Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાગે છે કે હજી સપનામાં જ છું

લાગે છે કે હજી સપનામાં જ છું

Published : 01 October, 2026 07:11 AM | Modified : 01 October, 2026 02:35 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કૅનેડામાં કૉમનવેલ્થ વિમેન્સ ઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપની U47 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રિયંકા પારેખનું ઍરપોર્ટ પર જોરદાર સ્વાગત થયું; મલાડના પુષ્પા પાર્કમાં સનરૂફવાળી કારમાં રૅલી નીકળી, તે જે સ્કૂલમાં ભણી હતી ત્યાં તેનો ભવ્ય સત્કાર થયો

 ગઈ કાલે  મલાડ-ઈસ્ટના પુષ્પા પાર્કમાં સનરૂફવાળી કારમાંથી તિરંગો લહેરાવતી પ્રિયંકા પારેખ. તસવીરોઃ  અતુલ કાંબળે

ગઈ કાલે મલાડ-ઈસ્ટના પુષ્પા પાર્કમાં સનરૂફવાળી કારમાંથી તિરંગો લહેરાવતી પ્રિયંકા પારેખ. તસવીરોઃ અતુલ કાંબળે


મારા માટે આ ‘અ ડ્રીમ કમ ટ્રુ’ જેવી સિચ્યુએશન છે. કૅનેડામાં જ્યારે વિજેતા તરીકે મારું નામ અનાઉન્સ થયું ત્યારે હું ઇમોશનલ થઈ ગઈ હતી. સપનાં પણ એક દિવસ હકીકત બની શકે છે એનો અહેસાસ જિંદગીમાં પહેલી વાર કર્યો. સાચું કહું તો મુંબઈ આવી ગયા પછી પણ મને હજી એવું જ લાગે છે કે હું કોઈ સપનામાં જીવી રહી છું. એ ક્ષણોને યાદ કરું છું તો ગૂઝબમ્પ્સ આવે છે.
કૅનેડામાં આયોજિત કૉમનવેલ્થ વિમેન્સ ઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપની U47 કૅટેગરીમાં કુલ ૩૪૭.૫ કિલો વજન ઊંચકીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી ૨૩ વર્ષની પ્રિયંકા પારેખે મુંબઈ આવ્યા પછી આ શબ્દો કહ્યા હતા. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં તેણે કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે નવ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ઊતરી અને જેવી ટર્મિનલની બહાર આવી ત્યાં જ મારા પેરન્ટ્સ, ફ્રેન્ડ્સ અને કપોળ કમ્યુનિટીના લોકો ફૂલ-હાર લઈને હાજર હતા. બધાને એકસાથે જોઈને અહેસાસ થયો કે મેં દેશ માટે ખરેખર કંઈક સારું કામ કર્યું છે. ઍરપોર્ટ પરથી મલાડ-ઈસ્ટમાં આવેલા પુષ્પા પાર્ક પહોંચી ત્યાં મારા સ્વાગતમાં ઢોલ-નગારાં વાગવાં લાગ્યાં. સનરૂફવાળી કારમાં ભવ્ય વિજય-રૅલી કાઢવામાં આવી જેમાં આશરે ૩૦૦ જેટલા લોકો જોડાયા હતા. સૌથી મોટું સરપ્રાઇઝ એ હતું કે મારી સ્કૂલ સેન્ટ જોસેફ હાઈ સ્કૂલના ટીચર્સ, મારા જૂના ક્લાસમેટ્સ અને પાડોશીઓ સહિત બધા જ રોડ પર ઊતરી આવ્યા હતા. સામાન્ય મધ્યમવર્ગના પરિવારની દીકરી માટે રમતગમતમાં આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચવું આર્થિક મદદ વિના શક્ય જ નહોતું. મારી આ સફળતા પાછળ કપોળ સ્પોર્ટ્‌સ ગ્રુપના મેમ્બરો અને ગ્રીકસૉફ્ટ ટેક્નૉલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડનું બહુ જ મોટું આર્થિક યોગદાન છે. મને એ વાતનો અત્યંત ગર્વ છે કે મારો સમાજ દીકરીઓને આગળ વધારવામાં અને તેનાં સપનાં પૂરાં કરવામાં હંમેશાં અગ્રેસર રહે છે.’



પ્રિયંકાના મમ્મી-પપ્પા શિતલ અને યોગેશ પારેખ દીકરી સાથે.


રોમાંચક ફાઇનલ
કૉમનવેલ્થ વિમેન્સ ઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ઉંમર અને વજન બન્નેને ધ્યાનમાં રાખીને કૅટેગરી નક્કી થાય છે, જેમાં પ્રિયંકાની U47 વેઇટ-કૅટેગરી હતી. ફાઇનલ મુકાબલાની એ ક્ષણોને યાદ કરતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે ‘જોગાનુજોગ આ કૅટેગરીમાં ભારત તરફથી બે ગર્લ્સની પસંદગી થઈ હતી. મારો મુકાબલો આંધ્ર પ્રદેશની ખેલાડી સાથે જ થયો હતો. કૅનેડાની ધરતી પર રમાયેલા આ ઇન્ડિયા વર્સસ ઇન્ડિયાના રોમાંચક જંગમાં કુલ ૩૪૭.૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ જીત્યો. ઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ અને ક્લાસિક લિફ્ટિંગમાં સૌથી મોટો તફાવત કૉસ્ચ્યુમનો છે. આ કૉસ્ચ્યુમ એટલો ટાઇટ હોય છે કે એને તમે જાતે પહેરી ન શકો, કોઈકે પહેરાવવો પડે. એ તમારી બૉડીને એટલી હદે કમ્પ્રેસ કરી દે છે કે તમને સહન ન થાય. એમ થાય કે રમત જલદી પૂરી થાય અને ઉતારી નાખું. આ બહુ મોટો પડકાર છે. રમતનાં ત્રણેય ફૉર્મેટ — સ્ક્વૉટ, બૅન્ચપ્રેસ અને ડેડલિફ્ટ માટે અલગ-અલગ સ્પેશ્યલ કૉસ્ચ્યુમ હોય છે જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે આ ત્રણેય કૉસ્ચ્યુમ હોવા જરૂરી છે, પણ આર્થિક સ્થિતિના કારણે મારી પાસે માત્ર બે કૉસ્ચ્યુમ હતા. સ્ક્વૉટ માટેના કૉસ્ચ્યુમને જ ડેડલિફ્ટ ફૉર્મેટમાં મૅનેજ કરીને મેં આ જીત હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારત તરફથી કુલ ૨૬ ઍથ્લીટ્સ ગયા હતા અને તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ ચૅમ્પિયનશિપની ઓવરઑલ ટ્રોફી પણ ભારતને જ મળી છે.’

નેક્સ્ટ મિશન
પોતાના આગામી લક્ષ્ય અને રમતની સ્થિતિ વિશે વાત કરતાં પ્રિયંકાએ અંતમાં જણાવ્યું કે ‘મારું નેક્સ્ટ મિશન નક્કી છે. જાન્યુઆરી ૨૦૨૭માં કેરલમમાં યોજાનારી ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં રમવાની છું. થોડો આરામ કર્યા પછી એની તૈયારીઓ શરૂ કરી દઈશ.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 02:35 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK