા ઊછળી ૧૮૧૮ના બંધમાં સેન્સેક્સમાં બેસ્ટ ગેઇનર બની છે. નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝીસ પાંચ ટકાની તેજીમાં ૨૯૭૩ બંધ આપીને ઝળકી હતી. અદાણી પોર્ટ્સની મજબૂતી બજારને ૫૦ પૉઇન્ટ ફળી હતી. અન્યમાં સનફાર્મા, તાતા સ્ટીલ, કોટક બૅન્ક એક-એક ટકો વધ્યા છે. ડૉ. રેડ્ડીઝ લૅબ અઢી ટકા મજબૂત હતી. ટાઇટન સેન્સેક્સમાં ૨.૭ ટકા તથા નિફ્ટીમાં ૩ ટકા બગડી ટૉપ લુઝર હતી. HCL ટેકનૉલૉઝીસ ૨.૩ ટકા, TCS પોણાબે ટકા, અલ્ટ્રાટેક હિન્દુસ્તાન યુનિલીવર તથા ટેક મહિન્દ્ર દોઢ ટકો, મહિન્દ્ર દોઢ ટકા નજીક, વિપ્રો ત્રણેક ટકા, મૅક્સ હેલ્થકૅર ૧.૮ ટકા, HDFC લાઇફ દોઢ ટકો ડાઉન થઈ છે.



રિલાયન્સ ૧૧૮૨ની ૩૪ માસની નવી બૉટમ બનાવી સવા ટકો ઘટી ૧૧૮૪ રહી છે. ઇન્ફોસિસ ૯૮૦નું છ વર્ષથી વધુ સમયગાળાનું તળિયું દેખાડી મામૂલી સુધારે ૧૦૦૫ બંધ હતી. નિફ્ટીમાં આ શૅર સવા ટકો વધી ૧૦૧૫ બંધ હતો. હિન્દુસ્તાન યુનિલીવર ૧૮૬૬ની આશરે સવાસાત વર્ષની નીચી સપાટી નોંધાવી દોઢ ટકો ઘટી ૧૮૬૭ થઈ છે. વિપ્રો ૧૫૭ નીચે છ વર્ષના તળિયે જઈ ૨.૯ ટકા બગડી ૧૫૭, જિયો ફાઇનૅન્શિયલ ૨૧૫નું ૧૯ માસનું વર્સ્ટ લેવલ બતાવી એક ટકો ઘટી ૨૧૮, તાતા મોટર્સ પૅસેન્જર ૨૭૨ની સાડાત્રણ વર્ષના બૉટમ દેખાડી પોણો ટકો ઘટી ૨૮૧, તાતા કન્ઝ્યુમર ૯૫૪ની દોઢ વર્ષની નીચી સપાટી બનાવી એકાદ ટકો સુધરી ૯૬૭ તથા મારુતિ ૧૧,૮૩૨ની ૧૭ માસની બૉટમ બતાવી સવા ટકો ઘટી ૧૧,૮૯૯ થઈ છે.


ઓલા ઇલેક્ટ્રિક્સે ૧૦૦૦ કરોડનો રાઇટ ઇશ્યુ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસ HSBC તરફથી ૨૪ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ થઈ છે. એમાં શૅર નીચામાં ૩૬ થઈ સવા ટકો ઘટી ૩૭ ઉપર બંધ હતો. પૉલિસી બાઝાર અઢી ગણા કામકાજે ૧૦૭૬ની ૩૧ માસની નીચી સપાટી નોંધાવી ૫.૯ ટકા ખરડાઈ ૧૦૮૪ થઈ છે નબળા બજારમાં BSE લિમિટેડ સવાત્રણ ટકા વધીને ૩૨૦૦ બંધ આવી છે. 

મુંબઈની રણવલ એન્ટરપ્રાઇઝીસનો ઇશ્યુ પૂરો થતાં જ પ્રીમિયમ ગાયબ થયું


ગઈ કાલે મુંબઈની રણવલ એન્ટરપ્રાઇઝીસના બેના શૅરદીઠ ૩૦૫ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૨.૭ ગણો, જર્મન ગ્રીન સ્ટીલનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો ૩૦૪ કરોડનો ઇશ્યુ કુલ લગભગ છ ગણો, ઓરિયેન્ટ કેબલ્સનો એકના શૅરદીઠ ૨૭૨ના ભાવનો ૫૫૨ કરોડનો ઇશ્યુ કુલ ૯૬ ગણો તો એઇસવેક્ટરનો એકના શૅરદીઠ ૩૨ના ભાવનો ૪૨૦ કરોડનો ઇશ્યુ કુલ પાંચ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ રણવલમાં ઝીરો, એઇસવેક્ટરમાં ઝીરો, જર્મન ગ્રીનમાં ૧૨નું અને ઓરિયેન્ટમાં ૮૦નું પ્રીમિયમ છે. SMEમાં સાંઈ ઊર્જા ઇન્ડો વેન્ચર્સનો ૨૫ કરોડનો ઇશ્યુ કુલ ૫ ગણો, બેન્ચમાર્ક ઇન્ફોટેકનો ૪૨ કરોડનો ઇશ્યુ કુલ ૧૦૨ ગણો, હિમાલયન સોલરનો ૬૮ કરોડનો ઇશ્યુ કુલ સવા ગણો, દુદાણી રીટેલનો ૧૧ કરોડનો ઇશ્યુ કુલ ૧.૪ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ બેન્ચમાર્કમાં ૩૦ અને દુદાણીમાં એક પ્રીમિયમ બોલાય છે.

SRIT ઇન્ડિયાને૫ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૧૮ કરોડનો ઇશ્યુ કુલ ૩.૬ ગણો તથા શાહ ઇન્વેસ્ટર્સ હોમનો ૧૦ના શૅરદીઠ ૧૬૭ના ભાવનો ૯૦ કરોડનો ઇશ્યુ કુલ એકાદ ગણો બીજા દિવસના અંતે ભરાયો છે. SRITમાં ૨૩ અને શાહમાં ૧૩ પ્રીમિયમ છે. SMEમાં બીજા દિવસના અંતે એકમે યુનિવર્સલનો ઇશ્યુ ૪૦ ટકા, પિન્દ હૉસ્પિટૅલિટીનો ઇશ્યુ ૨૮ ટકા, શિવકેમ ઍગ્રોનો ઇશ્યુ ૫૮ ટકા અને શ્રી TNB પૉલિમર્સનો ઇશ્યુ ૪૦ ટકા ભરાયો છે.

પ્રથમ દિવસે SME સેગમેન્ટમાં વેન્ચ ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ્સનો શૅરદીઠ ૧૧૮ના ભાવનો ઇશ્યુ કુલ ૨.૨ ગણો, પાપડમલજી ઍગ્રો ફૂડ્સનો ૭૨ના ભાવનો ઇશ્યુ કુલ ૧.૪ ગણો, બ્લૅક ઓપલ કન્સલ્ટન્ટ્સનો ૧૯૭ના ભાવનો ઇશ્યુ કુલ ૩૦ ટકા તથા એવરેસ્ટ IMS ટેક્નૉલૉઝીસનો ૮૫ના ભાવનો ઇશ્યુ કુલ ૧૩ ટકા ભરાયો છે. હાલ વેન્સમાં ૪૫નું તથા એવરેસ્ટ IMSમાં ૧૭નું પ્રીમિયમ બોલાય છે. 

વરમોરા ગ્રેનિટોમાં નામનો, હિમાલયા ન્યુટ્રીમાં ૧૩ ટકા લિસ્ટિંગ ગેઇન

વાંકાનેર, રાજકોટની વરમોરા ગ્રેનિટો બેના શૅરદીઠ ૧૪૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ ઉપરમાં ૧૫ થઈ ઝીરો થયા પછી છેલ્લે ચાલતા ૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૫૨ ખૂલી ૧૪૯ બંધ રહેતાં એક ટકો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની હિમાલયા ન્યુટ્રાવેદિક્સ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૧૧૮ ખૂલી ૧૨૦ બંધ થતાં ૧૩.૨ ટકા લિસ્ટિંગ ગેઇન અને આનંદ સીમલેસ ૧૦ના શૅરદીઠ ૭૨ની ઇસ્યુ પ્રાઇસ તેમ જ ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૭૨ ખૂલી ૭૨ બંધ થતાં એમાં ઝીરો ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

આજે, બુધવારે એલિવેટ કેમ્પાસીસ, એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ, આર્મી ઇન્ફોટેક, સ્વસ્તિકા ઇન્ફ્રા, કોર ઇન્ટિગ્રા કન્સલ્ટિંગ, પૂજા લૉજિસ્ટિક્સ, લિક્વિડ ડિજિટલ, યુનિટેક ફાઇબર્સ તથા એસ.કે. ઑફ્ફ્સેટ એમ કુલ ૯ ભરણાં લિસ્ટેડ થવાનાં છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે એડ્રોઈટમાં ૫૩નું આર્મીમાં ૬નું, સ્વસ્તિકામાં ૫નું, એલિવેટમાં ૬નું પ્રીમિયમ ચાલે છે. દરમ્યાન આગલા દિવસે પોણા આઠ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૪૦ નજીક બંધ થયેલી વિવેકાનંદ કોટસ્પિન ગઈ કાલે ૪૨ નજીકની ટૉપ બનાવી પાંચ ટકા વધી ત્યાં જ, સાડાઅગિયાર ટકા નજીકના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૯ બંધ રહેલી FX મલ્ટિટેક ઉપરમાં ૧૩૦ જઈ પોણાબે ટકા ઘટી ૧૨૭ તો લગભગ ૧૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૧૧ બંધ આવેલી રોબોકિડ્સ એજ્યુવેન્ચર્સ ૨૨૨નું નવું શિખર દેખાડી પાંચ ટકા વધી ૨૨૦ થઇ છે. હાઇ પ્રોફાઇલ NSE લિમિટેડ આગલા દિવસે ૧૭૬૧ના વસ્ટ લેવલે જઈ ૧.૭ ટકા ઘટી ૧૭૬૩ની અંદર બંધ થયા પછી ગઇ કાલે ઉપરમાં ૧૭૯૪ નોંધાવી ૦.૪ ટકા સુધરી ૧૭૬૯ રહી છે. સોના સિલેક્શન ૯૩ના તળિયે જઇ નજીવી ઘટી ૯૭ હતી. સ્પેક્ટ્રા ટેકનૉલૉજી નજીવી ઘટીને ૨૪૮ થઇ છે. હીરો મોટર્સ અઢી ટકા પ્લસ અને જીંદાલ સુપ્રીમ ૫ ટકા ઉછળી છે. 

બુધવારે બહારનો સિલસિલો યથાવત્, આજે એકસાથે ૧૦ ઇશ્યુ ખૂલશે

બુધવારે નવાં ભરણાંમાં જબ્બર ભરતીનો સિલસિલો જળવાઈ રહ્યો છે. આજના બુધવારે પણ એકસાથે કુલ ૧૦ IPO ખૂલવાનાં છે. એમાંથી બે ભરણાં મેઇન બોર્ડમાં છે. સુરત ખાતેની નિત્યાસ જેમ્સ ઍન્ડ જ્વેલરી પાંચના શૅરદીઠ ૭૫ની અપરબેન્ડમાં ૧૦૮ કરોડનો ઇશ્યુ આજે લાવશે. ૨૦૨૨માં સ્થપાયેલી લેબ-ગ્રોન ડાયમન્ડ સ્ટેડેડ ગોલ્ડ જ્વેલરી બનાવતી આ કંપનીએ ગત વર્ષે ૧૧૦ ટકા વધારામાં ૨૦૩ કરોડ આવક ઉપર ૧૨૮ ટકા વૃદ્ધિદરથી ૨૨૩૨ લાખ નફો બતાવ્યો છે. દેવું ૯ કરોડ છે, ઇશ્યુમાંથી ૭૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. બીજી કંપની મુંબઈના ફોર્ટ વિસ્તારની વિશાલ નિર્મિતિ ૧૦ના શૅરદીઠ ૨૨૦ની અપરબેન્ડમાં ૧૭૮ કરોડનો ઇશ્યુ આજે કરશે. એમાંથી OFS પેટે ૩૩ કરોડ પ્રમોટર વામન પ્રિ-સ્ટ્રેસિંગ કંપની પ્રા.લિ. લઈ જશે. ૧૯૯૪માં સ્થપાયેલી આ કંપની રેલવે માટે પ્રિ-સ્ટ્રેસ્ડ કૉન્ક્રીટ સ્લીપર્સ તેમ જ અન્ય પ્રિ-સ્ટ્રેસ્ડ પ્રોડક્ટ્સ, માઇલ્ડ સ્ટીલ પાઇપ્સ ઇત્યાદી બનાવે છે. ગત વર્ષે ૬ ટકા વધારામાં ૩૪૪ કરોડની આવક ઉપર ૬ ટકા વૃદ્ધિદરથી ૨૫ કરોડ નજીકનો નફો કર્યો છે. દેવું ૮૭ કરોડ ઉપર છે. ઇશ્યુમાંથી ૭૫ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૧૯ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. ઇશ્યુમાં QIB પોર્શન માત્ર એક ટકા છે. રીટેલ પોર્શન ૭૦ ટકા રહેશે. હાલ ગ્રેમાર્કેટમાં નિત્યાસ જેમ્સમાં ૯નું અને વિશાલ નિર્મિતિમાં બેનું પ્રીમિયમ છે.

SME સેગમેન્ટમાં આજે કુલ ૮ નવાં ભરણાં છે. નવી દિલ્હીની એકમે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૯૬ની અપરબેન્ડમાં ૧૨૨ કરોડનો BSE SME IPO બુધવારે લાવશે. એમાંથી ૧૫૭૧ લાખ OFS પેટે પ્રમોટર્સ લળ જશે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની રેલવેમાં રોલિંગ સ્ટૉક સેગમેન્ટમાં પ્રવૃત્ત છે. એ ખાસ કરીને રેલવે માટે નવા કોચમાં સજાવટ તથા જૂના કોચમાં રિપેરિંગ અને રીફર્બિશમેન્ટનું કામકાજ કરે છે. ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૨૬૮ કરોડ જેવી આવક ઉપર ૪૮ ટકા વૃદ્ધિદરથી ૨૪૩૬ લાખ નફો કર્યો છે. દેવું ૮૫ કરોડ છે. ઇશ્યુમાંથી ૪૧ કરોડ દેવું ચૂકવવામાં વપરાશે. પ્રીમિયમ ૩૦ ચાલે છે. બીજી કંપની મુંબઈના ચિંચબંદર, પ્રિન્સેસ ડોક ખાતેની પેરામાઉન્ટ સિન્ટેક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપરબેન્ડથી ૮૨ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન એકાદ ટકા છે. રીટેલ પોર્શન ૪૯.૬ ટકા છે. ૧૯૬૬માં સ્થપાયેલી આ કંપની સિન્થેટિક ફાઇબર્સ તથા વિવિધ પ્રકારનું યાર્ન બનાવે છે. ગત વર્ષે ૯ ટકા વધારામાં ૧૨૨ કરોડ આવક ઉપર ૧૦૬ ટકા વધારાથી ૧૩૮૭ લાખ નફો બતાવ્યો છે. દેવું ૩૩ કરોડ છે. ઇશ્યુમાંથી લગભગ ૬૨ કરોડ હાલના પ્લાન્ટ માટે જરૂરી મશીનરી ખરીદવામાં વપરાશે. પ્રીમિયમ નથી. ત્રીજી કંપની મુંબઈના ગોરેગામ-વેસ્ટની ડોવ સૉફ્ટ ૧૦ના શૅરદીઠ ૧૧૧ની અપરબેન્ડમાં ૭૩ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. એમાંથી ૧૪૧૨ લાખ પ્રમોટર્સ OFS મારફત ઘરભેગા કરશે. ઇશ્યુમાં QIB પોર્શન એક ટકો અને રીટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની ક્લાઉડ કમ્યુનિકેશન સેક્ટરમાં ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ પૂરી પાડે છે. ગત વર્ષે ૪૬ ટકા વધારામાં ૨૭૫ કરોડ નજીકની આવક ઉપર ૪૨ ટકાના વધારા સાથે ૨૩૪૦ લાખ નફો બતાવ્યો છે. દેવું ૬૨૯ લાખ છે. ઇશ્યુમાંથી ૪૬ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. પ્રીમિયમ શરૂ થયું નથી. ચોથી કંપની ઇન્દોરની TNA સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૭૦ની અપરબેન્ડમાં ૩૮ કરોડનો BSE SME IPO આજે લાવશે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૩૧ ટકા વધારામાં ૧૧૦ કરોડ આવક ઉપર ૪૪ ટકા વૃદ્ધિદરથી ૯૫૮ લાખ નફો કર્યો છે. દેવું ૪૬૨૯ લાખ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૭થી શરૂ થયું છે.

પાંચમી કંપની ચંડીગઢની ઓમારા વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૩૧૧ની અપરબેન્ડમાં ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. QIB પોર્શન ૨૦ ટકા અને રીટેલ પોર્શન ૪૦ ટકા છે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની જ્વેલરી ક્ષેત્રે કામકાજ કરે છે. ગત વર્ષે ૯૫ ટકા વધારામાં ૪૬ કરોડ નજીકની આવક ઉપર ૨૪૨ ટકા વધારામાં ૯૩૭ લાખ નફો બતાવી દીધો છે. બે વર્ષ પૂર્વે આવક ૨૩ કરોડ અને નફો ૩૧ લાખ હતો. દેવું વધતું રહી ૨૨૪૩ લાખ થયું છે. પ્રીમિયમ હાલ નથી. છઠ્ઠી કંપની વસઈ-ઇસ્ટ, પાલઘરની SJP અલ્ટ્રાસોનિક્સ ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવથી ૨૩ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. QIB પોર્શન ઝીરો છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૨૬૬૩ લાખની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૫૨૪ લાખ નફો કર્યો છે. દેવું ૫૭૮ લાખ છે. પ્રીમિયમ બોલાતું નથી. સાતમી કંપની હરિયાણાના ગુરુગ્રામ ખાતેની ઇવેન્શન્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબેન્ડમાં ૩૮ કરોડનો NSE SME IPO કરશે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની ઇવેન્ટ મૅનેજમેન્ટ તેમ જ કૉર્પોરેટ કંપનીઓ માટે કૉન્ફરન્સ અને એક્ઝિબિશન તથા મીટિંગ્સ ઇત્યાદીની ગોઠવણ કરે છે. ગત વર્ષે ૧૪ ટકા વધારામાં ૧૦૧ કરોડ નજીક આવક ઉપર ૫૧ ટકા વૃદ્ધિદરથી ૭૭૨ લાખ નફો બતાવ્યો છે. દેવું ૯૪૪ લાખ છે. ઇશ્યુમાં QIB પોર્શન બહુ નાનો છે, રીટેલ પોર્શન ૬૦.૫ ટકા છે. પ્રીમિયમ શરૂ થયું નથી. આઠમી કંપની કલકત્તાની સોલફેજ સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક્સ ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવથી ૨૨ કરોડનો BSE SME  ઇશ્યુ આજે કરશે. રીટેલ પોર્શન ૫૦ ટકા છે, QIB ઝીરો છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૭.૩ ટકા વધારામાં ૨૧૨૮ લાખ આવક ઉપર ૨૧ ટકા વધારાથી ૨૧૩ લાખ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં ૧૦૭૬ લાખ આવક તથા ૧૦૫ લાખ નફો કર્યો છે. દેવું ૬૦૮ લાખ છે. પ્રીમિયમ નથી.

દરમ્યાન ગ્રીન એશિયા ઇમ્પેક્સના SME ઇશ્યુ નિયત મુદતમાં ફ્લૉપ જતાં એની તારીખ લંબાવી એક ઑક્ટોબર સુધીની કરાઈ છે. ઇશ્યુ ભાવ ઘટાડી અપરબેન્ડમાં ૮૯ કરાયો છે. ભરણું ગઈ કાલે ૪થા દિવસના અંતે રીટેલમાં ૨૨ ટકા અને કુલ ૫૨ ટકા ભરાયું છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 10:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK