BSE લિમિટેડ છ ટકાના ઉછાળે નવા બેસ્ટ લેવલે, MCXમાં ૨૮૧ની તેજી થઈ : નિફ્ટી ૪ મહિના બાદ ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજની ઉપર જતાં તેજીતરફી બ્રેકઆઉટ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ, તમામ ૪૧ બૅન્કો વધીને બંધ, HDFC-ICICI તથા કોટક બૅન્કમાં નવી ટૉપ : BSE લિમિટેડ છ ટકાના ઉછાળે નવા બેસ્ટ લેવલે, MCXમાં ૨૮૧ની તેજી થઈ : નિફ્ટી ૪ મહિના બાદ ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજની ઉપર જતાં તેજીતરફી બ્રેકઆઉટ : BSEનું માર્કેટકૅપ ત્રણ મહિના બાદ ફરીથી પાંચ લાખ કરોડ ડૉલરે : રિલાયન્સનાં પરિણામ શુક્રવારે, શૅર ૭ દિવસમાં ૧૧૧૫થી વધી ૧૩૦૦ થયો : ભારતી ઍરટેલ નવી ટૉપ બનાવી પાછો પડ્યો, ભારતી હેક્સા સતત નવી ટોચે : તાતા ઍલેક્સી નફામાં ૧૩ ટકા ઘટાડા વચ્ચે શૅરદીઠ ૭૫ના ડિવિડન્ડમાં ૪૪૪ રૂપિયા ઊછળ્યો
ટૅરિફ ટેરરનો પૅનિક હાલપૂરતો શમી ગયો છે. શૅરબજારમાં હવે રિવેન્જ રૅલી શરૂ થઈ લાગે છે. ક્રિસવૂડ કહે છે, અમેરિકન શૅરબજારમાંથી એક્ઝિટ લઈ ઇન્ડિયન બજારમાં એન્ટ્રી મારો; નોમુરા જણાવે છે, ટૅરિફ અને ટ્રેડ-વૉરનો વર્સ્ટ ટાઇમ લગભગ પૂરો થઈ ગયો છે, અબ સુખ આયો રે... અમેરિકા સાથે ટ્રેડ-ડીલ થવાની દીવાનગીના જોરમાં બજાર સતત પાંચમા દિવસે તેજીમય રહ્યું છે જેમાં નિફ્ટી સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૨૪,૧૮૯ની ઉપર જતાં ચારેક મહિના બાદ બજારમાં તેજી તરફી બ્રેકઆઉટ આવ્યું છે. નિફ્ટીએ ૨૦૦ દિવસની ડેઇલી મૂવિંગ ઍવરેજ કુદાવી દીધી છે. આ વર્ષે છઠ્ઠી જાન્યુઆરીએ નિફ્ટી ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજની નીચે આવી ગયો હતો. ત્યાર પછી પ્રથમ વાર એ આ લેવલની ઉપર ગયો છે. સામાન્ય રીતે બજાર એની લાંબા ગાળાની ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજથી ઉપર હોય ત્યારે વધઘટે સુધારાતરફી ચાલ આગળ વધવાના સંકેત તરીકે એને જોવામાં આવે છે. સેન્સેક્સ આગલા બંધથી લગભગ ૩૫૦ પૉઇન્ટની ગૅપમાં ૭૮,૯૦૩ ખૂલી ગઈ કાલે ૮૫૫ પૉઇન્ટની મજબૂતીમાં ૭૯,૪૦૮ તથા નિફ્ટી ૨૭૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૧૨૫ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૮,૭૭૬ અને ઉપરમાં ૭૯,૬૩૫ થયો હતો. FMCGની પોણા ટકા જેવી નરમાઈ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધીને બંધ થયાં છે. સેન્સેક્સ નિફ્ટીની સવા ટકા નજીકની આગેકૂચ સામે મિડકૅપ સવાબે ટકા, સ્મૉલકૅપ પોણાબે ટકા, બ્રૉડર માર્કેટ દોઢ ટકા, ઑઇલ-ગૅસ ૨.૬ ટકા, એનર્જી ૨.૧ ટકા, પાવર અઢી ટકા, મેટલ બે ટકા, રિયલ્ટી ૨.૩ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૯ ટકા, ઑટો ૨.૧ ટકા, યુટિલિટીઝ ૧.૯ ટકા, આઇટી ૨.૩ ટકા, ફાઇનૅન્સ પોણાબે ટકા, ટેક્નૉલૉજીઝ દોઢ ટકા વધ્યા છે. બૅન્ક નિફ્ટી ૫૫,૪૬૨ નજીક ઑલટાઇમ દોઢ ટકા વધ્યા છે. બૅન્ક નિફ્ટી ૫૫,૩૦૪ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા પ્લસ હતો. માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. NSEમાં વધેલા ૨૨૫૧ શૅર સામે ૬૮૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ સવાછ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૨૫.૮૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. BSEનું માર્કેટકૅપ ત્રણ મહિના બાદ ફરી એક વાર પાંચ ટ્રિલ્યન ડૉલરે દેખાયું છે. હાલ અમેરિકા, ચાઇના, જપાન તથા હૉન્ગકૉન્ગનાં શૅરબજારોનું માર્કેટકૅપ પાંચ લાખ કરોડ ડૉલરથી ઉપર છે. ૨૦૨૧ના આરંભ પછી પ્રથમ વાર ભારત ખાતે પાંચ દિવસની તગડી એવી ૫૫૬૧ પૉઇન્ટની રૅલી જોવા મળી છે.
ADVERTISEMENT
એશિયા ખાતે સિંગાપોર એક ટકો, ચાઇના અડધો ટકો, સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા નહીંવત્ પ્લસ હતાં. સામે તાઇવાન અને થાઇલૅન્ડ દોઢ ટકો અને જપાન સવા ટકો નરમ હતું. હૉન્ગકૉન્ગ બંધ હતું. યુરોપનાં બજારો પણ રજામાં હતાં. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૦૯૧ પૉઇન્ટ વધી ૧,૧૮,૪૦૭ દેખાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૮૪,૦૪૯ ડૉલરની બૉટમથી ૮૭,૪૯૫ વટાવી રનિંગમાં અઢી ટકા વધી ૮૭,૪૧૧ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટક્રૂડ સવાબે ટકા ઘટી ૬૬ ડૉલર હતું. વૈશ્વિક સોનું ૩૪૦૦ ડૉલરની ઉપર નવા બેસ્ટ લેવલે પહોંચી ગયું છે.
IPLમાં નબળો દેખાવ CSKના શૅરને નડ્યો
પ્રાઇમરી માર્કેટમાં ઘણા દિવસથી સન્નાટો હતો. મેઇન બોર્ડમાં છેલ્લે ક્વૉલિટી પાવરનો ઇશ્યુ ૧૪ ફેબ્રુઆરીએ તથા SME સેગમેન્ટમાં ઇન્ફોનેટિવ સૉલ્યુશન્સનો ઇશ્યુ ૨૮ માર્ચે આવ્યો હતો. હવે ૨૩ એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેની ટેન્કઅપ એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપરબૅન્ડમાં ૧૯૫૩ લાખનો NSE SME IPO લાવી રહી છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી. ઇશ્યુ મોંઘો છે. કંપની માથે ૭૫૯ લાખનું દેવું છે.
દરમ્યાન IPLમાં ખરાબ દેખાવની અસર CSKના શૅરમાં દેખાવા માંડી છે. અન-લિસ્ટેડ માર્કેટમાં ભાવ ત્રીજી એપ્રિલના રોજ ૨૩૫ રૂપિયા હતો એ ઘસાતો રહી હાલ ૧૯૦ થઈ ગયો છે. NSEનો શૅર ૧૬૨૫ ક્વૉટ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં રેટ ૧૯૦૦ બોલાતો હતો. તાતા કૅપિટલ ૧૦૪૫થી ઘટી અત્યારે ૯૫૦ ચાલે છે.
બજાજ-ટ્વિન્સની સાથે-સાથે ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવા શિખરે
સારાં પરિણામ પાછળ HDFC બૅન્ક ૧૯૫૦ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધી ૧૯૨૭ વટાવી બજારને સર્વાધિક ૧૩૭ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક પણ રિઝલ્ટના જોશમાં ૧૪૩૭ના શિખરે જઈ નહીંવત્ સુધારે ૧૪૦૯ હતી. ઍક્સિસ બૅન્કનાં પરિણામ ૨૪મીએ છે. ભાવ અઢી ટકા ઊંચકાઈ ૧૨૨૨ નજીક સરકયો છે. કોટક બૅન્ક ૨.૪ ટકા વધી ૨૨૪૦ની ટોચે બંધ થઈ છે. પરિણામ ત્રીજી મેએ છે. સ્ટેટ બૅન્ક અઢી ટકા નજીકની મજબૂતીમાં ૮૧૬ તો ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવાચાર ટકા વધી ૮૨૮ થઈ છે. આ છ બૅન્ક શૅર થકી બજારને ગઈ કાલે ૩૮૧ પૉઇન્ટનો ફાયદો થયો છે. બૅન્કિંગના તમામ ૪૧ શૅર સોમવારે વધ્યા છે. ઉત્કર્ષ બૅન્ક સાત ટકા નજીક, સૂર્યોદય બૅન્ક ૬.૯ ટકા, એયુ બૅન્ક તથા પંજાબ સિંઘ બૅન્ક પોણાસાત ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાપાંચ ટકા, બંધન બૅન્ક તથા IDFC ફર્સ્ટ બૅન્ક પોણાછ ટકા, જેકે બૅન્ક સાડાપાંચ ટકા, ઇસફ બૅન્ક સવાપાંચ ટકા, કૅપિટલ સ્મૉલ બૅન્ક પાંચ ટકા, ઉજ્જીવન બૅન્ક પાંચેક ટકા મજબૂત હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૭માંથી ૧૪૬ શૅરના સથવારે ૧૨,૩૨૩ની સર્વોચ્ચ સપાટી બનાવી પોણાબે ટકા વધી ૧૨,૨૯૨ બંધ થયો છે. સ્પંદન સ્ફૂર્તિ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૨૫ વટાવી ગઈ છે. બજાજ ફીનસર્વે ૨૧૧૯ની ટૉપ બનાવી સાડાત્રણ ટકા વધી ૨૧૦૫ તથા બજાજ ફાઇનૅન્સ ૯૩૧૪ની વિક્રમી સપાટી નોંધાવી સવા ટકો વધી ૯૨૭૫ બંધ થઈ છે. આ ઉપરાંત આવાસ ફાઇનૅન્શ્યર્સ સાતેક ટકાની તેજીમાં ૨૧૬૫ના શિખરે બંધ આવી છે. મુથૂટ માઇક્રોફીન સવાચૌદ ટકા, અરમાન ફાઇનૅન્સ ૧૧ ટકા, કેફીન ટેક સાડાઆઠ ટકા, આઇઆઇએફએલ કૅપિટલ સાડાસાત ટકા, નિપ્પોન લાઇફ છ ટકા, HDFC ઍસેટ મૅને. કંપની પોણાછ ટકા ઊછળી છે. BSE લિમિટેડ ૬૩૧૩ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છ ટકા કે ૩૫૪ના જમ્પમાં ૬૨૮૫ થઈ છે. એમસીએક્સ લિમિટેડ ૨૮૧ રૂપિયા કે પાંચ ટકાના ઉછાળે ૫૯૪૫ હતી. બજાજ હાઉસિંગ દોઢ ટકો વધી છે. જિયો ફાઇનૅન્સ સાધારણ પરિણામમાં નહીંવત્ ઘટી ૨૪૬ રહી છે.
અદાણી પોર્ટ્સ સિવાય અદાણી ગ્રુપના તમામ શૅર વધ્યા
રિલાયન્સનાં પરિણામ ૨૫મીએ આવશે. શૅર ઉપરમાં ૧૩૦૦ બતાવી પોણાબે ટકા નજીકની આગેકૂચમાં ૧૨૯૬ બંધ બન્યો છે. ટેક મહિન્દ્રનાં પરિણામ ૨૪મીએ છે. શૅર ગઈ કાલે પાંચેક ટકાના જમ્પમાં ૧૩૭૦ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. HCL ટેક્નૉ ત્રણ ટકા નજીક, ઇન્ફોસિસ બે ટકા, વિપ્રો તેમ જ TCS ૦.૭ ટકા જેવા પ્લસ હતા. અન્યમાં મહિન્દ્ર સવાત્રણ ટકા, પાવરગ્રીડ સાડાત્રણ ટકા, તાતા સ્ટીલ દોઢ ટકો, તાતા મોટર્સ સવા ટકાથી વધુ, ટ્રેન્ટ સાડાચાર ટકા કે ૨૨૯ રૂપિયા, હીરો મોટોકૉર્પ પોણાચાર ટકા, બજાજ ઑટો ૨.૯ ટકા, JSW સ્ટીલ પોણાત્રણ ટકા નજીક, ONGC અઢી ટકા, હિન્દાલ્કો બે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ અને ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકા થઈ વધુ, SBI લાઇફ અને ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો વધ્યા હતા.
અદાણી પોર્ટ્સ સવા ટકાની નરમાઈમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. HDFC લાઇફ, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલીવર એકાદ ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકા નજીક નરમ હતા. ભારતી ઍરટેલ ૧૯૦૪ના શિખરે જઈ સામાન્ય ઘટાડે ૧૮૮૩ રહી છે. ભારતી હેક્સાકૉમ ૧૬૬૫ની નવી ટૉપ મેળવી પોણાચાર ટકા વધી ૧૬૪૪ થઈ છે. લાર્સન એક ટકો વધી છે. આઇશર ૫૮૫૮ના શિખરે જઈ સવાબે ટકાની આગેકૂચમાં ૫૮૧૦ વટાવી ગઈ છે. તાતા ઍલેક્સી સાધારણ પરિણામમાં ૪૮૦૧ ખુલ્યા પછી તગડા બાઉન્સ બૅકમાં સવાછ ગણા વૉલ્યુમે ૫૩૪૪ થઈ ૪૪૪ રૂપિયા કે નવ ટકાની તેજીમાં ૫૩૪૪ બંધ આવી છે. ડાયનાકોન્સ સિસ્ટમ્સ પોણાસાત ટકા, સિગ્નેટી પોણાછ ટકા, કોફોર્જ પાંચ ટકા ઊંચકાઈ હતી. એનર્જી સેગમેન્ટમાં હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન પોણાછ ટકા, ગેઇલ સાડાચાર ટકા, એમઆરપીએલ પોણાચાર ટકા, મહાનગર ગૅસ સાડાત્રણ ટકા ઝળકી છે. અદાણી ગ્રુપમાં અદાણી પાવર સાડાત્રણ ટકા, અદાણી એનર્જી અઢી ટકા, અદાણી ગ્રીન તથા અદાણી એન્ટર એક ટકો, અદાણી ટોટલ અઢી ટકા, NDTV છ ટકા, ACC અને અંબુજા દોઢ-દોઢ ટકો પ્લસ હતા.

