Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની પતંગ ઊંચે ઊડતી રહેવાની આશાનો દોરો અને પવન મજબૂત

બજારની પતંગ ઊંચે ઊડતી રહેવાની આશાનો દોરો અને પવન મજબૂત

17 January, 2022 03:09 PM IST | Mumbai
Jayesh Chitalia

૨૦૨૨માં બજાર કન્સોલિડેશન તરફ આગળ વધશે એવી ધારણા વચ્ચે બજાર ૬૧,૦૦૦ અને ૧૮,૦૦૦ને પાર કરી બેઠું છે. સ્થાનિક રોકાણપ્રવાહ સતત ચાલુ રહેવાની આશા અકબંધ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૨૨માં બજાર કન્સોલિડેશન તરફ આગળ વધશે એવી ધારણા વચ્ચે બજાર ૬૧,૦૦૦ અને ૧૮,૦૦૦ને પાર કરી બેઠું છે. સ્થાનિક રોકાણપ્રવાહ સતત ચાલુ રહેવાની આશા અકબંધ છે. બજેટ વધુ ઉમ્મીદ જગાવે છે. તેજીનો પતંગ ઊંચે રહેશે, પરંતુ ઇન્વેસ્ટરોએ પોતાનો સ્ટૉક્સ કપાઈ ન જાય એ માટે સાવચેત રહેવું જોઈશે

જાન્યુઆરીના પ્રથમ દિવસથી અત્યાર સુધી શૅરબજાર માત્ર બે દિવસને બાદ કરતાં સતત વધતું રહ્યું છે. નવા વરસના આરંભથી માર્કેટે માત્ર બુલિશ ટ્રેન્ડ જાળવ્યો છે. અલબત્ત, બજાર વધવા પાછળનાં તમામ કારણો તાર્કિક જણાતાં નથી, ખરાબ સમાચારોમાં પણ એ વધી રહ્યું છે. છેલ્લા ૧૦ ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ ૨૦૦૦ પૉઇન્ટ વધ્યો છે. હવે બજેટને ધ્યાનમાં રાખીને પણ બજારના વધવાના ચાન્સ ઊંચા છે. જો આમાં વચ્ચે કરેક્શન આવશે તો પણ કામચલાઉ હશે, બાકી બજેટની આશા ઊંચે ઊડવાની રહેશે. જેમ-જેમ કોરોનાની અસર ઓછી થતી જશે તેમ-તેમ બજારને પવન મળશે. હાલમાં કોરોનાનો માહોલ ચિંતાજનક ખરો, પરંતુ કડાકા બોલાવે એવો નથી. બીજી બાજુ, ગ્લોબલ ટ્રેન્ડને પણ આપણું બજાર હવે બહુ બધું અનુસરતું નથી, કારણ કે અહી સ્થાનિક ફંડ-પ્રવાહ સતત વહેતો રહ્યો છે. 
રોકાણકારોનું માનસ તેજીનું રહ્યું છે અને આ માનસ વધુ મક્કમ થતું ગયું છે. પ્રૉફિટ-બુકિંગ આવે તો એ પણ કામચલાઉ બની રહે છે. અલબત્ત, સેક્ટર સ્પેસિફિક અથવા સ્ટૉક સ્પેસિફિક વધ-ઘટ એ જુદી વાત છે. ક્વૉર્ટરલી પરિણામ એની અસર કરે છે. માર્ચ વર્ષાન્તના પરિણામ પર બજારની નજર રહેશે, પરંતુ એ પહેલાં બજેટ કેવાં બીજ વાવી જાય છે અને કેવાં ફળ આપી જાય છે એ પણ જોવાનું રહેશે.  
સેન્સેક્સ ૬૦-૬૧,૦૦૦ પાર
સોમવારનો આરંભ બુલિશ ટ્રેન્ડ સાથે થયો, સેન્સેક્સ ૬૫૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૯૦ પૉઇન્ટના કુદકા  સાથે અનુક્રમે ૬૦,૦૦૦ની અને નિફ્ટી ૧૮,૦૦૦ની ઉપર હોંશે-હોંશે બિરાજમાન થઈ ગયા હતા. ડિસેમ્બરના ક્વૉર્ટરલી આવકના ફિગર સારા આવવાના અહેવાલે તેજીને પેટ્રોલ પૂરું પાડ્યું હતું, જ્યારે કે બૅન્ક સ્ટૉક્સમાં પણ મોટી આશા જાગી હતી. ઇકૉનૉમી રિકવરીનાં પરિણામ ઝટપટ કામ કરી રહ્યાં હોવાનું જણાય છે. મોટા ભાગના સેક્ટરમાં લોકો સારી કામગીરીની આશા રાખી બેઠા છે. મંગળવારે વધ-ઘટ સાથે માર્કેટ નેગેટિવ થયું, પરંતુ આખરમાં સેન્સેક્સ ૨૨૧ પૉઇન્ટ અને નિફ્ટી બાવન પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે પણ માર્કેટ તેજીના મૂડમાં જ રહ્યું. સેન્સેક્સે ૫૩૩ પૉઇન્ટની છલાંગ સાથે ૬૧,૦૦૦ની ઉપર બંધ બનાવ્યો અને નિફ્ટી ૧૫૬ પૉઇન્ટના જમ્પ સાથે ૧૮,૨૦૦ ઉપર બંધ રહ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રોનાં ક્વૉર્ટરલી પરિણામની અસર મહદઅંશે ટેક શૅરો પર જોવાઈ હતી. ક્વૉર્ટરલી રિઝલ્ટની મોસમ શરૂ થઈ જતાં કંપનીઓની કામગીરીના આધારે સંબંધિત સ્ટૉક્સમાં સિલેક્ટિવ વધ-ઘટ રહેશે. ગુરુવારે બજાર પ્રૉફિટ-બુકિંગના મૂડમાં હતું, પરંતુ વધ-ઘટ સાથે આખરમાં માર્કેટ પૉઝિટિવ જ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૮૫ પૉઇન્ટ અને નિફ્ટી ૪૫ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા.
મંદીના ભયથી મુક્ત
શુક્રવારે બજાર સાધારણ માત્રામાં સતત વધ-ઘટ કરતું રહ્યું. જોકે સ્મૉલ અને મિડ કૅપમાં થોડી વૃદ્ધિ જોવા મળી હતી. એકંદર મૂડ અને ટ્રેન્ડ બુલિશ ગણી શકાય એવો હતો, જે કંઈ કરેક્શન હતું એ પ્રૉફિટ-બુકિંગને લીધે હતું, જે સ્વાભાવિક હતું. બજેટ કાઉન્ટ ડાઉન શરૂ થતાં હવે ઓવરઑલ નજર તો બજેટ પર જ રહેવાની છે. શુક્રવારે સેન્સેક્સ વધ-ઘટ બાદ માત્ર ૧૨  પૉઇન્ટ અને નિફ્ટી  માત્ર બે પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. ‘યે નીચે જાના ભી કોઈ નીચે જાના હૈ લલ્લુ’ એમ કહેવાનું મન થાય એવો આ ઘટાડો હતો. બાય ધ વે, ઘટાડો પણ કહી શકાય નહીં. આગામી દિવસોમાં પણ આવા જ ટ્રેન્ડની ધારણા મૂકી શકાય. છેલ્લા ૧૦ દિવસમાં સેન્સેક્સ ૨૦૦૦ પૉઇન્ટ ઊંચે ગયો હતો. આમ સેન્સેક્સની પતંગ બજેટ સુધી તો ઊંચે રહેવાની શક્યતા વધુ જણાય છે. જોકે રીટેલ રોકાણકારોએ સમયસર નફો લેવામાં સ્માર્ટનેસ રાખવી જોઈશે અને ઊંચા ભાવે ભળતા શૅરોથી બચવા સાવચેતી પણ. રોકાણકારે પોતાના સ્ટૉક્સનો નફો (પતંગ) કપાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈશે.
દેશમાં હજી મહામારી નાબૂદ થઈ નથી, નિયંત્રણો વચ્ચે વેપાર-ધંધા કઠિન બન્યા હોવાથી સરકાર પ્રવાહિતા અને રાહતનો અભિગમ જાળવી રાખશે એવા નિર્દેશ પણ સતત મળી રહ્યા હોવાથી બજાર મંદીના ભયથી મુક્ત રહ્યું છે. દરમ્યાન યુએસમાં પણ ફેડરલ રિઝર્વનો અભિગમ બદલાતાં માર્કેટે એને પૉઝિટિવ પરિબળ ગણ્યું છે.
બજેટ માટે બડી સી આશા
બજાર તેજીના મૂડમાં સતત રહેતું હોવાનું એક મહત્ત્વનું કારણ આગામી બજેટ વિશેના બહાર આવતા સંકેત અને ઇશારા પણ છે. બજેટ માટે આ વખતે મોટી આશા છે, લોકોએ છેલ્લાં બે વરસમાં ઘણું સહન કર્યું છે, એથી બજેટ પાસે વધુ રાહત અને પ્રોત્સાહનની અપેક્ષા વાજબી પણ ગણાય. જેમ કે બજેટમાં આ વખતે મોટે પાયે મૂડીખર્ચ, હેલ્થ સેક્ટર અને રિયલ્ટી સેક્ટરમાં પ્રોત્સાહન, લઘુ-મધ્યમ એકમોને રાહત, મધ્યમ-સૅલેરી વર્ગને રિલિફ, ટૅક્સ માળખામાં વ્યવહારુ ફેરફાર, જીએસટીમાં સુતાર્કિકરણ વગેરેનો સમાવેશ થાય છે. આ બજેટ યુપી ઇલેક્શન પહેલાં આવનારું હોવાથી સરકાર એનો મહત્તમ સદુપયોગ કરશે. આમ પણ પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. દરમ્યાન સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ સામે પણ કરરાહત આપવાનું વિચારે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને બૂસ્ટ કરવામાં સહાયભૂત થશે.
એલઆઇસી આઇપીઓ માટે
એક ગણતરી કે ધારણા એવી પણ મુકાય છે કે બજેટના અમુક જ દિવસ બાદ અર્થાત્ માર્ચ મધ્યમાં સરકાર એલઆઇસીનો મેગા આઇપીઓ લાવવાનો પ્લાન કરી રહી છે. આ આઇપીઓ અંદાજિત ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો હશે. બજેટ સારું આવશે અને એને પગલે માર્કેટ સારું રહેશે તો એલઆઇસીના આઇપીઓને સફળતા મળવાની શક્યતા વધી જશે. એલઆઇસી આઇપીઓની સફળતા સરકાર માટે મહત્ત્વનું પરિબળ છે. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે સરકાર એ પછી પણ તેનાં ઘણાં સાહસો કાઢી નાખવાની યોજના ધરાવે છે, જેને સારો પ્રતિસાદ માર્કેટ બુલિશ રહેવા પર મળી શકે છે. 
હાઈ વૅલ્યુ સ્ટૉક્સથી દૂર રહો
દરમ્યાન વર્લ્ડ બૅન્કે એકંદરે સારા અને આશાવાદી સંકેત આપ્યા છે, વર્લ્ડ બૅન્કના અહેવાલ મુજબ ભારતનો જીડીપી દર ૨૦૨૧-૨૨માં ૮.૩ ટકા રહેશે, જે એ પછીનાં બે વરસમાં અનુક્રમે ૮.૭ ટકા અને ૬.૮ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. વર્લ્ડ બૅન્ક માને છે કે ભારતમાં બીજી લહેરમાં થયેલું આર્થિક નુકસાન પૂરું થઈ ગયું છે અને ઇકૉનૉમિક રિકવરી આરંભાઈ છે. ઉત્પાદન વૃદ્ધિનું પાછું ફરેલું સ્તર એના મજબૂત પુરાવા સમાન છે. રોકાણનો માહોલ નક્કર બની રહ્યો છે. મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સે ગુજરાતમાં આગામી વરસોમાં ૫.૯૫ લાખ કરોડ રૂપિયાના રોકાણનું કમિટમેન્ટ કર્યું છે, જેની મારફત આશરે દસ લાખ રોજગાર ઊભા થવાની આશા છે.
અલબત્ત, આ સંજોગોમાં ઑલરેડી ઊંચા ભાવોના સ્તરે પહોંચી ગયેલા સ્ટૉક્સથી દૂર રહેવું સારું. એને હેવી કરેક્શનમાં તક બનાવવી જોઈએ. બજેટનો સમય જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ આર્થિક સુધારાના સંકેત બહાર આવતા જશે અને એની અસર સિલેક્ટિવ સેક્ટર્સ તેમ જ સ્ટૉક્સ પર પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 03:09 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK