° °

આજનું ઇ-પેપર
Tuesday, 29 November, 2022


મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણનું મૂલ્ય ઘટતું દેખાય ત્યારે શું કરવું?

03 October, 2022 03:01 PM IST | Mumbai
Khyati Mashru Vasani

એસઆઇપીનો ખરો ઉદ્દેશ નિયમિતપણે રોકાણ કરતા રહીને લાંબા ગાળે સંપત્તિસર્જન કરવાનો હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મ્યુચ્યુઅલ ફન્ડની એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં પૈસા વધવાને બદલે ઘટતા દેખાવાને કારણે અત્યાર સુધીમાં કોણ જાણે કેટલીય એસઆઇપી બંધ કરાવી દેવાઈ હશે! જેમની એસઆઇપીમાં નેગેટિવ વળતર દેખાવા લાગ્યું હોય તેમણે શું કરવું જોઈએ? 

આ સવાલનો જવાબ આપતાં પહેલાં બીજો એક સવાલ પૂછવો જરૂરી છે. શું તમે વર્ષ ૨૦૨૦માં મળેલા ઊંચા વળતરને લીધે સ્મૉલ કૅપ અને મિડ કૅપ ફંડમાં રોકાણ કર્યું હતું? આ વર્ષે સ્મૉલ કૅપ અને મિડ કૅપ એ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૩૪.૦૯ ટકા અને ૨૧.૮૫ ટકા ઘટી ગયા છે. એસઆઇપીમાં સતત મૂલ્ય વધતું જ રહે એવા ભ્રમમાં રહેતા લોકો માટે આ એક બોધપાઠ છે. આ ગેરમાન્યતા દૂર કરવી રહી. મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટ, પછી એ એસઆઇપી મારફત હોય કે બીજી કોઈ રીતે હોય, એમાં સતત વધ-ઘટ થતી રહે છે. જોકે આપણો સવાલ એ છે કે શું આપણે જેનું મૂલ્ય ઘટી રહ્યું હોય એવી એસઆઇપી બંધ કરાવી દેવી જોઈએ?

જો કોઈ તમને કહેતું હોય કે તમે સ્મૉલ કૅપ અને મિડ કૅપ ફન્ડ્સમાં રોકાણ કરીને ભૂલ કરી છે તો તેમની વાત સંપૂર્ણપણે ખોટી છે. એસઆઇપીનો ખરો ઉદ્દેશ નિયમિતપણે રોકાણ કરતા રહીને લાંબા ગાળે સંપત્તિસર્જન કરવાનો હોય છે. બજારની અલગ-અલગ સ્થિતિમાં પણ આ રોકાણ ચાલુ રહે છે. આ રીતે રોકાણ અલગ-અલગ ભાવે થાય છે. જોકે એનો અર્થ એ નથી કે એસઆઇપીના રોકાણને કોઈ જોખમ નડતું નથી. એમાં ઇક્વિટી સંબંધી જોખમ પણ નડે છે અને ખરીદીના ભાવની સરેરાશનો લાભ પણ મળે છે. 

બજાર ઘટતું હોય અથવા તો એમાં વૉલેટિલિટી વધારે હોય એવા સમયે એસઆઇપીના યુનિટ ઓછા ભાવે મળવાની શક્યતા હોય છે. બજારને કોઈ વશમાં કરી શકતું નથી. આથી સારામાં સારા સમયે મોટી રકમનું રોકાણ કરીને પછીથી ઊંચા વળતરનો લાભ મેળવવો એ શક્ય બનતું નથી. આ સ્થિતિમાં એસઆઇપી મારફત રોકાણ કરતા રહીને સારા સમયનો લાભ મેળવવાની શક્યતા વધારી દેવાય છે. 

બજાર ઘટતું હોય ત્યારે શું નુકસાનકારક ઠરેલી એસઆઇપી બંધ કરાવી દેવી જોઈએ કે રિડીમ કરાવી દેવી જોઈએ?

આ સવાલનો જવાબ સાવ સહેલો નથી. છેલ્લા ૧૮ મહિનામાં સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની કામગીરી કેવી રહી છે એના આધારે વિચાર કરવાનો હોય છે. જો એક વર્ષ કરતાં ઓછા સમયગાળામાં સ્કીમની કામગીરી સારી ન હોય તો શક્ય છે કે બજારની સ્થિતિને કારણે એવું થયું હોય. જો ૧૮ મહિના કરતાં વધુ સમયથી સ્કીમ નબળી ચાલતી હોય તો એની સાથે સમાનતા ધરાવતી બીજી સ્કીમ સાથે તુલના કરવી જોઈએ. એક વર્ષ કરતાં ઓછા સમય ગાળામાં કામગીરી નબળી હોય તો રોકાણ રાખી મૂકવું અને ૧૮ મહિના કરતાં વધુની સ્થિતિમાં રિડેમ્પ્શન કરાવી લેવું અને બીજી કોઈ સારી સ્કીમમાં એ નાણાં રોકવાં. જોકે અહીં નોંધવું રહ્યું કે માત્ર ૧૮ મહિનાના વળતરને જોઈને એ ફન્ડ વિશે કાયમી મત બાંધી લેવાય નહીં. પાંચ વર્ષ અને દસ વર્ષમાં મળેલા વળતરનો પણ વિચાર કરવાનો હોય છે. એ ઉપરાંત સંબંધિત ફંડ સતત વળતર આપી શક્યું છે કે નહીં અને ફંડ મૅનેજરને કેટલો અનુભવ છે એ પરિબળો પણ અગત્યનાં છે. આથી આ વિષયના નિષ્ણાત પાસે માર્ગદર્શન લેવું હિતાવહ છે. 

એસઆઇપીનો ગાળો કેટલો રાખવો?

એસઆઇપી દર અઠવાડિયે, પંદર દિવસે કે મહિને અથવા ત્રણ મહિનાની રાખી શકાય છે. જોકે સામાન્ય રીતે બધાનો પગાર દર મહિને આવતો હોવાથી માસિક સમયગાળો વધારે સારો કહેવાય. એસઆઇપીની તારીખ કોઈ પણ હોઈ શકે છે. જોકે મહિનાના ખર્ચ થવા પહેલાં જ રોકાણ થઈ જાય તો એ સારું. આથી દરેક મહિનાના શરૂઆતના દિવસોમાં જ એસઆઇપીનો હપ્તો કપાઈ જાય એવું રાખવું. આ બાબતે કોઈ ચોક્કસ નિયમ નથી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે તારીખ નક્કી કરી શકે છે. તારીખના આધારે લાંબા ગાળાના વળતર પર વધુ અસર થતી નથી. 
મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરતી વખતે ઍસેટ અલોકેશન અગત્યનું હોય છે. ભૂતકાળમાં જેમાં વળતર સારું મળ્યું હોય એમાં જ ફક્ત રોકાણ કરવું એ ખોટું છે. દરેકના નાણાકીય લક્ષ્ય, જોખમ ખમવાની ક્ષમતા, નાણાકીય સ્થિતિ વગેરે અનેક પરિબળોના આધારે ઍસેટ અલોકેશન કરવાનું હોય છે. ફક્ત ટૂંકા ગાળા માટે રોકાણ કરવું હોય તો ઇક્વિટીમાં કરવું જ નહીં. મ્યુચ્યુઅલ ફન્ડમાં બીજી ઍસેટ્સની સ્કીમ પણ હોય છે. રોકાણ હંમેશાં ઇક્વિટી, ડેટ, સોનું, રિયલ એસ્ટેટ વગેરેમાં વિભાજિત કરીને જ રાખવું સારું. બધા નિર્ણયો જાતે લેવા કરતાં આ ક્ષેત્રના નિષ્ણાતની મદદ લેવી.

03 October, 2022 03:01 PM IST | Mumbai | Khyati Mashru Vasani

અન્ય લેખો

પૅસેન્જર વેહિકલ ઉત્પાદકો ક્ષમતા વધારવા ૬૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે : અહેવાલ

પૅસેન્જર વાહન ઉદ્યોગનું જથ્થાબંધ વૉલ્યુમ નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૩૭થી ૩૮ લાખ યુનિટની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને સ્પર્શે એવી અપેક્ષા છે

29 November, 2022 04:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઊંચા વ્યાજદર છતાં બૅન્ક-લોનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે : ફિચનો અંદાજ

બૅન્કોની લોનનો ગ્રોથ રેટ ૧૩ ટકા રહેવાનો અંદાજ

29 November, 2022 04:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એસઍન્ડપીએ ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને સાત ટકા મૂક્યો

અગાઉ ૭.૩ ટકા મૂક્યો હતો : આગામી વર્ષે ગ્રોથ ઘટીને ૬ ટકા રહેશે

29 November, 2022 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK