કેળાના ગુણોથી તો સૌ વાકેફ છે, પણ એનાં પાન એક શક્તિશાળી ઔષધ છે. આયુર્વેદિક દૃષ્ટિકોણથી કફ અને પિત્તનું સંતુલન જાળવતાં આ પાન હવે સાયન્ટિફિક રીતે પણ સાબિત થઈ ચૂક્યાં છે
પ્રતીકાત્મક તસવીર
આપણે ત્યાં પૂજાપાઠમાં કેળાનાં ફળ અને પાનનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આયુર્વેદમાં કદલી તરીકે ઓળખાતા કેળાના ઝાડનું મહત્ત્વ માત્ર ધાર્મિક પ્રસંગો પૂરતું મર્યાદિત નથી પરંતુ એ સ્વાસ્થ્યનો અખૂટ ખજાનો છે. વર્ષો પહેલાં જ્યારે આધુનિક વાસણોની શોધ નહોતી થઈ ત્યારે કેળાના પાન પર ભોજન પીરસવાની પ્રથા હતી. આજે પ્લાસ્ટિકના અતિરેક વચ્ચે યુવા પેઢી ફરીથી ઑથેન્ટિક ચીજો તરફ વળી રહી છે અને કેળાના પાન પર જમવાના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓને સ્વીકારી રહી છે.
વાત-પિત્તને બૅલૅન્સ કરે
ADVERTISEMENT
આયુર્વેદમાં કેળાના પાનના મહત્ત્વ અને ઉપયોગ વિશે જણાવતાં ઘાટકોપરમાં બે ક્લિનિકનું સંચાલન કરતા અનુભવી આયુર્વેદિક એક્સપર્ટ દિનેશ હિંગુ જણાવે છે, ‘આયુર્વેદ મુજબ કેળાનાં પાનનો ગુણ મધુર એટલે કે ગળ્યો છે અને એની પ્રકૃતિ શીત એટલે કે ઠંડક આપનારી છે. એ પચવામાં થોડાં ભારે હોય છે, પરંતુ શરીરના દોષોને સંતુલિત કરવામાં અકસીર છે. એ મુખ્યત્વે વાયુ અને પિત્ત દોષને બૅલૅન્સ કરે છે. જોકે ઠંડક આપનારાં હોવાને કારણે એ કફવર્ધક આહારની શ્રેણીમાં આવે છે. આથી જેમને વારંવાર શરદી રહેતી હોય અથવા જેમની તાસીર પહેલેથી જ ઠંડી હોય તેમને એના સેવનની સલાહ આપવામાં આવતી નથી. કેળાનાં પાનનો ઉપયોગ સિંગલ ડ્રગ થેરપી તરીકે પણ થાય છે, જેનો અર્થ એ છે કે એમાં અન્ય કોઈ ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા વગર જ એ રોગ મટાડવાની શક્તિ ધરાવે છે. આ પાનનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય છે. પાનને પથ્થર પર ઘસીને લૂગદી બનાવી એનો તાજો રસ પી શકાય, પાનને સૂકવીને બનાવેલા પાઉડરનું નવશેકા પાણી સાથે સેવન કરી શકાય અથવા પાનનો ઉકાળો બનાવી શકાય.’
રોગનિવારક
કેળાનાં પાન ઘણી સમસ્યામાં રાહત આપે છે એમ જણાવતાં દિનેશભાઈ કહે છે, ‘શારીરિક વ્યાધિઓમાં કેળાનાં પાન રામબાણ ઇલાજ સાબિત થાય છે. લાંબા સમયથી રહેતો ઝીણો તાવ અને સતત રહેતું બૉડીપેઇન દૂર કરવા માટે કેળાનાં પાનનો ઉકાળો અત્યંત લાભદાયી છે. એ લાંબા સમયની ઉધરસને પણ મટાડે છે. ત્વચા માટે પણ એ વરદાનરૂપ છે. કેળાનાં પાનનો લેપ ખીલની સમસ્યાને જડમૂળથી દૂર કરે છે. આ ઉપરાંત શરીરમાં સોજા એટલે કે એડિમાની સમસ્યા હોય તો પાનનો પાઉડર લેવાથી રાહત મળે છે. જે લોકોને દિવસમાં ત્રણ-ચાર વાર મોશન માટે જવું પડે છે એટલે કે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ (IBS)ની તકલીફ છે તેમના માટે આ શ્રેષ્ઠ દવા છે. નાક, દાંત કે મળદ્વારથી થતા બ્લીડિંગ અને પેશાબની બળતરામાં પણ એ રાહત આપે છે. જોકે સેવનમાં મર્યાદા રાખવી જરૂરી છે. નબળા પાચનવાળાએ પાંચ ગ્રામ અને સારા પાચનવાળાએ ૧૦ ગ્રામથી વધુ પાઉડર ન લેવો જોઈએ.’
કુદરતી ડીટૉક્સિફિકેશન
મૉડર્ન સાયન્સમાં કેળાનાં પાન કઈ રીતે મહત્ત્વ ધરાવે છે એ વિશે મુલુંડમાં બાઉન્સ ધ પાઉન્ડ ક્લિનિકનું સંચાલન કરી રહેલી અનુભવી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘કેળાનાં પાનમાં માત્ર કાર્બોહાઇડ્રેટ્સ જ નહીં પણ વિટામિન B6, વિટામિન C, પોટૅશિયમ અને ફાઇબર જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. અત્યારે દક્ષિણ ભારતીય રેસ્ટોરાં અને મંદિરોમાં ફરીથી પાન પર જમવાનું ચલણ વધ્યું છે. પાનમાં કુદરતી ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ હોય છે જેથી એના પર ભોજન પીરસતાં જ એ ઑટોમૅટિકલી ડીટૉક્સ થઈ જાય છે. પેપર-પ્લેટ મસાલાને ઍબ્સૉર્બ કરી લે છે, જ્યારે કેળાનાં પાન કંઈ જ ઍબ્સૉર્બ કરતાં નથી જે ભોજનના અસલ સ્વાદને જાળવી રાખે છે. એ બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે, શુગર-સ્પાઇકને રોકે છે અને વેઇટ-મૅનેજમેન્ટમાં મદદ કરે છે. કેળાનાં પાન પર જમવાનું ટેસ્ટી અને ઍરોમૅટિક લાગવા પાછળ એક રસપ્રદ વિજ્ઞાન છે. જ્યારે ગરમ ભોજન પાનના સંપર્કમાં આવે છે ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ત્રણ ખાસ કેમિકલ્સ રિલીઝ થાય છે; હેક્ઝેનાલ જે ઘાસ જેવી તાજગી આપે છે, નોનાનાલ જે િસટ્રસ એટલે લીંબુ જેવી સુગંધ આપે છે અને ડેકાનાલ જે ફૂલો જેવી સુગંધ આપે છે. આ ત્રણેય રસાયણો ભળીને આપણી લાળગ્રંથિઓને સક્રિય કરે છે અને ભૂખ ઉઘાડે છે. હવે કેળાનાં પાનના વાટકા અને ડિશ બનવા લાગ્યાં છે અને એમાં ખાવાનું સર્વ થવા લાગ્યું છે. ટ્રેડિશનલ ફૂડ ઉપરાંત હવે સિઝલર્સ અને ડિઝર્ટ્સ પણ કેળાનાં પાનમાં સર્વ થવા લાગ્યાં છે.’
માઇન્ડફુલ ઈટિંગ
કેળાનાં પાન માઇન્ડફુલ ઈટિંગ કરાવે છે. એની પાછળનું લૉજિક ડીકોડ કરતાં સલોની જણાવે છે, ‘પાન પર જમવું એ માઇન્ડફુલ ઈટિંગ એટલે કે સભાનપણે ભોજન કરવાની કળા છે. જ્યારે આપણે ચમચી કે કાંટાને બદલે હાથથી કેળાના પાન પર ભોજન લઈએ છીએ ત્યારે આપણી આંગળીઓ ખોરાકના ટેક્સચર અને તાપમાનનો સીધો અનુભવ કરે છે. આ સ્પર્શ થતાં જ આપણું મગજ સક્રિય થાય છે અને જઠરને સંદેશ મોકલે છે કે હવે ખોરાક પેટમાં જવાની તૈયારીમાં છે. આ સંદેશ મળતાં જ પાચક રસો ઝરવાનું શરૂ થઈ જાય છે, જે પાચનપ્રક્રિયાને અત્યંત વેગવંતી અને સરળ બનાવે છે. સ્ટીલની થાળીમાં જમતી વખતે આપણે નિશ્ચિંત હોઈએ છીએ કે કશું ઢોળાશે નહીં એટલે ઘણી વાર આપણું ધ્યાન ટીવી કે મોબાઇલમાં હોય છે, પરંતુ કેળાનું પાન નાજુક અને કુદરતી હોવાથી એના પર જમતી વખતે આપણે અત્યંત સાવધ રહીએ છીએ. આ ‘કૉન્શિયસનેસ’ જ આપણને ખોરાકના સ્વાદ, સુગંધ અને માત્રા પ્રત્યે જાગૃત રાખે છે, જેને આપણે ‘માઇન્ડફુલ ઈટિંગ’ કહીએ છીએ. અત્યારની હેક્ટિક લાઇફસ્ટાઇલમાં લોકોને પાચનની ગંભીર સમસ્યાઓ રહે છે. કેળાના પાન પર શાંતિથી અને સભાનપણે જમવાની આ રીત શરીરની આંતરિક સિસ્ટમને શાંત કરે છે. જ્યારે મગજ શાંત હોય અને પાચક રસો બરાબર ઝરતા હોય ત્યારે ઍસિડિટીની સમસ્યા આપોઆપ ઘટવા લાગે છે. જમવાની આ કુદરતી રીતથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પેટમાં ગૅસ કે બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થતી નથી. માઇન્ડફુલ ઈટિંગને કારણે આપણે ધીમે-ધીમે ચાવીને ખાઈએ છીએ જેથી શરીરમાં અચાનક શુગર-લેવલ વધતું નથી. જ્યારે ગટ-બ્રેઇન કનેક્શન સ્ટ્રૉન્ગ હોય ત્યારે પેટ ભરાઈ ગયાનો સંકેત મગજને તરત મળે છે, જેનાથી આપણે ઓવરઈટિંગથી બચી શકીએ છીએ અને વજન નિયંત્રણમાં રહે છે. આમ કેળાનાં પાન પર જમવાની આ ઑથેન્ટિક પ્રથા આપણા ગટ અને બ્રેઇન વચ્ચેના સંબંધને એટલો મજબૂત બનાવે છે કે ભોજન માત્ર પોષણ નહીં પણ એક થેરપી બની જાય છે.’


