બંગલાદેશ સાથે ટ્રેડ-ડીલમાં USA મહેરબાન થયું, કેટલીક ટેક્સટાઇલ પ્રોડક્ટ્સમાં ઝીરો ટૅરિફની જાહેરાત: ઘરઆંગણે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ શૅરોમાં માનસ બગડ્યું, પર્લ ગ્લોબલ દસ ટકા, ગોકળદાસ આઠ ટકા તૂટી: ઝોમાટો ફેમ એટર્નલ સવાપાંચ ટકા ઊંચકાઈ બજારને ૮૮ પૉઇન્ટ ફળી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- મુથૂટ માઇક્રોફિનનો નફો ૧૫૪૨ ટકા જેટલો વધ્યો, પણ શૅર સાડાછ ટકા ડાઉન થયો
- વડાલાની ઑલટાઇમ પ્લાસ્ટિક્સનો નફો ઘટ્યો, શૅર સવાદસ ટકા ઊછળ્યો
- સ્વિગીમાં પણ સવાછ ટકાની તેજી, સ્ટરલાઇટ ટેક્નો તથા એમટારમાં બુલ રન ચાલુ
અમેરિકા સાથેના ઇન્ટરિમ ટ્રેડ-ડીલને લઈને વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલની ફાંકાબાજી ચાલુ છે. આ ડીલ બદલ તેમણે નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પને મૅન ઑફ ધ મૅચ ઘોષિત કરી દીધા છે. પીયૂષ ગોયલ નરેન્દ્ર મોદીને મૅન ઑફ ધ મૅચ ગણાવે એ વાત સમજી શકાય એવી છે, પણ ટ્રમ્પ? આ નામ કેમ લેવું પડ્યું? સરકાર ઉપર ટ્રમ્પની કેટલી ધાક છે એનો આ પુરાવો છે. એની વે, પરંતુ ટ્રેડ-ડીલથી જેમ-જ્વેલરી, ટેક્સટાઇલ્સ ગાર્મેન્ટ્સ, ઑટો પાર્ટ્સ, લેધર ગુડ્સ, ફુટવેર, કાર્પેટ વગેરેની નિકાસને જોરદાર લાભ થવાની વાર્તા ચાલુ છે ત્યાં જ ટેક્સટાઇલ માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાએ બંગલાદેશ સાથે પણ ટ્રેડ-ડીલ જાહેર કરી છે. એ મુજબ બંગલાદેશની નિકાસ પર અમેરિકાએ ૧૯ ટકાની ટૅરિફ નક્કી કરી છે, આપણા કરતાં એક ટકો વધુ. જોકે વાત અહીં નથી અટકતી, ટ્રેડ-ડીલની નિકાસને ઝીરો ટૅરિફનો લાભ અપાયો છે. આનાથી ઘરઆંગણે ટેક્સટાઇલના નિકાસકાર અત્યારથી માથે હાથ દઈને રોવા બેઠા છે. ગાર્મેન્ટ્સ શૅરમાં ગઈ કાલે થોમસ સ્કૉટ (ઇન્ડિયા) અઢી ટકા, કિટેક્સ ગાર્મેન્ટ ૭.૩ ટકા, અરવિંદ પાંચ ટકા, ગોકળદાસ એક્સપોર્ટ આઠ ટકા, એસ.પી.અપેરલ્સ ૩.૭ ટકા, વરિષ્ઠ લક્ઝરી ફૅશન પાંચ ટકા, પર્લ ગ્લોબલ દસ ટકા, ઍક્ટિવ ક્લોધિંગ્સ ૩.૫ ટકા, લક્સ ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકા નરમ રહી છે. આ ઉપરાંત લોયલ ટેક્સટાઇલ આઠ ટકા, ઇન્ડોરામા ટેક્સટાઇલ છ ટકા, વેલસ્પન લીવિંગ ૫.૭ ટકા, કેપીઆર મિલ્સ ત્રણ ટકા, જયહિન્દ સિન્થેટિક્સ પાંચ ટકા, સનેરા ટેક્નિકલ ટેક્સટાઇલ ૫ ટકા, ટ્રાઇડેન્ટ ટેક્સોફેબ પાંચ ટકા, એરોક્સ ઇન્ડ. પાંચ ટકા મનોમથ ટેક્સ ઇન્ડિયા દોઢ ટકા ઘટી છે. ખોળામાં સાપ રાખીને સૂઈ શકાય, પણ અમેરિકાનાં રખોપાંનો વિશ્વાસ ન કરાય.
સેન્સેક્સ મંગળવારે ૧૪૪ પૉઇન્ટ પ્લસ, ૮૪,૨૧૦ ખૂલી ૨૦૮ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪,૨૭૪ તથા નિફ્ટી ૬૮ પૉઇન્ટ વધીને ૨૫,૯૩૫ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૮૪,૦૬૩ અને ઉપરમાં ૮૪,૪૮૩ થયો હતો. મજબૂત માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૯૨૭ શૅર સામે ૧૨૪૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૯૪ લાખ કરોડ ૪૭૫.૨૯ લાખ કરોડ થયું છે.
ADVERTISEMENT
ઝોમાટોફેમ એટર્નલ ૫.૨ ટકાની તેજીમાં ૩૦૪ બંધ આપી બન્ને બજારમાં ઝળકી હતી. સ્વિગી પણ ૬.૩ ટકા ઊંચકાઈ ૩૫૫ રહી છે. તાતા સ્ટીલ ૨૧૧ના શિખરે જઈને ૨.૯ ટકા વધી ૨૦૮, સ્ટેટ બૅન્ક ૧૧૫૪ની નવી ટૉપ દેખાડી નજીવા ઘટાડે ૧૧૪૪, JSW સ્ટીલ ૧૨૬૨ના બેસ્ટ લેવલે જઈ નામપૂરતી સુધરી ૧૨૪૬ રહી છે. મહિન્દ્ર પરિણામની પૂર્વસંધ્યાએ ૧.૮ ટકા વધીને ૩૬૭૫ થઈ છે. અન્યમાં બજાજ ઑટો બે ટકા, ટેકમહિન્દ્ર ૧.૭ ટકા, NTPC ૧.૪ ટકા, પાવરગ્રીડ ૧.૭ ટકા, TCS સવા ટકો, મારુતિ સુઝુકી ૧.૧ ટકા પ્લસ હતી. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૧.૩ ટકા ઘટી છે. HCL ટેક્નો ૧.૯ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૮ ટકા, ભારતી ઍરટેલ સવા ટકો નરમ હતી.
એશિયા ખાતે જૅપનીઝ નિક્કેઈ ૫૭,૯૬૦ના નવા શિખરે જઈ ૨.૪ ટકા વધીને ૫૭,૭૨૦ થયો છે. તાઇવાન બે ટકા, થાઇલૅન્ડ ૦.૭ ટકા, ઇન્ડોનેશિયા એક ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતું. લંડન ફુત્સી રનિંગમાં અડધો ટકો નરમ હતો. અન્ય યુરોપનાં બજાર નહીંવત્થી સાધારણ સુધારો બતાવતાં હતાં. બિટકૉઇન દોઢેક ટકાના ઘટાડે ૬૯,૧૦૦ ડૉલર નજીક હતો. બ્રૅન્ટ ક્રૂડ ૬૯ ડૉલરે ટકેલું હતું. ચાંદી વાયદો પોણો ટકો ઘટી ૮૨ ડૉલર નીચે હતો. સોનું ૫૦૫૨-૫૦૬૩ ડૉલરે સ્થિર જણાયું છે.
ફ્રૅક્ટલ ઍનલિટિક્સમાં ૧૮૦વાળું પ્રીમિયમ ગગડતું રહીને અઢી રૂપિયે
આજે બે SME કંપની લિસ્ટેડ થશે. બન્ને નવી દિલ્હીની છે. બ્રૅડમૅન રીટેલ ૧૦ના શૅરદીઠ ૧૭૬ના ભાવે ૮૬૦૯ લાખનો તથા ગ્રોવર જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવે ૩૩૮૩ લાખનો ઇશ્યુ લાવી હતી. હાલ બ્રૅડમૅનમાં ૧૫ અને ગ્રોવર જ્વેલ્સમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે. ગઈ કાલે બે SME ભરણાં પૂરાં થયાં છે. અમદાવાદની બાયોપોલ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૩૧૨૬ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૨૧ ગણા સહિત કુલ ૨૩ ગણા પ્રતિસાદમાં તો નોએડાની પાન એચ. આર. સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૧૭૦૪ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૦ ગણા સહિત કુલ ૧૩ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. બાયોપોલમાં ૩ રૂપિયા અને પાન એચ.આર.માં ઝીરો પ્રીમિયમ છે.
મેઇન બોર્ડમાં એઆઇ સેક્ટરની મુંબઈના ગોરેગામ-ઈસ્ટની ફ્રૅક્ટલ ઍનાલિટિક્સનો એક રૂપિયાના શૅરદીઠ ૯૦૦ની અપરબૅન્ડમાં ૨૭૩૪ કરોડ રૂપિયાનો ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ બાવીસ ટકા ભરાયો છે. AIની હાઇપને કારણે ગ્રેમાર્કેટ ખાતે ૧૮૦થી પ્રીમિયમ શરૂ થયું હતું એ તૂટતું રહી નીચામાં ૮ રૂપિયા થઈ હાલ અઢી રૂપિયા છે. શેડોફૅક્સ ટેક્નૉલૉજીઝ તથા એમાગી મીડિયા લૅબ્સની જેમ આનું લિસ્ટિંગ પણ ડિસ્કાઉન્ટમાં જવાની દહેશત છે. નવી દિલ્હીની આય ફાઇનૅન્સનો બેના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૧૦૧૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.
દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલા શૅરમાં મુંબઈના વરલીની CKK રીટેલમાર્ટ ગઈ કાલે પાંચ ટકા વધીને ૧૮૮ની ટોચે, અમદાવાદી ન્યુટ્રાવેદા સાડાત્રણ ટકા ઘટીને ૧૬૪, નવી દિલ્હીની એમસેફ ઇક્વિપમેન્ટ્સ પોણો ટકો ઘટીને ૧૪૦, જોધપુરની કનિષ્ક ઍલ્યુમિનિયમ પાંચ ટકા ગગડીને ૪૫, ઔરંગાબાદની કસ્તુરી મેટલ પાંચ ટકા તૂટીને ૬૫, બરોડાની સાયોના એન્જિનિયર અડધો ટકો ઘટીને ૧૪૩ તથા મદુરાઈની હન્નાહ જોસેફ હૉસ્પિટલ એક ટકો વધીને ૬૭ બંધ થઈ છે.
માથે પરિણામ વચ્ચે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ વૉલ્યુમ સાથે સતત મજબૂત
ન્યુલૅન્ડ લૅબની આવક સાડાદસ ટકા વધીને ૪૪૦ કરોડ થઈ છે. માર્જિન ૨૨ ટકાથી ગગડી ૧૭.૮ ટકા રહેતાં કંપનીનો નફો ૬૦ ટકા ગગડી ૪૦૬૦ લાખ જોવાયો છે. શૅર નીચામાં ૧૨,૭૪૧ થઈ ૩.૨ ટકા કે ૪૪૫ રૂપિયા ગગડી ૧૩,૪૮૫ બંધ થયો છે. ઇજનેરી કંપની આઇએસજીઇસી હેવી એન્જિનિયરિંગની આવક સવાસોળ ટકા વધીને ૧૭૩૯ કરોડ તથા નેટ પ્રૉફિટ ૭૬.૫ ટકા વધીને ૯૭૫૦ લાખ થયો છે. કંપનીએ ૩૫૦ કરોડના ખર્ચે વિસ્તરણ કરવાનું નક્કી કર્યું છે. શૅર ૪૭ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૯૪૬ વટાવી ૯૩૩ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે, સામે બુકવૅલ્યુ ૩૭૯ રૂપિયા છે. જાન્યુઆરી ૧૯૯૧ પછી બોનસનો દુકાળ છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનાં પરિણામ ૧૨મીએ છે. ભાવ ૧૧૧ ગણા વૉલ્યુમે ૩૪૮ વટાવી ૧૬ ટકા ઊંચકાઈ ૩૪૨ થયો છે. સ્ટરલાઇટ ટેક્નો. બુલ રન જાળવી રાખતાં ૧૬૩ ઉપર સવાબે વર્ષની ટૉપ બનાવી સવાદસ ટકા વધીને ૧૫૬ થયો છે. ૨૦૨૫ની ૭ એપ્રિલે ભાવ ૫૪ની અંદર સવાદસ વર્ષના તળિયે ગયો હતો. ડિફેન્સ કંપની એમટાર ટેક્નૉલૉજીઝ પણ તેજીની આગેકૂચમાં ૩૬૮૬ની ઑલટાઇમ હાઈ દેખાડી સાત ટકા વધીને ૩૬૩૯ થઈ છે. આ કાઉન્ટર પણ ૨૦૨૫ની ૭ એપ્રિલે ૧૧૫૨ના ઐતિહાસિક તળિયે ગયું હતું.
સરકારની રેલટેલ કૉર્પોરેશનને ૪૫૫ કરોડનો ઑર્ડર મળતાં ભાવ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૩૫૮ વટાવી સવાચાર ટકા વધીને ૩૪૬ રહ્યા છે. લિન્ડે ઇન્ડિયાએ ૧૫.૮ ટકા વધારામાં ૭૦૧ કરોડની આવક ઉપર ૬૬ ટકા વૃદ્ધિદરથી ૧૯૩ કરોડ પ્લસનો નેટ નફો કરતાં ભાવ ઉપરમાં ૬૯૦૦ થઈ ચાર ટકા કે ૨૪૯ રૂપિયા ઊછળી ૬૫૪૨ થયો છે. અંબર એન્ટરપ્રાઇઝિસે ૩૮ ટકા વધારામાં ૨૯૪૩ કરોડની આવક ઉપર ૩૭ કરોડના નફા સામે ૯૩૪ લાખની ચોખ્ખી ખોટ કરી છે. શિવાલિક મર્કેન્ટાઇલમાં રોકાણ અને લોન પેટે ૯૪ કરોડની માંડવાળી સહિત કુલ ૧૦૩ કરોડની વનટાઇમ પ્રોવિઝન ખોટનું કારણ બની છે. શૅર ઉપરમાં ૭૫૩૦ થઈ સાડાછ ટકા કે ૪૬૫ રૂપિયા વધીને ૭૫૧૦ બંધ રહ્યો છે.
પરિણામની તેજીમાં BSE નવી ટોચે, નુવામા તરફથી ૩૭૬૦ની ટાર્ગેટ-પ્રાઇસ
BSE લિમિટેડ તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૬૨ ટકા વધારામાં ૧૨૪૪ કરોડની આવક ઉપર ૧૭૪ ટકાના વૃદ્ધિદરથી ૬૦૩ કરોડનો નેટ નફો દર્શાવાયો છે. એકંદર ધારણા ૧૨૪૦ કરોડની આવક તથા ૬૧૨ કરોડના ચોખ્ખા નફાની હતી. પરિણામ પહેલાં આગલા દિવસે ૩ ટકા વધીને ૨૯૮૫ બંધ રહેલો શૅર ગઈ કાલે ૩૧૮૮નું શિખર બતાવી સવાછ ટકા ઊછળીને ૩૧૭૪ બંધ આવ્યો છે. એની સબસિડિયરી CDSL બે ટકા વધીને ૧૪૦૧ હતી. MCX ઉપરમાં ૨૪૯૪ થઈ દોઢ ટકા સુધરી ૨૪૭૧ રહી છે. હિન્દુજા ગ્રુપની ૬૭ ટકા માલિકીની ગલ્ફ ઑઇલ લુબ્રિકન્ટ્સની આવક સાડાદસ ટકા વધીને ૧૦૧૮ કરોડ થઈ છે, પણ નેટ પ્રૉફિટ બાવીસ ટકા ઘટીને ૭૬૪૦ લાખ નોંધાયો છે. કંપનીએ બેના શૅરદીઠ ૨૧ રૂપિયા કે ૧૦૫૦ ટકા ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપર ૧૧૯૨ થઈ સવા ટકો વધીને ૧૧૮૧ રહ્યો છે.
હૅપીએસ્ટ માઇન્ડની આવક ૧૦.૭ વધીને ૫૮૮ કરોડ થઈ છે. નફો ૧૯.૬ ટકા ઘટીને ૪૦ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૪૦૨ થઈ પોણો ટકા ઘટીને ૩૯૩ હતો. ઑલટાઇમ પ્લાસ્ટિક્સની આવક ૭ ટકા વધીને ૧૫૯ કરોડ થઈ છે, પણ નેટ નફો ૨૩.૩ ટકા ઘટીને ૯૨૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૨૪૨ બતાવી સવાદસ ટકા ઊછળી ૨૭૦ થયો છે. મુંબઈના વડાલા ખાતેની આ ગુજ્જુ કંપની ઑગસ્ટ ૨૦૨૫માં બેના શૅરદીઠ ૨૭૫ના ભાવથી ૧૨૧ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૪૦૧ કરોડનો ઇશ્યુ લાવી હતી.
મુથૂટ માઇક્રોફિનનો ત્રિમાસિક નફો ૩૮૦ લાખથી ઊછળીને ૬૨૪૦ લાખ નોંધાયો છે. શૅર ઉપર ૧૯૭ બતાવી સાડાછ ટકા તૂટી ૧૭૬ રહ્યો છે. આ કંપની ડિસેમ્બર ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૨૯૧ના ભાવથી ૨૦૦ કરોડની OFS સહિત કુલ ૯૬૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. લિસ્ટિંગ પછી ભાવ ક્યારેય ૨૮૦થી ઉપર ગયો નથી, ૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ એમાં ૧૧૯ નીચે ઑલટાઇમ બૉટમ બની હતી. કંપનીએ ક્યારેય ડિવિડન્ડ આપ્યું નથી. એનઆરબી બેરિંગ્સનો નફો ૩૪.૨ ટકા વધીને ૨૮૬૦ લાખ થયો છે. શૅર ત્રણ ટકા વધીને ૨૮૮ બંધ રહ્યો છે. ફેસ વૅલ્યુ બેની છે.
નવીન ફ્લોરિન સારા રિઝલ્ટમાં નવી ટોચે જઈ ૨૭૧ રૂપિયા ડાઉન
બાટા ઇન્ડિયાએ પોણાત્રણ ટકા વધારામાં ૯૪૫ કરોડ આવક ઉપર પોણાતેર ટકાના વૃદ્ધિદરથી ૬૬ કરોડનો નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૯૫૮ થઈ ૩.૯ ટકા વધી ૯૧૮ બંધ હતો. ફાર્મા મલ્ટિનૅશનલ ફાઇઝરની આવક વીસેક ટકા વધીને ૬૪૫ કરોડ થઈ છે. ૫૮ કરોડની વન ટાઇમ પ્રોવિઝનિંગ બાદ નફો ૧૧ ટકા વધીને ૧૪૨ કરોડ થયો છે. શૅર ઉરપમાં ૫૨૯૬ બતાવી ચાર ટકા ઊછળીને ૪૯૫૧ હતો. અરબિંદો ફાર્માએ સાડાઆઠ ટકા વધારામાં ૮૬૪૬ કરોડની આવક ઉપર નવા લેબલ કાંડને કારણે ૬૫ કરોડની વન ટાઇમ પ્રોવિઝન પછી સાડાસાત ટકાના વધારામાં ૯૧૦ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૧૨૧૮ વટાવી સાડાછ ટકા તૂટી ૧૧૨૨ બંધ આવ્યો છે.
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની આવક ૧૬.૮ ટકા વધીને ૨૩૮ કરોડ થઈ છે, પરંતુ કંપની બાર કરોડ જેવા નેટ નફામાંથી ૧૬ કરોડની નેટ લૉસમાં આવી છે. ભાવ નીચામાં ૪૫૫૦ થઈ છ ટકા વધી ૪૯૫૬ હતો. રામકો સિમેન્ટ્સની આવક સવા છ ટકા વધીને ૨૧૦૬ કરોડ થઈ છે. માર્જિન ૧૪.૧ ટકાથી ઘટીને ૧૩.૩ ટકા રહ્યું છે, પણ નફો ૧૮૨ કરોડથી બેવડાઈ ૩૮૬ કરોડ નોંધાયો છે. ભાવ નીચે ૧૧૩૬ જઈ સવાબે ટકા ઘટીને ૧૧૭૭ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. ગુજરાત સરકારની જીએસએફસી દ્વારા સાડાચાર ટકા વધારામાં ૨૯૪૧ કરોડની આવક ઉપર ૧૮ ટકા વધારામાં ૧૫૧ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. ભાવ ઉપરમાં ૧૮૬ થઈ નજીવો વધીને ૧૮૨ હતો. જીનસ પાવરની આવક ૮૫.૮ ટકા વધી ૧૧૨૨ કરોડ તથા નફો ૫૭ કરોડથી ઊછળીને ૧૪૦ કરોડ નોંધાયો છે. શૅર ઉપર ૨૮૧ બતાવી પાંચ ટકા વધી ત્યાં જ રહ્યો છે. મફતલાલ ગ્રુપની નવીન ફ્લોરિને ૪૭ ટકા વધારામાં ૮૯૨ કરોડની આવક ઉપર ૮૩ કરોડની સામે ૧૮૫ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર ૬૯૬૦નું નવું શિખર બતાવી ચાર ટકા ગગડી ૬૩૩૦ બંધ આવ્યો છે.


