મસ્કની નેટવર્થ ૧૬૭ અબજ ડૉલર વધી ગઈ, અંબાણી અને અદાણી જેટલી સંપત્તિ આ માણસે એક જ દિવસમાં બનાવી લીધી : જેપી મૉર્ગન અને બોફાના બુલિશ વ્યુમાં તાતા મોટર્સ તગડા ઉછાળે નવી ટોચે : સેબીએ એક્સપેન્સ રેશિયોમાં ફેરફાર કરતાં ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓના શૅરમાં આકર્ષણ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- MCXમાં શૅર વિભાજન માટેની રેકૉર્ડ ડેટ બીજી જાન્યુઆરી નક્કી થઈ
- ભાવિશ અગરવાલનું ઑફ લોડિંગ ચાલુ રહેતાં ઓલા ઇલેક્ટ્રિક પાંચ ટકા વધુ તૂટી નવા ઑલટાઇમ તળિયે
- મિશો લિમિટેડે બેતરફી ધમાલ મચાવીને નવા શિખરની હારમાળા ચાલુ રાખી
ઈલૉન મસ્કની રૉકેટ તથા સૅટેલાઇટ મેકર્સ કંપની સ્પેસ-એક્સ આગામી વર્ષે વિશ્વનો સૌથી મહાકાય પબ્લિક ઇશ્યુ કે IPO લાવવા સાબદી બની રહી છે. ઇન્સાઇડર કે પ્રાઇવેટ શૅર સેલ શરૂ થયું છે જેમાં એક શૅરનો ભાવ ૪૨૧ ડૉલર બોલાયો છે. આ ધોરણે કંપનીનું વૅલ્યુએશન ૮૦૦ અબજ ડૉલરે પહોંચી ગયું છે. એની સીધી અસરમાં ઈલૉન મસ્કની નેટવર્થ કે સંપત્તિ એક જ દિવસમાં ૧૬૮ અબજ ડૉલર વધીને ૬૭૭ અબજ ડૉલર થઈ ગઈ છે. એક જ દિવસમાં ૧૬૮ અબજ ડૉલર અર્થાત્ આપણા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ આખી જિંદગીમાં જેટલી કમાણી કરી છે લગભગ એટલી કમાણી ઈલૉન મસ્કે એક જ દિવસમાં કરી લીધી છે. હાલમાં મુકેશ અંબાણીની નેટવર્થ ૧૦૦ અબજ અને ગૌતમ અદાણીની સંપત્તિ ૮૦ અબજ ડૉલર આસપાસની છે. સ્પેસ-એક્સમાં ઈલૉનનું હોલ્ડિંગ ૪૨ ટકા છે અને ટેસ્લામાં ૧૨ ટકા હિસ્સો છે. આ ઉપરાંત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કંપની XA વનમાં તેનું હોલ્ડિંગ ૫૩ ટકા છે. આ કંપનીની વૅલ્યુ ૨૩૦ અબજ અંદાજાય છે. બજારના વિશ્લેષકો માને છે કે સ્પેસ-એક્સનો IPO ૨૦૨૬માં આવશે એનું કદ ૩૦ અબજ ડૉલર કરતાંય વધુનું હશે. ઇશ્યુના પગલે લિસ્ટિંગ સાથે જ સ્પેસ-એક્સ દોઢ લાખ કરોડ ડૉલરની કંપની બનશે. ૨૦૧૯માં સાઉદી અરેબિયાની એરામ્કોએ ૨૯.૪ અબજ ડૉલરનો IPO કરી ૨૦૧૪માં ૨૫ અબજ ડૉલરનો IPO લાવનાર ચાઇનીઝ અલીબાબાના વર્લ્ડ લાર્જેસ્ટ IPOનો વિક્રમ તોડ્યો હતો. સ્પેસ-એક્સ નવો રેકૉર્ડ બનાવશે.
હવે ધંધાની વાત કરીએ. સેન્સેક્સ આગલા બંધથી ૩૯ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૮૪,૫૧૮ ખૂલી છેવટે ૭૮ પૉઇન્ટની કમજોરીમાં ૮૪,૪૮૨ તથા નિફ્ટી ૩ પૉઇન્ટ ઘટી ૨૫,૮૧૫ બંધ થયો છે. ઊંટના ઢેકા જેવી ચાલમાં નરમ ખૂલ્યા પછી શૅરઆંક નીચામાં ૮૪,૨૩૮ થઈ ઉપરમાં ૮૪,૭૮૦ દેખાયો હતો અને ત્યાંથી ધીમા ઘટાડે ફરી માઇનસ ઝોનમાં સરકી પડ્યો હતો. માર્કેટ બ્રેડ્થ મુડદાલ જ રહી છે. NSEમાં વધેલા ૧૨૭૩ શૅર સામે ૧૮૨૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૬૫.૭૭ લાખ કરોડ થયું છે. મુખ્યત્વે આઇટી ટેક્નૉલૉજીઝને બાદ કરતાં લગભગ તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. પાવર બેન્ચમાર્ક તમામ ૧૪ શૅરના ઘટાડે એક ટકો કપાયો હતો. કૅપિટલ ગુડ્સ પોણો ટકો કે ૫૨૯ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ ૦.૮ ટકા, ઑટો અડધો ટકો, યુટિલિટીઝ પોણો ટકો, હેલ્થકૅર-નિફ્ટી ફાર્મા સાધારણ માઇનસ હતા. ભણસાલી પ્રોડક્શન્સમાં ૩૨૫ કરોડના રોકાણથી ૫૦ ટકા જેવો હિસ્સો લેવાની યોજનામાં આગલા દિવસે ગગડેલી સારેગામા ગઈ કાલે પણ ૧.૭ ટકા ઘટી ૩૪૯ રહી છે. તાતા કેમિકલ્સ ૭૪૫ના વર્ષના તળિયે જઈ અડધો ટકો ઘટી ૭૪૮ થઈ છે. તાતાની અન્ય કંપની તેજસ નેટવર્ક્સ પણ ૪૪૫ની અંદર નવું બૉટમ બતાવી સવા ટકો ઘટી ૪૪૭ હતી.
ADVERTISEMENT
એશિયામાં હૉન્ગકૉન્ગ અને ચાઇના નહીંવત્ સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી માર્કેટ નરમ હતાં. સાઉથ કોરયા દોઢ ટકો, જપાન પોણો ટકો, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ કટ થયા હતા. એશિયાથી વિપરીત ચાલમાં યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા સુધી ઉપર દેખાયું છે. બિટકૉઇન સવા ટકો સુધરી ૮૭૨૧૮ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડૉલરની અંદર હતું. કૉમેક્સ સિલ્વર નવી ટોચે ગયા બાદ એકાદ ટકો ઘટીને ૬૬.૨૮ ડૉલર દેખાતી હતી.
CEOની હૈયાધારણમાં ઇન્ડિગો ૧૩૬ રૂપિયા વધી નિફ્ટીમાં ઝળક્યો
ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરફથી કંપનીનો ખરાબ સમય પૂરો થયો હોવાની જાણ કરવામાં આવતાં શૅર ઉપરમાં ૫૧૪૦ થઈ પોણાત્રણ ટકા વધી ૫૧૧૫ બંધ સાથે નિફ્ટીમાં ઝળક્યો છે. મૅક્સ હેલ્થકૅર બે દિવસની નબળાઈ બાદ ૧૦૬૧ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી ૧.૭ ટકા સુધરી ૧૦૪૮ થયો છે. TCS ઉપરમાં ૩૨૮૯ બતાવી બે ટકા વધી ૩૨૮૦ બંધમાં સેન્સેક્સને ૫૪ પૉઇન્ટ ફળી છે. ઇન્ફી દોઢ ટકો વધી ૧૬૨૬ રહેતાં બજારને ૭૪ પૉઇન્ટ મળ્યા હતા. ટેક મહિન્દ્ર પોણાબે ટકા પ્લસ હતી. વિપ્રો એક ટકા વધી છે. હેવીવેઇટ્સની હૂંફમાં આઇટી ઇન્ડેક્સ ૭૭માંથી ૩૨ શૅરના સથવારે ૧.૧ ટકા વધ્યો છે. જેનેસિસ ઇન્ટર ચારેક ટકા ઊછળી ૪૨૮ હતી.
જીએસટીમાં રાહતનો યુફોરિયા શમી જવાને પગલે જેફરીઝ દ્વારા હિપો મોટોકૉર્પમાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૪૯૫૦ કરી નખાઈ છે. શૅર નીચામાં ૫૫૨૪ થઈ ૧.૪ ટકા ઘટીને ૫૭૩૫ બંધ આવ્યો છે. અન્ય ઑટો શૅરમાં બજાજ ઑટો ૦.૬ ટકા, ટીવીએસ મોટર્સ ૧.૨ ટકા, મહિન્દ્ર પોણો ટકો, આઇશર અડધો ટકો ડાઉન હતા. મારુતિ સામાન્ય નરમ તથા હ્યુન્દાઇ સાધારણ પ્લસ હતી. અશોક લેલૅન્ડ સામા પ્રવાહે ૧૭૨ના નવા શિખરે જઈ ૧.૭ ટકા વધી ૧૭૧ થયો છે. સનફાર્માના બાસ્કા પ્લાન્ટ સામે યુએસ FDA દ્વારા પ્રતિકૂળ ઇન્સ્પેક્શન રિપોર્ટ જારી થતાં શૅર નીચામાં ૧૭૩૬ બતાવી ૨.૭ ટકા ગગડી ૧૭૪૬ બંધ રહ્યો છે. પાવરગ્રિડ સવા ટકો, NTPC પોણો ટકો, તાતા સ્ટીલ ૧.૩ ટકા, અલ્ટ્રાટેક પોણો ટકો, ભારત ઇલેક્ટ્રિક અડધો ટકો, ટ્રેન્ટ ૦.૪ ટકા, ભારતી ઍરટેલ પોણો ટકો, એશિયન પેઇન્ટ્સ ૦.૯ ટકા નરમ હતા.
રિલાયન્સ ૧૫૪૪ના લેવલે ફ્લૅટ રહી છે. જિયો ફાઇનૅન્સ ૦.૩ ટકા ઘટી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ નજીવો ઘટી ૨૨૨૮ થયો છે. એનો પાર્ટપેઇડ ૧૨૮૫ના નવા તળિયે જઈ સાધારણ ઘટી ૧૩૦૮ હતો. હિન્દાલ્કો એક ટકો વધી છે. હિન્દુસ્તાન ઝિન્ક ૫૯૪ની નવી ટૉપ હાંસલ કરી અઢી ટકાની આગેકૂચમાં ૫૯૨ હતી. હિન્દુસ્તાન કૉપર પણ ૩૯૦ની નવી ઊંચી સપાટી બતાવી ૫.૩ ટકાના જમ્પમાં ૩૮૭ થયો છે. ગેબ્રિયલ ઇન્ડિયા ૨૨ ગણા કામકાજે ૨૦ ટકા ઊછળી ૧૧૫૦ થઈ ૧૩.૭ ટકાની તેજીમાં ૧૦૯૦ બંધ આપીને એ-ગ્રુપમાં ઝળકી છે. રાઉટ મોબાઇલ ૭.૪ ટકા અને HBL એન્જિનિયરિંગ ૭.૫ ટકા મજબૂત હતી. MCX દ્વારા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનની રેકૉર્ડ ડેટ બીજી જાન્યુઆરી ઠરાવાઈ છે. શૅર દોઢ ટકાના સુધારામાં ૧૦૧૭૨ બંધ હતો.
લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ ICICI પ્રુડેન્શિયલ AMCમાં પ્રીમિયમ ઊછળીને ૪૪૩ થયું
આજે શુક્રવારે મેઇનબોર્ડમાં હાઈ-પ્રોફાઇલ ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનો શૅર લિસ્ટેડ થવાનો છે. એકના શૅરદીઠ ૨૧૬૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો આશરે ૧૦,૬૦૩ કરોડ રૂપિયાનો આ પ્યૉર ઑફરો ફૉર સેલ ઇશ્યુ રીટેલમાં અઢી ગણો અને કુલ ૩૯.૨ ગણો છલકાયો હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૪૪૩ બોલાય છે. એ ઉપરાંત SME કંપની અશ્વિની કન્ટેનર, સ્ટેનબીક ઍગ્રો તથા એક્ઝિમ રાઉટ્સ પણ આજે લિસ્ટેડ થવાની છે. અત્યારે અશ્વિનીમાં પાંચ રૂપિયા, એક્ઝિમમાં ૩૫ રૂપિયા અને સ્ટેનબીકમાં ઝીરો પ્રીમિયમ છે. ગઈ કાલે અમદાવાદી HRS એલ્યુગ્લેઝ ૧૦ના શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૫થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૨૨ના પ્રીમિયમ સામે ૧૨૬ ખૂલી ૧૩૨ બંધ રહેતાં એમાં ૩૭.૮ ટકા લિસ્ટિંગ ગેઇન છે, જ્યારે નવી દિલ્હીની પેજસન ઍગ્રો ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૯થી શરૂ થઈ છેલ્લે ચાલતા ૬ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૨૪ ખૂલી ૧૩૦ બંધ થતાં સવાદસ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
દરમ્યાન પુણેની KSH ઇન્ટરનૅશનલનો પાંચના શૅરદીઠ ૩૮૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭૧૦ કરોડનો મેઇનબોર્ડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૯૦ ટકા સહિત કુલ ૮૮ ટકા ભરાઈને પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૬વાળું પ્રીમિયમ હાલમાં ઝીરો બોલાય છે. ઉદયપુરની SME કંપની ફાયટોકેમ રેમેડીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૩૮૨૨ લાખનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૮ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી, જ્યારે ગુડગાંવની માર્ક ટેકનોક્રેપ્સનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૪૨૫૯ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯૨ ટકા અને અંધેરી-ઈસ્ટની ગ્લોબલ ઓસિયન લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૩૦૪૧ લાખનો BSE SME ઇશ્યુ બે ગણો ભરાયો છે.
BMCનો કૉન્ટ્રૅક્ટ મળતાં ઍન્ટની વેસ્ટનો શૅર વૉલ્યુમ સાથે તેજીમાં
સિએન્ટ લિમિટેડ દ્વારા અમેરિકાની પાવન સેમિકન્ડકટર કંપની કાઇનેટિક ટેક્નૉલૉજીઝને ૮૪૦ કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત થઈ છે. કાઇનેટિક વર્ષે ૩૭૦ કરોડની રેવન્યુ કરે છે. સિએન્ટનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૧૫૭ થઈ અડધો ટકો સુધરી ૧૧૪૩ રહ્યો છે. શૅર વર્ષ પૂર્વે ૨૧૦૦ના શિખરે હતો. સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફન્ડો માટે ઇક્વિટી ટ્રેડ્સમાં બ્રોકરેજ સંબંધે બે ટકાની લિમિટ વધારી ૬ ટકા કરવાની સાથે કમ્પ્લાયન્સિસને લગતાં ધોરણ હળવાં બનાવાયાં છે. એક્સપેન્સ રેશિયોમાં આ ફેરફારને પગલે ગઈ કાલે ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓના શૅર ડિમાન્ડમાં હતા. કૅનેરા રોબેકો ઍસેટ મૅનેજમેન્ટ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૩૧૩ વટાવી ૬.૧ ટકા વધીને ૩૦૪, HDFC ઍસેટ મૅનેજમેન્ટ ૨૭૨૮ થઈ ૭.૨ ટકા કે ૧૮૨ રૂપિયા ઊંચકાઈ ૨૭૨૪, નિપ્પોન લાઇફ ઇન્ડિયા AMC ૯૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૫.૫ ટકા વધી ૯૧૨, યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ ઉપરમાં ૧૧૬૮ થઈ બે ટકા વધી ૧૧૩૭ તથા આદિત્ય બિરલા સનલાઇફ ૮૦૧ થયા બાદ દોઢ ટકો વધી ૭૮૪ રહી છે. શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટ ઉપરમાં ૩૬૫ થયા પછી અડધો ટકો ઘટી ૩૫૬ બંધ આવી છે.
અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા સતત ચોથા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૫ વટાવી પાંચ ટકા વધીને ત્યાં જ તથા રિલાયન્સ પાવર ઉપરમાં ૩૯ વટાવી ૫.૯ ટકા ઊંચકાઈને ૩૭.૮૧ થઈ છે. નવી તાતા મોટર્સ અર્થાત્ તાતા મોટર્સ કમર્શિયલમાં જેપી મૉર્ગન અને બોફા તરફથી ૪૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ છૂટ્યા છે શૅર દોઢા કામકાજે ૪૦૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૩.૮ ટકાના જમ્પમાં ૪૦૨ બંધ થયો છે. મૂળ તાતા મોટર્સમાંથી ડીમર્જ થયેલી આ કંપની ૧૨ નવેમ્બરે ૨૬૧ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ૩૩૫ના ભાવે લિસ્ટેડ થઈ હતી. ત્યારે તાતા મોટર્સ પૅસેન્જર એની ૪૦૦ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ૪૦૨ આસપાસ હતી. ગઈ કાલે એ નીચામાં ૩૩૮ની અંદર જઈ નજીવી ઘટી ૩૪૬ રહી છે. આ શૅર ટૂંકમાં એનું ૩૩૫નું બૉટમ તોડે તો નવાઈ નહીં.
લિસ્ટિંગ પછી તેજીમાં રહેલી મિશો લિમિટેડ ૨૫૪ ઉપર નવી વિક્રમી સપાટી નોંધાવી પ્રૉફિટ બુકિંગમાં સરી પડતાં ૨૦૬ થઈ અંતે ૮.૯ ટકા વધી ૨૩૫ રહી છે થાણેની ઍન્ટની વેસ્ટ હૅન્ડલિંગને BMC તરફથી વેસ્ટ હૅન્ડલિંગના બે કૉન્ટ્રૅક્ટ અપાયા એને પગલે શૅર ૧૩૭ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૫૨૨ થઈને ૧૯ ટકાની તેજીમાં ૫૧૭ બંધ થયો છે. ફેસવૅલ્યુ પાંચની છે. કૉન્ટ્રૅક્ટની વૅલ્યુ ૧૩૩૦ કરોડ રૂપિયાની છે.
ઓલા ઇલેક્ટ્રિકમાં ૧૬ મહિનામાં ૮૦ ટકા માર્કેટકૅપ સાફ
નવી દિલ્હીની હાલ પિરિયોડિક કૉલ ઑક્શન સિસ્ટમ્સ હેઠળની BSE લિસ્ટેડ NMFC કંપની યુનિફિન્ઝ કૅપિટલ એક શૅરદીઠ ૪ બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ સાડાચાર ટકા વધીને ૫૫૦ થયો છે. આ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે ૨૪.૯ ટકા જોવા મળ્યું છે જે વર્ષ પૂર્વે ૬૬.૬ ટકા હતું. ડૉ. લાલ પૅથલૅબ્સ શૅરદીઠ એક બોનસમાં આજે, શુક્રવારે બોનસ બાદ થશે. શૅર નજીવો સુધરી ૨૮૨૩ બંધ રહ્યો છે. અગાઉ ફ્લોરા ટેક્સટાઇલ્સ તરીકે ઓળખાતી હતી એ સાયન-ઈસ્ટની કંપની અનિરિત વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૩૩ના ભાવથી એક શૅરદીઠ બેના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે ઉપરમાં ૫૪ વટાવી સવા ટકો વધી ૫૪ નજીક બંધ થઈ છે. આ કંપનીએ ગયા વર્ષે ૧૦ લાખની આવક પર ૭૯ લાખની નેટ લૉસ કરી છે. બુકવૅલ્યુ હાલ માઇનસ ૧૨ રૂપિયા છે.
ઓલા ઇલેક્ટ્રિકમાં પ્રમોટર ભાવિશ અગરવાલે ૩૪થી પણ નીચેના ભાવે બુધવારે વધુ ૪૧૯ લાખ શૅર વેચીને ૧૪૨ કરોડની રોકડી કરી લીધી હોવાના અહેવાલ છે. છેલ્લા બે દિવસમાં આ માણસે કંપનીના શૅર ઑફ લોડ કરી આશરે ૨૩૪ કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે જેમાં શૅર બુધવારે ૩૨.૬૮ના ઑલટાઇમ તળિયે જઈ સાડાચાર ટકા તૂટી ૩૨.૯૨ બંધ થયો હતો. ભાવ ગઈ કાલે ૩૦.૭૯ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા તૂટી ૩૧.૨૮ થયો છે. ૨૦૨૪ની ૧૯ ઑગસ્ટે શૅર ૧૫૭.૫૩ના સર્વોચ્ચ શિખરે જઈ છેવટે ૧૨૬ પ્લસના બેસ્ટ લેવલે બંધ થયો હતો. ભાવ ઑલટાઇમ હાઈ થયો ત્યારે એનું માર્કેટકૅપ ૬૯૪૮૪ કરોડ નજીક પહોંચ્યું હતું, આજે ઘટીને એ ૧૩,૭૯૭ કરોડ થયું છે. મતલબ ૧૬ મહિનામાં ૮૦ ટકાનું ધોવાણ વેદાન્તાના પાંચ કંપનીમાં ડી-મર્જરની યોજનાને એનક્લેટની મંજૂરી મળતાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી ૬૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જારી થયું છે. શૅર ૫૮૩ના નવા શિખરે જઈ દોઢ ટકાની આગેકૂચમાં ૫૭૯ બંધ થયો છે.


