Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખાંડની નવી સીઝનની શરૂઆત : બધું મોંઘું થશે, પણ ગ્રાહકોને આખું વર્ષ ખાંડ કડવી નહીં લાગે

ખાંડની નવી સીઝનની શરૂઆત : બધું મોંઘું થશે, પણ ગ્રાહકોને આખું વર્ષ ખાંડ કડવી નહીં લાગે

03 October, 2022 02:44 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ખાંડની ઐતિહાસિક ૧૧૨થી ૧૧૫ લાખ ટનની નિકાસ સાથે ૩૦ સપ્ટેમ્બરે પૂરી થયેલી સીઝન લાભદાયી રહી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ભારતીય રાજકીય ઇતિહાસમાં એક સમયે ખાંડના ભાવની ભારે ચર્ચા થતી હતી અને અગાઉ ખાંડના ઊંચા ભાવને મુદ્દે સત્તા ગુમાવ્યાના અનેક દાખલા મોજૂદ છે, પણ છેલ્લા એક દસકાથી ખાંડના ભાવ ઊંચા થયા હોય અને ‘ખાંડ કડવી બની’ એવાં મથાળાં અખબારોમાં આવતાં બંધ થયાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ એ શેરડીનાં મુખ્ય ઉત્પાદક સેન્ટરો હોવાથી ખાંડનું મોટું ઉત્પાદન પણ આ ત્રણ રાજ્યોમાંથી થઈ રહ્યું છે.

ખાંડ એકમાત્ર એવી જીવનજરૂરી ચીજ અત્યારે છે કે તમામ ચીજો વારાફરતી મોંઘી બની રહી છે, પણ છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં ખાંડ મોંઘી થઈ હોય એવું કયારેય બન્યું નથી અને અત્યારે આખું જગત મોંઘવારીની આગમાં શેકાઈ રહ્યું છે ત્યારે ખાંડ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજો છાતી ઠોકીને કહી રહ્યા છે કે તાજેતરમાં પૂરી થયેલી સીઝન દરમ્યાન ખાંડ મોંઘી બની નથી એ જ રીતે નવી સીઝનમાં પણ આખું વર્ષ ગ્રાહકોને ખાંડ સસ્તી મળશે.



ખાંડની વધ-ઘટને પગલે કૉમોડિટી એક્સચેન્જોએ ખાંડના વાયદાની શરૂઆત કરવાના એકથી વધુ વખત પ્રયત્ન કર્યા છે, પણ ખાંડના ભાવમાં કોઈ મોટી વધ-ઘટ થતી ન હોવાથી ખાંડના વાયદા ચાલ્યા નથી. દર મહિને ગ્રાહકો અને ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર ખાંડનો ક્વોટા બહાર પાડે છે એ જ રીતે સરકારે ઑક્ટોબર મહિનામાં તહેવારોની માગને ધ્યાનમાં રાખીને ૨૩.૫ લાખ ટનનો ક્વોટા બહાર પાડ્યો છે જે ગયા વર્ષે ઑક્ટોબરમાં ૨૪ લાખ ટનનો બહાર પાડ્યો હતો, પણ સપ્ટેમ્બરમાં સરકારે ૨૩.૫ લાખ ટનનો ક્વોટા બહાર પાડ્યો હતો. ગયા વર્ષે દિવાળી નવેમ્બરમાં હતી ત્યારે ચાલુ વર્ષે દિવાળી ઑક્ટોબરમાં હોવાથી ખાંડની ઘરાકીના દિવસો માત્ર ૨૨થી ૨૩ જ રહેશે. ત્યાર બાદ બજારો બંધ રહેશે એથી મહિનાના ૩૦ દિવસ નહીં, પણ ૨૨થી ૨૩ દિવસની ગણતરી કરીને ક્વોટા બહાર પાડ્યો છે.


ખાદ્ય મંત્રાલય દ્વારા દરેક મિલોને પોતાની પાસે પડેલા સ્ટૉક મુજબ સરકાર દ્વારા ક્વોટાની ફાળવણી કરવામાં આવી છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ દોઢ મહિનાની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે, પરંતુ ઘરઆંગણે સરેરાશ ખાંડના ભાવ ટકેલા રહ્યા છે. આગામી દિવસોમાં તહેવારો પર જો માગ વધશે તો બજારો થોડાં વધી શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય એવા સંજોગો હાલમાં દેખાતા નથી. શુગર મિલો પાસે વર્તમાન સંજોગોમાં પૂરતો સ્ટૉક છે અને પહેલી ઑક્ટોબરથી ખાંડની નવી સીઝન ચાલુ થઈ રહી છે. મહારાષ્ટ્રની મોટા ભાગની શુગર મિલો ૧૫ ઑક્ટોબરથી મિલોમાં ક્રશિંગ ચાલુ કરે એવી ધારણા છે. આમ આગામી દિવાળી પહેલાં નવી ખાંડ બજારમાં આવી જાય એવી ધારણા છે, પરિણામે ખાંડમાં બહુ મોટી તેજી દેખાતી નથી. પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ સતત વધી રહ્યા હોવાથી અને રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સમગ્ર વિશ્વમાં જે રીતે એનર્જી ક્રાઇસિસ વધી રહી છે એ જોતાં ઇથેનૉલ અને બાયોડીઝલના ઉત્પાદનને દરેક દેશો પ્રોત્સાહન આપી રહ્યા છે. ઇથેનૉલ શેરડીમાંથી બને છે, જ્યારે બાયોડીઝલ વિવિધ પ્રકારનાં ખાદ્ય તેલોમાંથી બને છે. ભારતમાં ખાંડનું સરપ્લસ ઉત્પાદન થતું હોવાથી સરકાર નવા ઇથેનૉલ પ્લાન્ટ ખોલવા માટે અનેક પ્રકારનાં પ્રોત્સાહન આપે છે અને હાલમાં પેટ્રોલ-ડીઝલ સાથે ૧૦ ટકા ઇથેનૉલની ભેળવણીની પણ છૂટ છે તેમ જ ઇથેનૉલની નિકાસ પર પ્રોત્સાહન આપવાની પૉલિસી પણ ટૂંક સમયમાં જાહેર થાય એવી શક્યતા છે જેને પગલે તાજેતરમાં પૂરી થયેલી સીઝન દરમ્યાન ઇથેનૉલનું ઉત્પાદન ૩૨ લાખ ટન થયું હતું જે વધીને નવી સીઝનમાં ૪૭થી ૫૦ લાખ ટન થવાનો અંદાજ છે.

નવી સીઝનમાં ખાનાર વર્ગ માટે ખાંડ કડવી કયારેય નહીં બને : અશોક જૈન, પ્રેસિડન્ટ, મુંબઈ શુગર મર્ચન્ટ અસોસિએશન


દેશમાં ૧ ઑક્ટોબરથી શરૂ થયેલી નવી સીઝન ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ અને ખાસ કરીને ખાનાર વર્ગ માટે એકદમ સારી સીઝન રહેશે. ખાંડના ભાવ આખું વર્ષ પ્રતિ કિલો ૪૦થી ૪૨ રૂપિયા રહેશે. આખી નવી સીઝન દરમ્યાન પ્રતિ કિલો ૫૦ પૈસાથી એક રૂપિયાની વધ-ઘટ જોવા મળશે એનાથી વધુ વધ-ઘટ જોવા મળે એવી શક્યતા દેખાતી નથી. ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન કરનાર દરેક રાજ્યોમાં સારો વરસાદ પડતાં ખાંડની રિકવરી પણ સારી મળી છે. ભારતમાં સતત અનેક વર્ષોથી ખાંડનું ઉત્પાદન જરૂરિયાત કરતાં વધુ રહેતું હોવાથી અહીં ખાંડના ભાવમાં એકદમ ઓછી વધ-ઘટ થઈ રહી છે. ખાંડની બૅલૅન્સશીટ જોઈએ તો નવી સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૩૫૦ લાખ ટન અને ઇથેનૉલનું ઉત્પાદન ૫૦ લાખ ટન રહેશે તેમ જ ખાંડની નિકાસ ૮૦ લાખ ટન થવાનો અદાજ છે જે ગઈ સીઝનમાં ૧૧૨ લાખ ટન રહી હતી. નવી સીઝન ૧૦થી ૨૦ લાખ ટન ખાંડના કૅરિફૉર્વર્ડ સ્ટૉક સાથે શરૂ થઈ હતી અને જે ૧૫ લાખ ટન ક્લોઝિંગ સ્ટૉક સાથે પૂરી થશે એવો અંદાજ છે.

ખાંડની નવી સીઝન સૌના માટે એકદમ અનુકૂળ રહેશે : પ્રફુલ વિઠ્ઠલાણી,પ્રૉપ્રાઇટર, જગજીવન કેશવજી ઍન્ડ કંપની - મુંબઈ

ખાંડની નવી સીઝન રાબેતા મુજબ ૧ ઑક્ટોબરથી શરૂ થશે ત્યારે ઓપનિંગ સ્ટૉક ૫૦ લાખ ટન (ગયા વર્ષે ૮૫ લાખ ટન), ખાંડનું ઉત્પાદન ૩૫૦ લાખ ટન (ગયા વર્ષે ૩૬૦) લાખ ટન ગણતાં કુલ સપ્લાય ૪૦૦ લાખ ટન (ગયા વર્ષે ૪૪૫) રહેવાનો અંદાજ છે. તાજેતરમાં પૂરી થયેલી સીઝન દરમ્યાન ૧૧૫ લાખ ટનની ઑલટાઇમ હાઈ નિકાસ થઈ હતી. ભારતનો ખાંડનો વાર્ષિક વપરાશ કોરોના બાદના વર્ષમાં ૨૮૦ લાખ ટનનો છે જે ગઈ સીઝનમાં અને નવી સીઝનમાં એકસરખો રહેશે. ગઈ સીઝનમાં ૩૨ લાખ ટન રહ્યું હતું. ગવર્નમેન્ટ ઇથેનૉલનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહન આપી રહી હોવાથી અને ખરીદનાર પબ્લિક સેક્ટર યુનિટો હોવાથી મિલોને પેમેન્ટ બાદ રાહત મળતી હોવાથી ઇથેનૉલનું ઉત્પાદન સતત વધતું રહેવાની ધારણા છે. ખાંડની નવી સીઝન ઇન્ડસ્ટ્રીઝ, વેપારીઓ અને ખાંડનો વપરાશ કરતા ગ્રાહકો માટે એકદમ અનુકૂળ રહેશે

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 02:44 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK