નકલી પનીરનો દાવો કરતા યુટ્યુબરની માહિતી ખોટી
ગૌરી ખાન, વિકાસ ખન્ના
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની ખારમાં આવેલી ટોરી નામની આલીશાન રેસ્ટોરાં ચર્ચામાં છે. હકીકતમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાર્થક સચદેવે પોતાના વિડિયોમાં ગૌરી ખાનની રેસ્ટોરાંમાં નકલી પનીર મળતું હોવાનો દાવો કર્યો છે. વિડિયોમાં સાર્થક રેસ્ટોરાંમાં વાપરવામાં આવેલા પનીરના એક ટુકડા પર આયોડીન ટિન્ક્ચર ટેસ્ટ કરે છે. આ ટેસ્ટ સામાન્ય રીતે સ્ટાર્ચની હાજરી ચેક કરવા માટે કરવામાં આવે છે. આયોડીનની હાજરીમાં પનીરનો રંગ સાવ બદલાઈ જાય છે અને એ કાળું પડી જાય છે. આ બદલાયેલો રંગ જોઈને સાર્થકે કહ્યું કે રેસ્ટોરાંમાં વપરાયેલું પનીર બનાવટી છે.
વિખ્યાત શેફ અને માસ્ટરશેફ ઇન્ડિયાના જજ વિકાસ ખન્નાએ આ ઘટનાક્રમ વિશે સ્પષ્ટતા કરી છે. વિકાસ ખન્નાએ આવી ખોટી માહિતી આપવા બદલ યુટ્યુબરની ટીકા કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘આ વિડિયોમાં ભયંકર ખોટી માહિતી આપવામાં આવી છે. હું છેલ્લા ઘણા દાયકાથી રસોઈ બનાવી રહ્યો છું અને ફૂડ-સાયન્સ સાથે કામ કરી રહ્યો છું. મેં ક્યારેય આ યુટ્યુબર જેવી ભયંકર માહિતી જોઈ નથી જે ફૂડ-સાયન્ટિસ્ટ હોવાનો દાવો કરે છે. સ્ટાર્ચની હાજરીમાં આયોડિન બ્લુ કે કાળું પડી જાય છે જે બટાટા, બ્રેડ, ચોખા, કૉર્ન સ્ટાર્ચ, લોટ અને કાચાં કેળાં જેવા રસોડાના સામાન્ય ઘટકોમાં પણ જોવા મળે છે. આ ઘટક કોઈ ડિશમાં સાથે હોય તો પણ આયોડિન-ટેસ્ટ ખોટી પડી શકે છે. આવી સરખામણી ડરામણી છે અને યુટ્યુબ પર અયોગ્ય લોકોને ગંભીરતાથી લેવામાં આવે છે.’
ADVERTISEMENT
જોકે આ વિવાદ પછી સાર્થક સચદેવે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી વિડિયો ડિલીટ કરી નાખ્યો છે.

