Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એશિયન બજારોથી વિપરીત ચાલમાં કારણ વગર બજાર ૯૦૫ પૉઇન્ટ અપ

એશિયન બજારોથી વિપરીત ચાલમાં કારણ વગર બજાર ૯૦૫ પૉઇન્ટ અપ

Published : 30 October, 2026 07:21 AM | Modified : 30 October, 2026 07:27 AM | IST | Mumbai
Anil Patel

વિશ્વબજારમાં ક્રૂડ ૧૧૪ ડૉલર ઉપર છે. ડૉલર સામે રૂપિયો ઘટી ૯૫.૨૫ બંધ થયો છે. જપાનના એક ટકાના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન શૅરબજારોનો ગુરુ ભારે નીવડ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વિશ્વબજારમાં ક્રૂડ ૧૧૪ ડૉલર ઉપર છે. ડૉલર સામે રૂપિયો ઘટી ૯૫.૨૫ બંધ થયો છે. જપાનના એક ટકાના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન શૅરબજારોનો ગુરુ ભારે નીવડ્યો છે. ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા, થાઇલૅન્ડ, સાઉથ કોરિયા અને તાઇવાન સવાથી દોઢેક ટકો, ચાઇના પોણો ટકો અને હૉન્ગકૉન્ગ અડધો ટકો કટ થયાં છે. યુરોપ રનિંગમાં એકથી સવા ટકો અને લંડનફુત્સી અડધા ટકાથી વધુ ઉપર હતાં એ એક આશ્વાસન કહી શકાય. આ માહોલમાં ઘરઆંગણે સેન્સેક્સ ૯૦૫ પૉઇન્ટ ઊંચકાઈ ૭૪,૧૫૧ તથા નિફ્ટી ૨૩૮ પૉઇન્ટની મજબૂતીમાં ૨૨,૯૩૭ બંધ આવ્યો એ એક સારી વાત કહી શકાય. જોકે આમ શા માટે થયું એનું કોઈ કારણ અમને દેખાયું નથી. બજારની શરૂઆત બાવીસ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારે, ૭૩,૨૬૮ના લેવલથી થઈ હતી. માર્કેટ ત્યાંથી ઘટી નીચામાં ૭૩,૧૮૨ની અંદર પણ ગયું હતું, પરંતુ ત્યાર પછી સેન્સેક્સ ક્રમશઃ સતત વધતો રહી બજાર બંધ થવાના સમયે ૭૪,૧૬૬ના ઇન્ટ્રા-ડે શિખરે ગયો હતો. માર્કેટકૅપ ૪.૮૦ લાખ કરોડના ઉમેરમાં ૪૭૭.૪૩ લાખ કરોડને વટાવી ગયું છે. મઝેદાર માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૨૧૯૬ શૅર વધ્યા છે, સામે ૧૩૮૭ જાતો ઘટી છે. તમામ સેક્ટોરલ વધ્યા છે, ઑટો ઇન્ડેક્સ નજીવો નરમ હતો. નિફ્ટી-સેન્સેક્સનો એક-સવા ટકાની મજબૂતી સામે રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૬ ટકા, યુટિલિટીઝ ૩.૧ ટકા, FMCG બે ટકા, બૅન્ક નિફ્ટી સવા ટકા નજીક, પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા અપ હતો.

પરિણામ પાછળ અદાણી પોર્ટ્‍સ નિફ્ટીમાં સવાછ ટકા વધી ૧૮૭૨ તો સેન્સેક્સમાં ૫.૨ ટકા વધી ૧૮૫૦ના બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે. કોટક બૅન્ક ૩.૯ ટકા (નિફ્ટીમાં ૪.૩ ટકા) ઊંચકાઈ બજારને ૧૦૫ પૉઇન્ટ ફળી છે. અન્ય શૅરમાં સેન્સેક્સ ખાતે પાવર ગ્રિડ પોણાચાર ટકા, એટર્નલ સાડાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ અઢી ટકા, સ્ટેટ બૅન્ક તથા હિન્દુસ્તાન યુનિલીવર અને ટાઇટન ૨.૪ ટકા, NTPC તેમ જ ભારત ઇલેક્ટ્રિકલ સવાબે ટકા ઝળકી હતી. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ સવા પાંચેક ટકા, એટર્નલ ૩.૬ ટકા, પાવર ગ્રિડ ૩.૪ ટકા, ITC ૨.૧ ટકા વધી હતી.



ધારણા કરતાં સારાં પરિણામ છતાં ટ્રેન્ટ દોઢ ટકો ઘટી (નિફ્ટીમાં ૧.૮ ટકા) ટૉપ લૂઝર બની છે. મારુતિ સુઝુકી નિફ્ટીમાં ૧.૩ ટકા, બજાજ ઑટો એક ટકો, આઇશર ૦.૯ ટકા, સેન્સેક્સમાં મારુતિ એક ટકો ડાઉન થઈ છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૧૧૮૨ થયા બાદ આટલા સારા બજારમાં માત્ર ૦.૯ ટકા કે સવાદસ રૂપિયા સુધી ૧૧૬૯ અંદર હતી. કંપનીનાં રિઝલ્ટ આજે, ૩૦મીએ જાહેર થવાનાં છે. બિરલા સૉફ્ટનો નફો ૧૧૬ કરોડથી વધી ૧૬૦ કરોડ થયો છે. એમાં શૅર બારેક ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. પૂનાવાલા ફિનકૉર્પ સાડાસાત ગણા વૉલ્યુમે પોણાદસેક ટકા ઊછળી ૪૪૨ વટાવી ગઈ છે. રિલાયન્સ પાવર સવાનવ ટકાનો જમ્પ મારી ૧૯ નજીક તો રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે ટકાની ઉપલી સર્કિટે ૩૮ ગણા જંગી વૉલ્યુમે ૪૭.૫૦ બંધ થઈ છે. અનિલ અંબાણીના શૅર કેમ વધ્યા એ સમજાતું નથી. ઇક્વિટાસ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩૨.૭ ટકા વધી છે. નફો ૨૪ કરોડની સામે ૨૨૦ કરોડ આવ્યો છે અને શૅર ૩૪ ગણા વૉલ્યુમે નીચામાં ૪૨ થઈ ૧૨.૪ ટકા લથડી ૫૭ બંધ થયો છે.


આજે ગુજરાતનાં ૩ સહિત કુલ ૪ નવાં SME ભરણાં ખૂલશે

આજે, શુક્રવારે નવાં ૪ ભરણાં ખૂલવાનાં છે, તમામ SME IPO છે. બરોડાની મૅક્સવેલ એન્જિનિયરિંગ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૫૯ની અપરબેન્ડમાં ૫૮ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. માર્કેટમેકર માટે ૪ કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૪૯.૮ ટકા છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની અન્ડરવોટર પેલેટાઇઝિંગ સિસ્ટમ્સ માટેના કૉમ્પોનન્ટ્સનું ઉત્પાદન અને ટ્રેડિંગ કરે છે. ગત વર્ષે ૩૬ ટકા વધારામાં ૩૦૭૬ લાખની આવક ઉપર ૨૯ ટકા વૃદ્ધિદરે ૧૧૮૬ લાખના નફો કર્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં સવાબાર કરોડની આવક ઉપર ૩ કરોડ નફો મેળવ્યો છે. ગ્રેમાર્કેટમાં ૨૭થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલ બાવન બોલાય છે. અમદાવાદના ચાંદખેડા ખાતેની વેક્ટ્રાસ એન્પ્રોકૉન ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબેન્ડમાં ૫૩ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. એમાંથી OFS પેટે ૧૦૪૬ લાખ પ્રમોટર્સ લઈ જશે. માર્કેટમેકર માટે ૩ કરોડના શૅર રિઝર્વ્ડ રખાયા છે. વેકટ્રાસ એન્પ્રોકૉન ઇજનેરી EPC કંપની છે એ મુખ્યત્વે ઑઇલ અને ગૅસ સેક્ટરમાં કામકાજ કરે છે. ગત વર્ષે ૪૯ ટકાના વધારામાં ૧૨૦ કરોડ જેવી આવક ઉપર બાવન ટકા વૃદ્ધિદરથી ૧૫૪૩ લાખ નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષના પ્રથમ ૬ માસમાં કંપનીએ ૭૨૨૦ લાખની આવક તથા ૯૧૦ લાખ નફો દર્શાવ્યો છે. દેવું ૩૧૩૬ લાખ છે. ઇશ્યુમાંથી ૧૪ કરોડ દેવું ચૂકવવામાં અને ૨૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.


નવી દિલ્હી ખાતેની HGS ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપરબેન્ડમાં ૩૫ કરોડનો NSE SME ઇશ્યુ આજે લાવશે. એમાં ઑફર ફૉર સેલ ૬૬૫ લાખની છે. માર્કેટમેકર માટે બે કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ઇશ્યુમાં ૫૦ ટકાનો છે. ૧૯૮૬માં સ્થપાયેલી આ કંપની અમેરિકાની કંપની જીઓસૉર્સ ઇન્ફોસિસના ટેક્નિકલ તેમ જ ફાઇનૅન્શિયલ સહયોગ સાથે ભારતમાં જિયોફિઝિકલ ઇક્વિપમેન્ટ્સ તેમ જ સેસ્મિક ડેટા ક્લેક્શન માટેની ઍસેસરીઝ બનાવે છે. ગત વર્ષે ૮ ટકા વધારામાં ૪૯ કરોડની આવક ઉપર ૧૧ ટકા વૃદ્ધિદરથી ૧૧૬૪ લાખ નેટ નફો કર્યા પછી કંપનીએ ચાલુ વર્ષે એપ્રિલના અંત સુધીના એક માસમાં ૩૭૯ લાખ આવક ઉપર ૧૧૧ લાખ નફો બતાવ્યો છે. દેવું ૯૨ કરોડ જેવું છે. લીડ-મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે પણ ગ્રેમાર્કેટમાં હજી પ્રીમિયમના સોદા શરૂ થયા નથી. ગુજરાતના મહેસાણા જિલ્લાના જગુદણ ખાતેની જ્હોનસન કેબ ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરદીઠ ૨૦૦ની અપરબેન્ડમાં ૫૬ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. માર્કેટમેકર માટે ત્રણ કરોડના શૅર રિઝર્વ્ડ છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની જ્હોનસન કેબલ્સ બ્રૅન્ડ નેઇમ હેઠળ લૉ-વૉલ્ટેજ વાયર અને કેબલ બનાવે છે. ગત વર્ષે ૫૧ ટકા વધારામાં ૨૧૧ કરોડની આવક ઉપર ૧૪૬ ટકા વધારામાં ૧૩૪૨ લાખ નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ પાંચ માસમાં ૧૧૩ કરોડની આવક અને ૮૬૩ લાખ નફો મેળવ્યો છે. દેવું ૭૭૫૭ લાખનું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૦થી શરૂ થયા બાદ વધી અત્યારે ૧૩ બોલાય છે.

જિયો પ્લૅટફૉર્મ ૧૪૯૦ના શિખરે જઈ નજીવા સુધારે ૧૪૧૯ બંધ

આગલા દિવસે ૨૬.૭ ટકા કે શૅરદીઠ ૨૯૮ રૂપિયાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૧૭ બંધ રહેલી જિયો પ્લૅટફૉર્મ ગઈ કાલે ૧૪૯૦ની નવી બેસ્ટ સપાટીએ જઈ પરચૂરણ સુધારામાં ૧૪૧૯ બંધ થઈ છે. NSEમાં ભાવ ૧૪૨૧ ઉપર બંધ આવ્યો છે. પારસ હેલ્થકૅર જે સાડાછ ટકા જેવા લિસ્ટિંગ ગેઇનમાં ૭૩૭ બંધ થઈ હતી એ ગઈ કાલે ૭૮૫નું નવું શિખર દેખાડી ૪.૯ ટકા વધીને ૭૭૩ થઈ છે. આજે, શુક્રવારે SME કંપની કૉર ફૉર એન્જિનિયર્સનું લિસ્ટિંગ થવાનું છે.

મુંબઈના વરલી ખાતેની ચાંદની મશીન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦.૧૫ બંધ થઈ છે. મીનાક્ષી ઇન્ડિયા ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં તથા ગૅલૅક્સી ઍગ્રીકો ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. ગૅલૅક્સી ઍગ્રીકો ગઈ કાલે ઉપરમાં ૧૦૪ બતાવી અડધા ટકાના સુધારામાં ૧૦૦ બંધ રહી છે. જ્યારે મીનાક્ષી ઇન્ડિયા ઉપરમાં ૩૯૧ નજીક જઈ સવા ટકો વધીને ૩૮૮ હતી. અગાઉ સર્દા પ્રોટીન્સ તરીકે ઓળખાતી રાજસ્થાનના અલવાર ખાતેની ફ્રેસિતા પ્રોટીન્સ ૬ શૅરદીઠ પાંચ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવથી રાઇટ ઇશ્યુમાં શુક્રવારે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે બે ટકાની નીચલી સર્કિટમાં ૧૩૪ નજીક બંધ આવ્યો છે.

તાતાની ટ્રેન્ટ લિમિટેડે બજાર બંધ થયા પછી જારી કરેલાં રિઝલ્ટમાં ૨૩ ટકાના વધારામાં ૫૭૮૮ કરોડ આવક ઉપર ૯ ટકા વૃદ્ધિદરથી ૪૯૦ કરોડ નેટ નફો કર્યો છે. બજારની એકંદર અપેક્ષા ૪૭૫ કરોડના નફાની હતી. શૅર રિઝલ્ટ પૂર્વે ૨૯૨૦ની ઇન્ટ્રા હાઈથી નીચામાં ૨૮૩૨ થઈ દોઢ ટકો ઘટીને ૨૮૬૬ બંધ થયો હતો. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશને બજાર બંધ થયા પછી ૨૬ ટકા જેવા વધારામાં ૨૩,૩૬૪ કરોડની ત્રિમાસિક આવક મેળવી છે. એની નેટ લૉસ ૨૫૮૨ કરોડથી ૨૭ ટકા ઘટીને ૧૮૭૯ કરોડ નોંધાઈ છે. શૅર રિઝલ્ટ પૂર્વે ઉપરમાં ૪૭૧૦ થયા બાદ નીચે ૪૬૬૨ બતાવી નહીંવત સુધારે ૪૬૮૦ બંધ હતો. એશિયન પેઇન્ટ્સ પરિણામ પૂર્વે નીચામાં ૨૨૧૮ થઈ છેવટે અડધો ટકો સુધરી ૨૨૯૯ નજીકની ઇન્ટ્રા-ડે ટોચે બંધ થઈ છે. કંપનીએ બંધ બજારે ૧૭ ટકા જેવા વધારામાં ૯૯૫૪ કરોડની આવક ઉપર સાડાસાત ટકાના વધારામાં ૧૦૬૭ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે.

હ્યુન્દાઈ મોટરનો નફો ૨૪ ટકા ઘટ્યો, શૅર અઢી ટકા વધ્યો

પાઇન લૅબ્સની ત્રિમાસિક આવક ૨૪ ટકા વધી ૮૦૬ કરોડ થઈ છે, નફો ૮૪ ટકાના વૃદ્ધિદરમાં ૩૮૬૦ લાખ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૭૪ વટાવ્યા બાદ છેવટે માંડ એક ટકો સુધરી ૧૬૪ બંધ થયો છે. JSW એનર્જીએ ૨૩ ટકાના વધારામાં ૬૩૬૮ કરોડની આવક પર ૫૦ ટકા જેવા વૃદ્ધિદરથી ૧૦૫૬ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર દોઢા કામકાજે ૫૧૬ વટાવી પોણાછ ટકા ઝળકીને ૫૧૦ બંધ રહ્યો છે. ઍરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝનો નેટ પ્રૉફિટ ૧૫૭ ટકા વધીને ૩૬૬૦ લાખ આવતાં શૅર સાડાપંદર ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૭૯ વટાવી સાડાનવ ટકાની તેજીમાં ૫૩૮ વટાવી ગયો છે. મિડસાઇઝ IT કંપની ઇકલેરેક્સ સર્વિસિસે ૧૮.૩ ટકાના વધારામાં ૧૨૧૨ કરોડની આવક મેળવી છે, પરંતુ નફો દોઢ ટકા ઘટી ૧૮૦ કરોડ રહ્યો છે. નફામાં આ પોણાત્રણેક કરોડ રૂપિયાની નબળાઈમાં શૅર સાડાપાંચ ગણા કામકાજે નીચામાં ૧૬૩૦ થઈ ૧૧ ટકાથી વધુ કે શૅરદીઠ ૨૦૭ રૂપિયાના ગાબડામાં ૧૬૬૦ બંધ થયો છે. માર્કેટકૅપમાં ૧૯૫૦ કરોડ રૂપિયા ડૂલ થયા છે.

જ્યુપિટર વૅગન્સને રેલવે તરફથી ૧૧૪૦ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ૭ ગણા વૉલ્યુમે ૧૯૮ વટાવી સવાછ ટકા ઊંચકાઈ ૧૯૩ થયો છે. મિશો લિમિટેડની આવક ૩૪ ટકા વધી ૪૧૩૧ કરોડ થતાં નેટ લૉસ ૪૧૧ કરોડથી ખાસ્સી ઘટી ૧૩૨ કરોડે આવી ગઈ છે. શૅર પ્રારંભિક સુધારામાં ૨૩૨ થયા બાદ છેલ્લે સવા ટકો ઘટી ૨૨૪ બંધ થયો છે. બિરલા સૉફ્ટની આવક સાડાછ ટકા વધી ૧૪૧૬ કરોડ થઈ છે, નફો ૩૭ ટકા વધીને ૧૬૦ કરોડ જોવાયો છે. શૅર ૧૯ ગણા વૉલ્યુમે ૩૫૨ ઉપર જઈ બારેક ટકાની તેજીમાં ૩૪૩ નજીક ગયો છે. ઑટો જાયન્ટ હ્યુન્દાઈ મોટર ઇન્ડિયાની આવક ૧૮.૫ ટકા વધીને ૨૦,૬૯૬ કરોડ થઈ છે પણ નફો ૨૪ ટકા ગગડી ૧૧૯૬ કરોડ રહ્યો છે. શૅર જોકે ઉપરમાં ૧૯૭૩ થઈ અઢી ટકા વધીને ૧૯૨૨ બંધ આવ્યો છે.

બૉમ્બે કોટેડનો IPO પ્રથમ દિવસે પાર, આજવામાં પ્રીમિયમ તૂટ્યું

મેઇન બોર્ડમાં મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કોટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૮૨ની અપરબેન્ડમાં ૧૮૩ કરોડનો નાનો IPO ગઈ કાલે ખૂલ્યો છે એને પ્રથમ દિવસે રીટેલમાં ૧.૩ ગણા સહિત કુલ પોણાત્રણ ગણો પ્રતિસાદ મળ્યો છે. પ્રીમિયમ અત્યારે ૯ રૂપિયા ચાલે છે. SME સેગમેન્ટમાં રાજકોટની એન્ટાલા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩ કરોડનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં પાંચ ટકા સહિત કુલ ૮૨ ટકા ભરાયો છે. પ્રીમિયમ હજી બોલાતું નથી.

નવી મુંબઈના વાશી ખાતેની SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસનો બેના શૅરદીઠ ૩૩૦ના ભાવનો ૬૬૮ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં પોણાત્રણ ગણા સહિત કુલ ૯.૫ ગણો તથા BLS પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૨૫૫ કરોડનો ઇશ્યુ છેલ્લા દિવસે રીટેલમાં ૧૨૯ ગણા સહિત કુલ ૨૪૧ ગણો ભરાઈને પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં SFL એન્વાયર્નમેન્ટલમાં ૧૫નું તથા BLS પૉલિમર્સમાં ૬૨નું પ્રીમિયમ ચાલે છે. SME કંપની વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૦૪ના ભાવનો ૧૧૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ સવા ગણો ભરાઈ ગઈ કાલે પૂરો થયો છે.

બીજા દિવસના અંતે મેઇન બોર્ડ ખાતે મુંબઈના બાંદરા ખાતેની એમકે સન્સ ફાઇન જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૬૨ના ભાવનો ૨૭૫ કરોડનો IPO કુલ સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટી ૧૧ ચાલે છે તો SME સેગમેન્ટમાં સુરતની આજવા પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૩ના ભાવનો ૩૮ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૯૦ ટકા અને રાજકોટની કારવેર રોબોવેલ્ડનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૮ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૮૫ ટકા બીજા દિવસના અંતે ભરાયો છે. આજવા પ્રોજેક્ટ્સમાં પ્રીમિયમ ગગડી હાલ પાંચ થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 07:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK