ગુજરાત કિડનીમાં ભરણું પૂરું થતાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો : એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ નુવામા વેલ્થ ૩૩૧ રૂપિયા ઊંચકાઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ લાર્જ બ્લૉક ડીલમાં જંગી વૉલ્યુમ સાથે ૧૨ ટકા ઊછળી : ફ્રૉડમાં ૨૦ કરોડનું નાહી નાખવાની વાતમાં કજરિયા સિરૅમિક્સ વધુ ખરડાઈ : હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્તા, નાલ્કો, હિન્દુસ્તાન કૉપર નવા શિખર સાથે બુલ રનમાં : ગુજરાત કિડનીમાં ભરણું પૂરું થતાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો : એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ નુવામા વેલ્થ ૩૩૧ રૂપિયા ઊંચકાઈ : અમેરિકા ખાતે થર્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૪.૩ ટકાની બે વર્ષની ટોચે આવ્યો, ભારત માટે ચિંતાનો વિષય : આખા અને દળેલા મરી-મસાલા વેચતી શ્યામ ધાણીનો ૩૮ કરોડનો ઇશ્યુ ૯૮૮ ગણો છલકાયો, ભાવ ૭૦નો, પ્રીમિયમ પણ ૭૦ બોલાયું
અમેરિકા ખાતે થર્ડ ક્વૉર્ટરનો GDP ગ્રોથ રેટ આર્થિક પંડિતોની ધારણા કરતાં ઘણો ઊંડો ૪.૩ ટકા નોંધાયો છે જે બે વર્ષની ટૉપ છે. જૂન ક્વૉર્ટરના ૩.૮ ટકાના આર્થિક વિકાસ દર સામે આ વેળા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એકંદર અપેક્ષા ૩.૩ ટકાના ગ્રોથ-રેટની હતી. બહેતરીન ગ્રોથ-રેટથી ટ્રમ્પ પોરસાયા છે. તેમણે આનો સઘળો યશ ટૅરિફ પૉલિસીને આપ્યો છે. અમેરિકા ખાતેનો સ્ટ્રૉન્દ ગ્રોથ આપણા માટે જરાક માઠા સમાચાર છે, કેમ કે ત્યાંનું અર્થતંત્ર ધમધમવા માંડે એટલે વિદેશી રોકાણકારોનો ભારતમાં રોકાણ કરવાનો ઉત્સાહ ઘટશે. એશિયન બજાર બુધવારે સાંકડી વધઘટે મિશ્ર હતાં. ચાઇના અડધો ટકો પ્લસ તો ઇન્ડોનેશિયા અડધો ટકો માઇનસ હતું. અન્યત્ર વધઘટ નજીવી હતી. યુરોપ ક્રિસમસના વેકેશન ઉપર ઊતરી ગયું છે. બિટકૉઇન અડધા ટકાના ઘટાડે ૮૬,૮૫૪ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ વધીને ૬૨.૭૦ ડૉલર વટાવી ગયું છે. ચાંદી આગઝરતી તેજીમાં એક ટકો વધીને નવા બેસ્ટ લેવલ સાથે ૭૨ ડૉલર નજીક સરકી છે. સોનામાં ૪૫૨૬ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટી દેખાઈ છે. ટ્રમ્પ તરફથી H-1B વીઝા ફી એક લાખ ડૉલર કરવાના નિર્ણયને પડકારતી અરજી અમેરિકન ફેડરલ કોર્ટે અમાન્ય ઠેરવી છે. આ દરમ્યાન જ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા H-1B વીઝા આપવાની સમગ્ર પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરાયા છે, લૉટરી સિસ્ટમ્સ રદ કરવામાં આવી છે. ભારતીય IT કંપનીઓ માટે આ ખરાબ સમાચાર છે. બુધવારની મોડી રાત્રે ઇન્ફીનો ADR ૩ ટકા તથા વિપ્રોનો ADR પોણાબે ટકા ઘટીને બંધ થયો છે. યાત્રા ઑનલાઇનનો ADR પોણાચાર ટકા તૂટ્યો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ, ૮૫,૫૩૩ ખૂલી અંતે ૧૧૬ પૉઇન્ટ ઘટી ૮૫,૪૦૯ તથા નિફ્ટી ૩૫ પૉઇન્ટ ઘટીને ૨૬,૧૪૨ બંધ થયો છે. પ્રથમ સત્ર એકંદર સારું હતું જેમાં શૅરઆંક ઉપરમાં ૮૫,૭૩૮ થયો હતો. એકાદ વાગ્યા પછી બજાર રેડઝોનમાં સરી પડ્યું હતું. સેન્સેક્સ નીચામાં ૮૫,૩૪૨ થઈ ગયો હતો. સૅન્ટા રૅલી પૂરી થઈ ગઈ હોય એમ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની ગઈ છે. NSEમાં વધેલા ૧૩૬૧ શૅર સામે ૧૭૭૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૦,૦૦૦ કરોડ ઘટીને ૪૭૫ લાખ કરોડ થયું છે. ટેલિકૉમ બેન્ચમાર્ક, રિયલ્ટી તથા મેટલ ઇન્ડેક્સના નહીંવત્ સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ માઇનસ થયાં છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો, એનર્જી ૦.૬ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો, IT ઇન્ડેક્સ અડધા ટકા નજીક નરમ હતો.
જિયો થિંગ્સ સાથે ટેક્નિકલ પાર્ટનશિપમાં બે દિવસની તેજી બાદ કાઇનેટિક એન્જિનિયરિંગ ગઈ કાલે ઉપરમાં ૩૪૯ થયા બાદ સવાછ ટકા ગગડી ૩૧૯ બંધ રહ્યો છે. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ૯૦૮ ગણા જંગી કામકાજમાં ઉપરમાં ૪૩૬ વટાવી બાર ટકાની તેજીમાં ૪૦૮ બંધ આપીને એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. અહીં બે મોટા બ્લૉક ડીલમાં કંપનીની ૨૬ ટકા ઇક્વિટીની લે-વેચ થઈ હતી. પિઅર ગ્રુપમાં સફારી ઇન્ડસ્ટ્રીઝ ૨૩૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાડાત્રણ ટકા વધીને ૨૨૭૭ થઈ છે. જેબીએમ ઑટો પોણાઅગિયાર ટકા, વેબસોલ એનર્જી ૧૦ ટકા, કન્સાઇ નેરોલેક ૯ ટકા ઊછળી છે. આગલા દિવસે ૧૭ ટકા જેવી તેજી દર્શાવનારી પ્રિઝમ જૉન્સન ગઈ કાલે પોણાછ ટકા ખરડાઈને ૧૪૩ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ પાંચ ટકા, અવન્તિ ફીડ સાડાચાર ટકા તથા કજરિયા સિરામિક્સ ૪.૧ ટકા ડૂલ થઈ છે.
e2E ટ્રાન્સપોર્ટેશનનો SME IPO શુક્રવારે, પ્રીમિયમ ઊછળીને ૧૩૦
આજે બજારમાં ક્રિસમસની રજા છે. શુક્રવારે SME સાઇડમાં બૅન્ગલોર અર્બન ખાતેની e2E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦ના શૅરદીઠ ૧૭૪ની અપરબૅન્ડમાં કુલ ૮૪ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની રેલવે સેક્ટરમાં સિસ્ટમ ઇન્ટિગ્રેશન તથા એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. સપ્ટેમ્બર પચીસના અંતે કંપનીની ઑર્ડરબુકમાં કુલ ૪૦૧ કરોડના ૫૦ જેટલા પ્રોજેક્ટ મોજૂદ હતા. કંપનીએ ગયા વર્ષે ૪૭ ટકા વધારામાં ૨૫૪ કરોડ જેવી આવક ઉપર ૩૬ ટકા વૃદ્ધિદરથી ૧૪ કરોડ નફો કર્યો હતો. પ્રથમ ૬ મહિનામાં ચાલુ વર્ષે આવક ૧૧૩ કરોડ નજીક થઈ છે પણ કંપનીએ સાડાસાત કરોડની નેટલૉસ કરી છે. દેવું ૬ મહિનામાં ૬૬ કરોડથી વધીને ૧૧૩ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૭૨૬ લાખ થશે. એમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૨.૫ ટકા રહેશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૧.૫નો ઊંચો પીઈ બતાવે છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ ખેલાડી છે. ગ્રેમાર્કેટમાં ૬૫થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહીને હાલ ૧૩૦ બોલાય છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં સાડાસાત કરોડની નેટ લૉસ કંપનીએ કરી છે એથી એની ઇપીએસ તથા પીઈ નેગેટિવ આવે છે છતાં ગ્રેમાર્કેટમાં ફૅન્સી જામી છે.
બુધવારે મેઇન બોર્ડમાં ગુજરાત કિડનીનો બેના શૅરદીઠ ૧૧૪ના ભાવનો ૨૫૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૯ ગણા સહિત કુલ ૫.૩ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ થોડુંક હતું એ ગાયબ છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે આખરી દિવસે હૈદરાબાદની EPW લિમિટેડનો પાંચના શૅરદીઠ ૯૭ના ભાવનો કુલ ૩૨ કરોડનો NSE SME IPO રીટેલમાં ૧.૩ ગણો અને કુલ ૧.૩ ગણો તથા દાચીપલ્લી પબ્લિશર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૪૦ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૯ ગણા સહિત કુલ બેગણો ભરાયો છે. કલકત્તાની સનડ્રેક્સ ઑઇલનો ૧૦ના શૅરદીઠ ૮૬ના ભાવનો ૩૨ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૯ ગણો તથા કુલ દોઢ ગણો ભરાયો છે. જ્યારે આખા તેમ જ દળેલા મરી-મસાલા વેચતી જયપુરની શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસથી જ જબરી ધમાલ સાથે રીટેલમાં ૧૧૩૮ ગણા સહિત કુલ ૯૮૮ ગણા જબ્બર પ્રતિસાદમાં પૂરો થયો છે. એમાં પ્રીમિયમ સતત વધતું રહીને હાલ ૭૦ થઈ ગયું છે. લીડ મૅનેજર હોલાણીના નામની તાકાત આ ભરણામાં દેખાઈ આવી છે. સનડ્રેક્સમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ઝીરો થયું છે. EPWમાં ઝીરો તથા દાચીપલ્લીમાં ૩ રૂપિયા પ્રીમિયમ છે.
દરમ્યાન બીજા દિવસના અંતે SME કંપની અપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૮ કરોડનો ઇશ્યુ કુલ સાડાછ ગણો, નાન્ટા ટેક લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૩૧૮૧ લાખનો ઇશ્યુ કુલ ૩૦ ટકા, ધારારેલ પ્રોજેક્ટસનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવનો ૫૦૨૦ લાખનો ઇશ્યુ કુલ પાંચ ગણો, બાઇ કાકાજી પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૬ના ભાવનો ૧૦૫ કરોડ પ્લસનો ઇશ્યુ દોઢ ગણો તથા ઍડમેક સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ના ભાવનો ૪૨૬૦ લાખનો ઇશ્યુ કુલ સવા ગણો ભરાયો છે. હાલ ધારામાં ૧૦, બાઇ કાકાજીમાં ૧૦,
અપોલો ટેકમાં પાંચ, નાન્ટામાં ૬ અને ઍડમેકમાં ઝીરો પ્રીમિયમ સંભળાય છે.
માર્ક ટેક્નોક્રૅટ્સમાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ, ગ્લોબલ ઓસિયનનું ડલ લિસ્ટિંગ
ગઈ કાલે મુંબઈના અંધેરી-ઈસ્ટની ગ્લોબલ ઓરિયન લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૭૮ની ઇશ્યુ પ્રાઇસ તથા પહેલેથી લિસ્ટિંગ ગેઇન તેમ જ ગુડગાંવની માર્ક ટેક્નોક્રૅટ્સ ૧૦ના શૅરદીઠ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૪થી શરૂ થઈ છેલ્લે ચાલતા ૨ના પ્રીમિયમ સામે ૭૪ ખૂલી ૭૧ નજીક બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ અહીં મળેલ છે.
GRM ઓવરસીઝ શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૧૮૫ ઉપર ટૉપ બતાવી દોઢ ટકો ઘટી ૧૬૬ બંધ રહી છે. રામરત્ન વાયર્સ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ભાવ ઉપર ૬૬૦ થઈ પોણો ટકો ઘટીને ૬૩૯ હતો. નુવામા હેલ્થ મૅનેજમેન્ટ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૨૬મીએ એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૬૩૭ થઈ ૪.૫ ટકા વધીને ૭૬૧૩ થયો છે. મુંબઈના બોરીવલી-ઈસ્ટ ખાતેની હિલ્ટન મેટલ ફૉર્જિંગ લિમિટેડ ૨૯ શૅરદીઠ ૧૪ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૮.૩૨ના ભાવથી રાઇટ ઇશ્યુમાં શુક્રવારે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે ૪૪.૩૦ થઈ સવાબે ટકા વધીને ૪૪ નજીક બંધ હતો. ૮ ડિસેમ્બરે શૅર ૩૭ના તળિયે ગયો હતો. ૬ જાન્યુઆરીએ ૧૨૩ની વર્ષની ટૉપ બની હતી. ઑલટાઇમ હાઈ ૧૭૪ છે જે ૧૯ જૂન ૨૩ના રોજ બની હતી.
બ્રિટિશ બીપી પ્લક એનો કૅસ્ટ્રોલમાંનો ૬૫ ટકા હિસ્સો ૬૦૦ કરોડ ડૉલરમાં ઇન્વેસ્ટમેન્ટ કંપની સ્ટોનપીકને વેચવા તૈયાર થઈ છે. હાલ અત્રે કૅસ્ટ્રોલ ઇન્ડિયામાં કૅસ્ટ્રોલનું હોલ્ડિંગ ૫૧ ટકા છે. એની માલિકી પણ આ ડીલ થતાં બદલાશે. શૅર ૨૯ ગણા વૉલ્યુમે ૨૦૨ વટાવી છેલ્લે બે ટકા વધીને ૧૮૯ બંધ થયો છે. MCX ૧૦,૯૩૦ની નવી ટૉપ બતાવી નજીવો વધીને ૧૦,૮૩૫ થયો છે. BSE લિમિટેડ અઢી ટકા ડૂલ થઈ ૨૬૭૦ હતી. વોડાફોન ૧૨.૨૧ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી નજીવી સુધરી ૧૨ હતી.
પાંચ દિવસની આગેકૂચ બાદ મેટલ બેન્ચમાર્ક ઉપરમાં ૩૫,૭૯૪ થઈ ૬ પૉઇન્ટના પરચૂરણ સુધારે ૩૫,૪૯૨ બંધ આવ્યો છે. એના ૧૩માંથી ૯ શૅર નરમ હતા. હિન્દુસ્તાન ઝિન્ક ચાંદીના જોરમાં ૬૩૨ની નવી મલ્ટિયર ટૉપ દેખાડીને અઢી ટકાની આગેકૂચમાં ૬૨૫ થઈ છે. વેદાન્તા ૫૯૯નું નવું સર્વોચ્ચ શિખર હાંસલ કરી બે ટકા વધી ૫૯૮ તો હિન્દાલ્કો ૮૮૨ ઉપર લાઇફટાઇમ હાઈ બતાવી નજીવા સુધારે ૮૬૪ હતી. અન્ય મેટલ શૅરમાં નાલ્કો ૨૯૮, હિન્દુસ્તાન કોપર ૪૩૯ની ઐતિહાસિક ટૉપ બનાવી સાત ટકા ઊછળીને ૪૩૬, તાતા સ્ટીલ અડધો ટકો ઘટીને ૧૭૦, જિંદલ સ્ટીલ સવા ટકાની નબળાઈમાં ૯૯૯, અદાણી એન્ટર ૧.૨ ટકા ઘટી ૨૨૨૨ હતી.
ઔરંગાબાદની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લૅકરૉક દ્વારા ૭૦ લાખ શૅર ૧૧૦ના ભાવે લેવાયા હોવાની વાતમાં ભાવ અઢી ગણા વૉલ્યુમે અઢી ટકા વધીને ૧૭૩ થયો છે. ડેક્કન ગોલ્ડ માઇન સ્પેન ખાતે ટંગસ્ટનના પ્રોજેક્ટમાં ૭૫ ટકા હિસ્સો લેવા સક્રિય બની હોવાના અહેવાલ પાછળ ભાવ અઢી ગણા કામકાજે ઉપરમાં ૧૧૭ થયા બાદ છેવટે અડધો ટકો વધીને ૧૦૭ રહ્યો છે. કજરિયા સિરામિક્સના યુનિટમાં ૨૦ કરોડનો ફ્રૉડ થયો છે અને આ રકમ માંડવાળ કરવી પડશે. એવી ચર્ચામાં શૅર નીચામાં ૯૬૮ થઈ ૪.૧ ટકા ગગડી ૯૭૩ થયો છે. મીશો લિમિટેડ ૩ દિવસની ખરાબી બાદ પાંચ ટકા ઊંચકાઈ ૧૯૭ વટાવી ગઈ છે.
તાતા મોટર્સ લાઇફટાઇમ હાઈ બનાવી પ્રૉફિટ-બુકિંગમાં ગગડી
તાતાની ટ્રેન્ટ સરેરાશ કરતાં સાડાત્રણ ગણા કામકાજે ઉપરમાં ૪૩૧૪ થઈ ૨.૪ ટકા વધી ૪૨૮૯ બંધમાં સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. શ્રીરામ ફાઇનૅન્સ તેજી બરકરાર રાખતાં ૯૮૪ નજીક નવી લાઇફટાઇમ હાઈ બનાવી ૧.૭ ટકા વધીને ૯૭૪ નજીક બંધ આવી છે. આ શૅર સપ્તાહમાં પોણાતેર ટકા, મહિનામાં ૧૮ ટકા અને ૩ મહિનામાં ૫૬ ટકા વધી ગયો છે. અપોલો હૉસ્પિટલ્સ ૧.૪ ટકા તથા બજાજ ઑટો પોણો ટકો પ્લસ થઈ છે, કોલ ઇન્ડિયાએ એની બે સબસીડિયરી, મહાનદી કોલફીલ્ડ તથા સર્ધન કોલફીલ્ડને લિસ્ટેડ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત એની અન્ય સબસીડિયરી ભારત કોકિંગ કોલ આશરે ૧૩૦૦ કરોડનો IPO ટૂંકમાં લાવવાની છે. મતલબ કે કોલ ઇન્ડિયાને આગામી સમયમાં ડાઇવેસ્ટમેન્ટ મારફત તગડી રોકડી થતી રહેવાની છે. આના લીધે શૅર આગલા દિવસના ૪ ટકાના ઉછાળા બાદ ગઈ કાલે ઉપરમાં ૪૧૨ની ૭ મહિનાની ટૉપ બનાવી અડધો ટકો વધીને ૪૦૨ બંધ થયો છે. ૧૦ના શૅરની બુક વૅલ્યુ ૧૭૧ છે.
અન્ય શૅરમાં અલ્ટ્રાટેક ૦.૯ ટકા, મારુતિ ૦.૭ ટકા, પાવરગ્રીડ અડધો ટકો, મેક્સ હેલ્થકૅર ૦.૬ ટકા સુધી છે. ઇન્ડિગો દોઢ ટકો ઘટી ૫૦૭૧ના બંધમાં નિફ્ટીમાં સૌથી વધુ નરમ રહી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા, વિપ્રો સવા ટકો, અદાણી એન્ટર ૧.૨ ટકા, HDFC લાઇફ ૧.૧ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર એક ટકો ઘટી છે. તાતા મોટર્સ નવી ૪૩૩ ઉપર બેસ્ટ લેવલે જઈને પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૪ ટકા તૂટી ૪૦૯ની અંદર આવી ગઈ છે. સનફાર્મા એક ટકો, એશિયન પેઇન્ટ્સ તથા હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો ડાઉન થઈ છે.
રિલાયન્સ પોણા ટકાની નરમાઈમાં ૧૫૫૮ બંધ આપી બજારને ૭૭ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇ. ૨૯૯ નજીકના લેવલે ફ્લૅટ હતી. TCSનાં ત્રિમાસિક પરિણામ ૧૨ જાન્યુઆરીના ઇન્ફી અને HCL ટેક્નો સાધારણ ઘટ્યા છે. ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ ૧૭૩૮ના શિખરે જઈને ૧૭૦૨ નજીક ફ્લૅટ હતો. ભારતી ઍરટેલ એકાદ રૂપિયાના પરચૂરણ સુધારામાં ૨૧૨૩ વટાવી ગયો છે.


